You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND Under-19 vs AUS Under-19 : યશ ધુલના શતકની મદદથી ભારતીય અંડર-19 ટીમ ચોથી વખત વર્લ્ડકપની ફાઇનલમાં
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ કૅપ્ટન યશ ધુલના શાનદાર શતક સાથે અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સતત ચોથી વખત ભારત અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં રમશે. ભારતે સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે કૅરેબિયન ટાપુ ઍન્ટિગુઆ ખાતે અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની સેમિફાઈનલ મૅચ યોજાઈ હતી.
આ મૅચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ લીધી હતી. ભારતીય ટીમે પાંચ વિકેટના નુકસાન પર 290 રન ફટકાર્યા હતા.
ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલરોએ પાવર પ્લેમાં સારું પ્રદર્શન કર્યું હતું અને ભારતીય ટીમના ઓપનરો અંગકૃશ રઘુવંશી અને હરનૂર સિંહને જલદીથી પૅવેલિયન ભેગા કર્યા હતા.
જોકે, ઓપનરોના આઉટ થયા બાદ ટીમના કૅપ્ટન યશ ધુલ અને વાઇસ કૅપ્ટન શેખ રશીદે ક્રિઝ પર ધમાકેદાર બૅટિંગ કરીને ભારતીય ટીમનો સ્કોર પાંચ વિકેટના નુક્સાને 290 રન સુધી પહોંચવામાં મોટો ફાળો આપ્યો હતો.
યશ ધુલ સદી ફટકારનારા ત્રીજા કૅપ્ટન
ટીમના કૅપ્ટન યશ ધુલે 110 બૉલમાં 110 રન બનાવ્યા હતા. 2008માં વિરાટ કોહલી અને 2012માં ઉન્મુક્ત ચંદ બાદ તેઓ ભારતીય ટીમના ત્રીજા એવા કૅપ્ટન છે, જેમણે ટૂર્નામૅન્ટમાં સદી ફટકારી છે.
મૅચના પ્રારંભિક તબક્કામાં 37 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ કૅપ્ટન યશ ધુલ અને વાઇસ કૅપ્ટન શેખ રશીદે ક્રિઝ સંભાળી હતી.
બન્ને ખેલાડીએ શરૂઆતમાં રન મારવાની જરા પણ ઉતાવળ નહોતી કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
13થી 28મી ઓવર દરમિયાન રશીદ અને ધુલે માત્ર ત્રણ ચોગ્ગા જ ફટકાર્યા હતા. તેઓ ઓવરમાં છૂટાછવાયા સિંગલ લેતા હતા.
રમતના જાણકારોના મતે તેઓ પોતાની ઉંમર કરતાં વધુ સારી રીતે સમજીને શાંતિપૂર્વક રન બનાવવા પર ધ્યાન આપી રહ્યા હતા.
ભારતીય ટીમના 100 રન પૂરા થતાં જ બન્ને ખેલાડીઓ થોડાક આક્રમક મૂડમાં આવી ગયા હતા. જોકે, કૅપ્ટન યશ ધુલ 110 રન બનાવીને રન-આઉટ થયા હતા. એના બીજા જ બૉલે વાઇસ કૅપ્ટન શેખ રશીદ પણ 94 રન બનાવીને પૅવેલિયન તરફ રવાના થયા હતા.
જોકે, બે બૉલમાં મૅચમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન આપનારા ખેલાડીઓને ગુમાવ્યા બાદ પણ ભારતીય ટીમનું મનોબળ તૂટ્યું ન હતું.
છેલ્લી ત્રણ ઓવરમાં ભારતીય બૅટર દિનેશ બાનાએ ચાર બૉલમાં 20 રન બનાવ્યા હતા અને સિંધુએ છેલ્લા છ બૉલમાં 27 રન ફટકારતાં 50 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કોર 290 રન સુધી પહોંચ્યો હતો.
ઑસ્ટ્રેલિયન ટીમ 194 પર ઑલ-આઉટ
ભારત તરફથી મળેલા 291 રનોના ટાર્ગેટનો પીછો કરવા માટે ઑસ્ટ્રેલિયન ટીમ પણ પરિપક્વ હતી. જોકે, ભારતીય બૉલરોની દમદાર બૉલિંગ સામે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ વધુ ટકી શક્યા નહીં.
ભારતીય બૉલર રવિ કુમારે ઑસ્ટ્રેલિયાના ઈન-ફૉર્મ ખેલાડી વાઇલીને એલબીડબલ્યૂ કર્યા. એ બાદ 17મી ઓવરમાં ઑસ્ટ્રેલિયાની બીજી વિકેટ પડી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 51 રન એલ. શૉએ ફટકાર્યા હતા.
ભારતના ફાસ્ટ બૉલરો રાજવર્ધન અને રવિ કુમારે શરૂઆતના પાવર-પ્લેમાં 63 રન આપ્યા હતા. રવિ કુમારે આ પાવર-પ્લેમાં બે વિકેટ મેળવી હતી.
જોકે, ભારત તરફથી સૌથી વધારે વિકેટ સ્પિનરોએ લીધી હતી. ભારતીય ટીમના સ્પિનર નિશાંત સિંધુએ 25 રન આપીને બે વિકેટ, વિકી ઓસ્તવાલે 42 રન આપીને ત્રણ વિકેટ અને કૌશલ તાંબેએ 32 રન આપીને એક વિકેટ લીધી હતી.
42મી ઓવરના પાંચમાં બૉલે ઑસ્ટ્રેલિયન ખેલાડી ટી. વ્હિટની રન આઉટ થતાં ઑસ્ટ્રેલિયન ટીમ 194 રને ઑલ-આઉટ થઈ ગઈ હતી અને સેમિફાઇનલનો મુકાબલો ભારતે જીતી લીધો હતો.
આ વર્ષના અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની તમામ પાંચ મૅચોમાં વિજેતા ભારતીય ટીમ હવે ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ રમશે.
આ ટૂર્નામેન્ટની ફાઇનલ શનિવારે યોજાશે. ભારત સતત ચોથા વર્ષે ફાઇનલમાં પહોંચ્યું છે. જ્યારે, ઇંગ્લિશ ટીમ માટે 24 વર્ષમાં પહેલી વખત અંડર-19 વર્લ્ડકપ પોતાને નામ કરવાની તક છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો