Budget 2022 : કોરોનાકાળમાં વધેલી અસમાનતા ઘટાડી શકશે આ બજેટ?

    • લેેખક, હેમંતકુમાર શાહ
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2022માં સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરાશે.

બજેટ એ આર્થિક વિકાસ માટે અને આર્થિક અસમાનતા ઘટાડવા માટેનું એક સરકારી સાધન છે.

એટલે બજેટમાં સરકાર આવક મેળવવા માટે અને ખર્ચ કરવા માટે જે જોગવાઈઓ કરે છે તેને આ બે માપદંડોથી માપવી પડે તેમ હોય છે.

એ જોવુ રહ્યું કે બજેટ કોરોનાની મહામારીને લીધે નીચો ગયેલો આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જઈ શકશે કે નહીં. સાથે-સાથે બજેટમાં કોરોના મહામારી દરમિયાન વધી ગયેલી આર્થિક અસમાનતાને ઘટાડવાના પગલાં લેવામાં આવ્યા છે કે કેમ તે વિશે પણ વિચારવું પડે.

સામાન્ય રીતે બજેટમાં કરવેરામાં કેવા ફેરફારો થયા અને તેને પરિણામે આર્થિક વિકાસનો દર ઊંચો જશે કે કેમ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, પરંતુ તેમાં કેવી રીતે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેના વિશે બહુ ધ્યાન આપવામાં આવતું નથી.

જેમ કે, શિક્ષણ વિશે જ વાત કરીએ કારણ કે શિક્ષણ અસમાનતા ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

નવી શિક્ષણનીતિમાં GDPના 6.0 ટકા જેટલો ખર્ચ શિક્ષણ માટે કરાશે એમ કહેવામાં આવ્યું છે.

નવી શિક્ષણનીતિ આવી પછી ચાલુ વર્ષનું બજેટ આવ્યું હતું અને તેમાં શિક્ષણ માટે ખર્ચ વધવાને બદલે ઘટી ગયો હતો.

તે રૂપિયા 99,311 કરોડથી ઘટીને 93,223 કરોડ રૂપિયા થયું હતું! નીતિ અને બજેટ વચ્ચે સાવ જ વિરોધાભાસ છે. જે એક રીતે હાથીના દાંત જેવું છે.

શિક્ષણની સ્થિતિ સુધરશે ખરી?

શિક્ષણને પ્રાથમિકતા આપવી જરૂરી છે. જો સરકાર ખરેખર જીડીપીના 6.0 ટકા ખર્ચ શિક્ષણ માટે કરવા માગતી હોય તો તેણે 2022-23ના બજેટમાં 232 લાખ કરોડ રૂપિયાની જીડીપીને ધ્યાનમાં લેતાં તેના માટે બે ટકાના હિસાબે 4.64 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો તો અંદાજ રાખવો જ જોઈએ.

ચાલુ વર્ષનું બજેટ 34.83 લાખ કરોડ રૂપિયાનું છે. નવા વર્ષનું બજેટ 39.50 લાખ કરોડ રૂપિયાનું તો આવશે જ એમ લાગે છે.

જો 4.64 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ શિક્ષણ માટે કરવામાં આવે તો પણ તે કુલ બજેટના માત્ર 11.75 ટકા જ થાય. ચાલુ વર્ષે તો બજેટના ફક્ત 2.67 ટકા જેટલો જ ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

જો આશરે 12 ટકા જેટલો ખર્ચ ના કરવામાં આવે તો દેશમાં શિક્ષણની સ્થિતિ સુધરે તેવી કોઈ જ શક્યતા નથી.

નવી શિક્ષણનીતિમાં GDPના 6.0 ટકા જેટલો ખર્ચ શિક્ષણ માટે કરવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે પણ રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે એ કેવી રીતે વહેંચાય તેની વાત કરવામાં આવી નથી.

કેન્દ્ર સરકારે પોતાના ભાગે 2.0 ટકા રહેશે એવું સ્પષ્ટ રીતે આ બજેટમાં જાહેર કરવું જોઈએ. કેન્દ્ર સરકાર બજેટમાં માત્ર એક વર્ષ નહીં પણ સળંગ દસ વર્ષ સુધી લઘુતમ 12 ટકા જેટલી રકમ ખર્ચે તો જ જે ખાધ શિક્ષણ માટેના માળખામાં છે તે દૂર થઈ શકે તેમ છે.

જો એ નહીં થાય તો ખાનગીકરણ વધતું જ જશે એમાં કોઈ શંકા નથી.

તો પરિસ્થિતિને સુધારવા માટે કેન્દ્ર સરકાર જીડીપીના બે ટકા જેટલો ખર્ચ કરે અને રાજ્યોને તેમની જીડીપીના ચાર ટકા જેટલો ખર્ચ કરવાની ફરજ પાડે. જે રાજ્ય સરકાર એટલો ખર્ચ કરે તેને જ કેન્દ્ર સરકાર શિક્ષણ માટે બાકીની બે ટકા જેટલી સહાય કરશે એવી શરત મૂકી શકાય.

નવી શિક્ષણનીતિમાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ 2035 સુધીમાં 50 ટકા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 2019-20માં તે 27.1 હતો. જો ઉચ્ચ શિક્ષણ પાછળ સરકાર ખર્ચ ના વધારે તો ધારેલું પ્રમાણ સિદ્ધ થાય પણ તેમાં ખાનગીકરણ વધશે.

ભારત સરકારની સંસ્થા NSO એમ જણાવે છે કે 2017-18માં 6-17 વર્ષના વયજૂથમાં 3.22 કરોડ બાળકો શાળાએ જતાં જ નહોતાં. કોરોનાકાળમાં આ સંખ્યા બમણી થઈ હોવાનો અંદાજ નિષ્ણાતો મૂકે છે.

પરિસ્થિતિની ગંભીરતા

શું કેન્દ્ર સરકારને આ આંકડાની ગંભીરતા સમજાય છે ખરી?

શિક્ષકો અને અધ્યાપકો માટેની સ્થિર પગારની અને કૉન્ટ્રેક્ટ પદ્ધતિ તત્કાલ રદ કરવા માટે જે ખર્ચ કરવો પડે તેની જોગવાઈ બજેટમાં થવી જોઈએ.

વળી, આઠ ધોરણને બદલે દસ ધોરણ સુધીનું એટલે કે પહેલી જાહેર પરીક્ષા સુધીનું પ્રાથમિક શિક્ષણ -રાઇટ ટુ એજ્યુકેશનમાં સામેલ કરવા માટે RTE ધારામાં સુધારો કરવો જોઈએ અને તે માટેની વ્યવસ્થા કરવા માટે તમામ ખર્ચની જોગવાઈ તત્કાલ કરવી જોઈએ.

જેવું શિક્ષણ વિશે છે તેવું જ આરોગ્ય વિશે છે. 2017ની આરોગ્યનીતિમાં બજેટના આઠ ટકા રકમ આરોગ્ય માટે ખર્ચવાનું જણાવવામાં આવ્યું છે પણ તે પછીના એક પણ બજેટમાં એટલી જોગવાઈ કરવામાં આવી જ નથી!

આમ, બજેટમાં શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સેવાઓ પાછળ વધુ જોગવાઈઓ કરે તો જ દેશમાં વિકાસ ઝડપી બને તેવું આર્થિક વાતાવરણ જન્મે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો