ઉત્તર પ્રદેશની 59 અને પંજાબની તમામ 117 બેઠકો પર આજે મતદાન
રવિવારે પંજાબની તમામ 117 બેઠકો અને ઉત્તર પ્રદેશની 59 બેઠકો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.
આચારસંહિતા લાગુ પડે તે પહેલાં નેતાઓ અને કાર્યકરોએ જોરશોરથી પ્રચારપ્રસાર કર્યો હતો.

ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે પંજાબમાં રવિવારે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે.
મતદાનના આ તબક્કામાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે તો પંજાબમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્પર્ધા હશે.
રવિવારે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે.

પંજાબમાં રસાકસીનો મુકાબલો

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબમાં રવિવારે એક જ તબક્કામાં તમામ 117 બેઠકો પર મતદાન યોજાશે. એક અહેવાલ પ્રમાણે, પંજાબમાં 20 ફેબ્રુઆરીને જાહેર રજા જારી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં પંજાબ માટે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે. કારણ કે આ ચૂંટણીમાં 117 બેઠકો માટે પાંચ પાર્ટીઓ તેમજ ગઠબંધન મેદાનમાં છે.
આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં બનેલી ઘટનાઓએ પંજાબના રાજકારણમાં ખૂબ જ ગરમાવો ઊભો કર્યો છે. જેમાં ખેડૂતઆંદોલન, શિરોમણી અકાલી દળનો ભાજપ તેમજ એનડીએ સાથે છેડો ફાડવો, કૉંગ્રેસમાં આંતરિક ખટરાગ બાદ તત્કાલીન મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહના રાજીનામાથી લઈને રાજ્યમાં પ્રથમ દલિત મુખ્ય મંત્રી બનવા સુધીની ઘટના સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબમાં કૉંગ્રેસે ચરણજિતસિંહ ચન્નીને મુખ્ય મંત્રી પદ માટેના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્ય મંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
પંજાબને મુખ્યત્વે માલવા, માઝા અને દોઆબા એમ ત્રણ ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યું છે. રાજ્યની કુલ 117 વિધાનસભા બેઠકો પૈકીની 34 બેઠકો અનામત છે.
કુલ પૈકીની 69 બેઠકો માત્ર માલવા ક્ષેત્રમાં આવેલી છે અને તેમાં વિધાનસભાની 19 બેઠકો અનુસૂચિત જ્ઞાતિઓ માટે અનામત છે.
માઝા ક્ષેત્રમાં વિધાનસભાની 25 બેઠકો છે અને તે પૈકીની સાત અનુસૂચિત જ્ઞાતિઓ માટે અનામત છે, જ્યારે દોઆબાની 23 વિધાનસભા બેઠકો પૈકીની આઠ અનામત રાખવામાં આવી છે.
ગત વિધાનસભાની વાત કરીએ તો કુલ 34 અનામત બેઠકો પૈકીની 21 બેઠકો કૉંગ્રેસે જીતી હતી, જ્યારે આપને નવ બેઠકો મળી હતી અને ચાર બેઠકો અકાલી-ભાજપ ગઠબંધનને મળી હતી.

ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર રવિવારે મતદાન યોજાઈ રહ્યું. આ 59 બેઠકો માટે કુલ 627 ઉમેદવારો મેદાનમાં છે.
આ 16 જિલ્લામાં હાથરસ, ફિરોઝાબાદ, એટા, કાસગંજ, મૈનપુરી, ફારૂખાબાદ, કન્નૌજ, ઇટવાહ, ઔરૈયા, કાનપુર દેહાત અને કાનપુર નગર વગેરેનો સમાવેશ થાય છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જે બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, તે કરહાલ બેઠક પર પણ રવિવારે મતદાન યોજાશે.
ભાજપે આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બઘેલને ટિકિટ આપી છે.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













