T20 World Cup India v Pakistan : વિરાટ કોહલીની આગેવાનીમાં ભારત પાકિસ્તાનને હરાવી શકશે?

    • લેેખક, શારદા ઉગ્રા
    • પદ, સ્વતંત્ર સ્પૉર્ટ્સ પત્રકાર, બીબીસી માટે

વિરાટ કોહલી ભારતની ટી-20 ક્રિકેટ ટીમના કૅપ્ટન તરીકેની તેમની નવ વર્ષની કારકિર્દી પર વર્તમાન વિશ્વકપ પછી પૂર્ણવિરામ મૂકશે.

સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં છેલ્લા એક સપ્તાહથી ટી20 વિશ્વકપ ટુર્નામેન્ટ ધૂમ મચાવી રહી છે. તેમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મૅચ તો ફટાકડાના જંગી બૉક્સ જેવી હોય છે.

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલીનું આક્રમક નેતૃત્વ ભારતીય ટીમ માટે ઘણી વાર પ્રેરણા બન્યું છે

આઈસીસી વર્લ્ડ ટી-20 ઇન્ટરનેશનલ રેંકિંગમાં ભારત, ઇંગ્લૅન્ડ પછીના બીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની હોય ત્યારે આ રેંકિંગનો ભાગ્યે કોઈ અર્થ હોય છે.

આ બન્ને ટીમોનું રેકિંગ ભલે ગમે તેવું હોય પણ તેમની વચ્ચેની મૅચ હંમેશાં ચરમ રસાકસીભરી જ હોય છે.

આમ પણ ટી-20 ઇન્ટરનેશનલ રેંકિંગમાં તો માત્ર ટીમનું સ્થાન જણાવતી હોય છે. છેલ્લાં બે વર્ષમાં ફ્રન્ટલાઇન ટીમો પૈકીની બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો ભારતની સરખામણીએ થોડી ઓછી ટી-20 મૅચો રમી છે.

એ સમયગાળામાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના ક્રિકેટરો કસદાર વૈશ્વિક ટી-20 ફ્રેન્ચાઈઝમાં ફૂટી નીકળ્યા છે. તેઓ જીતની સરખામણીએ વધારે મૅચો હાર્યા છે, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. ટી-20 ઇન્ટરનેશનલમાં જીતવા લાયક એકમાત્ર પુરસ્કાર આવતા મહિને આપવામાં આવશે.

ભારતીય ટીમના કિસ્સામાં "વિરાટ માટે વિજય" મિશને આ ટુર્નામેન્ટને સર્વોચ્ચ અગ્રતા આપી છે, કારણ કે વિરાટ કોહલી માટે આ ટુર્નામેન્ટ, કૅપ્ટન તરીકે ભારતીય ટીમનું નેતૃત્વ કરીને તેને વિજેતા બનાવવાની એકમાત્ર તક છે.

line

વિરાટ કોહલીની ટીમ

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 32 વર્ષના કોહલીએ ભારત વતી 90 ટી20 મૅચ રમીને 3,159 રન નોંધાવ્યા છે

ભારતીય ક્રિકેટ ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ટીમના કપ્તાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત વિરાટ કોહલીએ કરી તે પછી તેના પરનું ફૉક્સ સઘન બન્યું છે.

છેલ્લો ટી-20 વર્લ્ડકપ રમાયો તેને પાંચ વર્ષ થયાં. 2016ના એ વર્લ્ડકપમાં કોહલી પ્લેયર ઑફ ટુર્નામેન્ટ બન્યા હતા અને ભારતીય ટીમનું નેતૃત્વ મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું હતું. તેમાં ચેમ્પિયન બનેલા વેસ્ટ ઇન્ડીઝ સામે સેમિફાઈનલમાં ભારતીય ટીમ હારી ગઈ હતી.

એ સમયે કોહલી ઉપરાંત રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શામી અને જસપ્રીત બુમરાહનો ટીમનો હિસ્સો હતા.

આ અર્ધો ડઝનથી વધુ ખેલાડીઓ આ વખતે પણ વર્લ્ડકપ રમવાના છે. મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમના મૅન્ટર એટલે કે માર્ગદર્શક તરીકે કામ કરવાના છે ત્યારે વિશ્વવિજેતા બનવાનું કૌશલ્ય પણ તેમાં ઉમેરાશે એવી આશા છે.

વર્લ્ડકપ કઈ રીતે જીતવા તે ધોની સારી રીતે જાણે છે અને ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે ધોનીને કોહલીના 'કૅપ્ટન્સી કોચ'ની ઉપમા ચતુરાઈપૂર્વક આપી છે.

કોહલીના વડપણ હેઠળની ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં કેટલાક ટી-20 કૅપ્ટનો તો પહેલેથી જ છે. તેમાં પાંચ વખત આઈપીએલ જીતી ચૂકેલા રોહિત શર્મા અને કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન તથા રિષભ પંતનો સમાવેશ થાય છે.

ભુવનેશ્વરકુમારની ગણતરી પણ કરીએ તો આવા કૅપ્ટનોની કુલ સંખ્યા પાંચ થાય. કૅન વિલિયમસન ઘાયલ થયા ત્યારે ભુવનેશ્વરકુમાર સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટેન્ડ ઇન કૅપ્ટન હતા.

line

ભારતીય ક્રિકેટરોની શાખ દાવ પર

મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ટીમે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં 2007માં સૌપ્રથમ ટી20 વર્લ્ડકપ જીત્યો હતો

ટી-20 ક્રિકેટનું એક એવું ફૉર્મેટ છે કે જેમાં કૅપ્ટનની વ્યૂહાત્મક આવડત પર બધાની સતત નજર રહેતી હોય છે. આ એક જ માપદંડ અને ફૉર્મેટ છે, જેમાં પ્રભાવશાળી ભારતીય ક્રિકેટરોની શાખ દાવ પર લાગતી રહે છે.

ધોનીએ આઈપીએલની 203 મૅચોમાં ચેન્નાઈ સુપર કિંગ્ઝનું નેતૃત્વ કર્યું છે, જ્યારે ધોનીએ આઈપીએલ ટીમનું નેતૃત્વ 140 મૅચોમાં કર્યું છે. આ બે સિવાય ત્રીજો કોઈ ક્રિકેટર આવો અનુભવ ધરાવતો નથી, પરંતુ ધોનીથી વિપરીત કોહલીનો હાર-જીતનો રેકૉર્ડ 64-69નો છે. તે એક સ્પર્ધક તરીકે કોહલી માટે ચિંતાનું કારણ છે.

કોહલી બીજા કોઈ કૅપ્ટનની દોરવણી સ્વીકારશે નહીં, પરંતુ ધોનીની ઉપયોગિતાને તે બરાબર જાણે છે.

ધોની કોહલીના નેતૃત્વમાં 75 વાઇટ-બૉલ મૅચો રમ્યા છે અને તેઓ કોહલીના કુલ પૈકીના 50 ટકાથી વધુ વાઇટ-બૉલ શ્રેણી વિજયનો હિસ્સો બની રહ્યા છે.

ધોની રમતના મેદાનમાં કોહલીના કાન નહીં બની શકે, પરંતુ ક્રિકેટ પીચ વિશેની તેમની જાણકારી તથા ટીમની પસંદગી સંબંધી તેમની સલાહ ભારતીય ટીમને સ્માર્ટ રમતમાં મદદરૂપ થશે.

આ ટુર્નામેન્ટમાં દરેક મૅચ જીતવી અનિવાર્ય હોય છે અને વિજેતાપદ લૉટરી જેવું હોય છે ત્યારે ધોનીનો પ્રત્યેક શબ્દ મહત્ત્વનો ગણવો જોઈએ.

line

ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહ્યું?

મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ધોની આ વખતે ભારતીય ટીમના મૅન્ટર તરીકે કામ કરશે

ટી-20 ફ્રેન્ચાઇઝી લીગમાં આઈપીએલના પ્રાધાન્યને જોતાં એ વાતનું આશ્ચર્ય થઈ શકે કે 2007ના વિજય પછી ભારતીય ટીમે આ ફૉર્મેટમાં પ્રાવિણ્ય કેમ મેળવ્યું નથી અને વધુ ટી-20 વર્લ્ડકપ ટુર્નામેન્ટ્સ કેમ જીતી નથી.

તેનું કારણ એ છે કે આ ટુર્નામેન્ટ આઈસીસીની સૌથી વધુ સ્પર્ધાત્મક ઇવેન્ટ છે અને તેમાં વિજેતા બનવા માટે ઠંડુંગાર દિમાગ તથા કુશળતાભરી રમત જરૂરી હોય છે.

ટ્વેન્ટી-20ની પ્રકૃતિ જ પરંપરાગત ધારણાઓના ભુક્કા બોલાવવાની છે. તેમાં ખેલાડીના રેકૉર્ડ્ઝ કે પ્રતિષ્ઠાનું કોઈ મહત્ત્વ હોતું નથી. તે ખેલાડીની ક્ષમતાને પારખે છે તથા પ્રોત્સાહિત કરે છે.

ટ્વેન્ટી-20માં દર બે-ત્રણ વર્ષે ટ્રેન્ડ બદલાય છે, પરંતુ તેમાં જે બાબત ટ્રેન્ડમાં હોય તે પણ સફળતાની રામબાણ ચાવી હોતી નથી, કારણ કે તે પરિસ્થિતિ પર આધારિત હોય છે.

તેમાં પ્રત્યેક મૅચમાં બદલાતી જરૂરિયાતો સાથે તાલ મિલાવવો અનિવાર્ય હોય છે. એક સમયે એવી ધારણા હતી કે આદર્શ ટ્વેન્ટી-20 ટીમમાં જોરદાર ફટકાબાજી કરી શકે તેવા બૅટ્સમૅન તથા કૌશલ્યવાન સ્પિનર્સ તથા ઝડપી બૉલરો હોવા જરૂરી છે.

સંયુક્ત આરબ અમીરાતને બાદ કરતાં સ્લો પીચનો અર્થ એવો થાય કે માત્ર શક્તિશાળી ખેલાડીઓ હોય એટલું પૂરતું નથી, કૌશલ્યસભર બેટિંગ કરવી પણ જરૂરી છે.

ફાસ્ટ બૉલરોને પ્રતિસ્પર્ધી ટીમના બૅટ્સમૅનો ઝૂડી નાખે એવું બની શકે. સિક્કા પર બૉલનો ટપ્પો પાડી શકવા સમર્થ સ્લૉ-બૉલરો પણ બૅટ્સમૅનની બન્ને તરફ બૉલ સ્વિંગ કરી શકતા બૉલરો જેટલા જ મૂલ્યવાન છે.

હવે ડાબોડી ફાસ્ટબૉલર ટીમમાં જરૂરી છે, પણ ભારતે થંગારાસુ નટરાજનની પસંદગી કરી નથી અને ખલીલ અહમદ ઇન્જર્ડ છે.

line

વિરાટ કોહલી પાસે સર્વોત્તમ તક

મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્વેન્ટી-20ની પ્રકૃતિ જ પરંપરાગત ધારણાઓના ભુક્કા બોલાવવાની છે

ભારતીય ટીમની પસંદગી આઈપીએલમાં પ્રદર્શનના સંદર્ભમાં 28 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી, પણ ભારતના સૌથી વધુ સફળ ટી-20 ઇન્ટરનેશનલ બૉલર યુજવેન્દ્ર ચહલને બદલે વરુણ ચક્રવર્તીની પસંદગી કઈ રીતે કરવામાં આવી તે રહસ્ય ઉકેલાયું નથી, પરંતુ સ્લો-બૉલિંગ ઑલરાઉન્ડર અક્ષર પટેલના સ્થાને ઝડપી બૉલર અને ફટકાબાજ શાર્દૂલ ઠાકુરની પસંદગીથી ટીમના ઝડપી બૉલરોની સંખ્યા ત્રણથી વધીને ચાર થઈ છે.

એ વાત પણ યાદ રાખજો કે ભારતની પાંચમાંથી ચાર મૅચ દુબઈમાં રમાવાની છે. આઈપીએલમાં બીજો દાવ લેનારી ટીમો ત્યાં સફળ થઈ છે. તેથી તેનું પુનરાવર્તન શક્ય છે.

ભારતીય ટીમ પાસે અત્યંત મજબૂત બૅટ્સમૅનો છે અને તેઓ કોઈ પણ લક્ષ્યને હાંસલ કરી શકે તેમ છે.

પરંતુ ટૉસ હારી જઈએ અને ટાર્ગેટ નક્કી કરવાનો હોય તો ધોની બધાને આઈપીએલની ફાઇનલ મૅચ જરૂર યાદ કરાવશે. શિખર ધવનને પડતા મૂકવામાં આવ્યા છે, પરંતુ તેની સામે કેએલ રાહુલ પાસેથી સારી બેટિંગની આશા રહેશે.

મોટી ટુર્નામેન્ટ્સમાં દમદાર બેટિંગની રોહિત શર્માની ભૂખ અને ઈશાન કિશન તથા સૂર્યકુમાર યાદવના કૌશલ્યને પણ ટી-20 વર્લ્ડકપમાં જોવાની આતુરતા રહેશે.

આખરે સતત પુછાતો સવાલઃ વિરાટ શું કરશે? ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપના ટાઇટલની પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. બીજા ક્રમે ઇંગ્લૅન્ડ છે, પરંતુ દરેક મોટી ટીમ વિજેતા બનવાના તમામ પ્રયાસ કરશે.

જોકે, ટી-20 ક્રિકેટ વિશ્વને આખરી સલામ કરવાની જીવનની સર્વોત્તમ તક તો માત્ર વિરાટ કોહલીને જ મળશે.

(શારદા ઉગ્રા બેંગ્લુરુસ્થિત સ્વતંત્ર સ્પૉર્ટ્સ પત્રકાર છે)

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો