ઓબીસી અનામત: શું ગુજરાતમાં ફરી પાટીદાર અનામત આંદોલન ઊભું થશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી

કેન્દ્ર સરકારે હાલમાં જ લોકસભામાં ઓબીસી સમુદાય સાથે જોડાયેલું એક બિલ રજૂ કર્યું, જેમાં રાજ્ય સરકારોને ઓબીસીની યાદી તૈયાર કરવાનો અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજકીય પંડિતો માની રહ્યા છે કે આવતા વર્ષે દેશમાં સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી કેન્દ્ર સરકારે ઓબીસી અનામત નક્કી કરવાના નિર્ણયની સત્તા રાજ્યોની સરકારોને આપવાનો નિર્ણય કર્યો છે.

તેની પાછળનું મુખ્ય કારણ અમુક જાતિને ઓબીસીમાં સમાવીને નવી વોટ બૅન્ક ઊભી કરવાનો છે એમ અમુક રાજકીય વિશ્લેષકો માને છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાત સહિત સાત રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં અનામતની માગ ફરી જોર પકડી શકે છે અને રાજકીય પક્ષોનો ખેલ બદલાઈ શકે છે.

રાજ્ય સરકાર માટે બેધારી તલવાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને પાટીદારો મોટું ફૅક્ટર મોટું ફૅક્ટર સાબિત થઈ શકે છે.

દરમિયાન અનામતને લઈને નવેસરથી હલચલ શરૂ થઈ શકે છે. કેન્દ્ર સરકારે ઓબીસી ક્વોટાને લઈને રાજ્યને એ સત્તા આપી દીધી છે કે રાજ્ય સરકારોની મુશ્કેલી વધી પણ શકે છે અને તેમને લાભ પણ થઈ શકે છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણા એવા રાજ્યો છે જ્યાં તાજેતરના વર્ષોમાં અનામતને લઈને મોટાં આંદોલનો થયાં છે.

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગને લઈને મોટું આંદોલન થયું છે, રાજ્ય સરકારે તેમની માગ પણ માની પણ કોર્ટે મરાઠા અનામતને ફગાવી દીધી હતી.

ગુજરાતે પણ પાટીદાર અનામત માટે મોટું આંદોલન જોયું અને તેમાંથી નીકળેલા નેતા હાર્દિક પટેલ હવે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ છે. તો અન્ય નેતાઓ પણ સક્રિય રાજકારણમાં છે.

ગુજરાતમાં પાટીદારો જ નહીં અન્ય જાતિઓ પણ પોતાને ઓબીસી ક્વોટામાં સામેલ કરવાની માગ કરી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારના નિર્ણય પછી ગુજરાત સરકાર પાસે એ નક્કી કરવાની સત્તા આવી ગઈ છે કે કઈ જ્ઞાતિને ઓબીસી ક્વોટામાં સામેલ કરવી અને કઈ જ્ઞાતિને બહાર રાખવી તથા ઓબીસી અનામતમાં કઈ જ્ઞાતિને કેટલા ટકા અનામત મળશે.

ચૂંટણી પૂર્વે આ સરકાર માટે બેધારી તલવાર જેવું છે. અને આને જોતાં 2022માં રાજ્યમાં જાતિગત સમીકરણો બદલાઈ શકે છે.

આની પહેલા ગુજરાતમાં 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું તેની અસર એવી રહી કે ભાજપને 2017માં વિધાનસભા ચૂંટણીમાં માત્ર 99 બેઠકો મળી હતી અને કૉંગ્રેસને ફાયદો થયો હતો.

હવે રાજ્યમાં 2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એવાંમાં જો જાતિગત સમીકરણો બદલાય તો ભાજપ માટે પણ રાજકીય ખેલ બદલાઈ શકે છે.

કેન્દ્ર સરકારે ખરડો પસાર કરવાની સાથે જ ગુજરાત કૉંગ્રેસે તમામ ઓબીસી જ્ઞાતિઓનો સર્વે કરવાની સાથે જનરલ કૅટેગરીમાં આવતી જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓમાં સામેલ કરવાની માગ કરી છે.

આ તરફ પાટીદારો, વણિકો, બ્રાહ્મણો અને રાજપૂતો પણ 2015થી પોતાને ઓબીસીમાં સામેલ કરવાની માગ કરી રહ્યા છે.

જ્ઞાતિગત ટકરાવ વધશે?

વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું મોદી સરકારનો આ નિર્ણય ચૂંટણીલક્ષી છે. આગામી સમયમાં જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં મોટું ફૅક્ટર છે. એજ કારણ છે કે નરેન્દ્ર મોદીની કૅબિનેટમાં થયેલા ફેરફારોમાં મોટી સંખ્યામાં પછાત જ્ઞાતિના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ એવું સાબિત કરવા માગે છે કે તેઓ પછાત જ્ઞાતિઓ માટે મસીહા છે.

હરિ દેસાઈ કહે છે કે ગુજરાતમાં આનાથી જ્ઞાતિગત ટકરાવ ઊભો થશે. પાટીદારો 1998થી ઓબીસીમાં સામેલ થવાની માગ કરી રહ્યા છે અને ક્વોટા માત્ર 27 ટકા છે એટલે એમાં કોને સામેલ કરાય છે અને કોણ નથી સામેલ થતું એ પછીની વાત છે અને આની અસરો સામુદાયિક રીતે ખતરનાક સાબિત થઈ શકે છે.

હરિ દેસાઈ કહે છે કે મોટાભાગના અનામતસંબંધી કેસ કોર્ટમાં છે અને કેટલાક રાજ્યોમાં અનામત 80 ટકા સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત અપાઈ જોકે પછી સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

પાટીદાર અનામત આંદોલન ફરી શરૂ થઈ શકે?

ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ખેલ બગાડનાર પાટીદારોને એમ કહીને અનામત નહોતી મળતી કે આ સત્તા કેન્દ્ર સરકારના હાથમાં છે અને રાજ્ય સરકારના હાથમાં નથી.

પરંતુ મોદી સરકારના નિર્ણય બાદ તસવીર બદલાઈ ગઈ છે અને ગુજરાતમાં પાટીદાર આંદોલન ફરીથી શરૂ થશે કે કેમ, એ ચર્ચા થઈ રહી છે. ત્યારે બીબીસી ગુજરાતીએ આ અંગે સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટેલ સાથે વાત કરી હતી.

બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે પહેલાં ગુજરાત સરકાર એમ કહેતી હતી કે ઓબીસીમાં સામેલ કરવાનો અધિકાર અમારી પાસે નથી પણ હવે રસ્તો ખૂલી ગયો છે.

તેમણે કહ્યું કે ગુજરાત સરકારે આગળ આવવું જોઈએ. અત્યાર સુધી તો સરકારે અમારી વાત માની નથી એટલે અમારે આંદોલન ફરી શરૂ કરવું પડે તો અમે કરીશું.

પાટીદાર આંદોલન વખતે મોટાપાયે રેલીઓ કરવામાં આવી હતી અને રાજ્યને હચમચાવનાર આ આંદોલનના પગલે તત્કાલિન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને રાજીનામું પણ આપવું પડ્યું હતું. પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહેલા હાર્દિક પટેલની રાજકીય સફરનો પાયો પણ ત્યારે જ નખાયો હતો.

લાલજી પટેલનું કહેવું છે કે 2015થી અત્યાર સુધી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન હેઠળ 140થી વધારે રેલીઓમાંથી 110 જેટલી રેલીઓ સરદાર પટેલ ગ્રૂપના બૅનર હેઠળ કરવામાં આવી હતી.

તેમનું કહેવું છે હવે જ્યારે ઓબીસીની યાદીમાં જાતિઓને સામેલ કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે આવ્યો છે તો અમે પાટીદાર સમાજના વડીલોને આગળ કરીને ફરી માગ કરીશું કે પટેલોને અનામત આપવામાં આવે. જરૂર પડે તો અમે આંદોલન પણ કરીશું.

હાર્દિક પટેલની હવે પાટીદાર અનામત આંદોલનમાં શું ભૂમિકા હોઈ શકે?

ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી ઓબીસી ક્વોટામાં અનામત આપવુ શક્ય ન હતું તેનાં પગલે આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગની આર્થિક રીતે નબળા વર્ગ તરીકે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી જેથી પાટીદારો સહિત અન્ય જ્ઞાતિઓનાં લોકોને પણ સંતોષી શકાય, જેમણે ઓબીસીમાં સામેલ થવાની માગ કરી રહી હતી.

આ જાતિઓ જેમાં પાટીદાર, રાજપૂત અને બ્રાહ્મણ પણ સામેલ હતા જેમને બિન અનામત વર્ગમાં આ લાભ મળી શકે એમ હતો. તો પછી પાટીદાર અનામત માટે આંદોલનની હાલ જરૂર ખરી?

આ બાબતે લાલજી પટેલનું કહેવું છે કે સરકારે ક્યાં અમારી બધી માગ માની હતી? આ વખતે આંદોલન કરવું પડે તો તેનું સ્વરૂપ અલગ હશે. આ વખતે આંદોલનનો કોઈ ચહેરો નહીં હોય. ગત વખતે જે લોકો આંદોલનનો ચહેરો બન્યા એ લોકો રાજકીય પક્ષો સાથે જોડાઈ ગયા એટલે સમાજને ખૂબ દુખ થયું.

લાલજી પટેલનું કહેવું છે કે પાટીદાર અનામત આંદોલનમાં આ વખતે મુખ્ય સંસ્થા ઉમિયામાતા ઊંઝા અને ખોડલમાતા સંસ્થા કાગવડ સાથે અમે બેઠકો કરવાના પ્રયત્ન કરશું.

લાલજી પટેલે કહ્યું હતું કે આંદોલન વખતની માગણીઓને સરકારે નથી માની. હજી પણ ઘણા તાલુકા-જિલ્લાઓમાં આંદોલનકારીઓ પર પોલીસ કેસ ચાલી રહ્યા છે, આ મુદ્દા પર અમે આગળ વધીશું.

પાટીદાર અનામત આંદોલન પાછળ મુખ્ય સમિતિ પાસમાંથી હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને રેશ્મા પટેલ હવે રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા છે.

પાટીદાર અનામત આંદોલનથી મળેલા મંચનો ઉપયોગ રાજકીય સફર શરૂ કરવા સામે નારાજગીની વાત કરતા લાલજી પટેલ કહે છે કે, પાસ પહેલાં કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નહોતી ફણ લોકો રાજકીય પક્ષો સાથે જતા રહ્યા છે. અમે જ્યારે આંદોલન કરતા હતા ત્યારે અમારા સમાજના નેતાઓ જે અલગઅલગ પક્ષોમાં હતા તેમને અમે બોલાવતા હતા એ જ રીતે અમે હાર્દિક પટેલને કૉંગ્રેસ નેતા તરીકે તેમને અમે આમંત્રણ આપીશું. ભાજપના પટેલ ધારાસભ્યોને પણ અમે બોલાવીશું.

આની પહેલાં ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ મોદી સરકારના તાજેતરના નિર્ણયને આવકારી ચૂક્યા છે. હાર્દિક પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ઓબીસીના નવા સંશોધન બિલને આવકારું છું, પરંતુ સરકારે સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોનો વ્યવસ્થિત સર્વે કરી તેમનો ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ."

કોઈ એક જ્ઞાતિનું નામ આપવાનો ઇનકાર કરતા હાર્દિકે કહ્યું કે "કેટલીક જ્ઞાતિ એવી છે કે જે ઓબીસીમાં આવે છે, પણ આર્થિક રીતે સમૃદ્ધ છે. તો ઓબીસીમાં ન આવતી પટેલ, વાણિયા, બ્રાહ્મણ જેવી જ્ઞાતિના સામાજિક આર્થિક રીતે પછાત લોકોનો ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ."

બીજી તરફ સરદાર પટેલ ગ્રૂપના ટીકાકારોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે જ સરદાર પટેલ ગ્રૂપ સક્રિય થાય છે. આ બાબતે લાલજી પટેલે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાને કહ્યું કે, "સરકાર ત્યારે જ અમારા મુદ્દાઓ પર ધ્યાન આપે જ્યારે ચૂંટણી હોય. ચૂંટણી પતી જાય ત્યારે બધી ફાઇલો દફ્તરમાં જતી રહે છે. જો એ લોકો ચૂંટણી સમયે અમારો ફાયદો ઉઠાવતા હોય તો પછી અમે અમારી માગણીઓ કેમ ચૂંટણી સમયે આગળ કેમ ન કરીએ?"

લાલજી પટેલ અથવા સરદાર પટેલ ગ્રૂપની સાથે જ પાટીદાર સમાજના મુદ્દાઓ પર વાટાઘાટો કરવી ભાજપ સરકાર પસંદ કરે છે તે અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું, "મારા ઉપર ભાજપ સરકારે 24 એફઆઈઆર કરાવી હતી, મને એક કેસમાં સજા અને 51 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી અનેક કેસના સમાધાન કરીને અને મુદ્દતો ભરીને અમે થાકી ગયા છીએ. મારા જેવા એસપીજીના હોદ્દેદારો પર કેસ ચાલી રહ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો