You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાકીનાકા બળાત્કાર કેસ : પીડિતાનું મૃત્યુ, આરોપી પર કડક કાર્યવાહીની માગ
મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલા ખૈલના રોડ પર દુષ્કર્મનો ભોગ બનેલાં 30 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે.
દુષ્કર્મ પીડિતા તારીખ નવ સપ્ટેમ્બરના દિવસે બેભાન હાલતમાં સાકીનાકાના ખૈરના રોડ પર મળી આવ્યાં હતાં. પોલીસ તેમને હૉસ્પિટલ લઈ ગઈ હતી.
જોકે એનડીટીવીના રિપોર્ટ મુજબ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.
સાકીનાકા પોલીસ સ્ટેશનમાં કેસ નોધવામાં આવ્યો છે અને સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
બીબીસી મરાઠી અન્ય મીડિયા અહેવાલોને ટાંકતા લખે છે કે સંદિગ્ધ આરોપીએ મહિલાનાં જનનાંગોમાં સળિયો ઘૂસાડ્યો હતો.
નવ સપ્ટેમ્બરના રોજ તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં અને પોલીસે તેમને હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં, જ્યાં પોલીસ મુજબ તેમની હાલત ખૂબ ગંભીર હતી અને તેમની સારવાર શરૂ કરાઈ હતી.
ઘટના વિશે જાણ થતા મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અને અધિક પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી, પરંતુ પોલીસને શંકા છે કે આમાં વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સરકાર દુષ્કર્મના આરોપીઓને બચાવી રહી છે'
મહારાષ્ટ્ર ભાજપનાં નેતા ચિત્રા વાઘે આરોપ લગાવ્યો કે દરેક સરકારના શાસનમાં મહિલાઓ અને છોકરીઓ સાથે દુષ્કર્મ થાય છે, પરંતુ સરકાર શું કરે છે એ અગત્યનું છે. જોકે આ સરકાર બળાત્કારીઓને બચાવવાનું કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે આનાથી વિકૃત પ્રવૃત્તિના લોકોનું મનોબળ વધી રહ્યું છે.
ચિત્રા વાઘે કહ્યું કે, "મહિલા સાથે રાક્ષસી રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ પ્રકારનાં કૃત્યોને રોકવાં જોઈએ. હવે આવાં કૃત્યો માટે શબ્દો નથી બચ્યા."
"છેલ્લા આઠ દિવસમાં મહારાષ્ટ્રમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી છે. આની પહેલાં એક 13 વર્ષની કિશોરી પર 14 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. એક રિક્ષામાં છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો."
દિલ્હીના નિર્ભયાકેસ જેવી ઘટના
મહારાષ્ટ્રમાં સામે આવેલી આ ઘટનાએ દિલ્હીના નિર્ભયાકેસની યાદ તાજી થઈ ગઈ છે. જોકે પોલીસ તપાસ પછી કેસને લગતાં તથ્યો સામે આવશે.
છેલ્લા ત્રણ દિવસોમાં દુષ્કર્મની પાંચ ઘટનાઓ સામે આવી છે, જેમાંથી ત્રણ ઘટનાઓ પુણેની છે.
પહેલાં તો પુણે રેલવે સ્ટેશન પર પોતાના મિત્રને મળવા આવેલી એક બાળકી સાથે ગૅંગરેપની ઘટના સામે આવી હતી.
14 વર્ષની એક કિશોરીને ઑટોરિક્ષા ડ્રાઇવર ખોટા સરનામા પર વનવાડી લઈ ગયો હતો. તેના પર અનેક વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મહિલા પર બળાત્કારની અન્ય ઘટના
એ ઉપરાંત છ વર્ષની બાળકીનું તેની પુણે રેલવે સ્ટેશન નજીકથી તેની માતાના ખોળામાંથી અપહરણ કરી લેવાયું હતું.
આ ઘટના ગુરુવાર સવારની છે. પીડિતાનો પરિવાર પુણેના બસ સ્ટેન્ડ નજીક રહેતો હતો.
બાળકી પોતાની માતાના ખોળામાં સૂઈ રહી હતી ત્યારે આરોપી રિક્ષાચાલક તેને ખેંચીને લઈ ગયો હતો. આરોપી બાળકીને માર્કેટયાર્ડમાં એક જૂનીપુરાણી ઇમારતના સૌથી ઉપરના માળે લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું.
જ્યારે બાળકીનો પરિવાર જાગ્યો ત્યારે ખબર પડી કે બાળકી ગાયબ છે. બાળકીને શોધ્યા પછી પણ ન મળતાં પરિવારે બંડગાર્ડેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
એક અન્ય ઘટનામાં પુણે જિલ્લાના ખેડ તાલુકાના છાસ ગામમાં પાંચ લોકોએ કથિત રીતે 12 વર્ષની બાળકીનું જાતીય શોષણ કર્યું હતું.
આ ઘટના 27 મેથી 15 ઑગસ્ટની વચ્ચે નોંધાઈ હતી. બાળકીની માતાએ તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ મુજબ, આરોપીએ બળજબરથી બાળકીની 27 મેથી 15 ઑગસ્ટ વચ્ચે અલગઅલગ સ્થળોએ જોતીય સતામણી કરી હતી. બાળકીની માતા લૉન્ડ્રીનું કામ કરે છે. અને આરોપી તેમના જ ગામનો છે જે બાળકીના ઘર નજીક રહે છે.
પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે.
મહારાષ્ટ્રમાં દુષ્કર્મની આ ઘટનાઓ બાદ હવે મુંબઈની 30 વર્ષીય મહિલા પરના બળાત્કારનો કેસ ચર્ચામાં છે. તેને જોતાં રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો