You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્થિક ઉદારીકરણનાં 30 વર્ષ : ચાર બાબતથી સમજો જૂના અને નવા ભારત વચ્ચેનો ફરક
- લેેખક, મયૂરેશ કોણ્ણુર
- પદ, બીબીસી મરાઠી
1991માં ભારતમાં આર્થિક ઉદારીકરણનો પ્રવાહ શરૂ થયો. ત્યારબાદ ભારતમાં બહુ પરિવર્તન આવ્યું છે.
આ પરિવર્તન મોટા પાયે થયું છે અને નવી પેઢીને એ અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે કે 30 વર્ષ પહેલાં ભારતમાં શું સ્થિતિ હતી.
આજની પેઢીને તે વખતની ભારતની સ્થિતિ અવિશ્વસનીય લાગી શકે છે.
1991 પહેલાનું ભારત કેવું હશે તેનો અંદાજ એ વાત પરથી આવી જશે કે તે વખતે દેશમાં માત્ર એક જ ટીવી ચેનલ હતી - દૂરદર્શન.
એક જ વિમાન સેવા હતી - ઇન્ડિયન ઍરલાઇન્સ. છેલ્લાં 30 વર્ષમાં તેમાં મોટાં પરિવર્તનો આવ્યાં છે. આ લેખમાં તે બદલાવને સમજવાની કોશિશ છે.
ભારતમાં એક જ ટીવી ચેનલ
આજે ઓટીટી પ્લૅટફૉર્મનો આવી ગયો છે. સમગ્ર દુનિયા એક મોબાઇલમાં જાણે સમાઈ ગઈ છે. આપણે ટીવી ચેનલો પણ મોબાઇલમાં જોવા લાગ્યા છીએ. અત્યારે ભારતમાં લગભગ 800 ટીવી ચેનલો ધમધમે છે.
આજની યુવા પેઢી સતત ચેનલો બદલવા ટેવાયેલી છે. નાનપણથી જ રિમોટ વડે ચેનલો બદલવાની આદત તેને પડી ગઈ છે. પરંતુ 1991 સુધી ભારતમાં માત્ર એક જ ટીવી સ્ટેશન હતું - સરકારી દૂરદર્શન.
એટલે કે 30 વર્ષમાં એક ટીવી ચેનલની સફર આગળ વધીને 800 ચેનલો સુધી પહોંચી છે. માહિતી અને મનોરંજનની આ ક્રાંતિ 1991ના આર્થિક ઉદારીકરણની દેણગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં રંગીન ટીવી પ્રસારણની શરૂઆત 1982માં થઈ ગઈ હતી, પરંતુ તે વખતે ટીવી પ્રસારણ અને તેની ટેકનિકલ બાબતો પર સરકારી નિયંત્રણો હતાં.
અખબારોનું પ્રકાશન ખાનગી કંપનીઓ કરતી હતી, પરંતુ ઑડિયો માટે આકાશવાણી અને ટીવી માટે દૂરદર્શન એકમાત્ર વિકલ્પ હતો.
તે વખતે દુનિયાના ઘણા દેશોમાં સેટેલાઇટ ટીવી ફેલાવા લાગ્યું હતું અને કેબલ ટીવી ચેનલો ધૂમ મચાવા લાગી હતી. ભારતમાં પણ આ ટેકનિકલી પહોંચી હતી, પરંતુ લાઇસન્સરાજને કારણે તેના પર ઘણા પ્રતિબંધો હતા.
તે વખત ભારતના ઘણા પત્રકારો અને પ્રોડ્યુસરોએ સરકારી ટીવી ચેનલ પર પોતાના કાર્યક્રમો રજૂ કરવાની શરૂઆત કરી હતી, પરંતુ પોતાની ચેનલ શરૂ કરવી તે સપનું જ હતું.
1991માં આર્થિક ઉદારીકરણ પછી આ પ્રતિબંધો હઠવા લાગ્યા અને ખાનગી ટીવી ચેનલોનું પ્રસારણ શક્ય બનવા લાગ્યું.
આના કારણે જ કેબલ ટીવીનાં માધ્યમથી 1991ના ખાડી યુદ્ધની તસવીરો ઘરે બેઠા જોવી મળી હતી. કેબલ ટીવી ચેનલોને કારણે ભારતમાં વિદેશી ચેનલો માટે સેટેલાઇટ પ્રસારણનો માર્ગ મોકળો થયો.
થોડાં જ વર્ષોમાં ભારતમાં પ્રાઇવેટ ટીવી ચેનલોની ક્રાંતિ જોવા મળી. 1991માં જ ભારતમાં સ્ટાર નેટવર્કે પ્રવેશ કર્યો. તે પછી તરત જ સુભાષ ચંદ્રાના ઝી નેટવર્કની શરૂઆત થઈ.
ભારતમાં સેટેલાઇટથી ખાનગી ચેનલોનું પ્રસારણ શરૂ થયું તે પછી ગામેગામે કેબલ ઑપેરેટરોએ ડિશ એન્ટેના લગાવવાનું શરૂ કરી દીધું. આ રીતે કેબલ નેટવર્કની જાળ પથરાવા લાગી હતી.
ભારતનાં સુખી ઘરોમાં દીવાનખાનામાં જ આખી દુનિયાની ફિલ્મો, ટીવીની સિરિયલો અને રિયાલિટી શો હવે નાના પડદે દેખાવા લાગ્યા.
ટીવી દર્શકોની સંખ્યા કરોડોમાં પહોંચી ગઈ. ભારતમાં ખાનગી ચેનલોની સંખ્યા સતત વધતી રહી અને તે રીતે એક નવી બજાર પણ તૈયાર થઈ.
આગળ જતા ડીટીએચ આવ્યું અને વધુ ઘરો સુધી ટીવી પહોંચી ગયું.
ખાનગી બૅન્કોની શરૂઆત
આજે યુવાન નોકરીએ લાગે એટલે કૉર્પોરેટ સૅલરી એકાઉન્ટ બૅન્કમાં ખોલવામાં આવે ત્યારે તેનું ખાતું કોઈ ખાનગી બૅન્કમાં હોય તેવી શક્યતા વધારે હોય છે.
આજે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અથવા ઍક્સિસ સહિતની ઘણી ખાનગી બૅન્કો છે. 30 વર્ષ પહેલાં આવી ખાનગી બૅન્કો ભારતમાં નહોતી, માત્ર સરકારી બૅન્કો જ હતી.
ઉદારીકરણની નીતિ લાગુ થઈ તે પછી દેશના બૅન્કિંગ સેક્ટરને ખોલવામાં આવ્યું. તેના કારણે અત્યારે ભારતમાં 22 ખાનગી બૅન્ક છે અને સરકારી બૅન્કો 27 છે.
આ સરકારી બૅન્કોમાંથી જેમનું વિસ્તરણ બહુ નથી થઈ રહ્યું તેને મોટી બૅન્કોમાં વિલય કરવામાં આવી રહી છે.
દેશભરમાં બૅન્કો દ્વારા નાગરિકોને અપાતી લૉનમાં 42 ટકા લૉન આ ખાનગી બૅન્કો આપી રહી છે.
મનમોહન સિંહે જુલાઈ, 1991માં ઉદારીકરણની નીતિ રજૂ કરી હતી. તે પ્રક્રિયા આજે પણ આગળ વધી રહી છે.
આ સમયગાળામાં જુદાજુદા તબક્કામાંથી તે પસાર થઈ છે. 1969માં ઇંદિરા ગાંધીએ 14 બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. 1980માં તેમાં વધુ છ બૅન્કો ઉમેરવામાં આવી હતી.
સરકારી બૅન્કો હતી ત્યારે લિક્વિડિટી અને આર્થિક તકો બહુ સીમિત હતી. 1991 પછી તે સ્થિતિ બદલાઈ. તે વખતની સરકારે બૅન્કિંગ સેક્ટરમાં સુધારા માટે આરબીઆઈ પાસેથી બ્લ્યૂ પ્રિન્ટ માગી હતી.
નરસિંહ રાવની અધ્યક્ષતામાં એક સમિતિ બની હતી, જેનો અહેવાલ ડિસેમ્બર 1991માં રજૂ થયો હતો. આ અહેવાલનાં બધાં સૂચનો સ્વીકારાયાં નહોતાં, પરંતુ તેમાં ખાનગી બૅન્કોને મંજૂરી માટેનું સૂચન સ્વીકારી લેવાયું હતું.
જોકે સરકારે બૅન્કિંગ સેક્ટર ખોલવામાં ઉતાવળ નહોતી કરી. તેમાં રિઝર્વ બૅન્કની ભૂમિકા મહત્ત્વની હતી. ખાનગી બૅન્કોએ આરબીઆઈના નિયમો હેઠળ કામ કરવાનું હતું. 1993માં રિઝર્વ બૅન્કે ખાનગી બૅન્કોને મંજૂરી આપવાની શરૂઆત કરી હતી.
તે વખતે આરબીઆઈના ગવર્નર સી. રંગરાજન હતા. તેમણે ખાનગી બૅન્કોને મંજૂરી આપી, પરંતુ તે માટે ઓછામાં ઓછું 100 કરોડ રૂપિયાનું ભંડોળ હોવું જોઈએ તેવી શરત રાખી હતી.
પ્રારંભમાં 100 જેટલી નાણા સંસ્થાઓએ બૅન્ક ખોલવા માટે અરજી કરી હતી. ચર્ચા-વિચારણા બાદ સરકારે યુટીઆઈ, આઈડીબીઆઈ અને આઈસીઆઈસીઆઈને બૅન્કિંગમાં પ્રવેશ માટે મંજૂરી આપી. તેના થોડા વખત પછી એચડીએફસી સહિત છ ખાનગી બૅન્કોને પણ મંજૂરી આપવામાં આવી.
જોકે તે વખતે ખાનગી બૅન્કોનો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. ઉદ્યોગપતિઓ એટલા માટે નારાજ હતા કે મોટા ઉદ્યોગગૃહોને બૅન્ક ખોલવા મંજૂરી અપાઈ નહોતી. નાણા સંસ્થાઓને પ્રાથમિકતા અપાતી હતી.
2002-03માં બીજા તબક્કે ખાનગી બૅન્કો માટે લાઇસન્સ આપવામાં આવ્યાં. તે વખતે કોટક મહિન્દ્રા અને યસ બૅન્કને મંજૂરી મળી.
2014માં ખાનગી બૅન્કો માટે ત્રીજો તબક્કો આવ્યો. જોકે 25 અરજીઓ આવી તેમાંથી માત્ર બેની અરજી સ્વીકારવામાં આવી હતી.
નવી બૅન્કો શરૂ થતા ભારતનું અર્થતંત્ર વધારે સંસ્થાગત થઈ શક્યું. મોટી સંખ્યામાં લોકોને મુખ્ય પ્રવાહમાં આવવામાં મદદ મળી.
પ્રારંભમાં સરકારી બૅન્કોની સામે ખાનગી બૅન્કોમાં ગ્રાહકોને વધારે સુવિધાઓ મળવા લાગી હતી. જોકે હવેના સમયમાં આ સુવિધાઓની કિંમત ગ્રાહકોના ખિસ્સામાંથી જ વસૂલવામાં આવે છે.
ખાનગી બૅન્કો આવવાથી સરકારી બૅન્કોનાં કામકાજમાં પણ સુધારો આવ્યો. જોકે 30 વર્ષ પહેલાં એટીએમ ખૂલી ગયાં હશે અને મોબાઇલ બૅન્કિંગ શક્ય બનશે તેની કલ્પના ભાગ્યે જ કોઈએ કરી હશે.
ટેલિકૉમ ક્રાંતિ
1991 પહેલાં ભારતમાં ઘરે ટેલિફોન હોય તે બહુ મોટી પ્રતિષ્ઠા માનવામાં આવતી હતી.
આજની પેઢી એ માની જ નહીં શકે કે ફોન મેળવવા માટે વેઇટિંગ હતું. ફોન કરવા અને ફોન આવે તે માટે બીજાના ઘરે લાંબી રાહ જોવી પડતી હતી. ટેલિફોન બૂથ ખૂલ્યાં ત્યારે ત્યાં પણ લાઇનો લાગતી હતી.
આજે મોબાઇલને કારણે દુનિયામાં ક્યાંય પણ વાત થઈ શકે છે. લૅન્ડલાઇનની હવે લોકોને જરૂર જ લાગતી નથી. ડાયલ કરીને ફોન થાય તેનો ભાગ્યે જ નવી પેઢીએ ઉપયોગ કર્યો હશે.
ભારતમાં ટેલિકૉમ ક્રાંતિની શરૂઆત 1980ના દાયકાથી થવા લાગી હતી, પરંતુ તેમાં ખરી ઝડપ 1991 પછી જ આવી હતી.
1984 પછી નાનાં ગામોમાં પણ ટેલિફોન બૂથ ખૂલવાં લાગ્યાં હતાં. આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને સામેલ કરવામાં આવી. એમટીએનએલ અને બીએસએનએલની રચના થઈ ગઈ હતી. જોકે 1991ના ઉદારીકરણ પછી સમગ્ર તસવીર બદલાઈ ગઈ.
નવી આર્થિક નીતિ સાથે હવે ભારતમાં જ ટેલિકૉમ ઉપકરણો બનવા લાગ્યાં. 1992માં તેની ઘણી સેવાઓ ખાનગી ક્ષેત્ર માટે ખોલી દેવામાં આવી.
ખાનગી કંપનીઓએ મોટા પાયે મૂડીરોકાણ કર્યું અને દેશભરમાં મોબાઇલ ફોનધારકોની સંખ્યા ઝડપથી વધવા લાગી. વિદેશી કંપનીઓ પણ ભારતમાં આવવા લાગી.
ઉદારીકરણની નીતિ હેઠળ 1994માં પ્રથમ વાર નેશનલ ટેલિકૉમ્યુનિકેશન્સ નીતિની પણ જાહેરાત થઈ. તે પછી ખાનગી કંપનીઓની સંખ્યા ઝડપથી વધી.
1997માં ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)ની રચના થઈ.
ટેકનિકલ બાબતોમાં પણ સુધારા થવા લાગ્યા હતા અને ભારતમાં મોબાઇલ ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી.
1999માં બીજી નેશનલ ટેલિકૉમ્યુનિકેશન પૉલિસી આવી અને તે પછી ટેલિકૉમ સેક્ટરમાં થર્ડ જનરેશનનું પરિવર્તન આવ્યું.
વિમાની સેવામાં વધારો
1991ની ઉદારીકરણની નીતિને કારણે નાગરિક ઉડ્ડયનમાં પણ અસર પડી. ભારતીય બજારોમાં ખાનગી વિમાની કંપનીઓનું પૂર આવ્યું.
જોકે છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન ખાનગી ઍરલાઇન્સની આર્થિક સ્થિતિ કફોડી પણ થઈ હતી.
ઍર કૉર્પોરેશન ઍક્ટ, 1953 હેઠળ ભારતમાં માત્ર ઇન્ડિયન ઍરલાઇન્સ સેવા આપતી હતી. 1991 પછી ખાનગી કંપનીઓ માટે પણ દરવાજા ખોલી દેવામાં આવ્યા.
1994માં ઍર કૉર્પોરેશન ઍક્ટમાં સુધારો કરાયો અને સ્થાનિક વિમાની સેવા માટે ખાનગી ઍરલાઇન્સને મંજૂરી અપાઈ.
ઓપન સ્કાય પૉલિસી હેઠળ ભારતમાં ઘણી વિદેશી રોકાણ સાથેની ઍરલાઇન્સ આવી. જેટ ઍરવેઝ અને સહારા ઍરલાઇન્સ પ્રારંભની ખાનગી કંપનીઓ હતી. જોકે આ બંને કંપની અત્યારે બંધ પડી ગઈ છે.
પ્રારંભમાં ખાનગી વિમાની કંપનીઓની ટિકિટો મોંઘી હતી. તેથી લાંબો સમય સુધી ઇન્ડિયન ઍરલાઇન્સનો દબદબો રહ્યો.
આ ઉપરાંત ઈસ્ટ-વેસ્ટ ઍરલાઇન્સ અને વિદ્યુત જેવી વિમાની સેવાઓ શરૂ થઈ તે પણ વિવિધ કારણસર બંધ થઈ ગઈ.
આર્થિક ઉદારીકરણને કારણે ભારતમાં એક નવો મધ્યમ વર્ગ તૈયાર થયો, જે રેલવેની જગ્યાએ વિમાનમાં પ્રવાસ કરવા માટે સક્ષમ બન્યો હતો.
ભારતમાં વિમાની પ્રવાસીઓની સંખ્યા પણ વધવા લાગી. સરકારે આ સેક્ટરમાં 49 ટકા વિદેશી મૂડીરોકાણ અને 100 એનઆરઆઈ મૂડીરોકાણ માટે મંજૂરી આપી દીધી.
2003માં ભારતમાં વાજબી કિંમત સાથેની વિમાની સેવાઓનો પ્રવાહ શરૂ થયો. તે વર્ષે ઍર ડેક્કનની સસ્તી વિમાની સેવા શરૂ થઈ.
ત્યારબાદ સ્પાઇસ જેટ, ઇન્ડિગો, ગો ઍર, કિંગફિશર જેવી ખાનગી કંપનીઓ પણ આવી અને ભારતમાં વિમાની કંપનીઓની પણ ભીડ જામી.
1991માં ઇન્ડિયન ઍરલાઇન્સને લગભગ એક કરોડ સાત લાખ પ્રવાસીઓ મળ્યા હતા. 2017 સુધીમાં ભારતમાં વિમાન પ્રવાસ કરનારાની સંખ્યા 14 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
જેટ, કિંગફિશર અને સહારા જેવી કંપનીઓ બંધ થઈ છે. ઍર ઇન્ડિયાને વેચવાની તૈયારી ચાલી રહી છે. આમ છતાં આર્થિક ઉદારીકરણ પછી આ સેક્ટરમાં મોટું પરિવર્તન આવ્યું છે તેનો ઇનકાર ના થઈ શકે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો