અંડર-19 વર્લ્ડકપ ફાઇનલ : જુનિયર ટીમ ભારત માટે સ્ટાર ક્રિકેટરોની ખાણ રહી છે

2018માં ન્યૂઝીલૅન્ડમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કપ્તાન પૃથ્વી શૉની ટીમ સારું પ્રદર્શન કરી રહી હતી. સેમિફાઇનલ અને ફાઇનલ રમવાની બાકી હતી.

તે જ સમયે ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હરાજી ચાલી રહી હતી. જુનિયર ટીમના કોચ રાહુલ દ્રવિડે દેશના ખેલાડીઓને સલાહ આપી કે રમવામાં ધ્યાન આપો અને વર્લ્ડ કપ જીતો.

આઈપીએલની ઝાકઝમાળથી અંજાશો નહીં. આઈપીએલ તો આવશે અને જશે પણ તમારા જીવનમાં 19 વર્ષની વય ગયા પછી પાછી નહીં આવે. આ સમયગાળો ઘણો મૂલ્યવાન છે.

રાહુલ દ્રવિડની સલાહ એવી તો ફળી કે 2018ની ત્રીજી ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયાને આઠ વિકેટે આકરો પરાજય આપીને ભારતની અંડર-19 ટીમે વર્લ્ડ કપ જીતી લીધો.

શું ફરી વર્લ્ડકપ જીતી શકશે ભારતીય અંડર 19 ટીમ?

આમ તો અંડર-19 વર્લ્ડ કપ પર ભારતનો ઇજારો છે તેમ કહી શકાય કેમ કે હાલમાં વેસ્ટ ઇન્ડીઝમાં ચાલી રહેલા વર્લ્ડકપમાં યશ ધુલની આગેવાની હેઠળની ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે અને શનિવારે રાત્રે ઇંગ્લૅન્ડ સામે ફાઈનલ રમાવાની છે.

ભારત આઠમી વાર અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં રમવા ઉતર્યું છે અને ચાર વાર વર્લ્ડકપ ચૅમ્પિયન બન્યું છે.

વર્ષ 2018ની જેમ, આ વખતે પણ અંડર-19 વર્લ્ડકપની ફાઇનલના થોડા દિવસ બાદ આઈપીએલની હરાજી થવાની છે.

જોકે ફરક એટલો છે કે ત્યાં સુધી ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝથી ભારત પરત આવી ગયા હશે એટલે ચાર વર્ષ અગાઉ કોચે ધ્યાન નહીં ભટકાવાની શીખામણ આપી હતી તેની નોબત નહીં આવે.

જોકે એ પાક્કું છે કે આઈપીએલની તમામ ફ્રેન્ચાઇઝીની નજર આ નવલોહિયા પર રહેશે કેમ કે તેમાંથી તેમને સ્ટાર ક્રિકેટર મળી રહેવાના છે.

આ ખેલાડીઓને આર્થિક ફાયદો પણ થશે. આજે ભલે 10-20 લાખ રૂપિયામાં ટીમમાં જોડાતા, પરંતુ આગામી સમયમાં તેમની કિંમત કરોડોમાં પહોંચવાની છે કેમ કે ભૂતકાળમાં આમ બન્યું છે અને ભારતીય ક્રિકેટ તેનું સાક્ષી છે.

અત્યારની ટીમની વાત કરીએ તો કૅપ્ટન યશ ધુલ પ્રતિભાથી છલોછલ છે.

દિલ્હીના આ ખેલાડી કોરોનામાં પટકાયા અને એ કારણે કેટલીક પ્રારંભિક મૅચ ચૂકી ગયા હતા પરંતુ પુનરાગમન સાથે જ તેમણે બધું સાટું વાળી દીધું.

સેમિફાઇનલમાં અત્યંત કપરા સંજોગોમાં તેમણે ઑસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી દીધી. યશ ધુલે શેખ રશીદ સાથે બેવડી સદીની ભાગીદારી નોંધાવીને ભારતનો રકાસ અટકાવવાની સાથે ટીમના વિજયને સુનિશ્ચિત કર્યો હતો. સેમિફાઇનલમાં રશીદે પણ 94 રન ફટકાર્યા હતા.

વર્તમાન ટીમમાં પ્રતિભાની કમી નથી?

ભારત પાસે રાજ આનંદ બાવા, અંગક્રિશ રઘુવંશી, હરનૂરસિંહ જેવા સ્ટાર બૅટ્સમૅન છે જેમણે આ વર્લ્ડકપમાં કૌવત દાખવ્યું છે.

હરનૂરસિંહ આક્રમક ઓપનર છે. આયર્લૅન્ડ સામે ઝંઝાવાતી 88 રન ફટકારનારા હરનૂરસિંહે આ વર્લ્ડકપ પહેલાં પણ અમદાવાદમાં યોજાયેલી અંડર-19 ચૅલેન્જર ટુર્નામેન્ટમાં રનોની ઝડી વરસાવી હતી.

બોલિંગમાં પણ સ્પિનર વિકી ઓસ્ટવાલ અને મહારાષ્ટ્રના ફાસ્ટ બોલર રાજવર્ધન હંગારગેકર આગામી દિવસોમાં આઈપીએલ અને ભારતની સિનિયર ટીમમાં રમતા જોવા મળે તો નવાઈ નહીં.

100થી વધુ રણજી ટ્રોફી રમી ચૂકેલા એસ. શરદની આગેવાની હેઠળની ભારતની અંડર-19 ટીમની પસંદગી સમિતિના સભ્ય અને પૂર્વ રણજી ક્રિકેટર પથિક પટેલ ભારતના આ ભાવિ સિતારાઓ અંગે કહે છે કે, "અમારું કામ માત્ર આ ટુર્નામેન્ટ માટે જ ટીમ પસંદ કરવાનું ન હતું, અમારે ભારતના ભવિષ્યની પસંદગી કરવાની હતી. એકાદ ટુર્નામેન્ટમાંથી ખેલાડીની કારકિર્દી નક્કી થઈ શકે નહીં પરંતુ પ્રતિભા ચોક્કસ બહાર આવી શકે. અમે ઇચ્છતા હતા કે વર્લ્ડકપમાં સારો દેખાવ કરીને, અનુભવ મેળવીને આ જ ખેલાડીઓ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટમાં યોગદાન આપે."

જુનિયર ટીમે આપ્યા અનેક સ્ટાર ખેલાડીઓ

પથિક પટેલના શબ્દો ભૂતકાળના સંદર્ભમાં સાચા ઠરે છે.

કેમ કે ભૂતકાળમાં અંડર-19 વર્લ્ડકપ અને આ પ્રકારની જુનિયર ક્રિકેટ સ્પર્ધાઓએ ભારતને અનેક સ્ટાર ખેલાડીઓ આપ્યા છે.

આમ ભારતીય ક્રિકેટ બોર્ડનું જુનિયર ક્રિકેટનું માળખું ઘણું મજબૂત છે. માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ ઘરેલુ ક્રિકેટ અને જુનિયર ક્રિકેટના માળખાની રીતે પણ બીસીસીઆઈ વિશ્વનું સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ છે.

અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપે ભારતને જે સ્ટાર ખેલાડી આપ્યા છે તેના પરથી એમ કહી શકાય કે અંડર-19 વર્લ્ડકપ ભારતીય ક્રિકેટ સ્ટાર્સની ખાણ છે.

અહીંથી અનેક સ્ટાર્સ મળી આવ્યા છે.

વિરાટ કોહલી, રોહિત શર્મા, યુવાજસિંહ, ચેતેશ્વર પૂજારા, શિખર ધવન, મોહમ્મદ કૈફ, સુરેશ રૈના, સંજુ સેમસન, રૉબિન ઉથપ્પા, હનુમા વિહારી, મયંક અગ્રવાલ, પાર્થિવ પટેલ, દિનેશ કાર્તિક અને રિશભ પંત, શુભમન ગિલ, પૃથ્વી શો, આ બધા ખેલાડીઓ ભારતને અંડર-19 વર્લ્ડકપ કે જુનિયર ક્રિકેટમાંથી મળ્યા છે.

આ તમામ ખેલાડી અંડર-19 વર્લ્ડકપમાં રમી ચૂક્યા છે એટલું જ નહીં તેમાં ભારતને ચૅમ્પિયન બનાવી ચૂક્યા છે અને ત્યાર બાદ અત્યારે સિનિયર ટીમને વિશ્વક્રિકેટમાં મોખરે જાળવી રાખવામાં પણ એટલું જ યોગદાન આપી રહ્યા છે.

આ તો થઈ બૅટ્સમેનની વાત. બોલર જોઈએ તો રવીન્દ્ર જાડેજા, પીયૂષ ચાવલા, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ઇકબાલ અબ્દુલ્લા, શિવમ માવી, કમલેશ નાગરકોટી, રૂશ કલેરિયા જેવા બોલર પણ અંડર-19 ક્રિકેટની દેન છે.

એક સમયના હરભજન સિંઘ અને નરેન્દ્ર હિરવાણી જેવા ખ્યાતનામ સ્પિનર પણ અંડર-19 વર્લ્ડ કપમાં પસંદગીકારોના ધ્યાનમાં આવ્યા હતા.

વિરાટ કોહલીની કપ્તાનીમાં વિજય

2008માં કુઆલાલુમ્પુર ખાતે યોજાયેલા અંડર-19 વર્લ્ડકપમાં ભારતની ટીમ ચૅમ્પિયન બની તે વખતની તસવીર જોતા ખ્યાલ આવે કે એ ટીમના કપ્તાન વિરાટ કોહલીનો જુસ્સો આજે જોવા મળે છે એવો જ તે સમયે પણ હતો.

ભારતે 2000માં શ્રીલકામાં યોજાયેલા અંડર-19 વર્લ્ડકપની જીત સાથે ચાર વર્લ્ડકપ જીત્યા હતા. 2018માં પૃથ્વી શૉની કપ્તાનીમાં ભારતે કમાલ કરી હતી.

જોકે એ અગાઉ 2012માં કપ્તાન ઉન્મુક્ત ચાંદની ટીમ ચૅમ્પિયન બની હતી.

પરંતુ તે ટીમમાંથી ભારતને ખાસ કોઈ ઇન્ટરનેશનલ સ્ટાર મળ્યા નહોતા. એક માત્ર હનુમા વિહારી ભારત માટે રમી શક્યા હતા.

અહીં રાહુલ દ્રવિડની સલાહ યાદ આવે છે કેમ કે ઘણા ખેલાડીઓ સાતત્ય દાખવી શક્યા નથી.

કપિલદેવની એ સલાહ પણ યાદ રાખવા જેવી છે. દિલ્હીમાં એક સમારંભમાં કપિલદેવ અને ઉન્મુક્ત ચાંદ મંચ પર સાથે હતા ત્યારે કપિલદેવે જાહેરમાં ચાંદને સલાહ આપી હતી કે તેમણે આ પ્રકારના સમારંભની શોભા વધારવાને બદલે ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ.

જોકે ઉન્મુક્ત ચંદે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, "મને બીસીસીઆઈએ તેમને આ સમારંભમાં જવાનું કહ્યું હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો