Monsoon 2021: ગુજરાતનાં અનેક ગામોમાં પૂર, જામનગરમાં હેલિકૉપ્ટરથી લોકોને ઍરલિફ્ટ કરાયા

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને પગલે રાજકોટ અને જામનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટમાં ભારે વરસાદને પગલે શાળા અને કૉલેજોને બંધ રાખાવાના આદેશ અપાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે અને રાજકોટ ઉપરાંત આસપાસના વિસ્તારોની પણ આવી જ સ્થિતિ છે.

શહેરમાં ગત 28 કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે, સોમવાર સવારે 10 વાગ્યા સુધીના આ આંકડા છે. શહેરમાં રવિવારે સવારે સાત વાગ્યે વરસાદ પડવાનું શરુ થયું હતું. બીજા દિવસે સવારે છ વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. એ બાદના ચાર કલાકમાં વધુ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જામનગરમાં અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકોને હેલિકૉપ્ટરથી ઍરલિફટ કરવાની નોબત આવી છે.

સતત બે દિવસથી અહીં અનરાધાર વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં છે અને રસ્તાઓ તથા ઘરો ડૂબી ગયાં છે.

કેટલાંક ગામોનાં ઘરોમાં પાણી ભરાઈ જવાને લીધે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર થયા છે, અનેક લોકો જીવ બચાવવા માટે અગાસી પર ચડી ગયા છે.

ક્યાંક ડૅમ છલકાયા, ક્યાંક નદીઓ બે કાંઠે

જામનગરના ઉમિયાસાગર, આજી, વીજરખી, વાગડિયા, વગેરે ડૅમ ઑવરફ્લો થયા છે અને નદીકાંઠાના અનેક ગામોમાં નદીનાં પાણી ભરાયાં છે.

સૌરાષ્ટ્રના જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં ઠેકઠેકાણે ભારે વરસાદ છે અને કેટલાક ગામોમં વરસાદી પાણી ભરાયાંના અહેવાલો પણ આવી રહ્યાં છે.

તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને પગલે ઉકાઈ ડૅમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમના 22 પૈકી ચાર દરવાજા ચાર-ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે અને 53 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સપ્ટેમ્બર મહિનો શરૂ થયો, ત્યાં સુધી રાજ્યમાં વરસાદની ઘટ હતી અને કેટલાક ભાગોમાં દુષ્કાળ પડે એવો ડર હતો.

જોકે સપ્ટેમ્બર મહિનામાં વરસેલા વરસાદ બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ સુધરી છે; અને રાજ્યનાં ડૅમો તથા જળાશયોમાં પાણીની આવક થઈ છે.

સૌરાષ્ટ્રમાં જન-જીવન ખોરવાયું

જામનગર, અમરેલી, જામનગર, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત પડતા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થતાં જન-જીવન પ્રભાવિત થયું છે.

સોમવાર સવારે વીસાવદરમાં માત્ર બે કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યું હતું.

જામનગર, જૂનાગઢ, રાજકોટ અને અમરેલીમાં મોટા ભાગના ડૅમ ઓવરફ્લો થઈ રહ્યા છે.

વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

શહેરના ઘણાં વિસ્તારોમાં કેડસમાં પાણીમાં પાણી ભરાઈ જતાં લોકોની ઘરવખરી નષ્ટ થઈ ગઈ હતી.વડીલોને સૌથી વધુ હાલાકી વેઠવી પડી રહી છે.

ભારે વરસાદના કારણે જૂનાગઢ-રાજકોટ નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર પૂરનાં પાણી ફરી વળતાં વાહનોની કતાર લાગી ગઈ હતી.

રાજકોટમાં પણ અનરાધાર વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

શહેરના હાથીખાના વોકળામાં 50 લોકો પાણીમાં ફસાઈ જતા વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

અનરાધાર વરસાદ પડતા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા શહેરીજનોને કામ વગર ઘરની બહાર નહીં જવાની અપીલ કરી છે.

દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, વલસાડ, તાપી અને નવસારી જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે.

સુરત શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં પાણીની સતત આવક થવાના કારણે ડૅમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.

સોમવારે ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 4 દરવાજા 4 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે.

ડૅમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક છે. ડૅમના રૂલ લેવલને સાચવવા માટે 53 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉપરવાસમાં વધુ વરસાદને કારણે મધુબની ડૅમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

હાલમાં ડૅમની સપાટી 78.30 મીટર છે અને ડૅમમાંથી 64808 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ડેમના નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીકાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે.

હજી કેટલા દિવસ વરસાદની આગાહી

આ સ્થિતિની વચ્ચે ગુજરાતમાં હજી આવનારા ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરી દેવામાં આવી છે.

12મી સપ્ટેમ્બરે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે આગામી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા છે.

આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત કચ્છ, ભાવનગર, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની શક્યતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો