You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટિકૈતે કહ્યું, 'ખેડૂતોનું ભારત બંધ સફળ', કૃષિકાયદા વિરુદ્ધ શું હશે આગામી રણનીતિ?
ત્રણ કૃષિકાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનાં 40 સંગઠનોએ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું અને દેશમાં સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.
વિપક્ષ, અનેક ટ્રૅડ યુનિયનો તથા સામાજિક સંગઠનો દ્વારા બંધના એલાનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
ચાર વાગ્યે બંધનો કોલ પૂર્ણ થતાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના આજની આજના બંધની હાકલ સફળ રહી અને સંયુક્ત કિસાન મોરચો આગામી રણનીતિ નક્કી કરશે.
સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે બંધની અપ્રત્યાશિત અસર થઈ છે.
આ દરમિયાન ટિકૈતેએ એવું પણ જણાવ્યું કે ખેડૂતો સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
તેમણે ઉમેર્યું, "અમે સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ પણ કોઈ વાતચીત નથી થઈ રહી."
દેશભરમાં કેવી અસર?
હરિયાણા સીમા - ભારત બંધને કારણે ગુરુગ્રામ-દિલ્હી સીમા પર જામ લાગી ગયો. તેનું કારણ દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક બળો દ્વારા ચેકિંગ ગણાવાયું.
યુપી સીમા - દિલ્હી અને નોઇડાના જોડતા ડીએનડી માર્ગ પર પણ અવરજવરને અસર પહોંચી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી પોલીસે લોકોને ગાઝીપુર સીમા પરથી ન જવાની સલાહ આપીહતી.
ગાઝીપુર સીમા પાસે દિલ્દી-મેરઠ એક્સપ્રેસ વે બંધ કરી દેવામાં આવ્યો, જેના કારણે બંને તરફ ભારે ટ્રાફિકજામ થયો.
ગાઝિયાબાદ પોલીસે ગાઝિયાબાદ અને નિઝામુદ્દીનને જોડતો રાજમાર્ગ બંધ કરી દીધો.
સમાચાર એજન્સી પીટીઆઈએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના હવાલાથી ટાંક્યું કે યુપીથી દિલ્હીના ઘણા માર્ગો પર ટ્રાફિકને ડાયવર્ટ કરી દીધો હતો. હાપુડથી ગાઝિયાબાદ આવનારાં વાહનોને નોઇડા તરફ ડાયવર્ટ કરાયાં હતાં.
ખેડૂતોનું કહેવું હતું કે સરકારી, ખાનગી ઑફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને અસર પહોંચશે, પરંતુ ઇમર્જન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
કેરળ, પંજાબ ઉપરાંત હરિયાણા-પંજાબ અને દિલ્હી-યુપીના વાહનવ્યવહાર પર અસર જોવા મળી.
ગુજરાતમાં પણ વિરોધ
સુરેન્દ્રનગરના પાટડી પાસે માલવણ હાઈવે પર ખેડૂતોએ ટાયરો સળગાવી ભારત બંધના એલાનને આપ્યું સમર્થન હતું.
અહીં મોટી સંખ્યામાં ખેડૂતો હાઈવે પર એકત્ર થયા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
ટાયર સળગાવતાં હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી ખેડૂતોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
તો લીંબડી-અમદાવાદ હાઈવે પર ખેડૂતોએ સૂત્રોચ્ચારને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું.
કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં ખેડૂતનેતા પાલભાઈ આંબલિયાએ કહ્યું કે તેમને વિરોધ કરે એ પહેલાં જ તેમના ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા છે.
પાલભાઈએ કહ્યું કે ગામડાંઓમાં લોકોએ બંધને સમર્થન આપ્યું છે, લોકોએ વિરોધ કર્યો છે, પણ શહેરોમાં બંધને સમર્થન મળ્યું નથી.
પંજાબ અને હરિયાણામાં અસર
ખેડૂતો દ્વારા પંજાબ અને હરિયાણા વચ્ચેના વ્યવહારની ધોરીનસ ગણાતી શંભુ બૉર્ડર પરના વ્યવહારને અટકાવી દેવામાં આવ્યો.
હરિયાણા પોલીસ દ્વારા રવિવારે જ આ માર્ગ પર વાહનવ્યવહારમાં અવરોધની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે, "અમે કશું સીલ નથી કર્યું. ખેડૂતો, તબીબો તથા ઇમર્જન્સી સેવા માટે જનારા મુક્ત રીતે અવરજવર કરી શકે છે. અમે માત્ર સંદેશ આપવા માગીએ છીએ. અમે વેપારીઓને પણ અપીલ કરીએ છીએ કે ચાર વાગ્યા સુધી દુકાનો બંધ રાખે."
આ દરમિયાન દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર એક પછી એક ખેડૂત નેતાઓએ ભાષણ આપ્યા અને પોતાનો પક્ષ રજૂ કર્યો
તો પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંઘ સિદ્ધુએ ખેડૂતોને મદદ માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું.
કૉંગ્રેસ દ્વારા તમામ પ્રદેશાધ્યક્ષોને ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર ઊતરવા માટે જણાવવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા ફરજ પરના અધિકારીઓને ખેડૂતો પ્રત્યે વિનમ્રતાથી વર્તવા તથા કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે તો ઉચ્ચઅધિકારીઓના ધ્યાને લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ સિવાય બહુજન સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષા માયાવતીએ પણ શાંતિપૂર્ણ બંધને સમર્થન જાહેર કર્યું છે.
બંધની સાથે-સાથે
રાજસ્થાનના અલવર ખાતે ખેડૂત આંદોલનને કારણે આરઈઈટીની પરીક્ષાઓ મોડી યોજાઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓએ પેપર લીક થયાનું કારણ આગળ ધરીને પરીક્ષામાં બેસવાનો ઇન્કાર કરી દીધો હતો.
સરકારનું કહેવું છે કે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા કેરળની રાજધાની તિરુવનંતપુરમની કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે, જેમાં દુકાનો બંધ જણાય છે તથા રસ્તા ઉપર ટ્રાફિકની અવરજવરને અસર વર્તાઈ રહી છે. એલડીએફ તથા યુડીએફ દ્વારા કેરળમાં બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
બિહારના હાજીપુર ખાતે રાષ્ટ્રીય જનતાદળના નેતા મુકેશ ભૂષણ સહિતના પાર્ટીના નેતાઓએ હાજીપુર-મુજ્જફરપુર રોડ પર મહાત્મા ગાંધી પુલ ખાતે પ્રદર્શન કર્યું હતું, જેના કારણે રસ્તા પરનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો.
બીબીસી પંજાબી સંવાદદાતા સુખચરનપ્રીતના જણાવ્યા પ્રમાણે, ખેડૂતો દ્વારા બરનાલામાં સવારે છ કલાકે રેલવેટ્રેકને જામ કરી દેવામાં આવ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો