Ind Vs Pak T20 world cup: ટી20 વર્લ્ડકપમાં ભારતનો હાથ ઉપર પણ પાકિસ્તાનથી ચેતવા જેવું કેમ છે?
ટી20 વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતનો વર્લ્ડકપ શરૂઆતથી રોમાંચક બની જવાનો છે તેની ગૅરંટી એટલા માટે આપી શકાય કેમ કે ભારત તેની પ્રથમ મૅચમાં જ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાનું છે.
પાકિસ્તાનની ટીમ તેના 1980 કે 1990ના દાયકા જેવી મજબૂત નથી તેમ છતાં આખરે તે પાકિસ્તાની ટીમ છે અને ભારત સામે રમતી વખતે તે હંમેશાં અલગ જ પ્રકારના ફોર્મમાં આવી જતી હોય છે.

ઇમેજ સ્રોત, Matthew Lewis-ICC
ભારત અને પાકિસ્તાન આ વખતે એક જ ગ્રૂપમાં સામેલ છે અને તેમાંય બંને વચ્ચેના મુકાબલા સાથે જ કોહલી અને બાબર આઝમની ટીમના અભિયાનનો પ્રારંભ થશે.
ટી20 કે વન-ડે વર્લ્ડકપના ઇતિહાસ પર નજર કરીએ તો આ મેગા ઇવેન્ટમાં ભારતનો હાથ હંમેશાં ઉપર રહ્યો છે તેમ છતાં દર વખતની માફક આ વખતે પણ વિરાટ કોહલી કે તેની ટીમના સાથીઓ સાવચેતી તો રાખશે જ કેમ કે હરીફ ટીમ ગમે ત્યારે પ્રહાર કરવા માટે જાણીતી છે.

ભારતને ફાયદો

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતકાળની વાત કરતાં અગાઉ બંને ટીમની તાકાત અને નબળાઈઓ પર એક નજર કરવી જરૂરી છે.
વિરાટ કોહલીની ટીમ પાસેથી એક ભારતીય તરીકે ટાઇટલ જીતવાની અપેક્ષા રખાય તે સ્વાભાવિક છે પરંતુ તે તો દરેક ટુર્નામેન્ટ કે સિરીઝ અગાઉ રખાતી હોય છે પણ વાસ્તવિક તકો કેટલી છે તે પણ જોવાનું રહેશે.
આ વખતનો વર્લ્ડકપ ભારતને ફાળવાયો હતો પરંતુ કોરોનાને કારણે દેશમાં ટુર્નામેન્ટ યોજવી શક્ય ન હોવાથી કપ યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજવાનો નિર્ણય લેવાયો.
આમ ભારતને થોડો લાભ એ રીતે થશે કે તાજેતરમાં જ અમિરાતના મેદાનો પર જ ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થયું હતું જેમાં વર્તમાન ભારતીય ટીમના તમામ સદસ્યો રમ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આઈપીએલમાં દેખાયું ટ્રેલર

ઇમેજ સ્રોત, IPL
આઈપીએલમાં ઘણા ખેલાડીના ફોર્મે નિરાશ કર્યા છે, ખાસ કરીને ઑલરાઉન્ડર હાર્દિક પણ ભારત માટે ચિંતાનો વિષય છે.
આ ઉપરાંત કેટલાક ખેલાડી એવા છે જેમની પાસે ટી20 ઇન્ટરનેશનલ રમવાનો અનુભવ ઓછો છે અથવા તો નજીકના ભૂતકાળમાં તેઓ ટી20મા રમ્યા જ નથી.
આ બાબત (આઈપીએલને બાદ કરીએ તો) વિરાટ કોહલી અને રોહિત શર્મા પર પણ લાગુ પડે છે.
તેઓ તાજેતરમાં ટેસ્ટ રમ્યા છે પણ ટી20મા રમ્યા નથી. ટી20 વર્લ્ડ કપ રમાનારા 15 ખેલાડીમાંથી નવ ખેલાડી તો ઇંગ્લૅન્ડમાં હતા તો શ્રીલંકા સામેની ટી20 સિરીઝના પરફૉર્મન્સને આધાર બનાવવાનો સવાલ જ પેદા થતો ન હતો.

ઇમેજ સ્રોત, NurPhoto
આ સંજોગોમાં આઈપીએલ પર જ આધાર રાખવો પડે તેમ છે.
મિડલ ઑર્ડરમાં સૂર્યકુમાર યાદવ કે ઇશાન કિશન કોઈ સંજોગોમાં ટીમ માટે ફિટ બેસે તેમ નથી.
ઇશાન કિશને મુંબઈ ઇન્ડિયન્સ માટે છેલ્લી બે મૅચમાં જે પ્રદર્શન કર્યું તેને કારણે તેઓ રાતોરાત હીરો બની ગયા છે પણ એ સિવાય છેક છેલ્લી ઘડી સુધી તેને ટકાવી રાખવા અંગે શંકા હતી.
આવી જ રીતે સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં ટકાવી રાખવાનો નિર્ણય યોગ્ય નથી રહ્યો કેમ કે મુંબઈના આ બેટ્સમૅને સમગ્ર આઈપીએલમાં નિરાશ કર્યા છે.
આમ પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો આધાર વિરાટ કોહલી અને રોહિત શર્મા રહેશે. ભારતનુ જમાપાસું એ છે કે લોકેશ રાહુલ શાનદાર ફૉર્મમાં છે.
રાહુલે લગભગ તમામ મૅચમાં પોતાની હાજરીની નોંધ લેવાય તેવો દેખાવ કર્યો છે. તેઓ આક્રમક બેટ્સમૅન છે અને રોહિત સાથે મળીને ઝંઝાવાતી પ્રારંભ કરી શકે છે.
કોહલીનો એક અલગ જ ક્લાસ છે તે મૅચ પ્રૅક્ટિસ ધરાવતા હોય કે નહીં તેનાથી ખાસ ફરક પડતો નથી.

પાકિસ્તાન કેટલું તૈયાર?

ઇમેજ સ્રોત, GARETH COPLEY-ICC/ICC VIA GETTY IMAGES)
બૉલિંગમાં ભારત મજબૂત છે. તેણે ભલે ઇંગ્લૅન્ડ સામેની વૉર્મઅપ મેચમાં 180થી વધુ રન આપી દીધા પણ તેમ છતાં જસપ્રીત બુમરાહ કે મોહમ્મદ શમી અત્યારે વિશ્વના સર્વોત્તમ બૉલર છે.
આ ઉપરાંત અમિરાતની વિકેટોને ધ્યાનમાં રાખીએ તો રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન જેવા સ્પિનર કમાલ કરી શકે તેમ છે.
ભારતને પાંચમા બૉલરની તકલીફ નડી શકે તેમ છે કેમ કે હાર્દિક પંડ્યા બૉલિંગ કરવાના નથી.
શાર્દુલ ઠાકુરને છેલ્લી ઘડીએ અક્ષર પટેલને સ્થાને ટીમમાં સામેલ કરાયા છે. શાર્દુલ ટીમને બ્રેક અપાવવા માટે જાણીતા છે.
આ સંજોગોમાં બની શકે કે ભારત પાંચને બદલે છ બૉલર સાથે મેદાનમાં ઉતરે.
બીજી તરફ પાકિસ્તાન પાસે પણ પ્રભાવશાળી ખેલાડીઓની ફોજ છે. કૅપ્ટન બાબર આઝમ અત્યારે વિશ્વના સર્વશ્રેષ્ઠ બૅટ્સમેનની હરોળમાં સ્થાન ધરાવે છે.
એક સમયે તો વિરાટ કોહલી, સ્ટિવ સ્મિથ અને બાબર આઝમ લગભગ એક સમાન ઝડપે આગળ ધપી રહ્યા હતા પરંતુ પાકિસ્તાની ક્રિકેટના વિવાદ અને મૅચ રમવાની ઓછી તકોને કારણે આઝમ થોડા પાછળ રહી ગયા છે તેમ છતાં તેમની પ્રતિભામાં કોઈ ખામી દેખાતી નથી.
ખરો મુકાબલો તો ભારતની બૅટિંગ અને પાકિસ્તાનની બૉલિંગ વચ્ચેનો છે. આ બેમાંથી જે ચડિયાતો દેખાવ કરશે તે મૅચ જીતી જશે તેમાં શંકા નથી.
વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, ઋશભ પંત અને હાર્દિક પંડ્યા સામે બૉલિંગમાં શાહિન આફ્રિદી, હસન અલી અને હૅરિસ રઉફ જેવા ઝડપી બૉલર છે તો પાકિસ્તાન પાસે બે અનુભવી ઑલરાઉન્ડર છે જેનાથી ભારતે ચેતવાનું છે.
એક છે મોહમ્મદ હાફીઝ અને બીજો શોએબ મલિક. આ બંને મિડલ ઓવર્સમાં અત્યંત ચુસ્ત બૉલિંગ કરવા માટે જાણીતા છે.
આઠમી ઓવરથી 15મી ઓવર દરમિયાન આ બંને બૉલર સમસ્યા સર્જી શકે છે.
આ એવો તબક્કો છે જ્યારે ટીમને સેટ થઈ જવાનું હોય છે પરંતુ મલિક કે હાફીઝ જો બેટ્સમૅનને સેટ થવા દે નહીં તો ભારતને તકલીફ પડશે.

મૅચમાં ગમે ત્યારે બદલાઈ શકે છે પાસું

ઇમેજ સ્રોત, Stu Forster
પાકિસ્તાની બૅટિંગમાં બાબર આઝમ ઉપરાંત આસિફ અલી અને હૈદર અલી એટલા જ પ્રતિભાશાળી છે. તેમને અંકુશમાં રાખવા માટે ભારતે ખાસ રણનીતિ ઘડવી પડશે.
બંને ટીમનું વર્તમાન ફોર્મ જોતાં ભારતીય ટીમ સામે પાકિસ્તાન તરફથી કોઈ જોખમ નથી પણ ટી20 ક્રિકેટમાં ગમે ત્યારે પરિણામ પલટાઈ જતું હોય છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટાભાગે તો વર્લ્ડકપમાં જ મૅચ રમાતી હોય છે પણ ઓવરઓલ જોઈએ તો બંને વચ્ચે કુલ આઠ ટી20 ઇન્ટરનેશનલ મૅચ રમાઈ છે જેમાંથી ડિસેમ્બર 2012ની દ્વિપક્ષીય સિરીઝની બેંગલોરની મૅચને બાદ કરતાં પાકિસ્તાન તમામ મૅચ હાર્યું છે.
આમ ભારતે સાત મૅચ જીતી છે જેમાંથી પાંચ મૅચ તેણે ટી20 વર્લ્ડકપમાં જીતી છે.
સૌથી રોમાંચક મેચ 2007ના વર્લ્ડકપની કિંગ્સમીડ, ડરબન ખાતેની હતી જે ટાઈ થયા બાદ ભારતે બૉલ-આઉટમાં જીતી હતી.
છેલ્લે 2016માં કોલકાતા ખાતે રમાયેલી મૅચમાં ભારતે પાકિસ્તાનને 118 રનમાં આઉટ કરીને છ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. એ વખતે કૅપ્ટન ધોની હતા.
આ વખતની મૅચમાં ફરક એટલો જ છે કે કૅપ્ટન કોહલી છે અને ધોની ડગઆઉટમાં ટીમના મૅન્ટર તરીકે જોવા મળશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













