You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં બૉમ્બવિસ્ફોટથી લાહોર ધણધણી ઊઠ્યું, બેનાં મૃત્યુ
પાકિસ્તાનના લાહોરના અનારકલી બજારના પાનમંડી વિસ્તારમાં બૉમ્બવિસ્ફોટ થયો છે, જેમાં ઓછામાં ઓછા બે લોકોનાં મૃત્યુ થયાં છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં એક બાળકનો સમાવેશ થાય છે, ઈજાગ્રસ્તોમાંથી ચારની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
લાહોર પોલીસના પ્રવક્તા રાણા આરિફના કહેવા પ્રમાણે, પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે મોટરસાઇકલમાં લગાડવામાં આવેલા ટાઇમ કંટ્રૉલ્ડ ડિવાઇસ દ્વારા આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
જ્યાં વિસ્ફોટ થયો હતો, ત્યાં રસ્તા ઉપર અડધા મીટર જેટલો ખાડો પડી ગયો છે અને આજુબાજુની ઇમારતોના કાચ તૂટી ગયા હતા.
પોલીસ દ્વારા આ મુદ્દે પ્રારંભિક તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદારોને ટૂંક સમયમાં ઝડપી લેવાનો દાવો કરવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સે દાવો કર્યો છે કે તેમના રિપૉર્ટરને એક મૅસેજ મળ્યો છે, જેમાં બલૂચિસ્તાનના ભાગલાવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. સંદેશમાં દાવો કર્યો હતો કે હુમલાનું મુખ્ય નિશાન એક બૅન્ક હતી.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભાગલાવાદી સંગઠનો સ્થાનિક સંશાધનોમાં યોગ્ય ભાગીદારીની માગ કરતા રહ્યાં છે. તેઓ ઈરાન-અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં સરકારી સંસ્થાઓ કે ચીનના પ્રોજેક્ટ્સને નિશાન બનાવે છે, પરંતુ કોઈ બલૂચ સંગઠન દ્વારા લાહોરમાં હુમલો કરવામાં આવે તે વાત નવીન લાગે છે.
પુતિન યુક્રેન પર હુમલો કરશે? જો બાઇડને ઉચ્ચારી ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનની 'અંદર પ્રવેશશે', પરંતુ તેઓ "ખુલ્લો જંગ" ઇચ્છતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક પત્રકારપરિષદમાં રશિયાની ઘૂષણઘોરીના ભય અંગે પ્રશ્ન પુછાતાં તેમણે કહ્યું, "મારો અંદાજ છે કે તેઓ (યુક્રેનમાં) પ્રવેશશે, તેમણે કંઈક કરવાનું તો છે જ."
પરંતુ તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે રશિયાએ પશ્ચિમની 'પરીક્ષા'ની 'ગંભીર અને ભારે' કિંમત ચૂકવવી પડશે.
બીજી તરફ મૉસ્કોએ હુમલા કે ઘૂષણખોરીની યોજના હોવાનું નકાર્યું છે પરંતુ સરહદે સૈનિકો ખડકી દીધા છે.
એવો અંદાજ છે કે રશિયાએ યુક્રેનની બૉર્ડરની આસપાસ લગભગ એક લાખ સૈનિકો તહેનાત કરેલા છે.
પ્રેસ કૉન્ફરન્સમાં અમુક રિપોર્ટરોએ રાષ્ટ્રપતિ બાઇડનને પૂછ્યું હતું કે શું તેઓ યુક્રેન પર રશિયાની નાની એવી ચઢાઈ ચલાવી લેશે?
એ બાદ વ્હાઇટ હાઉસના અધિકારીઓએ આ અંગે અમેરિકાની સ્થિતિ સ્પષ્ટ કરતું નિવેદન જારી કર્યું હતું.
બુધવારે રાત્રે જારી કરાયેલા આ નિવેદનમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું હતું કે, "જો રશિયાની કોઈ પણ પ્રકારની સૈન્યતાકાત યુક્રેન બૉર્ડરની આસપાસ ફરકશે, તો તેને ઘૂષણખોરીનો નવો પ્રયાસ ગણવામાં આવશે. આવી કોશિશનો અમેરિકા અને તેમના સાથી દેશો દ્વારા ગંભીર અને તાત્કાલિક જવાબ આપવામાં આવશે."
ગુજરાતનાં શહેરોની હવા મહારાષ્ટ્રનાં શહેરો કરતાં પણ વધુ પ્રદૂષિત?
સંશોધકોને જાણવા મળ્યું છે કે ગુજરાતનાં શહેરો મહારાષ્ટ્રનાં શહેરો કરતાં વધુ પ્રદૂષિત છે.
2021માં વટવા અને અંકલેશ્વર PM 2.5 @ 67 માઇક્રોગ્રામ પર ક્યૂબિક મીટર પ્રદૂષણ સાથે સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો હતા. જ્યારે તે પછીનાં સૌથી પ્રદૂષિત શહેરોનાં ક્રમે વાપી અને અમદાવાદ હતાં.
'ધ પ્રિન્ટ'ના અહેવાલ અનુસાર 'સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ ઍન્વાયરન્મૅન્ટ' (CSE) દ્વારા કરાયેલ નવા વિશ્લેષણ અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેમની ભૌગોલિક અનુકૂળતાઓ છતાં વાયુપ્રદૂષણ ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે.
CSE રિસર્ચ ઍન્ડ ઍડ્વોકસીનાં કારોબારી નિદેશક અનુમિતા રોયચૌધરીએ આ અંગે જણાવ્યું હતું, "મુંબઈમાં 2019 અને 2021માં ખરાબ હવાના દિવસો બમણા થયા છે. આ હકીકત વાયુપ્રદૂષણની સમસ્યાને નિવારવા માટે તમામ ક્ષેત્રોમાં પ્રતિક્રિયા વધુ ઝડપી બનાવવાની વાત કરતાં વિપરીત છે."
CSEનું આ તારણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 56 ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશનોના ડેટાના આધારે આવ્યું છે.
કોરોના : ગુજરાતના આરોગ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં 70થી 80 ટકા કેસો ઓમિક્રૉનના
'ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના એક અહેવાલ અનુસાર ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બુધવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં નોંધાઈ રહેલા નવા કોરોનાના કેસો પૈકી 70થી 80 ટકા કેસો ઓમિક્રૉન વૅરિયન્ટના છે.
આરોગ્યમંત્રીએ હોમ ટેસ્ટિંગ કિટ થકી પૉઝિટિવ આવી રહેલા લોકોને પણ ડૉક્ટરોને પોતાનાં પરિણામની જાણ કરવા જણાવ્યું છે, જેથી કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્ય સરકાર યોગ્ય નીતિ ઘડી શકે.
નોંધનીય છે કે ગુજરાતમાં બુધવારે કોરોનાના 20,966 નવા કેસો નોંધાયા હતા, જ્યારે 12 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.
આરોગ્યમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે રાજ્ય કોરોનાના કેસોની પીક તરફ અગ્રેસર છે.
ત્રીજી લહેરના પ્રસાર વખતે ઓછામાં ઓછા લોકોને ક્રિટિકલ કૅરની જરૂરિયાત અને ઓક્સિજનની જરૂર પડે તે માટે આરોગ્યમંત્રીએ સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની સાથે લોકોને કોવિડ-19ની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર અને યોગ્ય નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.
ICC T-20 ટીમમાં પાકિસ્તાન છવાયું, બાબર બન્યા કૅપ્ટન
હવે ICCએ જે T-20 ટીમની જાહેરાત કરી છે તેમાં ત્રણ પાકિસ્તાની ખેલાડીઓને સામેલ કરાયા છે.
ગત વર્ષના પ્રદર્શનના આધારે આ પ્રતીકાત્મક ટીમના અગિયાર ખેલાડીઓને પસંદ કરાયા છે અને પાકિસ્તાન માટે સૌથી મોટી ગર્વની બાબત તો એ છે કે આ ટીમના કૅપ્ટન બાબર આઝમને બનાવવામાં આવ્યા છે.
બાબર આઝમે ગત વર્ષે T-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં એક સદી નોંધાવી હતી અને જ્યારે નવ અડધી સદી ફટકારી હતી. આ દમદાર ઇનિંગોમાં તેમણે કુલ 939 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન માટે બમણી ખુશીની વાત તો એ પણ છે કે પાકિસ્તાન ટીમના મોહમ્મદ રિઝવાનને વિકેટકીપર-ઓપનર તરીકે ICCની ટીમમાં સામેલ કરાયા છે.
આ સિવાય શાહીન આફ્રિદીને પણ આ ટીમમાં જગ્યા મળી છે. શાહીને ગત વર્ષે 21 મૅચોમાં 23 વિકેટ લીધી. જોકે, આ ટીમમાં એક પણ ભારતીય ખેલાડી સામેલ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો