કોરોના રસીથી મોતનો 'ભારતમાં પહેલો કેસ', તપાસ કરનાર ડૉક્ટરે શું કહ્યું? - TOP NEWS

કોરોના વાઇરસની રસીની આડઅસર પર અભ્યાસ કરી રહેલી સરકારના નિષ્ણાતોની પેનલે ભારતમાં રસીકરણ બાદ એક મૃત્યુ થયાનું સ્વીકાર્યું છે.

AEFI (ઍડ્વર્સ્ડ ઇવેન્ટ્સ ફૉલોઇંગ ઇમ્યુનાઇઝેશન) પેનલના ચૅરપર્સન ડૉ. એન. કે. અરોરા સમાચાર એજન્સી પીટીઆઈને જણાવે છે કે "કોવિડ-19 રસીકરણ બાદ ઍનાફિલેક્સિસથી મોતનો આ પ્રથમ મામલો છે."

"રસીનો ડોઝ મુકાવ્યા બાદ રસીકરણકેન્દ્ર પર અડધો કલાક બેસવાની વ્યવસ્થા પર આ ઘટના ભાર મૂકે છે."

તેઓ કહે છે કે "મોટાભાગની ઍનાફિલેક્ટિક આડઅસરો આ સમયે જ દેખાતી હોય છે, જે મોત સુધી દોરી જાય એવી શક્યતા રહેલી છે."

આ કમિટી દ્વારા પાંચમી ફેબ્રુઆરીના પાંચ કેસ, નવમી માર્ચના આઠ કેસ અને 31મી માર્ચના 18 કેસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ પેનલનું કહેવું છે કે રસીકરણની ગંભીર આજઅસરના જૂજ કેસોની તુલનામાં તેના ફાયદા ઘણા બધા છે. રસીકરણની અસરો અને તેનાથી થતી હાનિ અંગે સતત નિગરાની રાખવામાં આવી રહી છે.

આપના નેતા સંજય સિંહનો આરોપ, 'ભાજપે ઘર પર હુમલો કરાવ્યો'

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહે મંગળવારે આરોપ લગાવ્યો કે ભાજપે તેના પર હુમલો કરાવ્યો છે.

તેમણે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી છે. ટ્વીટ સાથે તેમણે એક વીડિયો પણ શૅર કર્યો, જેમાં તેઓ આરોપ લગાવે છે કે દિલ્હીના નૉર્થ ઍવેન્યુ ખાતેના તેમના નિવાસ પર હુમલો કરવામાં આવ્યો છે.

એ બાદ તેમણે કહ્યું, "હું બહુ જ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે તમે ઇચ્છો એટલા હુમલા કરાવી લો. ઇચ્છો તો મારી હત્યા કરાવી લો પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના નામે બનનારા મંદિરમાં જો ફાળા ચોરી કરશો તો એક વાર નહીં હજાર વખત બોલીશ. આ 115 કરોડ હિંદુઓનું અપમાન છે. રામભક્તોનું અમપાન છે, જેમણે પ્રભુ શ્રીરામના ભવ્ય નિર્માણ માટે ફાળો આપ્યો છે. ફાળાને ચોરનારાઓને પકડીને જેલમાં નાખવા જોઈએ."

સંજય સિંહના આરોપો બાદ નવી દિલ્હીના ડીએસપી દીપક યાદવે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું, "આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરની બહાર લાગેલી નૅમપ્લેટને ખરાબ કરવાનો પ્રયાસ કરાયો હતો. બે લોકોની અટકાયત કરાઈ છે. કોઈને શારીરિક ઈજા નથી પહોંચી. આગળની તપાસ ચાલુ છે."

દિલ્હી રમખાણો કેસમાં નતાશા નરવાલ, દેવાંગના કલિતાને જામીન

દિલ્હી રમખાણોના ષડયંત્ર મામલે ગેરકાનૂની પ્રવૃત્તિ (રોકથામ) કાયદો (UAPA) હેઠળ જેલમાં રહેલા સ્ટુડન્ટ ઍક્ટિવિસ્ટ દેવાંગના કલિતા, નતાશા નરવાલ અને આસિફ ઇકલાબને દિલ્હી હાઈકોર્ટે જામીન આપી દીધા છે.

દેવાંગના કલિતા અને નતાશા નરવાલ પિંજરા તોડ અભિયાનાનાં ઍક્ટિવિસ્ટ છે અને આસિફ ઇકબાલ જામિયાના વિદ્યાર્થી છે. ત્રણેની ધરપકડ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો બાબતે કરવામાં આવી હતી.

પોલીસે તેમની પર આપરાધિક ષડ્યંત્રનો આરોપ મૂક્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર જામીન મંજૂર કરતા જસ્ટિસ સિદ્ધાર્થ મૃદલ અને એ. જે. બાંભાણીએ કહ્યું, "અમને એ જણાવતા દુ:ખ થાય છે કે અસહમતીનો અવાજ દબાવી દેવાના પ્રયાસમાં સરકાર બંધારણીય અધિકાર અને આતંકી ગતિવિધિ વચ્ચેના તફાવતની બારીક ભેદરેખાને ભૂંસી રહી છે. આવી માનસિકતાને વેગ મળવો લોકશાહી માટે આ સારી બાબત નથી."

બીબીસી સંવાદદાતા કીર્તિ દુબે અનુસાર એમને પોલીસ ફરિયાદ ક્રમાંક 59માં જામીન આપવામાં આવ્યા છે જેમાં યુએપીએની કલમો લગાવવામાં આવી હતી.

ત્રણેને અગાઉની ફરિયાદોમાં જામીન મળેલાં છે એટલે હવે તેઓ જેલ બહાર આવી શકશે.

વળી આદેશની નકલ આરોપોઓને તાત્કાલિક પૂરી પાડવા પણ કહેવાયું છે. આરોપીઓને 50 હજારના બૉન્ડ પર શરતી જામીન મળ્યા છે.

જામિયાના વિદ્યાર્થી કાર્યકર્તાએ જ્યાં રહે છે તે પોલીસ સ્ટેશનમાં તેમની વિગતો પણ લખાવી પડશે અને સરનામું બદલે તો જાણ કરવાની રહેશે.

દિલ્હી હાઈકોર્ટે તેમને પાસપોર્ટ જમા કરાવવા અને પુરાવાઓ સાથે છેડતી ન કરવા પણ કહ્યું છે.

દેવાંગના ચાર કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે, જ્યારે નતાશા ત્રણ કેસમાં. તેમને તમામ કેસમાં જામીન મળી ગયા છે.

જોકે તમામને પુરાવા સાથે છેડછાડ કે સાક્ષીઓના સંપર્ક કરવાથી દૂર રહેવાનો નિર્દેશ અપાયો છે.

છૂટક અને જથ્થાબંધ ખરીદીમાં મોંઘવારી વધી, ફુગાવો નવી ટોચે

મે મહિનામાં મોંઘવારીમાં વધારો થયો છે. મે મહિનામાં રિટેલ અને જથ્થાબંધ બંને ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.

મે મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાના કારણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત રિટેલ ફુગાવો વધીને 6.3 ટકા થઈ ગયો છે.

બીજી તરફ મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો (હોલસેલ પ્રાઇસ બેઝ્ડ) ફુગાવો વધીને 12.4 ટકા થઈ ગયો છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ છે.

‘મનીકંટ્રોલ’ ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ અનુસાર સરકાર દ્વારા બહાર પાડવામાં આંકડાઓ અનુસાર એપ્રિલ-2021માં રિટેલ ફુગાવો 4.23 ટકા હતો.

નેશનલ સ્ટેટિસ્ટિટલ્ ઑફિસ (એનએસઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર મે મહિનામાં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 5.01 ટકા રહ્યો છે.

ગત મહિનાની સરખામણીમાં 1.96 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ-2021માં જથ્થાબંધ ફુગાવો 10.49 ટકા હતો. જ્યારે એપ્રિલ, 2020માં જથ્થાબંધ ફુગાવો માઇનસ 3.37 ટકા હતો. સળંગ પાંચમાં મહિના જથ્થાબંધ ભાવમાં વધારો જોવા મળ્યો છે.

જથ્થાબંધ ફુગાવાની ઊંચી સપાટી અંગે વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે મે-2021માં જથ્થાબંધ ફગાવો વધવાનું કારણે લો બેઇઝ ઇફેક્ટ છે. આ ઉપરાંત ક્રૂડ પેટ્રોલિયમ અને મિનરલ, ઑઇલ સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે પણ જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે.

‘નોવાવૅક્સ રસી 90 ટકા અસરકારક’

અમેરિકાની નોવાવૅક્સ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે તેમની રસી નોવાવૅક્સની અસરકારતા 90 ટકા છે.

વળી કંપનીએ કહ્યું કે તે વિકાસશીલ દેશોમાં કોવિડને કાબૂ લેવા માટે રસીકરણ પર ભાર મૂકશે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર સાર્સ-કોવિડ મામલેના અંતિમ ટ્રાયલ દરમિયાન કંપનીને 100 ટકા અસરકારતા જોવા મળી છે.

અત્રે નોંધવું કે ભારતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા સાથે નોવાવૅક્સ કંપની ભારતમાં પણ નોવાવૅક્સ (કોવાવૅક્સ)નું ઉત્પાદન થવાનું છે.

ટ્વિટરને સરકારનું સમન્સ, 18મી જૂને હાજર થવા ફરમાન

આઈટીના નવા નિયમોને પગલે ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર સંસદની સ્ટેન્ડિગ કમિટિએ ટ્વિટરને સમન્સ મોકલ્યું છે. ઇન્ફર્મેશન ટેકનૉલૉજી સંબંધિત આ સમિતિએ 18 જૂને ટ્વિટરને પ્રતિનિધિ મોકલવા કહ્યું છે.

આ બેઠકમાં આઈટી મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહેશે અને જે વિવાદ ચાલી રહ્યો છે તેના પર ચર્ચા તથા રજૂઆતો સાંભળવામાં આવશે.

અત્રે નોંધવું કે ટ્વિટરે સરકારે આપેલા અલ્ટિમેટમ પછી પણ કેટલાક નિયમોનું પાલન હજુ નથી કર્યું એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.

‘વુહાન લૅબમાંથી કોરના વાઇરસ નથી ઉદભવ્યો’

સમગ્ર વિશ્વમાં ચીનની વુહાન લૅબ ચર્ચાનું કેન્દ્ર રહી છે. અટકળો અને આક્ષેપ થતા રહ્યા કે કોરોના વાઇરસનો ઉદ્ભવ આ લૅબમાંથી જ થયો હતો. ચીન તેને નકારતું આવ્યું છે.

દરમિયાન ‘એનડીટીવી’ના અહેવાલ મુજબ ચીનની વુહાન લૅબના મહિલા વૈજ્ઞાનિકે આ આરોપો નકાર્યાં છે.

અત્રે નોંધવું કે ગત મહિને અમેરિકી પ્રમુખ જો બાઇડને કોરોના વાઇરસના ઉદ્ભવ મામલે ઇન્ટલિજન્સ યુનિટને તપાસ સોંપી હતી જેમાં વુહાન લૅબમાંથી વાઇરસ લીક થયાની બાબત પણ સામેલ છે.

આ સમગ્ર બાબતે વૈજ્ઞાનિક ડૉ. શી ઝેંગલીએ ન્યૂયૉર્ક ટાઇમ્સને કહ્યું કે, “જો આ વાતના કોઈ પુરાવા જ ન હોય તો હું ક્યાંથી આ વિશે પુરાવા આપું?”

“મને નથી ખબર કે વિશ્વમાં આ વુહાન લૅબમાંથી વાઇરસ લીક થયાની થિયરી ક્યાંથી બહાર આવી? વિશ્વ કેમ નિર્દોષ વૈજ્ઞાનિકો પર કીચડ ઉછાળી રહ્યું છે?” ચીનની વિવાદાસ્પદ લૅબોરેટરીની અંદર શું થાય છે? વાંચો બીબીસી ગુજરાતીનો ખાસ અહેવાલ અહીં ક્લિક કરીને.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો