You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કોરોનાની દહેશત, સતત બીજા દિવસે 500થી વધુ કોરોનાના કેસ - TOP NEWS
ગુરુવારે સાંજે ગુજરાત સરકારના આરોગ્યખાતા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે 24 કલાકમાં રાજ્યમાં 573 કેસ નોંધાયા હતા.
જેમાંથી સૌથી વધારે 269 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. જ્યારે સુરત અને વડોદરા શહેરમાં અનુક્રમે 74 અને 41 કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે આ 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
જોકે ગુજરાતમાં બુધવારે પણ 500થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા.
પહેલી ટેસ્ટમૅચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાની હાર, રાહુલ મૅન ઑફ ધ મૅચ
ભારતે સેન્ચુરિયનમાં યોજાયેલી પ્રથમ ટેસ્ટમૅચમાં દક્ષિણ આફ્રિકાને 113 રનથી હરાવી દીધી છે. આ સાથે જ ત્રણ ટેસ્ટમૅચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે.
બીજી ઇનિંગમાં જીત માટે 305 રનના લક્ષ્ય સામે રમવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રન કરીને આઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી બુમરાહ અને શમીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે સિરાજ અને અશ્વિને બે-બે વિકેટ લીધી હતી.
આ મૅચની પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર રાહુલને પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત AAPના કાર્યકરોને જામીન મળ્યા
હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે થયેલા ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, ગુજરાતના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તથા અન્ય કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
ગુરુવારે ઈસુદાન, ગોપાલ ઇટાલિયા તથા અન્ય કાર્યકરોને આ કેસમાં જામીન આપવામાં આવ્યા હતા.
આ અંગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આપના ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણીએ ખરાઈ કરી હતી અને જણાવ્યું હતું કે "શરતી જામીન મળ્યા છે. જામીનની શરતો શું છે, એ માટે અમે ઑર્ડરની રાહ જોઈ રહ્યા છીએ."
સુરત : બાળકી સાથે દુષ્કર્મ મૃત્યુ નિપજાવવાના કેસમાં આજીવન કેદની સજા, દોષિતે જજ સામે ચંપલ ફેંક્યું
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર સુરતની એક સ્થાનિક કોર્ટે બુધવારે ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી મૃત્યુ નિપજાવવાના કેસમાં 27 વર્ષીય સુજિત સાકેત નામની વ્યક્તિને આજીવન કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.
નોંધનીય છે કે 30 એપ્રિલે દોષિતે ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અને માથા પર ઈંટ મારી તેનું મૃત્યુ નિપજાવ્યું હોવાની હકીકત પોલીસ અને ન્યાયિક તપાસમાં સામે આવી હતી.
અહેવાલ અનુસાર કોર્ટે 26 સાક્ષીઓ તપાસ્યા જ્યારે સંખ્યાબંધ પુરાવાની પણ તપાસ કરી હતી.
સમગ્ર ઘટના અંગે ઇન્ડિયા ટુડે ડોટ કૉમના એક અહેવાલ અનુસાર દોષિતે પોતે નિર્દોષ હોવાનો દાવો કરી જજ સામે ચંપલ પણ ફેંક્યું હતું.
આ ઘટના અંગે કોર્ટે બાળકીનાં માતાપિતાને 20 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ કર્યો હતો.
કર્ણાટકમાં પણ ગુજરાતની જેમ મંત્રીઓ બદલાશે?
એનડીટીવીના એક અહેવાલ અનુસાર કર્ણાટક ભાજપના ધારાસભ્ય એમ. પી. રેણુકાચાર્યે બુધવારે કહ્યું કે મોટા ભાગના ધારાસભ્યો કર્ણાટક કૅબનિટેમાં ગુજરાત જેવું પરિવર્તન થાય તેવી અપેક્ષા રાખે છે. તેમણે પાછલાં અમુક વર્ષોથી સતત મંત્રીઓ બનેલા નેતાઓને જાતે જ રાજીનામાં આપી નવા ચહેરાને તક આપવાની વાત કરી હતી.
તેમણે કહ્યું કે પક્ષ અને સરકારની શક્તિમાં વધારો થાય તે માટે નવા ચહેરા અને નવા વિચારો માટે અવકાશ કરવો આવશ્યક છે.
રેણુકાચાર્યે કહ્યું કે, "મોટા ભાગના ધારાસભ્યોની ઇચ્છા છે કે કર્ણાટકમાં પણ ગુજરાત મૉડલ અનુસરીને સંપૂર્ણ કૅબિનેટ બદલી દેવામાં આવે. જોકે, મુખ્ય મંત્રીના ચહેરા તરીકે બોમ્મઈ જ રહે, તેમાં કોઈ બેમત નથી."
તેમણે કહ્યું કે વર્ષ 2004, 2008 અને 2018માં જ્યારે પાર્ટી સત્તામાં આવી ત્યારે ત્યારે અમુક ચહેરા વાંરવાર મંત્રીઓ બન્યા છે.
આ સાથે જ એવી આશંકાઓ શરૂ થઈ ગઈ છે કે શું કર્ણાટકમાં પણ ગુજરાતવાળી થશે કે કેમ?
જોકે આ પ્રશ્નનો જવાબ સમય જતાં જ મળશે.
ઓમિક્રૉન અને ડેલ્ટા એક સાથે વિશ્વમાં કોરોનાની સુનામી માટે કારણભૂત : WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે કોરોના વાઇરસના ડેલ્ટા અને ઓમિક્રૉન વૅરિયન્ટ મળીને વિશ્વમાં કોવિડ-19ના નવા કેસોની ખતરનાક સુનામી લાવી રહ્યા છે.
સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડનૉમ ગેબ્રિયેસસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને યુરોપમાં કોરોના સંક્રમણના વિક્રમજનક કેસ નોંધાયા છે.
ફ્રાન્સમાં સતત બીજા દિવસે 2,08,000 મામલા નોંધાયા છે. સમગ્ર યુરોપમાં કોઈ દેશમાં એક દિવસમાં આટલો ચેપ ફેલાયો હોવાની બાબતે આ એક રેકૉર્ડ છે.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, અમેરિકામાં પાછલા અઠવાડિયે એક દિવસમાં સરેરાશ 2,65,427 કેસ નોંધાયા.
ડેનમાર્ક, પોર્ટુગલ, યુકે અને ઑસ્ટ્રેલિયામાં પણ સંક્રમણના રેકૉર્ડ આંકડા નોંધાયા છે.
પોલૅન્ડમાં બુધવારના રોજ કોવિડથી 794 મૃત્યુ થયાંની જાણકારી મળી જે મહામારીની ચોથી લહેરમાં સૌથી વધુ છે. મૃત્યુ પામનારાઓ પૈકી ત્રણ ચતુર્થાંશ કરતાં વધુ લોકોએ વૅક્સિન નહોતી મુકાવી.
ભારતમાં હાલ કુલ ઍક્ટિવ કેસ લગભગ 77હજાર છે. જે પૈકી 9,195 નવા કેસ 24 કલાકમાં સામે આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો