Ind Vs SL દીપક ચહર : રાહુલ દ્રવિડની એક સલાહ પર ભારતની હારની બાજી જીતમાં ફેરવી

કોલંબોમાં રમાયેલી બીજી નવ-ડે મૅચમાં ભારતે એક રોમાંચક મુકાબલામાં શ્રીલંકાને ત્રણ વિકેટે હરાવ્યું.

જીતવા માટે 276 રનના લક્ષ્યની સામે ભારતીય ટીમે એક સમયે છ વિકેટ માત્ર 160 રનમાં ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ દીપક ચહરે શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી.

પ્રથમ વન-ડે મૅચમાં ભારતે યજમાન શ્રીલંકીની ટીમને સાત વિકેટે હરાવી હતી. પરંતુ આ વખતે યજમાન ટીમ સારો દેખાવ કરી ભારતીય ટીમ પર ભારે પડી રહી હતી.

ભારત આ લગભગ આ મૅચ હારી જવા પર હતું અને શ્રીલંકા શ્રેણીમાં 1-1થી ભારત સામે બરાબરી કરવાની નજીક હતું.

પણ દીપક ચહર અને ભુવનેશ્વર કુમારે બેટિંગમાં કમાલ કરી ભારતના હાથમાંથી જઈ રહેલી મૅચ બચાવી લીધી.

દીપક ચહર છવાયા

વિરાટ કોહલીએ આ જીત બાદ દીપક ચહરનાં વખાણ કરતાં ટ્વીટ કર્યું. "શાનદાર જીત. મુશ્કેલ સમયથી અહીં સુધી પહોંચવાની શાનદાર કોશિશ. દીપક ચહર અને સૂર્યાને શાબાશી. દબાણમાં પણ સરસ પર્ફૉર્મ કર્યું."

બીસીસીઆઈએ પણ પોતાની ટ્વીટમાં દીપક ચહરને જીતના હીરો ગણાવ્યા. બીસીસીઆઈએ દીપક ચહરની એક તસવીર ટ્વીટ કરી, જેમાં તેઓ પાણીની બૉટલ હાથમાં લઈને બેઠેલા જોવા મળે છે.

ટ્વીટમાં બીસીસીઆઈએ લખ્યું, "જબરદસ્ત બેટિંગથી જીત અપાવ્યા બાદ ચહર ચુપચાપ એક ખૂણામાં બેસીને પાણી પી રહ્યા છે."

આ જીત બાદ દીપક ચહર સોશિયલ મીડિયા પર છવાઈ ગયા. ટ્વિટર અને ગૂગલ ટ્રૅન્ડ્સમાં તેમનું નામ સૌથી ઉપર રહ્યું.

ચહરે ભુવનેશ્વર કુમાર સાથે આઠ વિકેટે અણનમ 84 રનની ભાગીદારી કરી.

દીપક ચહરે 82 બૉલ પર સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 69 રન બનાવી અણનમ ઇનિંગ રમી, જ્યારે ભુવનેશ્વર કુમારે અણનમ 19 રન બનાવ્યા.

ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 44 બૉલમાં 53 રનની ઇનિંગ રમી. આ વન-ડે મૅચમાં સૂર્યાની પ્રથમ અર્ધસદી છે.

ભારત તરફથી કપ્તાન શિખર ધવને 29 અને કૃણાલ પંડ્યાએ 35 રન બનાવ્યા.

આ પૂર્વે શ્રીલંકાના બૅટ્સમૅનોએ 50 ઓવરમાં 9 વિકેટ પર 275 રન બનાવ્યા હતા. ચરિથ અસાલંકાએ 65 અને અવિષ્કા ફર્નાંડોએ 50 રનની ઇનિંગ રમી હતી.

ભારત તરફથી યુજવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારે ત્રણ-ત્રણ વિકેટ લીધી.

આ વન-ડે મુકાબલામાં જીત સાથે જ ત્રણ વન-ડેની શ્રેણીમાં ભારત 2-0થી અજેય સરસાઈ સાથે આગળ છે. આખરી મૅચ 23 જુલાઈએ રમાશે.

1997 બાદ શ્રીલંકાની ટીમ ભારત સામે કોઈ શ્રેણી નથી જીતી શકી. ભારતીય ટીમે શ્રીલંકાને શ્રીલંકામાં સતત 10 વન-ડે મૅચમાં હરાવ્યું છે.

ભારતીય ટીમ શ્રીલંકા વિરદ્ધ સૌથી વધુ 93 વન-ડે જીતનારી ટીમ બની ગઈ છે. પાકિસ્તાન 92 જીત સાથે બીજા ક્રમે છે.

રાહુલ દ્રવિડે દીપક ચહરને શું કહ્યું હતું?

શ્રીલંકા સામેની મૅચમાં ચહરે સૌથી વધુ નૉટઆઉટ 69 રન બનાવ્યા હતા. મૅચ પૂર્ણ થયા પછી પોસ્ટ મૅચ પ્રેઝન્ટેશનમાં રાહુલ દ્રવિડે તેમને તેમની ઇનિંગ્સ વિશે શું કહ્યું હતું તેના વિશે વાત કરી હતી.

ચહરે કહ્યું, "દેશ માટે મૅચ જીતવા માટે કોઈ સરળ રસ્તો હોતો નથી. રાહુલસરે મને કહ્યું હતું કે તમામ બૉલ રમજે. મેં કેટલીક ઇનિંગ્સ ઇન્ડિયા-એ માટે રમી હતી અને મને વિચાર આવ્યો કે તેમને મારામાં વિશ્વાસ છે. તેમણે મને કહ્યું કે તેઓ માને છે કે હું સાતમા નંબરના ક્રમે સારું પ્રદર્શન કરી શકું છું. તેમને મારા પર વિશ્વાસ છે. આશા રાખું કે આગામી મૅચમાં મારે બેટિંગ કરવી ન પડે."

ચહરે વધુમાં કહ્યું, "આ વિકેટ પર આ રન ચેસ કરવા સરળ હતા. મારા મગજમાં માત્ર એક જ વાત ચાલી રહી હતી : આ એ જ ઇનિંગ છે જેનું હું સપનું જોતો હતો. જ્યારે 50 રન કરવાના બાકી હતા ત્યારે મને લાગ્યું કે જીતી શકીશું. એ પહેલાં હું બૉલને ધ્યાનમાં રાખી રમતો હતો, પછી મેં જોખમ લેવાનું શરૂ કર્યું."

મૅચ બાદ બીસીસીઆઈએ જાહેર કરલાં ડ્રેસિંગ રૂમ ચેટના વીડિયોમાં દીપક ચહરે કહ્યું, "મજા આવી ગઈ. પહેલાં 50 ઓવર ફિલ્ડિંગ કરી, હવે બેટિંગ પણ કરવા મળી. પહેલાં તો એવું થતું કે 50 ઓવર ફિલ્ડિંગ કરીને પણ બેટિંગનો વારો નહોતો આવતો, આજે મળી બેટિંગ."

નંબર 8 પર આવીને સૌથી વધુ રન બનાવવા મામલે દીપક ચહર બીજા ક્રમે આવી ગયા છે. આ પહેલાં રવીન્દ્ર જાડેજાએ નંબર 8 પર આવીને ન્યૂઝીલૅન્ડ સામેની 2019ની વર્લ્ડ કપની મૅચમાં 77 રન બનાવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો