You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય સૈન્યના એ જનરલ જેમણે ઇન્દિરા ગાંધીની મિટિંગ છોડી અને માણેકશૉ સાથે ટક્કર ઝીલી
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
1971ના યુદ્ધ દરમિયાન હંમેશાં એ બીક રહેતી હતી કે પાકિસ્તાન તરફથી હસ્તક્ષેપ કરીને ચીન ક્યાંક ભારત પર હુમલો ન કરી દે.
આ પરિસ્થિતિનો સામનો કરવા માટે જનરલ માણેકશૉએ 167, 5 અને 123 માઉન્ટેન બ્રિગેડને ભુતાનની સરહદ પર ગોઠવી દીધી હતી.
પૂર્વીય કમાનના ચીફ ઑફ સ્ટાફ જનરલ જૅકબે દિલ્લીમાં સેના મુખ્યાલયમાં ડાયરેક્ટર જનરલ (મિલિટરી ઑપરેશન) જનરલ ઇંદરજિતસિંહ ગિલને જાણ કરી કે તેઓ આ બ્રિગેડ્સને ત્યાંથી હઠાવીને તેને બાંગ્લાદેશની લડાઈમાં મોકલી રહ્યા છે.
માણેકશૉના વિરોધ છતાં ઇંદર આ પ્રસ્તાવ માટે તૈયાર થઈ ગયા. જ્યારે પૂર્વીય કમાનના વડા જનરલ જગજિતસિંહ અરોડાને આ બાબતની જાણ થઈ ત્યારે તરત જ એમણે માણેકશૉને આ વિષયની જાણ કરી.
બે કલાકમાં જ માણેકશૉનો જવાબ આવ્યો, "મેં કોઈ મહિલા કરતાં પણ વધારે તમારું ધ્યાન રાખ્યું છે. તમને કોણે કહ્યું કે એ બ્રિગેડ્સને ઉત્તરી સરહદથી હઠાવી લેવાય? તમે તરત જ એમને એ જ જગ્યાએ પાછી મોકલશો."
આ સાંભળતાં જ જનરલ અરોડાના પગ નીચેની ધરતી સરકી ગઈ. જનરલ માણેકશૉનો સંદેશો હાથમાં લઈને તેઓ જનરલ જૅકબના ઓરડામાં દાખલ થયા.
જનરલ જૅકબે પોતાના પુસ્તક 'સરેન્ડર એટ ઢાકા બર્થ ઑફ અ નૅશન'માં લખ્યું છે કે, "મેં ઇંદર ગિલને ફોન કરીને કહ્યું કે અમે એ બ્રિગેડ્સને પાછી નહીં મોકલી શકીએ, કેમ કે એવું કરવામાં (બ્રિગેડ્સ પાછી પહોંચવામાં) ઘણાં અઠવાડિયાંનો સમય થશે."
"હવે સૌથી સારી રીત એ છે કે ચીન આ યુદ્ધમાં નહીં ઝંપલાવે એ વાતનો માણેકશૉને વિશ્વાસ કરાવી શકાય. મારી આ વાત સાથે ગિલ સંપૂર્ણ સંમત હતા પણ એમણે મારી પાસેથી વાયદો લીધો કે એમની અનુમતિ વગર હું એ સૈનિકોનો ઉપયોગ પૂર્વીય પાકિસ્તાનમાં નહીં કરું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"8 ડિસેમ્બરે મારા અને ઇંદર ગિલની વારંવારની આગ્રહભરી વિનંતીઓ પછી માણેકશૉને સમજાયું કે આ યુદ્ધમાં ચીન વચ્ચે નહીં પડે. તેથી એમણે 5 અને 167 માઉન્ટેન બ્રિગેડનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી."
"આની પહેલાં ઇંદર ગિલની પહેલથી 123 માઉન્ટેન બ્રિગેડને હવાઈમાર્ગે પશ્ચિમી સરહદે મોકલી દેવાઈ હતી, જ્યાં ભારતીય સૈનિકો એટલું સારું પ્રદર્શન નહોતા કરતા. ઇંદર ગિલે ફરી એક વાર એ સાબિત કરી બતાવ્યું કે એમનામાં પરિસ્થિતિનું આકલન કરવાની, જવાબદારી લેવા અને સચોટ નિર્ણયો લેવાની ગજબની ક્ષમતા છે."
માણેકશૉનો ગુસ્સો
જનરલ ઇંદરજિતસિંહ ગિલનું જીવનચરિત્ર 'બોર્ન ટુ ડેયર' લખનારા એસ. મુથૈયાએ લખ્યું છે કે, "ઇંદરને માણેકશૉના ગુસ્સાનો સામનો કરવો પડ્યો પણ તેઓ પોતાના વિચારો પર અડગ રહ્યા."
"6 ડિસેમ્બરે જૅકબે જ્યારે ઢાકા પર દાબ વધારવા માટે આ બ્રિગેડ્સને સરહદ પર મૂકવાની માગ કરી ત્યારે ઇંદરે પોતાની જવાબદારી પર એમને એ કામ કરવાની સંમતિ આપી હતી. ઇંદરે એવી શરત મૂકી હતી કે જો માણેકશૉ એ બ્રિગેડ્સનો ઉપયોગ બીજે ક્યાંક કરવા માગશે તો તેમને તરત જ મુક્ત કરી દેવાશે."
"માણેકશૉને જ્યારે આ વાતની ખબર પડી તો એમનો પારો સાતમા આસમાને પહોંચી ગયો પણ ગિલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. એમણે માણેકશૉને એમ જરૂર કહ્યું કે એમની મંજૂરી વગર આ સૈનિકોનો પૂર્વીય પાકિસ્તાનમાં ઉપયોગ કરવામાં નહીં આવે."
મુક્તિવાહિનીને પ્રશિક્ષિત કરવાની યોજના
જ્યારે પૂર્વીય પાકિસ્તાનમાં ઍક્શન લેવાની યોજના બની રહી હતી ત્યારે જનરલ કે. કે. સિંહ ડાયરેક્ટર જનરલ (મિલિટરી ઑપરેશન) હતા. પણ, પછી ઑગસ્ટ 1971માં બઢતી આપીને એમને એક ટુકડીના જનરલ ઑફિસર કમાન્ડિંગ બનાવી દેવાયા.
એમની જગ્યાએ માણેકશૉ મેજર જનરલ એ. વોહરાને લાવવા ઇચ્છતા હતા, પણ તેઓ બ્રિટનમાં એક લાંબો સૈનિક કોર્સ કરી રહ્યા હતા. એ કારણે, દ્વિતીય પસંદગીરૂપે ઇંદરને કાર્યવાહક ડીજીએમઓ બનાવાયા.
એપ્રિલ 1971માં જ્યારે ગિલ ડાયરેક્ટર (મિલિટરી ટ્રેનિંગ) હતા ત્યારે તેમણે ચીફ ઑફ સ્ટાફ કમિટી સમક્ષ એક પેપર રજૂ કર્યું હતું, જેમાં એમણે યુદ્ધમાં સફળતા મેળવવા માટે શરણાર્થી તરીકે આવેલા બંગાળી યુવકોને સંગઠિત કરવા, ઈસ્ટ પાકિસ્તાન રાઇફલ્સમાં કામ કરતા યુવકોને પ્રશિક્ષિત કરવા અને દેશનિકાલમાં કામ કરતી અવામી લીગ સરકાર સાથે સામંજસ્ય જાળવી રાખવાની જરૂરિયાત જેવા મુદ્દા પર ભાર મૂક્યો હતો.
એનું પરિણામ એ આવ્યું કે સૅમ માણેકશૉએ 1 મે 1971એ ઑપરેશન ઇન્સ્ટ્રક્શન નંબર 53 પ્રસિદ્ધ કરીને પૂર્વીય કમાનના વડા જનરલ જગજિતસિંહ અરોડાને પૂર્વીય પાકિસ્તાનમાં છાપામાર યુદ્ધ માટે મુક્તિવાહિનીના સૈનિકોને પ્રશિક્ષિત કરવા માટેનો અને એમને શસ્ત્રો આપવાનો આદેશ આપ્યો હતો.
યુદ્ધ શરૂ થતાં પહેલાં જ પૂર્વીય પાકિસ્તાનમાં સેના ઘૂસી
શરૂઆતમાં, 30 સપ્ટેમ્બર સુધીમાં 2,000 છાપામારની ટુકડી તૈયાર કરવાનું ધ્યેય હતું. પછી આ લક્ષ્યાંક વધારીને 12,000 પ્રતિમાસ અને પછી 20,000 પ્રતિમાસ કરી દેવાયો હતો.
ઑક્ટોબર-નવેમ્બર સુધી મુક્તિવાહિનીના સૈનિકો પોતાની હાજરી અનુભવવા લાગ્યા હતા. એમણે નાના પુલ ઉડાડીને, ઘણી નૌકા ડુબાડીને, સૈન્યકાફલા અને પોલીસ સ્ટેશનો પર હુમલા કરીને પાકિસ્તાની સેનાને હેરાનપરેશાન કરી દીધી હતી.
પૂર્વીય પાકિસ્તાનના કમાન્ડર જનરલ એ.એ.કે. નિયાઝીએ પોતાના પુસ્તક 'ધ બિટ્રાયલ ઇન ઈસ્ટ પાકિસ્તાન'માં લખ્યું છે કે, "ભારત સાથેની લડાઈ, વાસ્તવમાં, 20-21 નવેમ્બરની રાત્રે ઈદના દિવસે શરૂ થઈ ગઈ હતી."
"એ જ દિવસે ભારતે ટૅન્ક્સ અને તોપખાના સાથે પોતાની ઘણી બટાલિયનોને સરહદ પાર કરાવી દીધી હતી. મુક્તિવાહિનીના સૈનિકો એમની મદદ કરતા હતા. જ્યાં સુધીમાં, એટલે કે 3 ડિસેમ્બરે યુદ્ધની ઔપચારિક જાહેરાત થઈ ત્યાં સુધીમાં તો પાકિસ્તાની સેનાના લગભગ 4,000 સૈનિકો માર્યા ગયા હતા."
પાકિસ્તાની હુમલાની પૂર્વસૂચના
ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ 3 ડિસેમ્બરે શરૂ થયું હતું પણ એનો આભાસ ઇંદર ગિલને થોડા સમય પહેલાં જ થઈ ગયો હતો.
પોતાના પહેલા પોસ્ટિંગ ડાયરેક્ટર (મિલિટરી ટ્રેનિંગ) દરમિયાન ગિલ વિદેશી એલચી કચેરીઓના સૈનિક એટૅશે (રાજદૂતના અંગત મદદનીશ) સાથે સતત સંપર્કમાં રહેતા હતા. એમાંના ઘણા બધા લોકો એમના મિત્ર બની ગયા હતા.
પછી જ્યારે તેઓ ડાયરેક્ટર (મિલિટરી ઑપરેશન) બન્યા ત્યારે સરકારે તેમની વિદેશી પ્રતિનિધિઓ સાથેની મુલાકાતો બંધ કરાવી દીધી. પરંતુ એમની મૈત્રી અવિરત ચાલુ રહી. 30 નવેમ્બર 1971ની સાંજે એમના ઘરે ઑસ્ટ્રેલિયાઈ રાજદૂતના અંગત મદદનીશનો ફોન આવ્યો.
મદદનીશે એમને જણાવ્યું કે કંઈ મોટું બનવાનું છે. કેમ કે પાકિસ્તાનમાંનાં બધાં વિદેશી દૂતાવાસનાં મહિલા અને બાળકોને 24 કલાકમાં પાકિસ્તાન છોડી દેવાનું કહી દેવાયું છે.
એમણે ગિલને જણાવ્યું કે, "એવું લાગે છે કે પાકિસ્તાન દ્વારા હુમલાની તૈયારી અંતિમ ચરણમાં છે."
ઇંદરે તરત જ સૅમ માણેકશૉને આ બાબતની જાણ કરી દીધી અને માણેકશૉ આ સમાચાર લઈને ઇન્દિરા ગાંધી પાસે પહોંચ્યા.
એસ. મુથૈયાએ લખ્યું છે, "ઇન્દિરા ગાંધી અને માણેકશૉએ નક્કી કર્યું કે 4 ડિસેમ્બરે બપોરે બે વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવશે. પણ, 3 ડિસેમ્બરે ચા પીવાના સમયે જ પાકિસ્તાની વિમાનોએ ભારતના ઘણા એરબૅઝ પર હુમલો કરી દીધો."
"પાકિસ્તાનના આ હુમલાથી ભારતને ખાસ કશું નુકસાન ન થયું પણ એને(ભારતને) આખી દુનિયાને એમ કહેવાની તક મળી ગઈ કે પહેલો હુમલો પાકિસ્તાને કર્યો હતો, ભારતે નહીં."
હુમલાની જાણકારી
3 ડિસેમ્બર 1971ની સાંજે પાંચ વાગ્યે ડીએમઓ ઑફિસના ઑપરેશન રૂમમાં ઇંદર ગિલ અને એમના સાથીઓ બધા વરિષ્ઠ અધિકારીઓને વર્તમાન સ્થિતિની ટૂંકી માહિતી આપી રહ્યા હતા.
એ સમયે માણેકશૉના મિલિટરી આસિસ્ટન્ટ તરીકે કામ કરતા દેપિંદરસિંહે એમના જીવનચરિત્ર 'સૅમ માણેકશૉ સોલ્જરિંગ વિથ ડેગ્નિટી'માં લખ્યું છે કે, "અચાનક રક્ષાસચિવ કે. બી. લાલ ઓરડામાં ધસી આવ્યા અને એલાન કર્યું કે પશ્ચિમી સેક્ટરના આપણા એરબૅઝ પર પાકિસ્તાની બૉમ્બવર્ષક હુમલો કરી રહ્યા છે."
"કેમ કે બધા ઑફિસર્સ ઑપરેશન રૂમમાં જ હતા તેથી પશ્ચિમી કમાનના વડા એક પણ વરિષ્ઠ સૈન્યઅધિકારી સાથે સંપર્ક ન કરી શક્યા. તેથી પરેશાનીમાં એમણે રક્ષાસચિવને હુમલાની જાણ કરી દીધી."
"જ્યારે માણેકશૉ ત્યાંથી ગયા તો એમણે ઇંદર ગિલને આદેશ આપ્યો કે ઑપરેશન રૂમમાં પણ તરત જ એક ટેલિફોનની વ્યવસ્થા કરવામાં આવે. આ પછી તરત જ ઇંદર ગિલ અને એમનો સ્ટાફ યુદ્ધનાં કામમાં જોતરાઈ ગયા. ગિલે પોતાની પત્ની મોનાને ફોન કરીને કહ્યું કે રાત્રે તેઓ ઘરે નહીં આવે."
ગિલે યુદ્ધના 13 દિવસ માત્ર સૅન્ડવિચ ખાધી
એ સમયે ગિલની ઑફિસમાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર કામ કરતા સી.એ. બેરેટોએ પછી સ્મૃતિ તાજી કરી કે, "જ્યારે અમે બધા કામ કરવા બેઠા તો કોઈને ભોજન કરવાનું યાદ જ ન આવ્યું. વાસ્તવમાં, સેના મુખ્યાલયની કૅન્ટીન છ વાગ્યા પછી બંધ થઈ જતી હતી."
"થોડી વાર પછી અમે જોયું કે રાત્રિભોજન સમયે ઘણી બધી સૅન્ડવિચની સાથે ગરમાગરમ કૉફીનાં થર્મોસ ત્યાં આવી ગયાં છે. એ બધું ગિલનાં પત્ની મોના ગિલે એમના માટે ત્યાં મોકલ્યું હતું."
"યુદ્ધ શરૂ થયાની જેવી એમને ખબર પડી કે તરત જ એમણે ડબલરોટી, ઈંડાં અને સૅન્ડવિચ બનાવવાનો સામાન મંગાવ્યો અને ઘરના બધા લોકોને સૅન્ડવિચ બનાવવાના કામમાં સાથે લીધા."
"એના પછી જ્યાં સુધી યુદ્ધ ચાલ્યું ત્યાં સુધી જનરલ ઇંદર ગિલે એક વાર પણ પોતાના ઘરની દિશા ન જોઈ અને પોતાની પત્ની દ્વારા મોકલાતી સૅન્ડવિચ પર દિવસો પસાર કર્યા."
'મોં પર કહી દેનારા' જનરલ ઇંદર ગિલ
જ્યારે ઇંદર ગિલે ડાયરેક્ટર (મિલિટરી ઑપરેશન) તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો તો એમણે પોતાની ઑફિસમાં નવી કાર્યપ્રણાલી દાખલ કરી.
તેઓ પોતાની બ્રિફકેસ લઈને દરરોજ ઑફિસ આવતા અને પોતાના સહયોગી નેગીને કહેતા કે તેઓ એમની સહાય લીધા વિના પોતાની બ્રિફકેસ ઊંચકવા સક્ષમ છે.
કાર્યભાર સંભાળ્યો એ પહેલા જ દિવસે એમણે ઑફિસમાં કામ કરનારા લોકોને પોતાના હાથે લખેલી એક નોટ મોકલી, જેમાં લખેલું કે એમને સાધારણ અંગ્રેજીમાં લખેલી 'ટૂ ધ પૉઇન્ટ નોટ' ગમે છે. તેથી અઘરું અંગ્રેજી લખવાનું જ્યાં સુધી ટાળી શકાય, ટાળવું.
મોં પર કહી દેવાના સ્વભાવના તેમના ઘણા કિસ્સા જાણીતા છે.
એસ. મુથૈયાએ એમના જીવનચરિત્રમાં લખ્યું છે કે, "એક સાંજે ઇંદર પોતાના ટેબલ પર બેઠાંબેઠાં જ જરા વાર સૂઈ ગયા હતા. એવામાં માણેકશૉ એમના રૂમમાં દાખલ થયા. એમણે એમને એક બ્રિગેડની મૂવમેન્ટ વિશે પૂછ્યું."
"ઇંદરે એમને જાણકારી આપી કે બ્રિગેડ દિલ્હીથી પશ્ચિમી સરહદ જવા ત્રણ વાગ્યે નીકળી ગઈ છે. પરંતુ માણેકશૉએ ફરી ભારપૂર્વક પૂછ્યું કે અત્યારે બ્રિગેડ ક્યાં છે? ઇંદરે કહ્યું, પોતાની ટ્રેનમાં. આમ કહીને તેમણે પોતાની આંખ પાછી મીંચી લીધી."
"બીજી એક વાર આવી જ રીતે ઊંઘી રહ્યા હતા, ત્યાં ઉપસેનાધ્યક્ષે એમને ફોન પર પૂછ્યું કે જુદાજુદા મોરચા પર શું થઈ રહ્યું છે? ગિલનો જવાબ હતો, હું સપનામાં મારી પત્નીને જોઈ રહ્યો હતો. કશું દિલચસ્પ હશે તો તરત જ હું આપને જાણ કરીશ. એમ કહીને ગિલે ફોન મૂકી દીધો."
ઇન્દિરા ગાંધીની મીટિંગમાંથી વૉકઆઉટ
આવી જ એક ઘટના 1971ના યુદ્ધની શરૂઆતના દિવસોની છે. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી, સંરક્ષણમંત્રી જગજીવનરામ અને ઘણા વરિષ્ઠ મંત્રીઓ ઑપરેશન રૂમમાં ઉપસ્થિત હતાં.
ઇંદર ગિલે એમની સામે પ્રેઝન્ટેશન કરવાનું હતું. એસ. મુથૈયાએ લખ્યું છે, "બોલવા માટે જ્યારે ઇંદર ગિલ ઊભા થયા તો એમણે જોયું કે બધા લોકો પોતાની બાજુમાં બેઠેલા સાથે વાત કરવામાં વ્યસ્ત છે. એટલે સુધી કે ઇન્દિરા ગાંધી પણ કોઈની સાથે વાત કરતાં હતાં."
"થોડી મિનિટ પછી સૅમ માણેકશૉ તરફ ફરીને ઇંદર ગિલ બોલ્યા, સૅમ, હવે તમે સંભાળો. આ દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે. મને જોવા દો ક્યાં કેટલી પ્રગતિ થઈ રહી છે."
એટલું બોલીને ગિલ રૂમમાંથી જતા રહ્યા. પાછળથી કેટલાક લોકોને આ ઘટના પર વિશ્વાસ ન બેઠો પણ ઇંદર ગિલને નજીકથી ઓળખનારા કહે છે કે એમનામાં આવું 'દુસ્સાહસ' કરવાની ક્ષમતા હતી.
જનરલ જૅકબે ગિલનાં વખાણ કર્યાં
1971ના સમગ્ર યુદ્ધ દરમિયાન સેનાની ત્રણે પાંખો વચ્ચે ઉચ્ચ કોટીનું સંકલન હતું. એના માટે જવાબદાર હતા મોં પર બોલી દેનારા, બબડાટ કરનારા અને નિરભિમાની જનરલ ઇંદર ગિલ.
બીજી મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે બધા ફીલ્ડ કમાન્ડર્સ સાથે એમના સંબંધ સારા હતા. જો કે એમાંના કેટલાક એમના કરતાં ઊંચા પદ પર કામ કરતા હતા.
જનરલ જૅકબે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, "જો ગિલ સેના મુખ્યાલયમાં ન હોત તો મારા માટે કામ કરવું લગભગ અસંભવ બની જાત. તેઓ મુખ્યાલયમાં કામ કરનારા બધા ઑફિસરો કરતાં વધારે કાબેલ હતા."
"તેમણે પશ્ચિમી અને પૂર્વીય બંને મોરચાનાં ઑપરેશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મુખ્યાલયમાં રહ્યા છતાં એમણે હંમેશાં મારો હાથ પકડી રાખ્યો."
જનરલ ઇંદરજિતસિંહ ગિલને 1971ના યુદ્ધ દરમિયાનની એમની કામગીરી માટે પદ્મભૂષણથી સન્માનિત કરાયા. આ સન્માન મેળવનારા તેઓ એકમાત્ર મેજર જનરલ હતા.
એપ્રિલ 1973માં સૅમ માણેકશૉને મળવા માટે તેઓ ઇન્સ્પેક્શન બંગલો ગયેલા, જ્યાં માણેકશૉ રોકાયા હતા.
હજી તો એમણે પોતાના ગ્લાસમાં ડ્રિન્ક ભર્યું જ હતું ત્યાં તો ઇંદર માટે ટેલિફોન આવ્યો. પાછા આવીને બહુ જ દુઃખી સ્વરે એમણે સૅમને માત્ર એક જ શબ્દ કહ્યોઃ 'સિક્કિમ.'
તેમણે સૅમ માણેકશૉ પાસેથી જવાની રજા માગી અને તરત જ પોતાની ઑફિસ જતા રહ્યા. ત્યાં આખી રાત એમણે કામ કર્યું.
આ પદ પર જનરલ ઇંદરજિતસિંહ ગિલ એક વર્ષ સુધી રહ્યા. એ પછી એમને પૂર્વમાં 4 ટુકડીઓની કમાન સોંપવામાં આવી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો