ગુજરાતમાં ડૉક્ટરોની હડતાળ એક દિવસ માટે મોકૂફ

ગુજરાતમાં સરકારી ડૉક્ટરોની પડતર માગો અંગે વચલો માર્ગ કાઢવા માટે મંત્રીસ્તરે વાતચીત કરવા માટે હડતાળનો કાર્યક્રમ એક દિવસ મોકૂફ રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. સરકારી અધિકારીઓ અને ડૉક્ટરોના પ્રતિનિધિમંડળ સાથે થયેલી ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે.

ગુજરાત ગવર્નમેન્ટ ડૉક્ટર્સ ફોરમે (GGDF) આ અંગે એક નિવેદન જારી કરીને હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

નિવેદન મુજબ. "GGDF ગુજરાતના ડૉક્ટરોની માગણીઓને લઈને સતત અવાજ ઉઠાવતું હતું. આજે થયેલી ઘટનાઓ અને ઘણા મધ્યસ્થીઓ સાથે થયેલ હાઇલેવલ વર્ચ્યુઅલ મિટિંગમાં ઘણી અજાણી માહિતી અમારા ધ્યાને લાવવામાં આવી હતી. આ બેઠકમાં એડિશનલ સેક્રેટરી અને ACS હાજર હતા."

"ACSએ તમામ મુદ્દે સ્પષ્ટતા કરી અને એક વચલો માર્ગ નીકળતો દેખાઈ રહ્યો છે. તેમણે અંતિમ તબક્કાની વાતચીત માટે આરોગ્યમંત્રીએ આવતી કાલે ગાંધીનગર ખાતે સવારે 11 વાગ્યે તાકિદની મિટિંગ બોલાવી હોવાનું જણાવ્યું છે."

નિવેદનમાં આગળ જણાવાયું હતું કે, "આ વાટાઘાટ અનુસાર GGDF સાથે સંકળાયેલ તમામે નિર્ણય કર્યો છે કે પડતર માગોને લઈને વચલો માર્ગ કાઢવા માટે હડતાળ વધુ એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. તેથી સ્વાસ્થ્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કોઈ વિક્ષેપ પાડવામાં આવશે નહીં."

મંગળવાર બાદ બુધવારે પણ ગુજરાતમાં કોરોનાના રેકૉર્ડબ્રેક કેસો નોંધાયા છે. ફરી એક વાર અગાઉના તમામ રેકૉર્ડ તોડીને ગુજરાતમાં કોરોનાના નવા 20,966 કેસ નોંધાયા છે.

આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને સૂત્રા મૉડલ પાછળનું મસ્તિષ્ક એવા મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે આ અઠવાડિયે મહારાષ્ટ્ર, ગુજરાત અને હરિયાણામાં કોવિડની ત્રીજી લહેરની પીક આવશે.

આ સમાચારથી વિપરિત બીજી સમાચાર એ છે કે આગામી ગુરૂવારથી સરકારી તબીબોએ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરવાનું એલાન કર્યુ હતું.

તબીબો હડતાળનું એલાન કેમ આપ્યું હતું?

સિવિલ હૉસ્પિટલ, અમદાવાદના અધિક સુપરિન્ટેન્ડેન્ટ અને ગુજરાત મેડિકલ ટીચર્સ ઍસોસિયેશનના વડા ડૉ. રજનીશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "તારીખ 16-5-2021ના રોજ ગુજરાત સરકારે ઠરાવ કરીને અમારી માગણીઓ પૂરી કરવાનું વચન આપ્યુ હતું."

"તેમાં અમારી એડહોક સેવાઓને નિયમિત કરવાની, એડહોક સેવા સળંગ કરવાની, સેવાલક્ષી સમસ્યાઓ દૂર કરવાની, સરકારી ડૉક્ટરોનું પ્રમોશન ડાયરેક્ટ પ્રમોશન કમિટી (ડીપીસી) દ્વારા થવું જોઈએ (જે 2014થી પડતર છે), 92 અને 22 ડૉક્ટરોની સેવામાં જોડાવાની અને સેવા સળંગ કરવાની પાંચ-સાત વર્ષથી ફાઇલો ચાલી રહી છે તેના ઑર્ડર કરવાના, સાતમા પગારપંચની ભલામણ પ્રમાણેનું એનપીએ આપવામાં આવે."

" આ બધી માગણીઓ પૂરી કરવાનું વચન આપ્યું હતું. એ વચનોની પૂર્તિ માટેના પણ સરકારે બે-ત્રણ વખત વચનો આપ્યાં હતાં તો પણ હજુ પૂરાં નથી થયાં."

"સરકારે અમારી માગણીને વાજબી ગણીને સ્વીકારી છે. સરકારે એમાં વહીવટી બેદરકારીને પણ સ્વીકારી છે. બધું સ્વીકાર્યું છે પણ હજુ કંઈ થઈ શક્યું નથી."

ડૉક્ટરોની એક માગ એવી પણ છે કે મેડિકલ કૉલેજના પ્રોફેસરોને 10 વર્ષની નિયમિત સેવા પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવે.

ડૉક્ટરોના કહેવા પ્રમાણે, તેમની કેટલીક માગણીઓ વર્ષો જૂની છે અને સરકારે તેમને છેલ્લે સાતમી વખત ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.

'રાતદિવસ જોયા વિના દર્દીઓની સેવા કરી'

રજનીશ પટેલએ જણાવ્યું હતું ,"અમે ત્રણ-ત્રણ વખત અમે અલ્ટિમેટમ આપીને તેને આ જ કારણે પાછું ઠેલ્યું હતું."

"ગુજરાત મેડિકલ ટીચર્સ ઍસોસિયેશન, જીએમઈઆરસી ફેકલ્ટી ઍસોસિયેશન, ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર્સ ઍસોસિયેશન, ક્લાસ-ટુ મેડિકલ ઑફિસર્સ સહિતનાં પાંચ સંગઠનો મળીને હડતાલ પર ઊતરવાનું એલાન આપ્યું હતું."

કોરોનાની લહેર દરમિયાન જ હડતાળના એલાન અંગે તેમણે વાત કરતાં જણાવ્યું હતું, "ગરજ સરી એટલે વૈદ વેરી એવી કહેવત છે. પીક ઊતરી જશે એટલે સરકારના માથેથી દબાણ પણ દૂર થઈ જશે. તેમ છતાં અમારા સેક્રેટરી આરોગ્ય વિભાગમાં સામેથી મળવા ગયા હતા. પરંતુ એ લોકોને એમ લાગે છે કે ડૉક્ટરો ખાલી ધમકીઓ જ આપે છે. એટલે આ વખતે અમારે નાછૂટકે આંદોલન કરવું પડશે."

"એક અધિકારી ડૉક્ટરે રોષ ઠાલવતાં કહ્યું, "ડૉક્ટરોએ કોરોનામાં રાત-દિવસ જોયા વગર કામ કર્યું છે. મને ખબર નહોતી કે સાંજ સુધી હું જીવતો રહીશ કે નહીં. એવી પરિસ્થિતિમાં કામ કર્યું અને તેમના ન્યાયિક, દસ્તાવેજી અધિકારોને આપતા સરકારને જોર આવે છે."

ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે બીબીસી ગુજરાતી સાથે સરકારનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું "ઘણી બધી બાબતોમાં નિરાકરણ થઈ ગયું છે અને ડૉક્ટરોએ પણ એ બાબતોને સ્વીકારી છે. પેટાકમિટીની રચના જ એટલા માટે કરવામાં આવી છે કે ડૉક્ટરોની સમસ્યાઓનું સમાધાન આવે."

ગુજરાતની સ્થિતિ પર તબીબોની ચેતવણી

વધતા જતા કેસો મુદ્દે બુધવારે કોવિડ ટાસ્કફોર્સના નિષ્ણાતોએ પત્રકારપરિષદ ભરીને કેટલીક માહિતી આપી હતી.

ડૉ. સુધીર શાહે કૉમોર્બિડ (સહબીમારી) ધરાવતા દર્દીઓ તથા વયસ્ક દર્દીઓને વિશેષ કાળજી રાખવા માટે કહ્યું હતું અને રસીકરણ તથા બૂસ્ટર ડોઝ લેવા પણ અપીલ કરી હતી.

ડૉ. અતુલ પટેલના કહેવા પ્રમાણે, ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટા વૅરિયન્ટ જેટલો ઘાતક નથી. વળી, ડેલ્ટા વૅરિયન્ટ સમયે વૅક્સિનેશનનું પ્રમાણ ઓછું હતું. સઘન રસીકરણને કારણે હૉસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ઘટીને માત્ર એક-બે ટકા જેટલું જ રહેવા પામ્યું છે. તેમણે પ્રારંભિક તબક્કેથી જ સારવારમાં સ્ટિરૉઇડ નહીં આપીને મ્યુકરમાઇકૉસિસની સંભાવનાને ટાળવા માટે અનુરોધ કર્યો હતો.

તો ડૉ. દિલીપ માવળંકરે જણાવ્યું હતું કે "ગુજરાતમાં થયેલા વ્યાપક રસીકરણના કારણે ઓમિક્રોન વાઇરસનું ડિ-કપલિંગ થયું છે એટલે કે કોરોનાના કેસ વધવા છતાં પણ ઓક્સિજન કે આઈ.સી.યુ. અથવા વૅન્ટિલેટર પર સારવાર આપવાની જરૂરિયાત ઓછી જણાઈ છે."

"આ વાઇરસની ચેઇન તોડવા અને વાઇરસનું સંક્રમણ આગળ વધતું અટકાવવા માટે સરકારી દિશા-નિર્દેશોનો ચુસ્ત પણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે."

તેમણે એન-95 અથવા થ્રી લેયરના ડબલ માસ્ક પહેરવા પણ અનુરોધ કર્યો છે. બંધ વાતાવરણમાં વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાય છે ત્યારે વેન્ટિલેશનવાળી જગ્યાએ રહેવા તેમણે જણાવ્યું છે.

બિનજરૂરી ટેસ્ટિંગ કરાવવાનું ટાળવા પર ભાર

ડૉ. દિલીપ માવળંકરે દાવો કર્યો હતો કે વૈશ્વિક તારણોના આધારે કોરોનાની ત્રીજી લહેર બાદ આપણે કોરોના મહામારીના અંત તરફ આગળ વધીશું. જ્યારે કોઈ મહામારી તેના અંત તરફ આગળ વધે ત્યારે તેને ઍન્ડેમિક તરીકે ઓળખવામાં આવે છે.

તો ડૉ. વી.એન. શાહે લોકોને કોરોના સંલગ્ન ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓથી દૂર રહેવા અનુરોધ કરતા પ્રવર્તમાન સ્થિતિમાં પણ કોરોના અનુરૂપ વ્યવહારનું પાલન કરવા અને સરકારી દિશાનિર્દેશોને અનુસરવા અપીલ કરી છે.

કોરોનાના ઓમિક્રૉન સ્વરૂપથી થતાં શરદી-ઉધરસનાં લક્ષણને ફક્ત એક ફ્લુ ના સમજીને તેને ગંભીરતાથી લઈ ટેસ્ટ કરાવી તેને અનુરૂપ સારવાર કરાવવા સૂચન કર્યું હતું.

આપણે પેન્ડેમિકના અંત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બેદરકારી ના દાખવીને સાવચેતી રાખવા તેમણે કહ્યું હતું.

વૈશ્વિક અભ્યાસનો સંદર્ભ આપતા તેમણે જણાવ્યું કે, "વિશ્વમાં ઓમિક્રૉનથી સંક્રમિત થઈ આઈ.સી.યુ.માં દાખલ દર્દીઓમાં 80 ટકા લોકોએ વૅક્સિન ન લીધુ હોવાનું તારણ બહાર આવ્યું છે. જેથી કોરોનાનું રસીકરણ કરાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો."

તેમણે બિનજરૂરી કોરોના ટેસ્ટિંગ કરાવવાનું ટાળવા પર પણ ભાર મૂક્યો હતો.

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નાગરિકોને કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવા આહ્વાન કર્યું હતું અને દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર ઓમિક્રૉન વૅરિયન્ટને ફેલાતો અટકાવવા માટે શક્ય તમામ પગલાં લઈ રહી છે અને લોકો કોવિડની ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે.

પટેલે કહ્યું હતું કે નિષ્ણાતો દ્વારા જે સલાહ આપવામાં આવી રહી છે, તેની ઉપર રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે અને નાગરિકો પણ સાવચેતી માટે જરૂરી પગલાં લે તે જરૂરી છે.

આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને સૂત્રા મૉડલ પાછળનું મસ્તિષ્ક એવા મનીન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે આ અઠવાડિયે મહારાષ્ટ્ર, ગુજરાત અને હરિયાણામાં કોવિડ-19ની ત્રીજી લહેરની પીક આવશે.

આ સમાચારથી વિપરીત આગામી ગુરુવારથી સરકારી તબીબોએ પોતાની પડતર માગણીઓને લઈને હડતાળ પર ઊતરવાનું એલાન કર્યું છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે મંગળવારે પણ (18 જાન્યુઆરી) દૈનિક કોરોનાકેસમાં ઉછાળો આવ્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો