ગુજરાતનો એ સ્નુપિંગ કેસ, જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર છાંટા ઊડ્યા

નરેન્દ્ર મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ મારફતે કથિત રીતે અનેક લોકોના ફોન રેકૉર્ડ કરવાના સમાચારો વચ્ચે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો સ્નુપિંગનો કિસ્સો ફરીથી ચર્ચામાં આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસની ચાર્જશીટમાં પણ આ સ્નુપિંગના કિસ્સાને નોંધવામાં આવ્યો હતો, જેમાં તે સમયના ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત બીજા અનેક પોલીસ અધિકારીઓનાં નામ પણ સામેલ હતાં.

જોકે હાલમાં તો ઇશરત જહાંના કેસમાંથી તમામ લોકોને દોષમુક્ત કરી દેવામાં આવ્યા છે અને આ સ્નુપિંગની ઘટનાના લઈને કોઈ ખાસ તપાસ સીબીઆઈએ પણ કરી ન હતી.

પરંતુ 2009ની લોકસભાની ચૂંટણી સમયે ગુજરાત કૉંગ્રેસે આ મુદ્દાને ચૂંટણીમુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

line

ગુજરાતમાં કથિત ફોન રેકૉર્ડિંગનો મામલો શું હતો?

નરેન્દ્ર મોદી સાથે હરેન પંડ્યા

ઇમેજ સ્રોત, KALPIT S BHACHECH

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી સાથે હરેન પંડ્યા

ગુજરાતમાં અવારનવાર વિપક્ષના નેતાઓ અને અમુક પોલીસ અધિકારીઓએ પણ તેમના ફોન ટેપ થવાના અને તેમની હરકતો પર નજર રાખવામાં આવતી હોવાના આરોપો મૂક્યા હતા.

નરોડા પાટિયા અને તે પછીનાં તોફાનો બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SITએ તો પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે 2002નાં તોફાનો બાદ તે સમયના ગૃહરાજ્યમંત્રી હરેન પંડ્યાનો ફોન રેકૉર્ડ કરવામાં આવતો હતો.

2004માં તે સમયના ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ વિધાનસભામાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેમનો ફોન પોલીસ દ્વારા સર્વેલન્સમાં રાખવામાં આવ્યો છે.

ગોરધન ઝડફિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોરધન ઝડફિયા

આવી જ રીતે અનેક કૉંગ્રેસી નેતાઓએ પણ ઘણી વખત આવા આરોપો મૂક્યા કે તેમના ફોન સર્વેલન્સમાં હોય છે.

2013માં તે સમયના ગુજરાત રાજ્યના પોલીસવડા અને ડારેક્ટર જનરલ ઑફ પોલીસ અમિતાભ પાઠકે એક સર્ક્યુલર પણ બહાર પાડ્યો હતો, જેમાં કહેવાયું હતું કે ટેલિફોન સર્વિસ પ્રોવાઇડર પાસેથી કોઈ પણ ફોન નંબર સર્વેલન્સમાં મૂકવા માટે એસપી સમકક્ષ અધિકારીની અરજી જરૂરી રહેશે.

તે પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ આ કામ કરી શકતા હતા. તે સમયના ડીજીપી અમિતાભ પાઠકે મીડિયામાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાજ્યભરમાં 93,000 ફોન નંબર સર્વેલન્સમાં હતા, જે તે સમયમાં ખૂબ જ મોટો આંકડો હતો.

line

ભુજની મહિલાના ફોન રેકૉર્ડિંગનો મામલો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મૂળ ભુજની અને 2009માં બેંગલુરુમાં રહેતી એક આર્કિટેક્ટ મહિલાને સતત ત્રણ મહિના સુધી તેમના ત્રણ મોબાઇલ ફોનને રેકૉર્ડ કરીને દરેક જગ્યાએ પોલીસ ફૉલો કરતી હતી, અને તેનું રિપોર્ટિંગ જે તે સમયના ગૃહરાજ્યમંત્રી અમિત શાહને કરાતું હોવાની વાત ચર્ચાઈ હતી.

કોબરા પોસ્ટ અને ગુલેલ નામની બે ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ પર તેમના કથિત ફોન રેકૉર્ડિંગની કૉપી મૂકવામાં આવી હતી.

આ વિગતો આપનારા આઈપીએસ અધિકારી જીએલ સિંઘલ આ સ્નુપિંગ વખતે ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડના એસપી તરીકે ફરજ બજાવતા હતા અને અમિત શાહ સાથેની તેમની વાતચીતની વિગતો તેમણે સીબીઆઈને ત્યારે આપી હતી, જ્યારે તેમની ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને સીબીઆઈએ તેની તપાસ કરી હતી.

ભુજની મહિલાને કેવી રીતે પોલીસની ટીમે બેંગલુરુ, ભાવનગર, તેમજ અમદાવાદના નવરંગપુરા, પ્રહ્લાદનગર, સિનેમા હૉલ, હોટલ અને રેસ્ટોરાંમાં કૉલ રેકૉર્ડિંગને આધારે ફોલો કરી હતી તેની વિગતો સિંઘલે સીબીઆઈને આપી હતી.

આ સ્નુપિંગ કેસ વખતે સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માનું પણ નામ ચર્ચામાં આવ્યું હતું.

તેમણે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામામાં ઉમેર્યું હતું કે આ મહિલાનું ગુજરાત પોલીસ સર્વેલન્સ કરી રહી છે. શર્મા પર વિવિધ આરોપો હતા અને બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

તે મહિલા કોને મળે છે, ક્યાં જાય છે, કેટલા વાગે કઈ બસ પકડે છે, કઈ જગ્યા પર કેટલો સમય વિતાવે છે, કયા થિયેટરમાં જાય છે, હોટલમાં કેટલો સમય રહે છે, ફોન પર કોની સાથે કેટલી વખત અને કઈ ભાષામાં વાત કરે છે, તેના પરિવારજનો સાથે કેટલી વખત વાત કરે છે, વગેરે તમામ વિગતો જીએલ સિંઘલ એકત્રિત કરતા હતા.

અમિત શાહ સાથેનું રેકૉર્ડિંગ તેમણે સીબીઆઈને સુપ્રત કર્યું હતું.

line

નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા હતા ભાજપના નેતાઓ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

જોકે આ સ્નુપિંગ કેસની ચર્ચા થઈ ત્યારે તે સમયના ગૃહરાજ્યમંત્રી અમિત શાહ ઉપરાંત તે સમયના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પર પણ છાંટા ઊડ્યા હતા.

ભાજપના તત્કાલીન વડા રાજનાથ સિંહે જાહેરમાં મોદીની તરફેણમાં આવીને કહેવું પડ્યું હતું કે વિપક્ષ તેમને ખોટી રીતે ફસાવી રહ્યો છે. ભાજપનાં દિગ્ગજ નેતા સુષમા સ્વરાજે પણ મોદીની તરફેણમાં તે સમયે વાત કરી હતી.

જોકે આ સ્નુપિંગ કેસ એ સમયે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો અને ગુજરાતમાં કોઈના ફોન સુરક્ષિત નથી તેવી વાતો વિપક્ષના અનેક નેતાઓએ વારેઘડીએ જાહેરમાં કહી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો