ટોક્યો ઑલિમ્પિક : ભારતીય હૉકી ટીમના હીરો, જેના કારણે 41 વર્ષ બાદ ઇતિહાસ રચાયો

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પી. શ્રીજેશ અને અમિત રોહિદાસની જોડીએ ટોક્યોમાં ઇતિહાસ રચી દીધો
    • લેેખક, પ્રદીપકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ઑલિમ્પિક રમતોત્સવમાં 41 વર્ષના લાંબા ગાળા પછી ભારતીય ટીમને સફળતા મળી છે. હૉકીમાં 41 વર્ષ નીકળી ગયાં તેનો અર્થ એ કે ખેલાડીઓની કેટલીય પેઢીઓ પસાર થઈ ગઈ.

આ 41 વર્ષમાં ભારતના મોહમ્મદ શાહિદ, પરગટસિંહ, ધનરાજ પિલ્લઈ, દિલીપ તિર્કી, વીરેન રસ્કિન્હા જેવા ખેલાડીઓ ચમક્યા પરંતુ તેમની ચમક ઇતિહાસ રચી ન શકી, જે ઇતિહાસ પી. શ્રીજેશ અને અમિત રોહિદાસની જોડીએ ટોક્યોમાં રચી દીધો.

સૌથી પહેલા તો બધા અંદાજને પાર કરીને ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી અને દુનિયાની પ્રથમ ક્રમાંકની બેલ્જિયમની ટીમ સામે હારી પરંતુ બાદમાં જર્મનીની વધારે મજબૂત ટીમને રોમાંચક મૅચમાં હરાવીને ઑલિમ્પિક ચંદ્રકના દુકાળનો અંત આણ્યો.

line

જર્મની સામે છેક સુધી દીવાલ

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ભારતના ભૂતપૂર્વ ગોલકીપર પી. સુબૈયા કહે છે કે 'હકીકતમાં સમગ્ર મૅચમાં શ્રીજેશ એક ચૅમ્પિયન ખેલાડી બની રહ્યા.'

આ સફળતામાં ભારતીય ગોલકીપર પી. શ્રીજેશ ખરેખર ભારતીય હૉકી ટીમ માટે 'દીવાલ' બનીને ઊભા રહ્યા. જર્મની સામેના મુકાબલામાં તેમની ભૂમિકા કેવી હશે તેનો અંદાજ લગાવતા પહેલાં આ ક્ષણો પર નજર નાખો - મૅચની દસમી મિનિટમાં જર્મનના મિડફિલ્ડર મેટ્સ ગ્રેમબાકના શૉટને શ્રીજેશે રોક્યો.

તે પછી 20મી મિનિટે પી. શ્રીજેશે જો જર્મન ફૉર્વર્ડ કૂકના શૉટને જબરદસ્ત રીતે ડાયવર્ટ ના કરી દીધો હોત તો શરતી ગોલ બન્યો હોત.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો, પરંતુ 45મી મિનિટે શ્રીજેશે બચાવ કરીને ભારતની લીડને 5-3 પર જાળવી રાખી.

શ્રીજેશ મક્કમ ઇરાદા સાથે ઊતર્યા હતા તેનો અંદાજ ચોથા ક્વાર્ટરની છેલ્લી છ મિનિટોમાં જોવા મળ્યો. તેમણે બે પૅનલ્ટી કૉર્નરને નકામા કરી નાખ્યા. મૅચની છેલ્લી પળોમાં તેમણે પૅનલ્ટી કૉર્નરને રોક્યો અને તે સાથે જ ભારત માટે ઇતિહાસ રચાઈ ગયો.

જર્મનીના લુકાસ વિંડફેડરને વિશ્વના સર્વોત્તમ ડ્રેગ ફ્લિકર માનવામાં આવે છે. આધુનિક હૉકીમાં કોઈ પણ ડ્રેગ ફ્લિકર જ્યારે જોરદાર ફટકો મારે ત્યારે બૉલની ગતિ 150-160 કિમી કલાકની હોય છે. આટલા વેગથી આવતો બૉલ પળવારમાં ગોલપોસ્ટ પાસે પહોંચી જાય એટલે ગોલકીપરની જરાક ચૂક થાય તો ગોલ થઈ જાય.

આમ છતાં દબાણ વચ્ચે છેલ્લી છ મિનિટોમાં શ્રીજેશે કોઈ ચૂક ના કરી કે પોતાનું ધ્યાન હઠવા ના દીધું.

શ્રીજેશની આ કુશળતા વિશે ભારતના ભૂતપૂર્વ ગોલકીપર પી. સુબૈયા કહે છે, "હકીકતમાં સમગ્ર મૅચમાં શ્રીજેશ એક ચૅમ્પિયન ખેલાડી બની રહ્યા. તેણે જે ક્ષણે ગોલ બચાવ્યા તે નિર્ણાયક હતા."

line

કેટલીય વાર શ્રીજેશની ચૂક પણ થઈ

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ટોક્યો ઑલિમ્પિકમાં ભારતની દરેક મૅચમાં કમસે કમ બે કે ત્રણ વાર એવું બન્યું કે પી. શ્રીજેશે જોરદાર બચાવ કર્યો.

હકીકતમાં શ્રીજેશે પણ અન્ય ગોલકીપરોની જેમ કેટલીક તક ગુમાવી હતી અને તે આ મૅચમાં પણ જોવા મળ્યું હતું. તેના કારણે જ જર્મનીની ટીમ ચાર ગોલ કરી શકી. પરંતુ દબાણની ઘડીએ અડગ ઊભા રહ્યા અને લાગ્યું કે હવે ટીમ ડૂબવાની તૈયારીમાં છે ત્યારે જ તેણે કહ્યું 'મૈં હું ના.'

પી. સુબૈયા કહે છે, "ઑસ્ટ્રેલિયાની સામે સાત ગોલ આપી દીધા તેને અપવાદ માનો તો આ સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રીજેશનો દેખાવ અપેક્ષાથી સારો રહ્યો. તેમણે જોરદાર રીતે ગોલ બચાવ્યા અને તેને કારણે જ ટીમ 41 વર્ષ પછી ઇતિહાસ બનાવી શકી છે."

આ રોમાંચક મૅચમાં નવ ગોલ થયા, તેમાં એક ગોલકીપરે કમસે કમ ચાર ગોલ બચાવ્યા તે ફરકને કારણે જ ટીમ 41 વર્ષ પછી ઇતિહાસ રચવામાં સફળ થઈ શકે.

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતની દરેક મૅચમાં કમસે કમ બે કે ત્રણ વાર એવું બન્યું કે પી. શ્રીજેશે જોરદાર બચાવ કર્યો.

સિનિયર ખેલ પત્રકાર સૌરભ દુગ્ગલ ટોક્યો ઑલિમ્પિકમાં શ્રીજેશના યોગદાન વિશે કહે છે, "ઘણી વાર એવું બનેલું કે હરીફ ટીમને બે-બે વાર કે ત્રણ વાર ઉપરાઉપરી પૅનલ્ટી કૉર્નર મળ્યા. તે વખતે દબાણ વધી ગયું હતું, પણ શ્રીજેશે તે ક્ષણોમાં નિરાશ ના કર્યા."

line

સૌથી ઉત્તમ કાર્યકાળના સમયમાં શ્રીજેશ

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભારતના કોચ રહી ચૂકેલા હરેન્દ્રસિંહે એક ચેનલ પર કહ્યું હતું કે, 'શ્રીજેશ અત્યારે નિર્વિવાદપણે દુનિયાના સૌથી ઉત્તમ ગોલકીપર છે.'

આજના યુવા અને તેજગતિના હૉકી યુગમાં પી શ્રીજેશની ઉંમર 35 વર્ષની છે, પરંતુ 41 વર્ષ પછી ઑલિમ્પિક મેડલ મેળવ્યાની ખુશી એટલી કે કૂદીને ગોલપોસ્ટ પર બેસી ગયો હતો.

હકીકતમાં હૉકીની કોઈ ટીમ ત્યારે જ સફળતા મેળવતી હોય છે જ્યારે તેનો ગોલકીપર અનુભવી હોય. અનુભવ મેળવવામાં સમય તો લાગતો જ હોય છે.

ભારતના ભૂતપૂર્વ ગોલકીપર અને કોચ પી. સુબૈયા કહે છે, "કમસે કમ દસ વર્ષ પછી એવી સ્થિતિ આવતી હોય છે કે કોઈ ગોલકીપરનો દેખાવ સાતત્યપૂર્ણ થાય. એ રીતે જુઓ તો શ્રીજેશ અત્યારે કારકિર્દીના સૌથી ઉત્તમ ગાળામાં છે."

"જર્મનીનો ગોલકીપર યુવાન હતો, અને મહત્ત્વની મૅચનું દબાણ સહન કરી શક્યો નહીં અને ભારતે મૅચમાં બાજી પલટી નાખી."

વીડિયો કૅપ્શન, ઇઝરાયલની પદ્ધતિથી 'ઓછી જમીનમાં કરોડોનું ઉત્પાદન' કરતાં ગુજરાતી ખેડૂતની કહાણી

સૌરભ દુગ્ગલ કહે છે, "શ્રીજેશનો અનુભવ જ ભારતીય ટીમને કામ આવ્યો અને શ્રીજેશે પણ પોતાના અનુભવનો સૌથી સારો ફાયદો ઉઠાવ્યો. છેક સુધી તે ડગ્યા નહોતા."

આ જ કારણે કદાચ વિજય પછી પી. શ્રીજેશનું હાસ્ય અવિરત છે. છેલ્લાં 15 વર્ષના તેના ચડાવઉતારનું આ હાસ્ય નથી પરંતુ ભારતીય હૉકીના સોનેરી ઇતિહાસમાં લાંબો સમય યાદગાર રહેનારું હાસ્ય છે.

આ હાસ્ય પાછળ 41 વર્ષના ચંદ્રકોની ખામીને પૂરી કરી દેવાનું ગૌરવ પણ છે. સાથે જ પોતાની લડાઈને પાર પાડવાનો ભાવ પણ દેખાય છે.

line

15 વર્ષની કરિયરમાં ઘણા ચડાવઉતાર

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વરિષ્ઠ પત્રકારો મુજબ શ્રીજેશનો અનુભવ જ ભારતીય ટીમને કામ આવ્યો અને શ્રીજેશે પણ પોતાના અનુભવનો સૌથી સારો ફાયદો ઉઠાવ્યો.

હૉકીપ્રેમીઓને યાદ હશે કે 2017માં સુલતાન અઝલાન શાહ હૉકી વખતે પી શ્રીજેશ ઑસ્ટ્રેલિયાના એક ખેલાડી સાથે અથડાયા હતા. તેના કારણે ઘૂંટણમાં ઈજા થઈ હતી.

તે વખતે ટીમના કોચ તરીકે રૉલેન્ડ ઑલ્ટમેન હતા. તેમણે શ્રીજેશને કહ્યું કે ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે ત્યારે શ્રીજેશે કહેલું કે, 'તમે મજાક તો નથી કરતાં ને.'

તે કોઈ મજાક નહોતી. આ ઈજાને કારણે 8 મહિના સુધી તેણે મેદાનની બહાર રહેવું પડ્યું હતું.

આ વિશે પત્રકારો સાથે વાત કરતાં ઘણી વાર શ્રીજેશે જણાવ્યું છે કે કઈ રીતે તેમણે જાણે બીજી વાર ચાલવાનું શીખવું પડ્યું હતું.

તે વખતે એવું લાગતું હતું કે શ્રીજેશ ફરી ટીમમાં રમી શકશે નહીં. પણ તેમણે પરત સ્થાન મેળવ્યું અને એટલું જ નહીં દુનિયાના 'સર્વશ્રેષ્ઠ ગોલકીપર'નું સ્થાન મેળવી લીધું.

શ્રીજેશે 15 વર્ષ પહેલાં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

line

ભારતીય ટીમની આગેવાની પણ લીધી

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કરિયરની શરૂઆત પછી પાંચ વર્ષે એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં તેમણે પાકિસ્તાન સામે બે પૅનલ્ટી કૉર્નર રોક્યા. ત્યારથી શ્રીજેશ રાષ્ટ્રીય હીરો તરીકે જાણીતા થવા લાગ્યા હતા.

કેરળના ઇરાકુલમનો શ્રીજેશ નાનપણમાં સ્પ્રિન્ટ અને લૉન્ગ જમ્પમાં રસ લેતા થયા હતા. જોકે જીવી રાજા સ્પૉર્ટ્સ સ્કૂલના પ્રશિક્ષકોએ તેમને હૉકી રમવા પ્રેર્યા.

શરૂઆત એક સામાન્ય કક્ષાના ગોલકીપર તરીકે થઈ. પરંતુ તેમણે ક્યારેય પોતાની પ્રતિબદ્ધતાને ઘટવા દીધી નહીં.

કરિયરની શરૂઆત પછી પાંચ વર્ષે એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં તેમણે પાકિસ્તાન સામે બે પૅનલ્ટી કૉર્નર રોક્યા. ત્યારથી શ્રીજેશ રાષ્ટ્રીય હીરો તરીકે જાણીતા થવા લાગ્યા હતા.

2013માં ભારતને એશિયા કપ મળ્યો તેમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. ત્યારબાદ 2014માં ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ટીમને ચોથું સ્થાન મળ્યું પરંતુ શ્રીજેશને બેસ્ટ ગોલકીપરનું સ્થાન મળ્યું હતું.

2016ની ચૅમ્પિયન્સ ટ્રૉફી અને 2016ના રિયો ઑલિમ્પિકમાં પણ શ્રીજેશનું પ્રદર્શન પ્રભાવશાળી હતું. 2016 ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતીય ટીમને રજતચંદ્રક મળ્યો, ત્યારે ટીમના કૅપ્ટન તરીકે શ્રીજેશ જ હતા.

જોકે તે પછી ટીમનો દેખાવ સારો ના રહ્યો તેથી કપ્તાની યુવાસ્ટાર મનપ્રીતસિંહને સોંપવામાં આવી. આ મુદ્દાને શ્રીજેશે અહમનો મુદ્દો બનાવ્યો નહોતો.

ભારતના કોચ રહી ચૂકેલા હરેન્દ્રસિંહે એક ચેનલ પર કહ્યું હતું કે, 'શ્રીજેશ અત્યારે નિર્વિવાદપણે દુનિયાના સૌથી ઉત્તમ ગોલકીપર છે.'

તેમણે કહ્યું કે ગોલકીપરને સ્થિર થવામાં સમય લાગતો હોય છે અને શ્રીજેશને પણ કરિયરની શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ તેમાંથી બહાર આવીને મુશ્કેલીના સમયમાં તે હંમેશાં ટીમ માટે દીવાલ બનીને ઊભા રહ્યા છે.

line

'દ્વિતીય ગોલકીપર'ને જાણો છો ખરો?

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ટીમના બીજા ગોલકીપર અમિત રોહિદાસ છે, જે એક ડિફેન્ડર છે.

પી. શ્રીજેશ ઉપરાંત ભારતની જીતમાં ટીમના 'બીજા ગોલકીપર'નું યોગદાન પણ મહત્ત્વનું છે.

ચોંકશો નહીં, ટીમના બીજા ગોલકીપર અમિત રોહિદાસ છે, જે એક ડિફેન્ડર છે.

28 વર્ષના અમિત રોહિદાસની શાનદાર રમતની પ્રસંશા કરતાં સુબૈયા કહે છે, "ભારત માટે બીજા ગોલકીપર તરીકેની ભૂમિકા અમિત રોહિદાસે નિભાવી છે. તેમણે ઉત્તમ ડિફેન્ડર તરીકે અડધોઅડધ વખત ટીમ માટે ગોલ બચાવવાનું કામ કર્યું છે."

અમિત રોહિદાસે સેમિફાઇનલમાં બેલ્જિયમના 14 પૅનલ્ટી કૉર્નરમાં સાત વખત બૉલને પોતાના શરીર પર ઝીલીને ગોલ બચાવ્યા હતા. કાંસ્યચંદ્રક વખતની મૅચમાં તેમના સબસ્ટિટ્યૂટ તરીકે રહેલા સુમિતકુમારે પણ આ ભૂમિકા ભજવી હતી.

સમગ્ર ટુર્નામેન્ટમાં અમિત રોહિદાસનો દેખાવ સૌથી સારો રહ્યો. પી. સુબૈયા કહે છે, "ટોક્યો ઑલિમ્પિકમાં ભારતની સફળતાની અસલી હકદાર શ્રીજેશ અને રોહિદાસની જોડી છે. બંનેએ એક બીજાને સપોર્ટ કર્યો અને એટલું જ નહીં એકબીજાનો ઉત્સાહ પણ વધાર્યો."

line

અમિત રોહિદાસની વિશેષતા તેની ગતિ

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમિત રોહિદાસે સેમિફાઇનલમાં બેલ્જિયમના 14 પૅનલ્ટી કૉર્નરમાં સાત વખત બૉલને પોતાના શરીર પર ઝીલીને ગોલ બચાવ્યા હતા.

અમિત રોહિદાસની વિશેષતા એ છે તે પૅનલ્ટી કૉર્નર વખતે બહુ તેજ ગતિએ ડ્રેગ ફ્લિકર તરફ ધસી જાય છે. તેના કારણે ડ્રેગ ફ્લિકરે વ્યૂહ બદલવો પડે છે.

સૌરભ દુગ્ગલ કહે છે, "મૅચ પૂર્ણ થવાની છ મિનિટ પહેલાં આ જ રીતે તેમણે ડ્રેગ ફ્લિકરને ભટકાવ્યો. આ મૅચમાં કમસે કમ બે વખત પ્રત્યક્ષ અને બે વખત અપ્રત્યક્ષ રીતે તેમણે ગોલ બચાવ્યા."

જર્મની જેવી ટીમ ડઝનભર પૅનલ્ટી કૉર્નર પછીય મૅચ ના જીતી શકી તેમાં અમિત રોહિદાસની ભૂમિકા મહત્ત્વની રહી.

line

હૉકીની નર્સરીમાંથી આવ્યા છે રોહિદાસ

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, 28 વર્ષના અમિત રોહિદાસ ઓડિશાના છે, રાજ્યના તે ઑલિમ્પિકમાં સામેલ થનારા છઠ્ઠા પુરુષ અને કુલ 10મા ખેલાડી બન્યા છે.

અમિત રોહિદાસ ઓડિશાના પ્રથમ એવા ઑલિમ્પિક ખેલાડી છે, જે આદિવાસી ના હોય. રાજ્યના તે ઑલિમ્પિકમાં સામેલ થનારા છઠ્ઠા પુરુષ અને કુલ 10મા ખેલાડી બન્યા છે.

સુંદરગઢનું સુનામારા ગામ ભારતીય હૉકી માટે નર્સરી જેવું ગણાય છે. તે ગામમાં જ અમિત રોહિદાસ જન્મ્યા અને નાનપણથી જ ગામના જાણાતી ડિફેન્ડર દિલીપ તિર્કીને આદર્શ માનીને રમતા રહ્યા.

કરિયરની શરૂઆતમાં તે ફૉરવર્ડ રમતા હતા, પરંતુ રાઉરકેલામાં સ્પૉર્ટ્સ હૉસ્ટેલના તેના કોચ વિજય લકડાએ તેને ડિફેન્ડર બનવાની સલાહ આપી. બે વર્ષમાં જ તેમને રાજ્યની ટીમમાં સ્થાન મળી ગયું.

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, આ ટુર્નામેન્ટ સાથે રોહિદાસની 100 આંતરરાષ્ટ્રીય મૅચ પણ પૂરી થઈ છે

2013માં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું, પરંતુ તે પછીના ત્રણ વર્ષ વળી ટીમની બહાર રહેવું પડ્યું. પોતાના ખેલને સુધારવાનું ચાલુ રાખીને 2017માં ફરી સ્થાન મેળવ્યું અને ત્યારપછી તેમણે પાછું વાળીને જોયું નથી.

સૌરભ દુગ્ગલ અમિત રોહિદાસ વિશે કહે છે, "અમિત રોહિદાસ જે સ્થાને રમે છે તે સહેલું નથી. ઈજા થવાનું જોખમ હોય છે. પરંતુ અત્યારના સમયે તમે કહી શકો કે તે સૌથી ઉત્તમ ડિફેન્ડર છે."

ઑલિમ્પિકમાં જતા પહેલાં અમિત રોહિદાસે કહ્યું હતું કે 12 વર્ષની મહેનત પછી ઑલિમ્પિક ટીમમાં સામેલ થવાનું મળ્યું છે તે મારા માટે મોટું સપનું પૂરા થવા સમાન છે.

આ ટુર્નામેન્ટ સાથે રોહિદાસની 100 આંતરરાષ્ટ્રીય મૅચ પણ પૂરી થઈ છે, પણ ત્યારે તેમને અંદાજ નહીં હોય કે તેમનું સપનું બહુ ખૂબસૂરત અંદાજમાં પૂરું થવાનું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો