બીબીસી, ન્યૂયોર્ક ટાઇમ્સ, ગાર્ડિયન સહિત અનેક મોટી વેબસાઇટ્સ ડાઉન - Top News

દુનિયાની અનેક મહત્ત્વની સમાચાર સંસ્થાઓ અને સરકારી વેસસાઇટ્સ 8 જૂને થોડો સમય માટે ડાઉન થઈ ગઈ.

બીબીસી ગુજરાતી સહિત ભારતીય ભાષાઓ અને અંગ્રેજી સમેત અન્ય ભાષાઓની વેબસાઇટ પણ ડાઉન થઈ. આ ઉપરાંત ગાર્ડિયન, ફાઇનાન્સિયલ ટાઇમ્સ, ન્યૂયૉર્ક ટાઇમ્સ વગેરે વેબસાઇટ પણ ડાઉન થઈ ગઈ હતી.

બ્રિટન સરકારની વેબસાઇટ gov.uk પણ ડાઉન થઈ હતી.

આ તમામ વેબસાઇટ ખોલવાની કોશિશ કરવા પર એરર 203 સર્વિસ અનવેલેબલનો મૅસેજ જોવા મળતો હતો.

જોકે, થોડા સમય બાદ તમામ સાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ.

પ્રાથમિક માહિતી મુજબ ક્લાઉડ કમ્યુટિંગ પ્રોવાઇડર 'ફાસ્ટલી'માં તકનિકી સમસ્યાને કારણે આમ થઈ શકે છે. આ તકનીકથી અનેક મહત્ત્વની વેબસાઇટને સપોર્ટ મળતો હોય છે.

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રીને સાઉથઆફ્રિકામાં છેતરપિંડીના ગુનામાં સાત વર્ષની સજા

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને સોમવારે દક્ષિણ આફ્રિકાની એક કોર્ટે છેતરપિંડી અને ફોર્જરીના કેસમાં સાત વર્ષની સજા આપી છે.

લતા રામગોબિન જાણીતાં કર્મશીલ ઇલા ગાંધી અને મેવા રામગોબિંદનાં દીકરી છે.

56 વર્ષનાં આશિષ લતા રામગોબિન પર એસ. આર. મહારાજ નામના વેપારીએ કેસ કર્યો હતો. એસ. આર મહારાજે ભારતથી આવતા કન્સાઇન્મેન્ટની ઇમ્પૉર્ટ અને કસ્ટમ ડ્યૂટી 6.2 કરોડ રૂપિયા એડવાન્સ આપ્યા હતા.

ડરબન સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે નૅશનલ પ્રોસિક્યૂટર ઑથોરિટીના વકીલે કહ્યું કે તેઓએ રોકાણકારોને સમજાવવા માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને કહ્યું હતું કે ત્રણ લિનનના કન્ટેનર્સ ભારતથી મોકલવામાં આવ્યા છે.

નોંધનીય છે કે આ મામલો 60 લાખ રૅંડની છેતરપિંડીનો હતો.,

જે ભારતીય રૂપિયાના હિસાબે જોઈએ તો સવા ત્રણ કરોડ રૂપિયા આસપાસની રકમ છે.

સમાચાર એજન્સી PTI અનુસાર, આ મામલો 2015નો છે જ્યારે આશિષ લતા વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ હતી.

નોંધનીય છે કે આશિષ લતાનાં માતા ઇલા ગાંધી મહાત્મા ગાંધીના ચાર દીકરા પૈકી એક મણિલાલ ગાંધીનાં દીકરી છે.

આગરાની હૉસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ કરાતાં જેથી 22 દરદીનાં મૃત્યુ થયા

ઉત્તર પ્રદેશના આગ્રાની એક હૉસ્પિટલના સંચાલકનો વીડિયો વાઇરલ થયો છે. ૉ

જેમાં તેઓ એવું કહેતા સંભળાય છે કે હૉસ્પિટલમાં દર્દીઓને ડિસ્ચાર્જ કરવા માટે પાંચ મિનિટ સુધી ઓક્સિજનનો સપ્લાય રોકી દેવામાં આવ્યો છે

હૉસ્પિટલના સંચાલકે પાંચ મિનિટ સુધી ઓક્સિજનનો સપ્લાય રોકવા માટેની આ કાર્યવાહીને વીડિયોમાં મૉક ડ્રિલ કહી છે.

આગ્રાની પારસ હૉસ્પિટલમાં 26-27 એપ્રિલની રાત્રે ઓક્સિજનની ઘટનાના કારણે 22 દરદીઓનાં મૃત્યુના સમાચાર આવ્યા હતા. મૃતકોના પરિવારે તે સમયે હૉસ્પિટલ પર બેદરકારીનો આરોપ મુક્યો હતો પરંતુ હૉસ્પિટલ, પોલીસ અને વહીવટી તંત્રે આ આરોપ નકારી કાઢ્યા હતા.

આગ્રાના જિલ્લાધિકારી પી. એન. સિંહનું કહેવું છે કે 26 એપ્રિલે પારસ હૉસ્પિટલમાં કોરોનાના 97 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

જેમાંથી ચારનાં મૃત્યુ થયાં હતાં. તેમના કહેવા પ્રમાણે, વાઇરલ વીડિયોની સત્યતાની તપાસ થઈ નથી પરંતુ તેની તપાસ કરી શકાશે.

અંદાજે બે મહિના પછી હૉસ્પિટલનો આ વીડિયો વાઇરલ થવાને કારણે હંગામો થયેલો છે.

વીડિયોમાં હૉસ્પિટલના સંચાલક ડૉક્ટર અરિંજય જૈન આ આખી ઘટનાને પોતે જ બતાવી રહ્યા છે. જોકે બીબીસી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

ત્રીજી વેવમાં દરરોજ 30 હજાર કેસ આવે તો પણ ગુજરાત તૈયાર : વિજય રૂપાણી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યની મશિનરી કોરોના વાઇરસની ત્રીજી લહેર ન આવે તેના પર કામ કરી રહી છે. પરંતુ જો આવશે તો સારી રીતે તેનો સામનો કરવામાં આવશે.

મુખ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે "અમે ત્રીજી લહેર સામે લડવા માટે વૈજ્ઞાનિક રીતે ઍક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. ત્રીજી લહેરમાં બીજી લહેર કરતાં બે ગણા કેસ વધી શકે છે. અમે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રમાણે ઍક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છીએ."

વિજય રૂપાણીએ કહ્યું કે આગામી લહેરમાં તમામ નાગરિકોને બેડ, ઓક્સિજન અને મેડિસિન મળી રહેશે. તમામ જિલ્લા હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજોને ટૂંક જ સમયમાં અપગ્રેડ કરવામાં આવશે.

બીજી લહેર દરમિયાન મૂકવામાં આવેલા પ્રતિબંધો અંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "બીજી લહેરમાં આપણે ઓછા પ્રતિબંધો મૂકીને મહામારીને અટકાવવાનું કામ કર્યું છે, જેથી લોકોની આર્થિક પ્રવૃત્તિને અટકાવવી ન પડે. અને ધ્યાન આપવામાં આવ્યું છે કે લોકોની અવરજવરને પણ અટકાવવામાં ન આવે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો