તેજિંદરપાલસિંહ બગ્ગા : પંજાબ પોલીસે ધરપકડ કરી, દિલ્હી પોલીસ પાછા લાવી રહી છે

દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલસિંહ બગ્ગાને દિલ્હી પોલીસ કુરુક્ષેત્રથી પરત લાવી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીના નેતા તેજિંદપાલસિંહની ધરપકડ બાદ અપહરણનો કેસ પણ નોંધ્યો છે.

અહેવાલો અનુસાર પંજાબ પોલીસે દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલસિંહ બગ્ગાની ધરપકડ કરી છે. બગ્ગા ભાજપ યુવા વિંગના રાષ્ટ્રીય સચિવ પણ છે.

2 એપ્રિલે તેજિંદરપાલસિંહે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે પંજાબ પોલીસ તેમની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી હતી. તેમણે દાવો કર્યો હતો કે પોલીસે તેમની સામે નોંધાયેલા કોઈ પણ કેસ અંગે તેમને જાણ કરી નથી.

મીડિયા સાથે વાત કરતા અગાઉ તેજિંદરપાલ બગ્ગાના પિતાએ તેમના પુત્રની અટકાયતની માહિતી આપી હતી.

પંજાબ પોલીસ દ્વારા હજુ સુધી આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

અહેવાલો અનુસાર, બગ્ગાને લઈ જઈ રહેલો પંજાબ પોલીસનો કાફલો લગભગ શુક્રવારે 11.30 વાગ્યે હરિયાણાના કુરુક્ષેત્ર પહોંચ્યો ત્યારે હરિયાણા પોલીસે તેને રોક્યો હતો.

બીજી તરફ દિલ્હી પોલીસે બગ્ગાના પિતાની ફરિયાદ પર પંજાબ પોલીસ વિરુદ્ધ અપહરણનો કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, દિલ્હીના જનકપુરી વિસ્તારમાં બગ્ગાની ધરપકડ કરતા પહેલાં પંજાબ પોલીસે જનકપુરી પોલીસ સ્ટેશનમાં કેસ અંગે જાણ કરી હતી.

શું છે સમગ્ર મામલો અને તેજિંદર બગ્ગા કોણ છે?

મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેજિન્દરપાલસિંહ બગ્ગા અને અન્ય લોકો વિરુદ્ધ ધાર્મિક વૈમનસ્ય અને ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

પંજાબમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉ. સનીસિંહ અહલુવાલિયાની ફરિયાદ પર આ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

બગ્ગાએ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની કાશ્મીર ફાઇલ્સ વિશેની ટિપ્પણીને લઈને ટીકા કરી હતી.

એવો પણ આરોપ છે કે બગ્ગાએ 30 માર્ચે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર ભારતીય જનતા યુવા મોરચાના પ્રદર્શનમાં કથિત રીતે ટીવી ચેનલોને કહ્યું હતું કે 'બીજેવાયએમ કાર્યકર્તાઓ તેમને (કેજરીવાલ) જીવવા નહીં દે.'

આ ઘટના બાદ જ પંજાબમાં તેજિંદર બગ્ગા અને અન્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

36 વર્ષીય તેજિંદર બગ્ગા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે. 2020માં તેઓ ભાજપની ટિકિટ પર દિલ્હીની હરિનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

ટ્વિટર પર તેમના 9.18 લાખ ફૉલોઅર્સ છે. કહેવાય છે કે ટ્વિટર પર તેમની સક્રિયતાને કારણે જ તેમને ટિકિટ મળી હતી. બગ્ગા 2017માં દિલ્હી ભાજપના સત્તાવાર પ્રવક્તા હતા.

પ્રશાંત ભૂષણ પર હુમલો

બગ્ગાએ આમ આદમી પાર્ટીના જૂના સાથીદાર અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ પર હુમલો કર્યો ત્યારે તેઓ પહેલી વાર ચર્ચામાં આવ્યા હતા.

તેમને પ્રશાંત ભૂષણની કાશ્મીરમાં લોકમત કરાવવાની વાત સામે વાંધો હતો. હાલમાં આ મામલો કોર્ટમાં છે.

આ મુદ્દે વધુ કંઈ કહેવાનો ઇનકાર કરતા તેમણે કહ્યું, "જે કોઈ દેશને તોડવાની વાત કરશે તેની હાલત પ્રશાંત ભૂષણ જેવી થશે."

2014માં જ્યારે કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદી માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારે બગ્ગા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકની બહાર કીટલી લઈને ચા પિવડાવવા પહોંચી ગયા હતા. તેઓ હેડલાઇન્સમાં રહેવા માટેની અનોખી રીતો શોધી લે છે.

બીબીસી સાથે વાત કરતા બગ્ગાએ કહ્યું હતું કે, "હું હંમેશાં દેશ માટે કંઈક કરવા માગતો હતો. હું ચાર વર્ષની ઉંમરથી મારા પિતાની સાથે સંઘની શાખામાં જતો હતો. 16 વર્ષની ઉંમરે મેં કૉંગ્રેસ સરકારના સીલિંગ અભિયાનનો વિરોધ કર્યો હતો. 2002માં એ વિરોધમાં ત્રણ દિવસ સુધી દિલ્હીની તિહાડ જેલમાં રહ્યો હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો