જીડીપીના આંકડાઃ શું કોરોનાના ફટકામાંથી ભારતીય અર્થતંત્રને મોદી સરકાર બહાર કાઢી શકી છે?
- લેેખક, આલોક જોશી
- પદ, આર્થિક વિશ્લેષક, બીબીસી હિન્દી
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરમાં ભારતનો જીડીપી 8.4 ટકા વધીને રૂપિયા 35 લાખ 73 હજાર કરોડ પર પહોંચી ગયો છે. આ ગ્રોથ અપેક્ષા કરતાં વધુ છે અને એ સાથે જ હવે ભારતની અર્થવ્યવસ્થા કોરોનાકાળ પૂર્વેની સ્થિતિએ પહોંચી ગઈ છે.
2019માં એપ્રિલથી જૂન દરમિયાન દેશના અર્થતંત્રનું કદ 35.66 લાખ કરોડ રૂપિયા હતું. તો શું હવે એમ કહી શકાય કે દેશનું અર્થતંત્ર કોરોના સંકટમાંથી મુક્ત થઈ ગયું છે?

ઇમેજ સ્રોત, SEAN GLADWELL/GETTY IMAGES
જુલાઈથી સપ્ટેમ્બર અર્થાત નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતના અર્થતંત્રમાં 8.4 ટકાની તેજીના અહેવાલ પ્રાપ્ત થયા છે.
એનાથી પાછલા ત્રિમાસિકના જીડીપીમાં 20.1 ટકાનો ઉછાળો થયો છે. પણ યાદ રાખવું જોઈએ કે ગયા વર્ષે આ જ બે ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઔપચારિક રીતે મંદીનો માહોલ હતો.
ગયા નાણાકીયવર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના અર્થતંત્રમાં 24.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને બીજા ત્રિમાસિકમાં 7.4 ટકાનો. દેશના આર્થિક વિકાસદરને એક વર્ષ પહેલાંના એ જ ત્રિમાસિક ગાળાના આંકડા સાથે સરખામણી કરીને માપવામાં આવે છે.
આ વખતની જે વૃદ્ધિ છે તે આ બે મોટાં ગાબડાંમાંથી બહાર નીકળવાની કોશિશમાત્ર છે.

કોરોના પૂર્વેની સ્થિતિ સાથે સરખામણી

ઇમેજ સ્રોત, BORIS JOVANOVIC/GETTY IMAGES
સાચું આકલન તો એ મુદ્દે કરી શકાય કે બે વર્ષ પહેલાં અર્થતંત્ર કઈ સ્થિતિએ હતું, ત્યાં પહોંચી શકાયું છે કે નહીં. વૃદ્ધિદરના મોટા આંકડા એ દર્શાવે છે કે કમ સે કમ એવું થઈ ગયું છે. અને છેલ્લા બે ત્રિમાસિકમાં આર્થિક વિકાસદર જે ઝડપથી વધ્યો છે એ દુનિયાનાં મોટાં અર્થતંત્રોમાં સૌથી વધારે તેજીની આસપાસ છે.
એક અંદાજ પ્રમાણે એમ કહી શકાય કે અર્થતંત્રની ગતિ અપેક્ષા કરતાં વધારે સારી દેખાય છે. રિઝર્વ બૅન્કને તો અપેક્ષા હતી કે આ ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિદર 7.9 ટકા જ રહેશે. આ જોતાં પ્રાપ્ત અહેવાલ સંતોષજનક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ એ પરબીડિયાને જોઈને પત્રનો અર્થ સમજવો મુશ્કેલ છે. મતલબ કે વાત એટલી સીધી નથી જેટલી એ દેખાય છે. જીડીપીના આંકડા સબ સલામત જેવા છે પણ એની પાછળ ઘણી ચિંતાઓ છુપાયેલી છે.

ચિંતાઓ કઈ છે?

ઇમેજ સ્રોત, REUTERS
સૌથી મોટી ચિંતા તો એ છે કે અર્થતંત્રમાં જે સુધારો કે ઉછાળો જોવા મળી રહ્યો છે એમાં આખા દેશની એકસમાન ભાગીદારી નથી. આ વાત સમજવા માટે જીડીપીના આંકડાને થોડા વિસ્તારીને કે પછી તોડીને જોવાની જરૂરી છે.
કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતના અર્થતંત્ર માટે સૌથી મોટો આધાર ખેતી અને એની સાથે સંકળાયેલાં કામો એટલે કે કૃષિક્ષેત્ર રહ્યું છે. આ વખતના આંકડા પણ આ જ દર્શાવે છે. કૃષિક્ષેત્રે 4 ટકાની વૃદ્ધિ છે. અને બે વર્ષનો હિસાબ માંડીએ તો આ વૃદ્ધિ 7.5 ટકા થાય છે.
પણ, એની સાથે જ આશા તો એવી હતી કે સર્વિસ સેક્ટરમાં પણ વૃદ્ધિ જોવા મળશે અને મેન્યુફેક્ચરિંગ પણ આની આસપાસ રહેવાની ધારણા હતી. પરંતુ સૌથી વધારે ચિંતાજનક અહેવાલ સર્વિસિસ સેક્ટરના મળ્યા છે.
જ્યારે ઇકૉનૉમીને ત્રણ મોટા ભાગમાં વહેંચીને તેનો અભ્યાસ કરવામાં આવે છે તો એમાં સર્વિસ સેક્ટર એકલું એવું છે જે હજુ પણ બે વર્ષ પહેલાંની સ્થિતિએ નથી પહોંચી શક્યું. આ મોટી ચિંતા એટલા માટે પણ છે કેમ કે દેશના જીડીપીના 57 ટકા એકલા આ ક્ષેત્રના ગણાય છે.

સર્વિસ સેક્ટરની ધીમી ગતિ

ઇમેજ સ્રોત, Getty Images
એમાં પણ ટ્રૅડ, હોટેલ, ટ્રાન્સપૉર્ટ અને કમ્યુનિકેશન્સ સૌથી ખરાબ સ્થિતિમાં રહ્યા. આ બધાં ક્ષેત્રમાં અત્યારે બે વર્ષ પહેલાંની સરખામણીએ લગભગ 10 ટકાની ઘટ જોવા મળી રહી છે. કારણ કદાચ એ જ છે કે કોરોનાના લીધે લાગુ કરાયેલા લૉકડાઉનનો સૌથી મોટો ફટકો આ ક્ષેત્રોને જ પડ્યો હતો અને એના પર લાગેલા પ્રતિબંધો પણ સૌથી છેલ્લે દૂર કરાયા અથવા હવે હઠાવાઈ રહ્યા છે.
ગયા ત્રિમાસિકમાં આ ક્ષેત્રોના કારોબારમાં 34.3ટકાની વૃદ્ધિ હતી અને આ બીજા ત્રિમાસિકમાં પણ 8.2 ટકાનો વધારો થયો છે. તેમ છતાં બે વર્ષ પહેલાંની સરખામણીએ એ હજી પણ લગભગ 10 ટકા નીચે જ છે.
આ ક્ષેત્રમાં દેશના નાના અને મધ્યમ વેપારીઓનો સૌથી મોટો વર્ગ છે. જીડીપીમાં એની ભાગીદારી લગભગ 17 ટકા જેટલી હોય છે, પણ આ સમયે તો લાગે છે કે ઇકૉનૉમીની ‘કે શેપ્ડ રિકવરી’માં આ ક્ષેત્રો ‘કે’ની નીચલી લાઇન દોરે છે.
અર્થશાસ્ત્રીઓ માને છે કે આ જ હાલ રહ્યા તો આ વર્ષના અંત સુધીમાં પણ એ કોરોના પૂર્વેના સ્તરે નહીં પહોંચી શકે. અને ક્યાંક કોરોનાના નવા ફટકાની આશંકા વધી ગઈ તો એની હાલત વધારે ખરાબ થઈ શકે છે.

લોકો પૈસા વાપરે છે કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ ખર્ચના મોરચે પણ કંઈ સારી સ્થિતિ જોવા નથી મળતી. નિજી ખર્ચ અર્થાત્ ‘પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર’ને એક મહત્ત્વપૂર્ણ આંકડો માનવામાં આવે છે. એ એમ દર્શાવે છે કે સરકાર ઉપરાંત દેશના લોકો કેટલો ખર્ચ કરે છે.
આ આંકડામાં ચાલુ વર્ષે લગભગ 8.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. પરંતુ જેવા તમે બે વર્ષ પહેલાંનો ખર્ચ સામે મૂકશો તો જોશો કે એમાં પણ લગભગ 10%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એ થયો બિનસરકારી ખર્ચ.
અને સરકારી ખર્ચ એટલે કે ‘ગવર્નમેન્ટ ફાઇનલ કન્ઝમ્પશન’ તો બે વર્ષની તુલનાએ અંદાજે 17 ટકા નીચો છે.
અને આ ત્યારે છે જ્યારે જીડીપીના આંકડામાંથી પહેલી વાર અર્થશાસ્ત્રીઓ પરિણામો મેળવી રહ્યા છે કે જીએસટી કે અપ્રત્યક્ષ કરમાંથી સરકારને જેટલી આવક થઈ રહી છે એના કરતાં સબસિડી પર વધારે ખર્ચ થાય છે.

સબસિડી પર ખર્ચ

ઇમેજ સ્રોત, Getty Images
આ ખર્ચ ક્યાં ક્યાં થાય છે એ તો જોવું પડશે પણ એ પહેલાં એક વાત પહેલેથી સ્પષ્ટ થઈ ચૂકી છે.
બજેટમાં સરકારે મનરેગા માટે જેટલી રકમ ફાળવી હતી એ ખર્ચાઈ ચૂકી છે અને તાજેતરમાં જ સરકારે બીજા 10 હજાર કરોડ રૂપિયા એના માટે ફાળવ્યા છે. નક્કી છે કે આ રકમ પણ ઓછી પડશે.
અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે મનરેગામાં કામ માટે વધુ માગ થવાનો સીધો અર્થ એ છે કે ખાસ કરીને ગામડાંનાં લોકોને વધુ કામ નથી મળતું. આ માત્ર સરકાર માટે આર્થિક ચિંતાનું કારણ નથી બલકે એ વાતનો સંકેત પણ છે કે સમાજમાં બધું ઠીકઠાક નથી.
અને એવા સંકેત બીજા ક્ષેત્રમાં પણ જોવા મળી રહ્યા છે. કારના વેચાણની સરખામણીએ દ્વિચક્રી વાહનોનાં વેચાણ ઘટી રહ્યાં છે. અર્થાત્, સમાજના નીચલા સામાન્ય વર્ગમાં તકલીફો વધારે છે.
વેપારમાં સુધારો થતાં રોજગારીની તક વધે છે પણ હજી તો નિજી ક્ષેત્રોના રોકાણ કરવાનો ઉત્સાહ જન્માવે તેવા આંકડા જોવા નથી મળતા.
અને સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધીના આંકડા તો એટલા માટે ચમકદાર લાગે છે કેમ કે એની સરખામણી ગયા વર્ષના એ સમય સાથે થાય છે જે અત્યાર સુધીના ઇતિહાસનો કદાચ સૌથી વિકટ તબક્કો હતો.
નીચલી સપાટી પરના આંકડાની સામે એ અત્યારે તો ખૂબ સારા દેખાય છે પણ હવે આગળનો માર્ગ એટલો સરળ નહીં હોય એટલે આવનારા વર્ષના ગ્રોથના આંકડા કદાચ આટલા સોનેરી નહીં હોય.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












