ગ્રીષ્મા હત્યાકાંડ : તાજેતરમાં ગુજરાતમાં કોર્ટ કેવી રીતે ઝડપી અને આકરા ચુકાદાઓ આપી રહી છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ગુરુવારે ફાંસીની સજા ફટકારી હતી.

આ ઘટના 12 ફેબ્રુઆરીએ સુરતના કામરેજમાં બની હતી જ્યારે એ દિવસે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની એકતરફી પ્રેમના મામલામાં ફેનિલ નામના યુવકે જાહેરમાં ગળું રહેંસીને હત્યા કરી નાખી હતી.

આ ઘટનાના ત્રણ મહિના પૂરા થાય ત્યાર પહેલાં અદાલતે આ કેસમાં ચુકાદો આપી દીધો હતો. આ રીતે જ ગુજરાતમાં અલગ-અલગ કોર્ટમાં છેલ્લા કેટલાક મહિનાથી બળાત્કાર અને હત્યાના કેસમાં ઝડપથી કેસ ચલાવી કડક સજા સંભળાવવામાં આવી છે.

છેલ્લા છ મહિનાથી કેટલાય કેસ એવા છે જેમાં અદાલતમાં ઝડપી સુનાવણી થઈ અને આકરા ચુકાદા પણ આપવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક કેસ નીચે પ્રમાણે છે:

  • 11 નવેમ્બર 2021ના રોજ સુરતની કોર્ટે બાળકી પર બળાત્કારના કેસમાં માત્ર 6 દિવસની સુનાવણીમાં આરોપીને આજીવન કારાવાસની સજાનો ચુકાદો સંભળાવ્યો હતો.
  • 1 ડિસેમ્બર 2021ના રોજ ગાંધીનગર કોર્ટે બાળકી પર બળાત્કારના કેસમાં માત્ર બે અઠવાડિયામાં આરોપીને આજીવન કેદની સજા સંભળાવી હતી.
  • 7 ડિસેમ્બર 2021ના રોજ સુરતની કોર્ટે એક કેસમાં માત્ર 29 દિવસમાં ફાંસીનો ચુકાદો સંભળાવ્યો હતો.
  • 28 ડિસેમ્બર 2021ના રોજ સુરતની કોર્ટે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી.
  • 29 ડિસેમ્બર 2021ના રોજ ડીસા કોર્ટે મૂક-બધિર ભાણી પર બળાત્કાર કરી હત્યા કરનાર મામાલે ફાંસીની સજા ફરમાવી હતી.
  • 29 એપ્રિલ 2022ના રોજ કપડવંજની કોર્ટે સામૂહિક બળાત્કારના કેસમાં ત્રણને ફાંસીની સજા સંભળાવી હતી.
  • 5 મે 2022ના રોજ સુરતની કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજાનું ફરમાન કર્યુ હતું.

આવા કેસમાં મોટા પ્રમાણમાં ફાંસી અને જીવનના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કારાવાસની સજાઓ સંભળાવવામાં આવી છે.

12 ઑક્ટોબર 2021ની ઘટના જોઈએ.

મધ્ય પ્રદેશથી સુરત મજૂરી અર્થે આવેલા 39 વર્ષીય અજય કેવટે તેમના પડોશમાં રહેતા અને મજૂરી અર્થે પરપ્રાંતથી આવેલા પરિવારની બાળકી પર બળાત્કાર કર્યો હતો.

ત્રણ બાળકોનો પિતા અજ્ય પડોશીની પાંચ વર્ષની દીકરીને આઇસ્ક્રીમની લાલચ આપીને સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં લઈ ગયો અને બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો. પોલીસે અજયની તુરંત ધરપકડ કરી હતી.

ત્યારબાદ તમામ પુરાવા એકત્ર કરી એફએસએલમાં ચકાસણી કરાવી માત્ર 10 દિવસમાં મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ દાખલ કરવામાં આવી.

કોર્ટમાં દિવાળીનું વૅકેશન પૂરું થતા જજ પી.એસ. કાલાએ માત્ર છ દિવસમાં કેસ ચલાવી બળાત્કારીને જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો અને બળાત્કારનો ભોગ બનનારને એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો.

બીજો કેસ, અમદાવાદથી 26 કિલોમિટર દૂર ખાત્રજ ઇન્ડસ્ટ્રિયલ એરિયા પાસે વિજય ઠાકોર નામના પરિણીત યુવકે ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરી અને તેની હત્યા કરીને મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો.

પોલીસે આરોપીને માત્ર 15 દિવસમાં પુરાવા સાથે 500 પાનાંની ચાર્જશીટ રજૂ કરતા ગાંધીનગર જિલ્લા જજ એસ.એન. સોલંકીએ માત્ર 14 દિવસમાં કેસની સુનાવણી પૂરી કરી અને એક ડિસેમ્બર 2021ના રોજ આરોપીને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

ત્રીજો કિસ્સો સુરતનો જોઈએ. ગત 7 ડિસેમ્બરે સુરતની કોર્ટમાં 11 વર્ષની છોકરી પર બળાત્કાર કરનાર ગુડ્ડુ યાદવ નામના આરોપી સામે પોલીસે મૂકેલી 246 પાનાંની ચાર્જ શીટ અને સજ્જડ પુરાવાના આધારે પૉક્સો જજ પી.એસ. કાલાએ માત્ર 29 દિવસમાં કેસની સુનાવણી પૂરી કરીને આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.

બે દિવસના અંતરે બે કોર્ટે ચારને ફાંસી સંભળાવી

અન્ય એક કેસમાં મધ્યપ્રદેશથી મજૂરી અર્થે સુરત આવેલો સુજિત સંકેત નામનો યુવક તેમના પડોશમાં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકીને ચૉકલેટની લાલચ આપીને હજીરાના સુમસામ વિસ્તારમાં લઈ ગયો હતો.

જ્યાં બળાત્કાર ગુજારી પકડાઈ જવાની બીકે બાળકીની હત્યા કરી હતી.

સુરતની પૉક્સો કૉર્ટના જજ પીએસ કાલાએ ગત 28 ડિસેમ્બરે સુજિતને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ત્યારે સજા સાંભળીને નારાજ થયેલા સુજિતે જજ પર જૂતું ફેંક્યું હતું.

ગત ડિસેમ્બર મહિનામાં માત્ર બે દિવસના અંતરે ઉત્તર ગુજરાતની બે કોર્ટે કુલ ચાર આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી.

27 એપ્રિલે ડીસા અને 29 એપ્રિલે કપડવંજની કોર્ટમાં બે અલગ-અલગ કેસમાં ચાર લોકોને ફાંસી અપાઈ હતી.

જેમાં ડીસામાં મૂકબધિર છોકરી પર તેમના સગા મામાએ બળાત્કાર ગુજારી અને હત્યા કરી હતી. સીસીટીવી કૅમેરાના આધારે પકડાયેલા પીડિતાના મામા નીતિન માળીને ડીસા કોર્ટના જજ બીજે દવેએ ફાંસીની સજા સંભળાવી હતી.

તેના બે દિવસ બાદ 29 એપ્રિલે કપડવંજની કોર્ટેમાં સામૂહિક બળાત્કારના કેસમાં ત્રણને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

બહુચર્ચિત ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડમાં આરોપી ફેનિલને જજ વિમલ વ્યાસે ફાંસીની સજા સંભળાવી હતી.

ઝડપી ચુકાદાનું મુખ્ય કારણ ચાર્જશીટ

બહુ ઓછા સમયમાં કોર્ટ દ્વારા બળાત્કાર અને ખૂનના કેસમાં ઝડપી અને આકરા ચુકાદા સંભળાવવા પાછળના કારણોની બીબીસી સાથે સમીક્ષા કરતાં પૂર્વ ન્યાયાધીશ જ્યોત્સના યાજ્ઞિકે કહ્યું, "આટલો ઝડપી ન્યાય મળે એ આનંદની વાત છે. પોલીસે મજબૂત પુરાવાઓ સાથેની કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ ઝડપી ચુકાદાઓ પાછળનું મુખ્ય કારણ હોય છે."

"સરકારી વકીલની પ્રતિબદ્ધતા પણ તેમાં મહત્ત્વની ખરી. જજ માટે ચાર્જશીટ અને સરકારી વકીલની રજૂઆત પર કેસના ઝડપી ચુકાદાનો આધાર રહે છે."

તેઓ ઉમેરે છે, "પોલીસ નિર્ધારિત સમય કરતા પહેલાં મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરે તો ન્યાય મળવાની પ્રક્રિયા ઝડપી થાય છે."

"સરકારી વકીલ પણ મજબૂત પુરાવાના આધારે મજબૂત દલીલ કરી શકે છે એટલે ઝડપી ચુકાદા આપી શકાય છે. પુરાવાના આધારે ફાંસીથી લઈને આજીવન કેદની સજા સંભળવામાં જજને સરળતા રહે છે અને ફરિયાદીને ઝડપી ન્યાય મળે છે."

આધુનિક ટેકનૉલૉજીનો ફાળો

પોલીસની ચાર્જશીટ સંબંધિત કાર્યવાહી અંગે બીબીસી સાથે વાત કરતા રિટાયર્ડ એસીપી એન.જી. પટેલે કહ્યું, "વર્તમાનમાં આધુનિક ટેકનૉલૉજીને કારણે મજબૂત પુરાવા એકત્ર કરવાનું કામ સરળ થયું છે. ફોનકૉલ ડિટેલ, લોકેશન, સીસીટીવી અને એફએસએલના પુરાવા ચાર્જશીટને મજબૂત બનાવે છે."

તેઓ ઉમેરે છે, "પોલીસ આવી ટેકનીકનો ઉપયોગ કરીને ઝડપથી અને મજબૂત પુરાવા એકઠા કરી શકે છે. જેના કારણે આરોપીની બચવાની શક્યતાઓ ઓછી રહે છે."

સરકારી વકીલ બી.એસ. પટેલ ઝડપી અને અસરકારક ન્યાય અંગે વાત કરતા કહે છે, "ટેકનૉલૉજીના કારણે પોલીસ ઝડપથી મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરે છે જેના કારણે અમે પણ કેસ ઝડપથી ચલાવી શકીયે છીએ. હવે સપ્લિમેન્ટ ચાર્જશીટ ભાગ્યે જ મૂકવામાં આવે છે એટલે કોર્ટના ચુકાદા ઝડપથી આવે છે."

"પહેલા છાપ હતી કે આરોપીને જામીન મળી જશે અને કેસ લાંબો ચાલશે"

ક્રિમિનલ સાયકોલૉજીસ્ટ ડૉ. એસ.એમ. ઠાકુર ઝડપી ચુકાદાની જનમાનસ ઉપરની અસર અંગે કહે છે, "આ પ્રકારે ઝડપી ન્યાય મળે એ જરૂરી છે. એના કારણે ગુનેગારોના મનમાં કાયદાનો ડર બેસી જશે અને પરિણામે ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટશે."

તેઓ ઉમેરે છે, "આ ઉપરાંત કોર્ટ દ્વારા આકરી સજા અપાઈ રહી છે એ પણ સારું છે. કારણકે પહેલાં આરોપીને જામીન મળી જશે અને કેસ લાંબો ચાલશે એવી લોકમાનસમાં છાપ હતી."

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું, "અમે રિવૉર્ડ પૉલિસી લાવ્યા છીએ"

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે આવેલા તાજેતરના ફેરફારો અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "અમારો પ્રયાસ એવો છે કે પોલીસ આધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને ઝડપથી, મજબૂત પુરાવા સાથેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરે જેથી ગુનેગારોને ઝડપી અને ભારે સજા આપી શકાય."

તેમણે ઉમેર્યું, "આ પ્રકારે કામ કરવા માટે પોલીસને પ્રોત્સાહન મળે એટલે રિવૉર્ડ પૉલિસીનો અમલ કરવા ઉપરાંત ઉચ્ચ અધિકારીની હાજરીમાં સારું કામ કરનાર પોલીસ કર્મચારીને હું પ્રોત્સાહન આપું છું. જેના કારણે પોલીસનું મનોબળ વધે છે અને કાનૂની પ્રક્રિયા પણ ઝડપી બને છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો