ટોક્યો ઑલિમ્પિકમાં હૉકીની સેમિફાઇનલમાં ભારત બેલ્જિયમ સામે 5-2થી હાર્યું

ટોક્યો ઑલિમ્પિકની ઐતિહાસિક સેમિફાઇનલમાં ભારત અને બેલ્જિયમ વચ્ચે રોમાંચક બનેલી મૅચમાં ભારતનો પરાજય થયો છે.

આ હાર સાથે જ ફાઇનલ સુધી પહોંચવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે. જોકે, નિયમ અનુસાર તે હજી કાંસ્યપદક માટે દાવેદાર છે અને જો આગામી મૅચમાં વિજય મેળવે તો કાંસ્યપદક જીતી શકે છે.

ઐતિહાસિક મૅચમાં હાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને સાંત્વના પાઠવી છે.

નરેન્દ્ર મોદીએ લખ્યું, "જીત અને હાર એ જિંદગીનો હિસ્સો છે. આપણી પુરુષ હૉકી ટીમે ટોક્યો ઑલિમ્પિકમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને એ જ મહત્ત્વનું છે. એમને આગામી મૅચ અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. ભારતને તેના રમતવીરો પર ગર્વ છે."

રોમાંચક બનેલી આ મૅચમાં હાફ ટાઇમ સુધી ભારત અને બેલ્જિયમ 2-2 ગોલથી બરોબરી પર હતા. જોકે, હાફ ટાઇમ પછી ભારતના ખેલાડી મનપ્રીતને રેફરીએ ગ્રીન કાર્ડ દેખાડ્યું અને તેમને બે મિનિટ માટે રમતમાંથી બહાર બેસવું પડ્યું.

એ પછી બેલ્જિયમે બે ગોલ કરીને આગળ નીકળી ગયું અને મૅચ 4-2 પર આવી ગઈ.

ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ અગાઉ રિયો ઑલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં ભારત બેલ્જિયમ સામે 1-3થી હારીને બહાર થઈ ગયું હતું.

બેલ્જિયમ સામે પરાજય બાદ હવે કાંસ્યપદક માટે ભારતની મૅચ થશે. ઑસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનાની મૅચમાં જેનો પરાજય થશે એની સામે ભારત રમશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો