કોરોના વાઇરસ : IMAની ત્રીજી લહેરની ચેતવણી, શું કહે છે ગુજરાતના ડૉક્ટરો?

ઇમેજ સ્રોત, Hindustan Times
દેશમાં કોરોના વાઇરસના કેસમાં થઈ રહેલા ઘટાડા વચ્ચે કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેરને લઈને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ)એ ચેતવણી આપી છે.
એક પ્રેસ રિલીઝ જાહેર કરીને IMAએ કહ્યું કે કોરોના વાઇરસની ત્રીજી લહેર નજીક છે. તેણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોવિડ સામેના જંગમાં કોઈ 'ઢીલ' ન રાખવાની અપીલ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આઈએમએએ કહ્યું કે "ઉપલબ્ધ વૈશ્વિક પુરાવા અને કોઈ પણ મહામારીના ઇતિહાસને જોતાં કહી શકાય કે ત્રીજી લહેર અપરિહાર્ય અને નજીક છે. જોકે એ દુર્ભાગ્ય છે કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરકાર અને લોકો 'આત્મસંતુષ્ટ' થઈ ગયાં છે અને કોવિડ પ્રોટોકૉલનું પાલન કર્યા વિના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે."
પ્રેસ રિલીઝમાં કહેવાયું કે પર્યટન, ધાર્મિક યાત્રાઓ અને ધાર્મિક સમારોહ જરૂરી છે, પણ તેના માટે થોડા મહિના રાહ જોઈ શકાય તેમ છે.
"આ સ્થળોને ખુલ્લાં મૂકી દેવાં અને રસીકરણ વગર જ લોકોનું મોટા પ્રમાણમાં ભેગા થવું કોરોનાની ત્રીજી લહેર ફેલાવવાનું કારણ બની શકે છે."
આઈએમએએ કહ્યું કે આવા સમયે આપણે આગામી બે-ત્રણ મહિના સુધી કોઈ જોખમ લેવું ન જોઈએ.

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના તબીબો કોરોનાની ત્રીજી લહેર અંગે શું કહે છે?
આ દરમિયાન અમદાવાદમાં કોરોના મહામારીના પગલે વિવિધ પ્રતિબંધોની વચ્ચે નીકળેલી રથયાત્રા પૂર્ણ થઈ છે.
અમદાવાદની પરંપરાગત રથયાત્રા ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે યોજવામાં આવી નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ વર્ષે સરકારે ગાઇડલાઇનને આધારે રથયાત્રા યોજવાનું આયોજન કર્યું હતું
આ દરમિયાન બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના ડૉક્ટરો સાથે ફેસબુક લાઇવ કર્યું હતું અને કોરોનાની સંભવિત લહેર અંગે ચર્ચા કરી હતી.
લાઇવ વાતચીતમાં ડૉ. મુકેશ મહેશ્વરીએ કહ્યું કે "જુલાઈના અંત સુધીમાં બીજી લહેર પૂરી થાય તેવી શક્યતા છે, પણ જો આપણે કોવિડના નિયમોનું બરાબર પાલન નહીં કરીએ તો ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવું થશે."
"જે પણ દેશોમાં બીજી લહેર પૂરી થયા બાદ કોવિડના નિયમોનું પાલન નથી કરાયું, ત્યાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે, બ્રિટન તેનું ઉદાહરણ છે."
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. દિલીપ ગઢવીએ કહ્યું કે "ભારતની વસતી અને આપણે જે રીતે વર્તી રહ્યા છીએ એ જોતાં કદાચ ભારત એક કરતાં વધુ કોરોનાની લહેર જોશે."
તેમણે કહ્યું કે હજુ બે મહિના પહેલા ગુમાવેલા આપણા સ્વજનોને આપણે ભૂલી ગયા છીએ.
રેડિયૉજિસ્ટ ડૉ. સાહિલ શાહે કહ્યું કે "હાલમાં ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડા શરૂ થઈ ગયા છે, પર્યટનસ્થળો પર લોકો ભેગા થઈ રહ્યા છે. લોકો ખરીદી માટે ઊમટી પડ્યા છે, કોવિડના નિયમોનું પાલન નથી થતું, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ નિયમોનું પાલન થતું નથી."
"હું સરકારને કહું છું કે ત્રીજી લહેર ન આવે એ માટે પૂરી તૈયારી રાખવી જોઈએ, વિપુલ માત્રામાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવીએ, રોજના રસીકરણમાં વધારો કરવો જોઈએ."
તેમણે વધુમાં કહ્યું કે "સરકારે સ્કૂલો ખોલવા અંગેનો જે નિર્ણય લીધો છે, એના અંગે પણ વિચાર કરવો જોઈએ, કેમ કે આપણી પાસે હજુ નાનાં બાળકો માટેની રસી નથી. જો બાળકો કોરોનાનો ભોગ બનશે તો બહુ ઘાતક નીવડી શકે તેમ છે."
ડૉ. દિલીપ ગઢવી કહે છે કે "કોરોના વાઇરસ અંગે ચોક્કસ કહેવું બહુ મુશ્કેલ છે, આપણે જાણીએ છીએ કે પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ઘાતક હતી અને બીજી લહેરમાં દવાઓ પણ હતી, અને ડૉક્ટરો પાસે અનુભવ પણ હતો, તેમ છતાં આપણે મૃત્યુદર વધતો રોકી શક્યા નહોતા, એટલે ત્રીજી લહેર કેટલી ઘાતક હશે એ કહેવું પણ મુશ્કેલ છે."

ત્રીજી લહેર વધુ ગંભીર હશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે નિષ્ણાતો કહે છે કે કોરોના વાઇરસની બીજી લહેર વધુ તીવ્ર હતી, તેને જોતાં ત્રીજી લહેર ગંભીર હોઈ શકે છે.
એમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા પણ એ વાતથી સહમત છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
તેમણે કહ્યું હતું, "કોરોના વાઇરસની વધુ એક લહેર આવી શકે છે પરંતુ મને આશા છે કે એ આવે ત્યાં સુધીમાં દેશની મોટા ભાગની વસતીનું રસીકરણ થઈ ગયું હશે. રસીકરણ થઈ ગયું હોવાથી ત્રીજી લહેરની એટલી અસર નહીં હોય જેટલી બીજી લહેરમાં થઈ હતી."
IITના પ્રોફેસર મનોજ અગ્રવાલને ટાંકતાં 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' જણાવે છે કે કોઈ પણ સંશોધન વગર એ કહેવું ખૂબ મુશ્કેલ છે કે લહેર તીવ્ર હશે કે નહીં. તે માટે વૈજ્ઞાનિક સંશોધન અને સીરો સરવે કરવાની જરૂર હોય છે. સીરો સરવેથી એક સારો અંદાજ મેળવી શકાય છે.

'ત્રીજી શું કોરોનાની ચોથી પણ લહેર આવી શકે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. અનીશ સિંહાએ અગાઉ કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે વાતચીત કરી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં ડૉ. સિંહાએ જણાવ્યું હતું, "ત્રીજી લહેર આવશે કે કેમ એ વિશે કોઈ પણ આગાહી કરી શકાય નહીં."
"જો લોકો કોવિડ પ્રોટોકૉલનું યોગ્ય રીતે પાલન કરે તો લહેર ન પણ આવે. પણ જો પ્રોટોકૉલનું પાલન ન થાય તો ત્રીજી શું ચોથી લહેર પણ આવી શકે છે."
"કોરોના વાઇરસનો જે પ્રકાર છે, તેના કારણે પણ કોઈ આગાહી કરવી મુશ્કેલ છે. એવી ધારણા છે કે ફ્લૂ ઓછું તાપમાન હોય ત્યાં વધુ પ્રસરે છે પણ ભારત જેવા ગરમ તાપમાન ધરાવતા દેશમાં કોરોના વાઇરસ જે ઝડપથી પ્રસર્યો છે, તે જોતાં કંઈ પણ કહેવું મુશ્કેલ છે."
"જો ભારતમાં ત્રીજી લહેરને અટકાવવી હશે તો વધુને વધુ લોકોનું રસીકરણ કરવું એ સૌથી સારો ઉપાય છે."

લહેર એટલે શું?
સીઈબીએમ (સેન્ટર ફોર ઍવિડન્સ બેઇઝ્ડ મેડિસિન)માં ઍપિડમોલિજીસ્ટ ટૉમ જેફરસન અને કાર્લ હેનેગનના મતે "1889-92 દરમિયાન જે રોગચાળા ફેલાયા હતા તેનાથી વેવ (ગુજરાતીમાં લહેર) શબ્દની ઉત્પત્તિ થઈ હતી."
"આ રોગચાળાના વિવિધ તબક્કા હતા અને ઘણાં વર્ષો સુધી આ બીમારીએ વિવિધ સ્વરૂપે દેખા દીધી હતી. સ્પૅનિશ ફ્લૂ વખતે પહેલાં કરતાં વધુ આક્રમક સ્ટ્રેન સામે આવતા તેને બીજી લહેર કહેવામાં આવી."
મહામારીના સંદર્ભે લહેરની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી.
લહેરમાં એક કર્વ (ગુજરાતીમાં જેને વળાંક કહેવામાં આવે છે) પણ હોય છે, જે ચેપની તીવ્રતા દર્શાવે છે.
ભૂતકાળમાં બીમારીના ઋતુચક્ર વિશે જણાવવા માટે વેવ શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઘણાં વાઇરલ ઇન્ફૅકશન ઋતુ આધારિત હોય છે અને ચોક્કસ સમય બાદ જોવા મળે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













