ટોક્યો ઑલિમ્પિક : 49 વર્ષ પછી ભારતીય પુરુષ હૉકી ટીમ સેમિફાઇનલમાં, સુમિત કુમાર હાર્યા પણ દિલ જીત્યું

ભારતની પુરુષ હૉકી ટીમ ટોક્યો ઑલિમ્પિક્સમાં સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વૉર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે બ્રિટનને 3-1થી હરાવ્યું હતું.

સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બેલ્જિયમ સાથે થશે, જેણે ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેનને -1ના અંતરથી હરાવ્યું હતું.

બેલ્જિયમની ટીમને ખૂબ ખતરનાક માનવામાં આવે છે. એવામાં ભારત માટે સેમિફાઇનલ જીતવાનો મોટો પડકાર છે.

ભારતીય પુરુષ હૉકી ટીમ ટોક્યો ઑલિમ્પિકમાં અત્યાર સુધી માત્ર ઑસ્ટ્રેલિયાથી હારી છે અને બાકીની બધી મૅચ જીતી છે.

બ્રિટનની વિરુદ્ધ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં દિલપ્રીત સિંહ, ગુરજંત સિંહ અને હાર્દિક સિંહે ગોલ કર્યો.

મૅચ શરૂ થવાની થોડી મિનિટોમાં જ દિલપ્રીતે ભારતને બઢત અપાવી હતી, બીજું ક્વૉર્ટર શરૂ થતાની સાથે જ ગુરજંતે ગોલ કર્યો હતો.

ત્રીજા ક્વૉર્ટરની રમત ખતમ થતા પહેલાં બ્રિટનની તરફથી પેનલ્ટી કૉનર પર પ્રથમ ગોલ સેમ્યુઅલ ઇયાન વૉર્ડે કર્યો.

જોકે હાર્દિક સિંહે ચોથા ક્વૉર્ટરમાં ભારત તરફથી ત્રીજો ગોલ કરીને બઢત બનાવી જે ટીમને વિજય તરફ લઈ ગઈ.

ભારતનાં દિગ્ગજ બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ભલે ગોલ્ડ મેડલ ન જીતી શક્યાં, પરંતુ તેઓ બ્રૉન્ઝ મેડલ જીતી ગયાં છે.

બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં પીવી સિંધુએ ચીનનાં શટલર હે બિંગજિઆઓને હરાવ્યાં હતાં.

પીવી સિંધુ ઑલિમ્પિકમાં બે મેડલ મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગયાં છે.

અગાઉ શનિવારે સિંધુ સેમિફાઇનલ મૅચમાં વિશ્વનાં નંબર એક ખેલાડી ચીની તાઇપેના તાઇ જી-યિંગ સામે હારી ગયાં હતાં.

બ્રૉન્ઝ મેડલ માટેની મૅચના પ્રથમ સેટમાં સિંધુએ સતત ચીની શટલરની સામે આક્રમક અંદાજ બતાવ્યો અને 21-13થી આગળ થઈ ગયાં. સિંધુ અને જિઆઓ વચ્ચે લાંબી રેલીઓ ચાલી.

બીજા સેટમાં સિંધુએ મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

52 મિનિટની મૅચમાં પીવી સિંધુ પ્રથમ સેટમાં 21-13 અને બીજા સેટમાં 21-15 પૉઇન્ટ્સથી વિજેતા થયાં હતાં.

ભારતનાં પીવી સિંધુ પ્રથમ મહિલા ખેલાડી અને ત્રીજા ભારતીય ખેલાડી છે જેમણે વ્યક્તિગત રમતમાં બે મેડલ જિત્યા છે.

આની પહેલા નૉર્મન પ્રીટ્ચર્ડે પેરિસમાં વર્ષ 1900માં 200 મીટર અને 200 મીટર હર્ડલ રેસમાં બે રજતપદક જિત્યા હતા.

કુસ્તીબાજ સુશીલ કુમારે 2008માં બેઇજિંગ ઑલિમ્પિકમાં અને પછી 2021 લંડન ઑલિમ્પિકમાં બે રજતપદક જિત્યા હતા.

બૅડમિન્ટનમાં પીવી સિંધુએ રિયો ઑલિમ્પિકમાં સિલ્વર અને ટોક્યો ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે.

ઑલિમ્પિકમાં ભાગ લેવા જતાં પહેલા તેમણે બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં પોતાની તૈયારીઓ વિશે વાત કરી હતી. અહીં ક્લિક કરીને તેમનો ઇન્ટરવ્યૂ જોઈ શકો છો.

ઈજા છતાં બૉક્સિંગ રિંગમાં તર્યા સુમિત કુમાર

ભારતીય બૉક્સર સતીશ કુમાર બૉક્સિંગના સુપર હૅવી વેટ (+91 કિલોગ્રામ) વર્ગના ક્વૉર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગયા છે.

જોકે આ દરમિયાન સતીશના પ્રદર્શનનાં વખાણ થઈ રહ્યાં છે, કારણ કે તેમણે ઈજાગ્રસ્ત હોવા છતાં આ મુકાબલામાં ભાગ લીધો.

આ મુકાબલામાં તેઓ ઉઝ્બેકિસ્તાનના પ્રતિસ્પર્ધી અને વર્લ્ડ નંબર વન બૉક્સર બાખોદિર જાલાલોવ સામે હારી ગયા હતા.

જાલાલોવે સતીશને 0-5થી માત આપી હતી. સતીશની હારની સાથે જ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતના આ પુરુષ બૉક્સરની સફર ખતમ થઈ ગઈ.

જમૈકાના બૉક્સરની સાથે છેલ્લા મુકાબલામાં સતીશની હડપચી અને જમણી આંખ પર ઊંડો કટ લાગ્યો હતો જેના કારણે તેમને ઘણા ટાંકા લેવા પડ્યા હતા, પરંતુ તેની પરવા ન કરતા તેઓ ક્વૉર્ટર ફાઇનલમાં સામેલ થયા.

જોકે ઈજાને કારણે સતીશ બૉક્સિંગ મૅચમાં ભાગ લેશે કે નહીં એ નક્કી નહોતું પરંતુ આખરી પળોમાં તેમણે મેડિકલ ટીમ પાસેથી મૅચ રમવાની પરવાનગી મળી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો