શું ભારતમાં માઓવાદીઓનો પગપેસારો વધ્યો છે?

    • લેેખક, આલોકપ્રકાશ પુતુલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મધ્ય ભારતમાં ટાઇગર રિઝર્વ અને અભ્યારણ્ય, હવે માઓવાદીઓ માટે સુરક્ષિત અડ્ડાઓ બની રહ્યા છે.

જંગલના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે માઓવાદી પહેલાં પણ વાઘ અભ્યારણ્યના રસ્તાઓનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આ જંગલોમાં માઓવાદીઓનું સંગઠન વધી રહ્યું છે.

કેન્દ્રના ગૃહ મંત્રાલયે મધ્ય પ્રદેશની સરહદે આવેલા છત્તીસગઢના મુંગેલી જિલ્લાને પણ હવે માઓવાદ પ્રભાવિત જિલ્લાઓની યાદીમાં સામેલ કરી દીધો છે. કેન્દ્ર સરકાર સુરક્ષા માટે ખર્ચનું ભંડોળ તૈયાર કરે છે, તેમાં પ્રથમ વાર મુંગેલી જિલ્લાનો સમાવેશ થયો છે.

આ ઉપરાંત ગૃહ મંત્રાલયે છ રાજ્યોના આઠ જિલ્લાઓને 'ડિસ્ટ્રિક્ટ ઑફ કન્સર્ન' (ચિંતારૂપ) તરીકે અલગ તારવ્યા છે, તેમાં પણ મુંગેલી જિલ્લાને સામેલ કરાયો છે.

એવું માનવામાં આવે છે કે જિલ્લાના અચાનકમાર વાઘ અભ્યારણ્યમાં માઓવાદીની ગતિવિધિઓ વધી છે તેથી આ નિર્ણય લેવાયો છે.

બિલાસપુર રેન્જના આઈપીજી રતન લાલ ડાંગીએ બીબીસીને કહ્યું કે, "અચાનકમાર સાથે જોડાયેલા સરહદી વિસ્તારોમાં માઓવાદીઓની સક્રિયતાના સમચારો મળતા રહે છે. અચાનકમાર વિસ્તારમાં શસ્ત્રધારી માઓવાદીઓનું કોઈ જૂથ ફરી રહ્યું છે એવી કોઈ માહિતી મળી નથી. પરંતુ ઘણી વાર માઓવાદીઓ હથિયાર વિના પણ મૂવમેન્ટ કરતા રહે છે. તેથી અચાનકમારમાં તેમની હાજરી નથી એવું પણ ના કહી શકાય."

કેન્દ્ર સરકારે માઓવાદ પ્રભાવિત વિસ્તારો માટે સુરક્ષા ભંડોળ તૈયાર કર્યું છે, તેમાં છત્તીસગઢના 28માંથી 14 જિલ્લાઓ છે. ગૃહ મંત્રાલયે બાલોદ જિલ્લાનું નામ માઓવાદ પ્રભાવિત જિલ્લાઓની યાદીમાંથી હઠાવ્યું છે અને તેની જગ્યાએ મુંગેલી જિલ્લાનો ઉમેરો કર્યો છે, એટલે માઓવાદ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 14 જ રહી છે.

મુંગેલી ઉપરાંત બસ્તર, દંતેવાડા, નારાયણપુર, કોંડાગાંવ, કાંકેર, સુકમા, બીજાપુર, રાજનંદગાવ, કબીરધામ, ધમતરી, મહાસમુંદ, ગરિયાબંદ અને બલરામપુર માઓવાદ પ્રભાવિત જિલ્લાઓની યાદીમાં છે.

એમએમસી ઝોન

મધ્ય પ્રદેશનું વિભાજન નહોતું થયું ત્યારે ભારતીય સામ્યવાદી પક્ષના પીપલ્સ વૉર સાથે જોડાયેલા માઓવાદીઓના દંડકારણ્ય ઝોનમાં પાંચ ડિવિઝન હતા. આ પાંચ ડિવિઝન હતા - ઉત્તર બસ્તર, દક્ષિણ બસ્તર, માડ, ગઢચિરોલી અને બાલાઘાટ-ભંડારા. આ વિસ્તારોમાં તેમનું જોર હતું અને માઓવાદીઓ સરકાર માટે મોટો પડકાર હતા.

આ જ સમયગાળામાં 15 ડિસેમ્બર 1999ના રોજ મધ્ય પ્રદેશના વાહનવ્યવહાર મંત્રી લિખીરામ કાંવરેની માઓવાદીઓએ તેમના વતનના જિલ્લા બાલાઘાટમાં જ હત્યા કરી દીધી હતી. કાંવરેની હત્યાને કારણે એ વિસ્તારમાં સુરક્ષા દળો માટે મોટી પડકાર ઊભો થયો હતો.

તેથી જ માઓવાદીઓ સામે મોટું અભિયાન શરી કરાયું હતું. કેટલાક વર્ષો સુધી તેની અસર પણ રહી. આ વિસ્તારોમાં માઓવાદી નબળા પડી રહ્યા છે એવું લાગ્યું, પરંતુ સંપૂર્ણપણે માઓવાદીઓની ગતિવિધિઓ અટકી પડી હોય તેવું બન્યું નથી.

માઓવાદી 'એક ડગલું આગળ, બે ડગલાં પાછળ' એવી ગેરીલા પદ્ધતિથી લડત આપતા રહ્યા છે.

આના લગભગ એક વર્ષ પછી છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું ત્યારે માઓવાદીઓએ બસ્તરના ઘણા વિસ્તારોને 'સ્વતંત્ર' ઝોન જાહેર કરીને સ્થિતિ મજબૂત કરી હતી.

માઓવાદીઓને કારણે બસ્તર ઉપરાંત રાજનંદગાવ, ગોંદિયા, ગઢચિરોલી, બિલાસપુર, ડિંડોરી, બાલાઘાટ, મંડલા પટ્ટીમાં પ્રવૃત્તિઓ ચાલતી રહી. જોકે છત્તીસગઢ સિવાય બીજા વિસ્તારોને મોટા ભાગે આશરો લેવાના સ્થળ તરીકે કામમાં લેવાયા.

છત્તીસગઢના એક ટોચના પોલીસ અધિકારીનો દાવો છે કે રાજ્યમાં માઓવાદીઓ ઉપર દબાણ વધ્યું તે પછી તેમણે બીજા વિસ્તારો શોધવાનું શરૂ કર્યું હતું. 2016માં માઓવાદીઓએ એમએમસી એટલે કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ એવી રીતે ઝોન બનાવ્યા.

આ ઝોનમાં મધ્ય પ્રદેશના મંડલા અને બાલાઘાટમાં આવેલા કાન્હા નેશનલ પાર્ક અને કબીરધામના ભોરમદેવ અભ્યારણ્યના વિસ્તારોને મેળવીને કેબી ડિવિઝન બનાવાયું.

મહારાષ્ટ્રના ગોંદિયા, છત્તીસગઢના રાજનંદગાવ અને મધ્ય પ્રદેશના બાલાઘાટ વિસ્તારોને જીઆરબી ડિવિઝનમાં સામેલ કરાયા.

ગયા અઠવાડિયે માઓવાદીઓની કેન્દ્રીય સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું કે ગયા વર્ષે દેશભરમાં 160 માઓવાદી માર્યા ગયા. તેમાંથી આઠ માઓવાદીઓ એમએમસી ઝોનના હતા.

જંગલમાં માઓવાદીની પટ્ટી

એમએમસી ઝોન બનાવ્યા બાદ છેલ્લા થોડા વર્ષોમાં બસ્તરના ગાઢ જંગલોથી કાન્હા વાઘ અભ્યારણ્ય સુધી જંગલની વચ્ચેથી એક પટ્ટીમાં માઓવાદીઓ સક્રિય થયા છે તેના સમાચારો સમયાંતરે આવતા રહ્યા હતા.

છત્તીસગઢના મુંગેલી જિલ્લાના અચાનકમાર વાઘ અભ્યારણ્યથી ભોરમદેવમાં થઈને કાન્હા વાઘ અભ્યારણ્ય સુધી પટ્ટી બનેલી છે. આ સમગ્ર વિસ્તારમાં કેટલાય વર્ષોથી માઓવાદીઓ આવનજાવન કરતાં રહે છે.

મંડલા-બાલાઘાટના કાન્હા વાઘ અભ્યારણ્ય, ઉમરિયા જિલ્લાના બાંધવગઢ નેશનલ પાર્ક, સીધી જિલ્લાના સંજય વાઘ અભ્યારણ્ય, છત્તીસગઢના કોરિયા જિલ્લાના ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્ક આ બધા એક બીજા સાથે જોડાયેલા છે.

બીજી બાજુ કાન્હા વાઘ અભ્યારણ્યનો માર્ગ પેંચ વાઘ અભ્યારણ્ય થઈને સાતપુડા વાઘ અભ્યારણ્ય અને મેલઘાટ વાઘ અભ્યારણ્ય સુધી જોડાયેલો છે. મહારાષ્ટ્રના બીજા અભ્યારણ્ય અને વાઘ અભ્યારણ્ય પણ જોડાયેલા છે.

મધ્ય પ્રદેશના કાન્હા નેશનલ પાર્કના અધિકારી સુનીલ કુમાર સિંહનું કહેવું છે કે બાલાઘાટ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષોથી માઓવાદનો પ્રભાવ છે, પણ છેલ્લા બે ત્રણ વર્ષોમાં કાન્હામાં પણ શંકાસ્પદ માઓવાદીઓની અવરજવર જોવા મળી છે.

સુનીલ કુમાર સિંહ કહે છે, "માઓવાદીઓને હજી સ્થાનિક સહકાર મળી રહ્યો નથી. તેથી તેમની કોઈ સક્રિય ભૂમિકા નથી. અત્યારે સ્થાન જમાવવાની પ્રક્રિયા છે, પરંતુ ભવિષ્યમાં શું થશે તે કહેવું મુશ્કેલ છે."

માઓવાદીઓનો ભય

જોકે કાન્હા નેશનલ પાર્કના એક અન્ય અધિકારી નામ ના આપવાની શરતે કહે છે કે સશસ્ત્ર માઓવાદીઓની હાજરીને કારણે સાંજે પાંચ વાગ્યા પછી મોટા ભાગના અધિકારીઓ પાર્કનો વિસ્તાર છોડીને બહાર નીકળી જાય છે. આ ઉપરાંત આસપાસના રિસોર્ટ કે હોટેલોમાં મહાનુભાવ ઉતર્યા હોય ત્યાં પણ વધારે સાવધાની રાખવામાં આવે છે.

બીજી બાજુ છત્તીસગઢના મુંગેલી જિલ્લાના અચાનકમાર વાઘ અભ્યારણ્યમાં થોડા દિવસો પહેલાં જ નિમાયેલા અધિકારી એસ. જગદીશન કહે છે કે સરકાર તરફથી માઓવાદીની ગતિવિધિઓની જાણકારી આપવામાં આવી હશે. તેના આધારે મુંગેલી જિલ્લાને યાદીમાં લેવાયો હશે.

એસ. જગદીશને બીબીસીને કહ્યું, "માઓવાદીઓનો પ્રભાવ છે કે કેમ તે અત્યારે કહેવું શક્ય નથી. મને અત્યારે એવું કશું લાગતું નથી. એવો કોઈ ઘટનાક્રમ પણ મને જોવા મળ્યો નથી કે જેના આધારે અંદાજ આવે કે આગળ કોઈ અસર પડશે."

રાયપુરસ્થિત એક સિનિયર પોલીસ અધિકારી જોકે અચાનકમાર અને કાન્હા વિસ્તારમાં માઓવાદીની ગતિવિધિઓને ગંભીરતાથી લેવી જોઈએ તેમ માને છે.

તેમણે કહ્યું કે, "એ સૌને ખ્યાલ હતો કે આ વિસ્તારોમાં માઓવાદી છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય છે, પણ તેનો સ્વીકાર કરાતો નહોતો. સ્વીકાર ના થયો હોય તો ઉપાય માટે પ્રયાસો પણ નહોતા. હવે સરકારે સ્વીકાર કર્યો છે તો તેના પર ઝડપથી કાબૂ કરવો જરૂરી છે."

સંરક્ષણ ખર્ચ યોજનામાં સામેલ જિલ્લાઓ

આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી, શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ, વિજયનગરમ અને પશ્ચિમ ગોદાવરી.

બિહારના ઔરંગાબાદ, બાંકા, ગયા, જમુઈ, કૈમૂર, લખીસરાય, મુંગેર, નવાદા, રોહતાસ અને પશ્ચિમ ચંપારણ.

છત્તીસગઢના બલરામપુર, બસ્તર, બીજાપુર, દંતેવાડા, ધમતરી, ગરિયાબંદ, કાંકેર, કોંડાગવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનંદગાવ, સુકમા, કબીરધામ અને મુંગેલી.

ઝારખંડના બોકારા, ચતરા, ધનબાદ, દુમકા, પૂર્વી સિંહભૂમ, ગઢવા, ગિરિડીહ, ગુમલા, હજારીબાગ, ખૂંટી, લાતેહાર, લોહરદગા, પલામૂ, રાંચી, સરાયકેલા-ખરસાવાં અને પશ્ચિમી સિંહભૂમ.

કેરલના મલાપ્પુરમ, પલક્કડ અને વાયનાડ.

મધ્ય પ્રદેશના બાલાઘાટ, મંડલા અને ડિંડોરી.

મરારાષ્ટ્રના ગઢચિરોલી અને ગોંદિયા.

પશ્ચિમ બંગાળનો ઝારગ્રામ જિલ્લો.

ઓડિશાના બરગઢ, કાલાહાંડી, કંધમાલ, કોરાપુર, મલકાનગિરી, નબરંગપુર, નુઆપાડા, રાયગઢા અને સુંદરગઢ.

તેલંગણાના અદિલાબાદ, ભદ્રાદ્રી-કઠાગુડેમ, જયશંકર-ભૂપાલપલ્લી, કોમારામ-ભીમ, મંચેરિયલ અને મુલુગુ.

સ્રોતઃ ગૃહ મંત્રાલય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો