ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી ઝડપાયેલા 'પથ્થલગડી' કોણ છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના મહીસાગર અને તાપી જિલ્લામાંથી ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. તેમના પર ઝારખંડની 'પથ્થલગડી ચળવળ' સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. એટીએસે ફોડ પાડ્યો હતો કે તેઓ નક્સલવાદી નહીં પરંતુ 'પથ્થલગડી કાર્યકરો' છે.

આ ત્રણ લોકોમાંથી મહિલા મહીસાગર જિલ્લામાંથી પકડાયાં જ્યારે બાકીના બે પુરુષ તાપીના વ્યારામાંથી પકડાયા છે. આ ત્રણેય આરોપી મૂળે ઝારખંડનાં છે.

એટીએસના ઈન્ચાર્જ એસ.પી. દીપેન ભદ્રને બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "તેઓ ઝારખંડની પથ્થલગડી ચળવળ સાથે સંકળાયેલા છે. પથ્થલગડી ઝારખંડની હિંસક ચળવળ છે. એને દક્ષિણ ગુજરાતમાં ફેલાવવા પ્રયાસરત હતા. તેમની પાસેથી ચોપાનિયાં, મોબાઈલ અને લૅપટૉપ મળ્યાં છે. જેની તપાસ ચાલી રહી છે."

નોંધનીય છે કે સ્થાનિક મીડિયામાં આરોપીઓનો સંબંધ નક્સલવાદ સાથે હોવાનો દાવો કરાયો હતો. જોકે, ઈન્ચાર્જ એસ.પી. આ દાવાને ફગાવી દે છે.

તેઓ કહે છે, "ના, તેઓ નક્સલવાદી નથી, તેઓ પથ્થલગડી કાર્યકરો છે."

એટીએસના ડીવાયએસપી બી.એચ.ચાવડાએ અમદાવાદમાં પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું, "જે ત્રણ જણાં પકડાયાં છે તેમાં સામુ ઓરેયા, બિરસા ઓરિયા અને મમતા કછપ છે. તેમના પર આરોપ છે કે તેઓ તાપી અને મહીસાગર જિલ્લામાં સતિપતિ સમુદાયના લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરી રહ્યાં હતાં."

"એટીએસે બે ટીમ બનાવીને વ્યારા અને મહિસાગરમાં સર્વેલન્સ કર્યું હતું. ત્રણેય આરોપીઓ મૂળ ઝારખંડનાં છે. તેમની સામે ઝારખંડમાં પણ ગુના નોંધાયેલા છે. છએક મહિનાથી તેઓ ગુજરાતમાં હતાં. તેઓ સરકાર વિરુદ્ધ હિંસક પ્રવૃત્તિ કરવાં માગતાં હતાં."

પથ્થલગડી પરંપરા અને આંદોલન શું છે?

'પથ્થલગડી' એટલે પથ્થરને બેસાડવો. સાદી ભાષામાં જેને શિલાલેખ કહે છે એ પ્રકારે પથ્થર પર લખાણ લખીને એને બેસાડવો.

દેશમાં આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં પથ્થલગડીની એવી સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા રહી છે. જેમાં ગામમાં દફનવિધિ થતી હોય તે વિસ્તારથી લઈને ગામના સીમાડા સુધી પથ્થર બેસાડીને સંદેશ આપવામાં આવતો હતો.

પથ્થલગડીની આ પરંપરાએ વર્ષ 2017-18માં ઝારખંડમાં સામાજિક આંદોલનનું સ્વરૂપ લીધું હતું. આ આંદોલન ઝારખંડના ખૂંટી અને પશ્ચિમી સિંહભૂમ જિલ્લામાં ફેલાયું હતું.

આ આંદોલન એવું હતું કે બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને આપવામાં આવેલા અધિકારોને પથ્થરો પર લખીને જમીન પર વિવિધ ઠેકાણે શિલાલેખની માફક ખૂંપાવવામાં આવ્યા હતા. તેમાં આદિવાસીઓ માટે ગ્રામસભાની સર્વોપરિતાની વાતને વણી લેવાઈ હતી.

એ વખતે એવી જાહેરાત પણ કરાઈ હતી કે ઝારખંડમાં સંબંધિત ગ્રામસભાની મંજૂરી વગર બહારના કોઈ પણ માણસને પ્રવેશ નહીં મળે.

આ વિસ્તારોમાં ખનન અને સરકારી નિર્માણ વગેરે માટે ગ્રામસભાની મંજૂરી જરૂરી હતી. આ બાબતોને સાંકળીને ત્યાંના કોચાંગ, શારદામારી, ઉદબુરૂ અને જિકિલતા જેવાં ગામોમાં 'પથ્થલગડી મહોત્સવ'નું પણ આયોજન કરાયું હતું અને તેમાં હજારો આદિવાસીઓએ ભાગ પણ લીધો હતો.

પોલીસનું શું કહેવું હતું?

વર્ષ 2018ના જૂનમાં લોકસભાના પૂર્વ ઉપાધ્યાક્ષ કરિયા મુંડાના ગામ ચાંડડીહ અને ઘાઘરા ગામમાં આદિવાસી અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું.

એ વખતે પોલીસના ગોળીબારમાં બેને ગોળી લાગી હતી. જેમાંથી એક આદિવાસી યુવકનું મૃત્યુ થયું હતું. એ પછી પોલીસે પોતાના ત્રણ જવાનોના અપહરણનો આરોપ લગાવ્યો હતો.

જોકે, બાદમાં ત્રણેય જવાનો કુશળ પરત ફર્યા હોવાનો પોલીસ દાવો કર્યો હતો. એ વખતે 'પથ્થલગડી આંદોલન' સાથે સંકળાયેલા લોકો સાથે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ હતી.

કેટલાક પોલીસ રિપોર્ટમાં અજ્ઞાત આદિવાસીઓ સામે રાજદ્રોહના આરોપ પણ લગાવાયા હતા અને કેટલાય લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

એ વખતે 'પથ્થલગડી આંદોલન' સાથે સંકળાયેલા લોકોને રાજદ્રોહી જાહેર કરાયા હતા.

આ આંદોલન આદિવાસીઓને ઉશ્કેરવા માટે કરાયું હોવાનું ખૂંટી પોલીસે પોતાના અધિકૃત નિવેદનમાં જણાવ્યું હતું.

ભારતીય બંધારણની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ મેળવવા આ આંદોલન હાથ ધરાયું હતું.

આ આંદોલનમાં સામેલ લોકો જિલ્લા અધિકારી કે કોર્ટની સત્તાને સ્વીકારતા નથી. તેઓ સરકારી અધિકારીઓને પણ ગામમાં પ્રવેશતા અટકાવે છે.

એ વખતના તત્કાલીન મુખ્ય મંત્રી રઘુવરદાસે કહ્યું હતું, "આદિવાસી ભલાભોળા છે. બહારના કેટલાક લોકો આવીને તેમને ગુમરાહ કરી રહ્યા છે. પથ્થલગડી આપણી પરંપરા છે પણ તે સારાં કાર્યો માટે હોવી જોઈએ. અત્યારે પથ્થલગડી કરી રહેલા લોકો રાષ્ટ્રવિરોધી છે. તેઓ ગેરબંધારણીય કામ કરી રહ્યા છે. અમારી સરકાર તેમને છોડશે નહીં."

સોરેન સરકારે કેસ પાછ લેવાની વાત કરી હતી

ઝારખંડમાં આ આંદોલન ચરમ પર હતું ત્યારે આદિવાસી સંબંધિત બાબતોના જાણકાર અભય ખાખાએ બીબીસી સંવાદદાતા આલોક પ્રકાશ પુતુલને જણાવ્યું હતું :

"ગ્રામસભાના અધિકારોને પથ્થર પર કંડારીને પથ્થલગડી ઝુંબેશ શરૂ કરાઈ હતી અને ગ્રામસભાના નિર્ણયોના પાલનને અનિવાર્ય કરી દેવાયું હતું. કેટલાક વિસ્તારોમાં સરકારી અધિકારીઓને પણ પ્રવેશતાં અટકાવાયા હતા."

ઝારખંડ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશમાં પણ તેનો ફેલાવો જોવા મળ્યો હતો.

પથ્થલગડી કરવાવાળા આદિવાસીઓ પર થયેલા કથિત સરકારી દમન સામે જુલાઈ 2019માં જાણીતા સામાજિક કાર્યકર્તા અને અર્થશાસ્ત્રી ઝ્યાં ડ્રેઝ સહિત ઘણા લોકોએ રાજભવન પર પ્રદર્શન કર્યું હતું.

હાલમાં ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર છે. ડિસેમ્બરમાં જ્યારે તેઓ ચૂંટાયા અને તેમની સરકાર બની ત્યારે તેમણે શપથગ્રહણ વખતે જ જાહેરાત કરી હતી કે પથ્થલગડીના તમામ કેસ પાછા ખેંચવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો