ભારતના મોટાભાગના લોકો બીજા ધર્મમાં લગ્ન કરવાના વિરોધી છે : સરવે

    • લેેખક, લેબો ડિસેકો
    • પદ, ગ્લોબલ રિલીજન સંવાદદાતા

અમેરિકન થિંકટૅન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના એક સરવેમાં બહાર આવ્યું છે કે ભારતમાં મોટાભાગના લોકો ખુદને અને પોતાના દેશને ધાર્મિક રીતે સહિષ્ણુ માને છે પરંતુ તેઓ આંતરધર્મીય લગ્નોને યોગ્ય નથી માનતાં.

સરવેમાં દરેક સમુદાયના મોટાભાગનાં લોકોએ કહ્યું કે, આવા લગ્નોનો વિરોધ અને તેને રોકવાની બાબત તેમની પ્રાથમિકતાઓમાં સૌથી પહેલા આવે છે.

આ સંશોધન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ભારતમાં અમુક રાજ્યોમાં અલગ ધર્મનાં લોકો વચ્ચે લગ્નને મામલે કાનૂન બનાવવામાં આવ્યા છે.

પ્યૂ રિસર્ચ સેન્ટરના આ સરવે માટે ભારતમાં 17 ભાષાઓ બોલતા લોકોમાંથી 30 હજાર લોકોનો મત લેવામાં આવ્યો હતો.

આ સરવે દેશના 26 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવ્યો હતો.

સરવે અનુસાર વાતચીત કરનારા 80 ટકા મુસલમાનોએ કહ્યું કે, એ જરૂરી છે કે તેમના સમુદાયના લોકો અન્ય સમુદાયમાં લગ્ન કરવાનું બંધ કરે. હિંદુઓમાંથી પણ 65 ટકા લોકોએ કહ્યું કે તેઓ પણ એવો જ મત ધરાવે છે.

સરવેમાં લોકોને તેમની આસ્થા અને રાષ્ટ્રીયતાને લઈને પણ સવાલ કરવામાં આવ્યો હતો. તેમાં જોવા મળ્યું કે હિંદુ લોકોમાં એવું લાગે છે કે 'તેમની ધાર્મિક ઓળખ અને દેશની રાષ્ટ્રીય ઓળખ ખૂબ જ નજીકથી જોડાયેલી છે.'

લગભગ બે-તૃતિયાંશ હિંદુઓ એટલે કે 64 ટકાને લાગે છે કે એક 'સાચો ભારતીય હોવા માટે એક હિંદુ હોવું' ઘણું મહત્ત્વપૂર્ણ છે.

સાથે પણ અને અલગ પણ

રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું કે ભારતના મોટા ધાર્મિક સમુદાયોમાં એક જ પ્રકારના મૂલ્યો અને ધાર્મિક માન્યતાઓ છતાં તેમને ઘણીવાર એવું નથી લાગતું કે તેમનામાં કોઈ સમાનતા છે.

રિપોર્ટ કહે છે - ભારતીય લોકો એક સાથે ધાર્મિક સહિષ્ણુતાને લઈને પણ ઉત્સાહિત રહે છે અને સાથે જ ધાર્મિક સમુદાયને અલગ અલગ પણ રાખવા માગે છે. તેઓ એક સાથે છે, પણ અલગ-અલગ રહે છે.

તેમાં વધુમાં લખ્યું છે કે ભારતમાં કેટલાક લોકો મિત્ર હોવા છતાં પણ અલગ-અલગ ધાર્મિક જીવન વ્યતિત કરે છે અને તેઓ પ્રયાસ કરે છે કે કોઈ ખાસ ધર્મના લોકો તેમના ધાર્મિક સ્થળો અથવા ગામોથી દૂર રહે.

ભારતમાં પરંપરાવાદી પરિવારોમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે લગ્નોનો બહિષ્કાર થતો રહ્યો છે. પરંતુ હવે આવા યુગલોએ કાનૂની અડચણોનો પણ સામનો કરવો પડે છે.

ભારતમાં વિશેષ વિવાહ અધિનિયમ હેઠળ આંતરધર્મીય લગ્ન કરનારા લોકોએ 30 દિવસની નોટિસ આપવી પડે છે. વળી ભારતીય જનતા પાર્ટી શાસિત કેટલાક પ્રદેશોમાં કેટલાક અન્ય નવા કાયદા પણ લાવવામાં આવ્યા છે જેના હેઠળ બળજબરીથી અથવા દગો કરીને 'ગેરકાનૂની ધર્મપરિવર્તન' કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ પગલું દક્ષિણપંથી હિંદુ જૂથો દ્વારા કથિત લવ જેહાદની ઘટનાઓના આરોપો બાદ ઉઠાવવામાં આવ્યું છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવવાના ઇરાદાથી તેમની નજીક આવે છે.

સુમિત ચૌહાણ અને તેમના પત્ની આઝરા પરવીન અન્ય ધર્મમાં લગ્ન કર્યાં પછી કેવો વિરોધ થાય છે, તેના સાક્ષી છે. ચૌહાણ હિંદુ છે. તેઓ દલિત સમુદાયમાંથી આવે છે અને પરવીન મુસલમાન છે.

ચૌહાણ કહે છે કે તેમના હિંદુ સંબંધીઓ મુસલમાન પ્રત્યે કેટલીક ખોટી માન્યતાઓ ધરાવે છે. પણ તેમણે કહ્યું, "મેં તેમ છતાં મારા માતા-બહેન અને ભાઈને મનાવી લીધા હતા."

પરંતુ પરવીન માટે સ્થિતિ આસાન નહોતી. પરવીન જણાવે છે કે તેમના પરિવારે લગ્નની મંજૂરી માટે ઇનકાર કરી દીધો. પછી બંનેએ કોઈને જાણ ન થાય એ રીતે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

જોકે હવે તેઓ વાતચીત કરે છે પરંતુ પરવીનનાં માતાપિતા હજુ પણ જાહેરમાં તેમનાં લગ્નને સ્વીકારતા નથી.

ચૌહાણ કહે છે, "ગત વર્ષે મારી નાની બહેનનાં લગ્ન થયાં પરંતુ અમને આમંત્રિત નહોતાં કરાયાં. તમે જેમને પ્રેમ કરો છો, તેની સાથે લગ્ન કરવા માટે તમારે ધર્મ બદલવાની જરૂર ન હોવી જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો