લખીમપુરી ખીરી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આશિષ મિશ્રાએ આત્મસમર્પણ કર્યું
લખીમપુર ખીરીથી બીબીસી માટે પ્રશાંત પાંડેના જણાવ્યા અનુસાર, લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાએ રવિવારે લખીમપુર ખીરીમાં આત્મસમર્પણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુપચુપ રીતે આશિષ મિશ્રા જેલના પાછળના દરવાજાથી લખીમપુર જિલ્લા જેલમાં દાખલ થયા હતા.
3 ઑક્ટોબર, 2021ના રોજ લખીમપુર ખીરી જિલ્લાના ટિકુનિયામાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રા મોનુએ તેમના સહયોગીઓ સાથે આંદોલનકારી ખેડૂતો પર થાર જીપ ચઢાવી દીધી હતી, જેમાં ચાર ખેડૂતો અને એક પત્રકાર મૃત્યુ પામ્યાં હતાં.

ઇમેજ સ્રોત, PRASHANT PANDEY/BBC
આ કેસમાં આશિષ મિશ્રા અને અન્ય 12 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. સાથે જ એક આરોપીને કોર્ટે જામીન આપ્યા હતા. આશિષ મિશ્રાને પણ અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે જામીન આપ્યા હતા.
10 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે આ કેસમાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા. આશિષ મિશ્રા 15 ફેબ્રુઆરીએ જેલમાંથી બહાર આવ્યા હતા. ખેડૂત પરિવાર જામીનના આદેશને રદ કરાવવા માટે 27 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.
4 એપ્રિલે સુપ્રીમ કોર્ટે જામીનના આદેશ પર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ઉલટાવી દીધો હતો અને આશિષ મિશ્રાને એક સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
25 એપ્રિલે અઠવાડિયું પૂરું થવાનું હતું, પરંતુ કૅમેરા અને મીડિયાથી બચવા માટે આશિષે રવિવારે ગુપચુપ રીતે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે 3 ઑક્ટોબરે થયેલી હિંસામાં ચાર ખેડૂતો, એક પત્રકાર અને ભાજપના ત્રણ કાર્યકરો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી થાર ચઢાવવાના મામલાની તપાસ કરી રહી હતી.
એસઆઈટીએ 5000 પાનાની ચાર્જશીટમાં આશિષને મુખ્ય આરોપી તરીકે ગણાવીને તેમના પર જાણી જોઈને કાવતરા હેઠળ હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં આગઝરતી ગરમીની આગાહી, અમદાવાદમાં યલો ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસાપાસ રહેશે. મંગળવાર અને બુધવારે તાપમાન વધીને 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
એપ્રિલના અંત ભાગમાં સમગ્ર ગુજરાતમાં ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. શનિવારે અમદાવાદમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં આગામી ત્રણ દિવસ યલો ઍલર્ટ અને તે પછીના બે દિવસ ઓરેન્જ ઍલર્ટ રહેશે.
ભારે ગરમીને કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાઈ શકે છે. અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી પાંચ દિવસ તાપમાન ઊંચું રહેશે.
હવામાન સંસ્થા સ્કાયમૅટ અનુસાર, અમદાવાદમાં આગામી અઠવાડિયામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ગરમીમાં બહાર નહીં ફરવાની, હળવાં વસ્ત્રો પહેરવાની, આછા રંગનાં અને ઢીલાં સુતરાઉ વસ્ત્રો પહેરવાની અને માથું ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકોએ ગરમી સામે વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે.

'પ્રિયંકા ગાંધી પાસેથી એમ.એફ. હુસૈનની પેઇન્ટિંગ ખરીદવાનું દબાણ કરાયું', મની લૉન્ડ્રિંગના આરોપી રાણા કપૂરનો આક્ષેપ

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના અહેવાલ અનુસાર કૉંગ્રેસના એક નેતાએ કહ્યું કે યસ બૅન્કના સહસંસ્થાપક અને મની લૉન્ડ્રિંગ કેસમાં આરોપી રાણા કપૂરે એ લોકો પર ચતુરાઈના આક્ષેપો કર્યા છે જે હવે જીવિત નથી.
ઉલ્લેખનીય છે કે રાણા કપૂરે પ્રવર્તન નિદેશાલય (ઈડી)ને કહ્યું કે તેમણે પ્રિયંકા ગાંધી પાસેથી ચિત્રકાર એમ.એફ. હુસૈનનું પેઇન્ટિંગ ખરીદવા માટે મને મજબૂર કરવામાં આવ્યો હતો.
પેઇન્ટિંગ વેચવાથી મળનાર રકમનો ઉપયોગ ગાંધી પરિવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની સારવારમાં કર્યો હતો. જે બાદ સૂત્રો અનુસાર કૉંગ્રેસ નેતા તરફથી આ નિવદેન આપવામાં આવ્યું હતું.
મની લૉન્ડ્રિંગ મામલામાં આરોપી કપૂરે આપેલું આ નિવેદન એક વિશેષ અદાલતમાં કેન્દ્રીય એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપપત્રનો ભાગ છે.

'અમિત શાહ દિલ્હીને સાંપ્રદાયિક હિંસાથી બચાવવામાં નિષ્ફળ રહ્યા' - શરદ પવાર

ઇમેજ સ્રોત, Getty Images
એનસીપીના પ્રમુખ શરદ પવારે કોલ્હાપુરમાં થયેલી પાર્ટની રેલીમાં કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે.
હાલમાં જ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીના જુલૂસ દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી.
પવારે કહ્યું, "અમુક દિવસ પહેલાં દિલ્હી સાંપ્રદાયિક ઘર્ષણ અનુભવી રહી હતી. દિલ્હીને અરવિંદ કેજરીવાલ નિયંત્રિત કરે છે પરંતુ પોલીસ કેન્દ્રીય ગૃહમંત્રાલય અંતર્ગત કામ કરે છે, જે અમિત શાહના હાથમાં છે. શહેરને સાંપ્રદાયિક હિંસાથી બચાવવામાં અમિત શાહ નિષ્ફળ રહ્યા છે."
"દિલ્હીમાં થયેલ દરેક બનાવ અંગેનો સંદેશ દુનિયા સુધી પહોંચે ચે. વિશ્વ સમજશે કે દિલ્હીમાં અશાંતિ છે."
તેમણે કર્ણાટકમાં સાંપ્રદાયિક તાણ અંગે પણ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, "લઘુમતી સમુદાયની દુકાનો અને દુકાનદારોના હોર્ડિગ પર લખાયાં અને એ દુકાનોમાંથી કંઈ પણ ન ખરીદવાનું કહેવામાં આવ્યું. ભાજપ જે સ્થળે સત્તામાં છે તે રાજ્યોમાં આ સામાન્ય બાબત છે."

કૉંગ્રેસનો ગુજરાત સરકાર પર ઉત્તર પ્રદેશની જેમ 'બુલડોઝર રાજકારણ' કરવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર શનિવારે ગુજરાતમાં કૉંગ્રેસનું પ્રતિનિધિમંડળ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું હતું. આ મુલાકાતમાં તેમણે રાજ્યમાં કોમવાદના આધારે ધ્રુવીકરણ કરી રહેલાં તત્ત્વો અને 'અસંમતિના અવાજને દાબવા સરકારી મશીનરીના ઉપયોગ' સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
તેમણે ગુજરાત સરકાર પર ઉત્તર પ્રદેશની જેમ 'બુલડોઝર રાજકારણ' કરવાનો આરોપ લગાવ્યો હતો.
કૉંગ્રેસના પ્રતિનિધિમંડળમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના રઘુ શર્મા, અન્ય વરિષ્ઠ નેતાઓ અને કૉંગ્રેસના ધારાસભ્યો વગેરે સામેલ હતા.
તેમણે પોતાની ફરિયાદ બાબતે રાજ્યપાલને આવેદન આપ્યું હતું.
કૉંગ્રેસના આવેદનપત્રમાં લખાયું હતું કે, "રાજ્યમાં કોમવાદને વેગ આપી ધ્રુવીકરણના પ્રયત્નો કરાઈ રહ્યા છે. તેમજ જે સરકાર પર કાયદો અને વ્યવસ્થાની જાળવણીની જવાબદારી છે તે જ ગેરબંધારણીય વર્તન કરી રહી છે."

ગુજરાતને મળી શકે છે મેગા ટૅક્સટાઇલ પાર્ક

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની ટૅક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને નજીકના ભવિષ્યમાં મેગા ઇન્ટિગ્રેટેડ ટૅક્સટાઇલ પાર્કનો લાભ મળી શકે તેમ છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે ટૅક્સટાઇલનાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશે શનિવારે આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગુજરાત સહિત 13 રાજ્યોમાંથી મેગા ટૅક્સટાઇલ પાર્ક માટે અરજી મળી છે. આ અંગે ફાળવણી મામલે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે.
અરજી કરનાર તમામ રાજ્યો પૈકી ગુજરાત આગામી મેગા ટૅક્સટાઇલ પાર્ક ફાળવણી મામલે કેટલાંક આગળ પડતાં રાજ્યો પૈકી એક છે.
દર્શના જરદોશે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સમગ્ર દેશમાં સાત મેગા ટૅક્સટાઇલ પાર્ક ફાળવવાના કામને મંજૂરી આપી છે. ગુજરાતે પણ નવસારી ખાતે પાર્કની સ્થાપના માટે અરજી કરી છે."
તેમણે કહ્યું હતું કે, "તમામ અરજીઓને વિભિન્ન ધોરણો અંતર્ગત ચકાસવામાં આવશે. આગામી બે મહિનામાં આ અંગે નિર્ણય લેવાય તેવી આશા છે."

CBSEએ મુઘલ સભા, ફૈઝની કવિતાઓ અભ્યાસક્રમમાંથી દૂર કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર CBSEએ ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાંથી બિનજોડાણવાદની ચળવળ, શીતયુદ્ધ યુગ, એફ્રો-એશિયન ક્ષેત્રમાં ઇસ્લામિક શાસનનો ઉદય, મુઘલ સભાનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ અંગેના પાઠ દૂર કર્યા છે.
આવી જ રીતે ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી 'વૈશ્વિકવાદ ખેતી પર અસર'ના ટૉપિકને 'ફૂડ સિક્યૉરિટી'ના ચૅપ્ટરમાંથી દૂર કરવામાં આવ્યો છે. આ સિવાય ફૈઝ અહમદ ફૈઝની ઉર્દૂ કવિતાના ભાષાંતરના અંશ પણ અભ્યાસક્રમમાંથી હઠાવી દેવાયા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર આ પગલા અંગે સ્પષ્ટતા કરતાં CBSEના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફેરફાર NCERTની સૂચનો પ્રમાણે કરાયેલ છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













