શ્રીકાંત બોલ્લા : કરોડોની કંપની ઊભી કરી વિકલાંગોને રોજગાર આપનારા નેત્રહીન સીઈઓની કહાણી
શ્રીકાંત બોલ્લા નામના ઉદ્યોગપતિના જીવન પર બોલીવૂડની ફિલ્મ બની રહી છે. આ યુવા સીઈઓએ રૂ. 483 કરોડની કંપની ઊભી કરી છે, પરંતુ તેમની આ સફર સહેલી ન હતી.
શ્રીકાંતના કહેવા પ્રમાણે, નેત્રહીન હોવાને કારણે તેઓ કિશોરાવસ્થામાં હાઇસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ કરી શકતા ન હતા. આ મુદ્દે તેમણે કાયદાકીય લડાઈ લડી અને ચુકાદો તેમની તરફેણમાં આવ્યો.

ઇમેજ સ્રોત, Srikant Bolla
આ રિપોર્ટમાં અરુંધતિ નાથ તેમના જીવન તથા સંઘર્ષની પડતાલ કરે છે.
શ્રીકાંતનો જન્મ આંધ્ર પ્રદેશના એક ગામડામાં થયો હતો. તેઓ જ્યારે છ વર્ષના હતા, ત્યારે બે વર્ષ સુધી તેમણે અનેક કિલોમીરની સફર ખેડીને સ્કૂલે જવું પડતું. તેમના ભાઈ તથા સહપાઠીઓની મદદથી શ્રીકાંત દરરોજ આ સફર ખેડતા હતા.
સ્કૂલ સુધી જવાનો રસ્તો કાદવ ભરેલો રહેતો અને તેની બંને બાજુ ઝાડી-ઝાંખરા હતા. ચોમાસામાં પૂર આવતું ત્યારે સ્થિતિ વકરી જતી.
શ્રીકાંતના કહેવા પ્રમાણે, "હું નેત્રહીન હોવાને કારણે કોઈ મારી સાથે વાત કરતું ન હતું." ગરીબ તથા અશિક્ષિત પરિવારમાં જન્મેલા શ્રીકાંતનો સમાજે પણ બહિષ્કાર કરી દીધો હતો.
તેઓ કહે છે, "મારા પિતાને કહેવામાં આવતું કે હું મારા ઘરની ચોકી કરવા માટે પણ સક્ષમ નથી, કારણ કે જો કૂતરું ઘરમાં પેસી જાય તો પણ મને ખબર નહીં પડે."

'માતા-પિતાને મારી હત્યા કરવા સૂચન'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભૂતકાળના કડવા અનુભવોને વાગોળતાં શ્રીકાંત કહે છે, "કેટલાક લોકો મારાં માતા-પિતા પાસે આવતાં અને ઓશિકાથી દબાવીને મારી હત્યા કરી નાખવા સૂચન કરતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અશિક્ષિત માતા-પિતાએ લોકોની વાતો ઉપર ધ્યાન ન આપ્યું અને દીકરાનો સાથ આપ્યો. જ્યારે શ્રીકાંત આઠ વર્ષના હતા, ત્યારે પિતા તેમની પાસે આવ્યા અને કહ્યું કે એક સારા સમાચાર છે. શ્રીકાંતને નેત્રહીનોની બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશ મળ્યો હતો.
આ માટે શ્રીકાંતે પોતાના પરિવારથી લગભગ 400 કિલોમીટર દૂર હૈદરાબાદ જવાનું હતું. એ સમયે આ શહેર આંધ્ર પ્રદેશમાં સમાવિષ્ટ હતું.
માતા-પિતાથી દૂર હોવા છતાં શ્રીકાંતે ખૂબ જ ઝડપભેર ખુદને નવી વ્યવસ્થા મુજબ ઢાળી લીધા. અહીં તેમણે સ્વિમિંગ શીખ્યું, શતરંજ અને ક્રિકેટ રમતા શીખ્યા.
નેત્રહીનો એવા બૉલથી ક્રિકેટ રમે છે કે જેમાંથી અલગ પ્રકારનો અવાજ નીકળે છે, જેના આધારે રમનારને દડાની દિશાનો અંદાજ મળી રહે છે. તેઓ કહે છે, "એ રમતમાં હાથ અને કાનની મોટી ભૂમિકા હતી."

ભણવાનું 'ગણિત' બગડ્યું

ઇમેજ સ્રોત, Srikant Bolla
એ અરસામાં શ્રીકાંત પોતાના શોખ તો પૂરા કરી જ રહ્યા હતા, સાથે જ તેઓ પોતાના શૈક્ષણિક ભવિષ્ય અંગે પણ ચિંતિત હતા. તેઓ ઇજનેર બનવાનું સપનું જોતા હતા, પરંતુ તેમને ખબર હતી કે તેના માટે ગણિત તથા વિજ્ઞાન ભણવા પડે.
એક સમયે સ્કૂલ દ્વારા શ્રીકાંતને ગણિત તથા વિજ્ઞાન જેવા વિષયને મુશ્કેલ જણાવીને તેને પસંદ કરવા માટે ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા.
એ સમયે શ્રીકાંતની સ્કૂલ આંધ્ર પ્રદેશ રાજ્ય શિક્ષણ બોર્ડ હેઠળ આવતી હતી અને તેમાં નેત્રહીનોને વિજ્ઞાન તથા ગણિતના અભ્યાસની મંજૂરી ન હતી.
ગ્રાફ તથા ડાયેગ્રામની સમજ નેત્રહીનો માટે પડકારરૂપ બની રહેતા હોવાથી આ નિયમ બનાવવામાં આવ્યો હતો.
આને બદલે વિદ્યાર્થીઓને આર્ટ્સ, કળા, ભાષા, સાહિત્ય અને સોશિયલ સાયન્સનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું.

હાઇકોર્ટના દ્વારે

ઇમેજ સ્રોત, Srikant Bolla
આવા નિયમથી શ્રીકાંત ત્રાસી ગયા હતા. તેમના એક શિક્ષક પણ આ નિયમથી નાખુશ હતા. તેમણે પોતાના વિદ્યાર્થીને આની વિરુદ્ધ પગલાં લેવાં માટે પ્રોત્સાહિત કર્યો.
બંને પોતાની રજૂઆત સાથે આંધ્ર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે ગયા, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે આ મુદ્દે કંઈ ન થઈ શકે. છેવટે શિક્ષક અને વિદ્યાર્થી એક વકીલને મળ્યા. ત્યારબાદ સ્કૂલ મૅનેજમેન્ટની મદદથી બંનેએ આંધ્ર પ્રદેશની હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો.
પોતાની અરજીમાં તેમણે નેત્રહીન વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન અને ગણિત ભણી શકે તે માટે શૈક્ષણિક નિયમોમાં ફેરફાર કરવા માટે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.
શ્રીકાંત કહે છે, "કોર્ટમાં અમારી લડાઈ વકીલે લડી અને વિદ્યાર્થીએ જાતે કોર્ટમાં રજૂ થવાની જરૂર ન હતી." કેસ ચાલી રહ્યો હતો ત્યારે શ્રીકાંતે હૈદરાબાદના ચિનમય વિદ્યાલય વિશે સાંભળ્યું. આ મેઇનસ્ટ્રીમ સ્કૂલે નેત્રહીન બાળકોને વિજ્ઞાન તથા ગણિત ભણાવવાની ઑફર કરી હતી. શ્રીકાંત માટે આ સ્કૂલ એ તક સમાન હતી અને તેમણે હરખભેર શાળામાં પ્રવેશ લીધો.
ક્લાસમાં શ્રીકાંત એકમાત્ર નેત્રહીન વિદ્યાર્થી હતા, છતાં તેમને સારો અનુભવ થયો. એ શાળા વિશે તેઓ કહે છે, "તેમણે હૃદયપૂર્વક સ્કૂલમાં મને આવકાર્યો. મારા ક્લાસ ટીચર ખૂબ જ સ્નેહાળ હતા. તેમણે મારી શક્ય હોય તેટલી મદદ કરવાનો પ્રયાસ કર્યો."તેમણે મને સ્પર્શ રેખાચિત્ર (ટેકસ્ટાઇલ ડાયેગ્રામ) બનાવતા શીખવાડ્યું.
ટેકસ્ટાઇલ ડાયેગ્રામ રબરની મૅટ ઉપર પાતળી ફિલ્મનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
જ્યારે પેન્સિલથી ચિત્ર દોરવામાં આવે છે, ત્યારે એક ઉપસેલી રેખા બને છે, જેને સ્પર્શ દ્વારા અનુભવી શકાય છે. છ મહિના પછી તેઓ કોર્ટમાં કેસ જીતી ગયા હોવાના સારા સમાચાર પણ આવ્યા.

સંઘર્ષ અને સ્વપ્ન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોર્ટે પોતાના ચુકાદામાં ઠેરવ્યું હતું કે નેત્રહીન વિદ્યાર્થી આંધ્ર પ્રદેશ રાજ્ય બોર્ડની તમામ સ્કૂલોમાં વિજ્ઞાન તથા ગણિતનો અભ્યાસ કરી શકે છે. શ્રીકાંત કહે છે : "હું ખૂબ જ ખુશ હતો. દુનિયાની સામે મને એ સાબિત કરવાની તક મળી હરતી કે હું આ કરી શકું છું. આવનારી પેઢીને કેસ દાખલ કરવાની અદાલતમાં કેસ લડવાની ચિંતા કરવાની જરૂર ન હતી."
કોર્ટના ચુકાદા પછી શ્રીકાંત રાજ્ય સરકારની સ્કૂલમાં પરત ફર્યા અને ત્યાં પોતાને પ્રિય એવા વિજ્ઞાન તથા ગણિત વિષયનો અભ્યાસ કર્યો. શ્રીકાંતને એ પરીક્ષામાં 98 ટકા માર્ક્સ મળ્યા.
શ્રીકાંત ભારતમાં પ્રતિષ્ઠિત ગણાતી એંજિનિયરિંગ કૉલેજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં અભ્યાસ કરવા માગતા હતા.
આઈઆઈટીમાં પાસ થવા માટે ખૂબ જ મહેનત કરવી પડે અને ઘણી વખત વિદ્યાર્થીઓએ તેને પાસ કરવા માટે ટ્યૂશન પણ લેવા પડે, જોકે કોઈ પણ કોચિંગ સ્કૂલ શ્રીકાંતને પ્રવેશ આપતું ન હતું.

અમેરિકાની યુનિવર્સિટીને આવેદન

ઇમેજ સ્રોત, @DDNEWSLIVE
કોચિંગ સંસ્થાઓના સંચાલકોએ શ્રીકાંતને કહ્યું કે તેઓ કોર્સનો ભાર નહીં ખમી શકે અને જેમ નાના છોડ ઉપર ભારે વરસાદ પડે, એવું થશે. આ કોચિંગ સંસ્થાઓને લાગતું હતું કે શ્રીકાંત શૈક્ષણિક સ્તરના હિસાબે ફિટ નહીં બેસે.
શ્રીકાંત કહે છે, "મને અફસોસ નથી. જો આઈઆઈટી પ્રવેશ આપવા નથી માગતું, તો મને પણ આઈઆઈટીની દરકાર નથી."
શ્રીકાંતે આઈઆઈટીના બદલે અમેરિકાની યુનિવર્સિટીઓમાં અરજી મોકલી અને તેમને મૅસાચ્યુસેટ્સ તથા કૅમ્બ્રિજ સહિત પાંચ યુનિવર્સિટીઓમાંથી ઑફર મળી. તેમણે કૅમ્બ્રિજની એમઆઈટીમાં પ્રવેશ મેળવ્યો. શ્રીકાંત સંસ્થાના પ્રથમ નેત્રહીન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી બન્યા. શ્રીકાંત 2009માં ત્યાં પહોંચ્યા અને શરૂઆતમાં તેમને "મિશ્ર અનુભવ" થયા.
શ્રીકાંત કહે છે, "ત્યાંની ભયાનક ઠંડી મારા માટે આંચકાજનક હતી., કારણ કે મને પુષ્કળ ઠંડીમાં રહેવાની આદત ન હતી. આ સિવાય ત્યાંના ભોજનનો સ્વાદ અને સોડમ અલગ હતા. પહેલા એક મહિના સુધી મેં ફ્રેન્ચ ફ્રાઇઝ તથા ફ્રાઇડ ચિકન ફિંગર્સ ખાઈને જ ચલાવ્યું." ટૂંક સમયમાં શ્રીકાંત ત્યાંના રહેણી-કરણી મુજબ ઢળી ગયા.
શ્રીકાંત કહે છે, "એમઆઈટીમાં વિતાવેલો સમય મારા જીવનના પ્રેમસભર પળોમાંથી એક છે. અભ્યાસ મુશ્કેલ હતો, પરંતુ યુનિવર્સિટીએ મને ત્યાં રહેવામાં તથા મારા હુનરને ખીલવવામાં મદદ કરી."
અભ્યાસકાળ દરમિયાન શ્રીકાંતે હૈદરાબાદના યુવા વિકલાંગોને શિક્ષિત કરવા તથા તાલીમ આપવા માટે એક સ્વૈચ્છિક સંસ્થાની શરૂઆત કરી. તેને 'સમન્વય સેન્ટર ફૉર ચિલ્ડ્રન વિથ મલ્ટિપલ ડિસેબ્લિટી' એવું નામ આપ્યું. તેમણે એકઠા કરેલા પૈસામાંથી હૈદરાબાદમાં બ્રેલ લાઇબ્રેરી ખોલી.
શ્રીકાંતનું જીવન સારી રીતે પસાર થઈ રહ્યું હતું. એમઆઈટીમાંથી મૅનેજમેન્ટ સાયન્સનો અભ્યાસ કર્યા બાદ તેમને નોકરીઓની અનેક ઑફરો મળવા લાગી, પરંતુ તેમણે અમેરિકા છોડીને વતન પરત ફરવાનો નિર્ણય કર્યો.
શાળાકાળ દરમિયાન થયેલા કડવા અનુભવો હજુ પણ શ્રીકાંતના માનસ ઉપર તાજા હતા, તેમને લાગતું હતું કે ભારતમાં તેમણે બાકી રહેલાં કામો કરવાનાં છે.

વિકલાંગોને રોજગાર માટે કંપની
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
શ્રીકાંત કહે છે, "મારે જીવનમાં દરેક ચીજ માટે સંઘર્ષ કરવો પડ્યો. બધા મારી જેમ લડી ન શકે, અથવા કહીએ તો દરેકને મારા જેવા ગુરુ ન મળી શકે." તેઓ કહે છે કે જ્યારે મને લાગ્યું કે જ્યાર સુધી વિકલાંગો માટે ભણતર અને તે પછી નોકરી માટે વિકલ્પ ન હોય ત્યાર સુધી નિષ્પક્ષ શિક્ષણવ્યવસ્થા માટે લડવાનો કોઈ અર્થ નથી."
આ સંજોગોમાં શ્રીકાંતે પોતાની કંપની શરૂ કરવાનો વિચાર કર્યો, જે શારીરિક રીતે અસક્ષમ લોકોને નોકરી આપે. વર્ષ 2012માં શ્રીકાંત હૈદરાબાદ પરત ફર્યા અને 'બોલેન્ટ ઇન્ડસ્ટ્રીઝ'ની શરૂઆથ કરી. આ પૅકેજિંગ કંપની ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવે છે અને તે 483 કરોડની કંપની છે.
આ કંપનીમાં શારીરિક ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકોને નોકરીએ રાખવામાં આવે છે. કોરોનાની મહામારી પહેલાં કંપનીમાં 500 કર્મચારીઓમાંથી લગભગ 36 ટકા આવા જ હતા.
ગત વર્ષે 30 વર્ષની ઉંમરે શ્રીકાંતને વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં યંગ ગ્લોબલ લીડર્સ 2021ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. શ્રીકાંતને આશા છે કે આગામી ત્રણ વર્ષમાં તેમની કંપની બોલેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ગ્લોબલ આઈપીઓ લાવશે તથા એકસાથે અનેક આંતરરાષ્ટ્રીય સ્ટૉક ઍક્સ્ચેન્જોમાં તેની નોંધણી કરાવશે.
શ્રીકાંતના જીવન પર બોલીવૂડમાં ફિલ્મ પણ બની રહી છે, જેમાં અભિનેતા રાજકુમાર રાવ શ્રીકાંતની ભૂમિકા ભજવશે તથા જુલાઈ મહિનામાં તેનું શૂટિંગ શરૂ થશે. શ્રીકાંતને આશા છે કે હવે જો તેઓ જો કોઈને પહેલી વખત મળશે, ત્યારે ઊતરતો નહીં આંકે.
શ્રીકાંત કહે છે, "હું જ્યારે કોઈને મળું છું, ત્યારે લોકોને લાગે છે....અરે આ તો અંધ છે...કેટલો દુ:ખી છે, પરંતુ જ્યારે હું તેમને જણાવું છું કે હું કોણ છું તથા શું કરું છું, એ પછી બધું બદલાઈ જાય છે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












