SDG ઇન્ડિયા રિપોર્ટ : ગુજરાત આરોગ્યક્ષેત્રે નંબર 1 પણ વાસ્તવિક સ્થિતિ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
નીતિ આયોગનો નિરંતર વિકાસનો જે ધ્યેય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમૅન્ટ ગ્રૉથ (એસડીજી)નો વર્ષ 2020-21નો રિપોર્ટ બહાર પડ્યો છે. જે અનુસાર વિકાસ મામલે કેરળ ટોચ પર છે અને ગુજરાત દસમા ક્રમે છે.
એમાં અલગઅલગ પૉઇન્ટ્સને આધારે વિવિધ ક્ષેત્રે રાજ્યોના ક્રમ નક્કી થાય છે. નોંધવા જેવી વાત એ છે કે આરોગ્યના ક્ષેત્રમાં 86 પૉઇન્ટ્સ સાથે ગુજરાત દેશમાં નંબર વન હોવાનું દર્શાવાયું છે.
કોરોનાની પ્રથમ લહેર વખતે અમદાવાદની સિવિલ હૉસ્પિટલની નબળી કામગીરીને લીધે હાઈકોર્ટે તેને 'કાળ કોઠડી' સાથે સરખાવી હતી.
'ધમણ' નામના સ્વદેશી વૅન્ટિલેટર સામે અનેક સવાલો ઊભા થયા હતા. સ્મશાનોમાં મૃતદેહોના દાહસંસ્કાર અને દફનવિધિ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી.
હૉસ્પિટલોમાં દરદીઓ માટે ખાટલા ખૂટી પડ્યા હતા. તેમ છતાં પણ ગુજરાત આરોગ્યક્ષેત્રે નંબર વન કેવી રીતે છે એવો સવાલ કેટલાક નિષ્ણાતો અને સમીક્ષકોને થાય છે.

રિપોર્ટની અંદર જ વિરોધાભાસ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
રિપોર્ટની અંદર જે કેટલાંક તારણો છે એ આશ્ચર્ય અને સવાલ ઉપજાવે છે એવું દિલ્હીની મહારાજા અગ્રસેન હૉસ્પિટલના રૅસિડેન્ટ ડૉક્ટર દુર્ગેશ મોદીને પણ લાગે છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "રિપોર્ટ ભલે 2020-21નો હોય પણ એમાં ઉપયોગમાં લેવાયેલો ઘણો ડેટા જૂનો એટલે કે 2016-17નો છે. એમાં દર્શાવાયું છે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ એટલે કે બાળકને જન્મ આપતી માતાનો મૃત્યુદર હવે સુધર્યો છે એટલે કે મૃત્યુ ઓછાં થયાં છે."
"એવી જ રીતે પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકો એટલે કે અન્ડર-5 મોર્ટાલિટી રેટ પણ ગુજરાતમાં મોટા પાયે સુધર્યો છે, એટલે કે મૃત્યુ ઘટ્યાં છે. એમાં જે ડેટા દર્શાવાયો છે એ 2016થી 2018નો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર દુર્ગેશ મોદી કહે છે, "બીજો એક ડેટા ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરીનો છે. જેમાં દર્શાવાયું છે કે 2019 સુધી દર ત્રણમાંથી બે બાળકનો જન્મ હૉસ્પિટલની બહાર એટલે કે કાં તો ઘરે કે દાયણ દ્વારા થતો હતો. જ્યારે કે 2019માં એ પ્રસૂતિ કરાવવાનો દર સુધરીને 66થી 99.5% સુધી પહોંચી ગયો છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મોદી સવાલ કરે છે કે "એટલે કે હવે દર ત્રણમાંથી ત્રણેય બાળકોની પ્રસૂતિ હૉસ્પિટલમાં જ થાય છે. આવું એક વર્ષમાં કઈ રીતે શક્ય બને?"
તેઓ કહે છે કે, "વાત અન્ડર-5 મોર્ટાલિટી રેટની કરીએ તો એ દર 45માંથી 41 પર પહોંચી ગયો છે. એક ટકાનો ફરક લાવતાં પણ વર્ષો લાગી જતા હોય છે તો 45માંથી 31 સુધી એ દર એક વર્ષમાં પહોંચી ગયો હોય તો તે ખરેખર હરખની વાત છે, પણ એ કેવી રીતે શક્ય છે?"
ડૉ. મોદી કહે છે કે રિપોર્ટની અંદર જ કેટલાક વિરોધાભાસ છે. જેમ કે, "અન્ડર-5 મોર્ટાલિટી રેટની બાબતમાં આ રિપોર્ટમાં જ એક વિભાગમાં એવું કહેવાયું છે કે, ગુજરાતમાં કુપોષણ કે અપૂરતા પોષણને લીધે 40 ટકા બાળકોનો વિકાસ રુંધાયો છે. બીજી તરફ એવી વાત છે કે અન્ડર-5 મોર્ટાલિટી રેટ 45માંથી 31 થયો છે?"
"માતાઓના પોષણની બાબતમાં ગુજરાત પછાત રાજ્ય છે એવું રિપોર્ટમાં દર્શાવાયું છે. પચાસ ટકા માતાઓમાં કુપોષણ કે અપૂરતા પોષણને લીધે એનિમિયાની સમસ્યા છે. "સવાલ એ છે કે જો પચાસ ટકા માતા અપૂરતા પોષણથી પીડાતી હોય તો માતા મૃત્યુદર એક વર્ષમાં કઈ રીતે ઘટાડી શકાય?"
ઉલ્લેખનીય છે કે આરોગ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં ગયા વર્ષે માર્ચ મહિનામાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 15,013 નવજાત શિશુનાં મોત થયાં છે.
ડૉ. દુર્ગેશ મોદી કહે છે કે, "ગુજરાત આરોગ્યમાં ક્યાં પાછળ છે એની પણ વિગતોનો ઉલ્લેખ રિપોર્ટમાં છે. જેમ કે, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થની જે વાત છે એમાં ગુજરાત દેશમાં સૌથી ખરાબ સ્થિતિમાં છે. જોખમી રસાયણોના ફેલાવ એટલે કે હેઝાર્ડ્સ કેમિકલના એક્સપોઝરમાં ગુજરાત પહેલા નંબરે છે."

આશ્ચર્યજનક રિપોર્ટ

ઇમેજ સ્રોત, EPA
અમદાવાદમાં રહેતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની આ રિપોર્ટને આશ્ચર્યજનક ગણાવે છે.
તેઓ કહે છે કે, "રિપોર્ટમાં ક્યા પ્રકારના ડેટા મૂકવામાં આવે છે અને કેવી રીતે મૂકવામાં આવે છે એના પર ઘણું નિર્ભર કરે છે. ગુજરાતમાં આદિવાસી વસતી પંદર ટકા છે. જે નોંધપાત્ર કહી શકાય."
જાની કહે છે, "જ્યાં આદિવાસી જનસંખ્યા આટલી મોટી હોય ત્યાં સુધી આરોગ્યની સેવાઓ પહોંચાડવા માટે વિશેષ તકેદારીઓ હોવી જોઈએ. આપણા રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય વ્યવસ્થા ક્યાં પહોંચી છે? એ વિસ્તારોમાં બાળકો અને માતાઓમાં કુપોષણની સમસ્યા વ્યાપક છે."
"આપણે ત્યાં ડૉક્ટર, નર્સ, લૅબ ટેકનિશિયન્સ વગેરેની કેટલી બધી જગ્યાઓ ખાલી છે? આ આંકડા જો કેરળ સાથે સરખાવવામાં આવે તો આપણે કેટલા પાછળ છીએ તે સ્પષ્ટ થઈ જશે."
તેઓ આરોગ્યની બાબતમાં ગુજરાતને કેરળ સાથે સરખાવતાં કહે છે કે, "કેરળની સ્વાસ્થ્ય વ્યવસ્થા સારી છે તો એનું કારણ એ છે કે તે રાજ્ય ધીમેધીમે પ્રગતિ કરીને આરોગ્યક્ષેત્રે આટલું આગળ આવ્યું છે."
"આપણે ત્યાં આરોગ્યમાં ખાનગીકરણને એટલું મહત્ત્વ અપાયું છે કે સરકારે પોતાની હૉસ્પિટલો ખોલવાની બાબતમાં ખૂબ દુર્લક્ષ સેવ્યું છે."
"તમે મોટીમોટી બિલ્ડિંગોને જો માળખાગત વિકાસ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટમાં ગણાવતા હો પણ એની અંદર રહેલા માણસો જે હ્યુમન રિસોર્સ છે તેને તમે નાગરિક તરીકે પણ ક્યાં ગણો છો? આરોગ્યનો સવાલ આપણે ત્યાં બહુ મોટો છે."

ગુજરાતમાં સરકારી હૉસ્પિટલો કેટલી છે?

ઇમેજ સ્રોત, Getty Images
નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019ના અહેવાલ અનુસાર, ગુજરાતમાં કુલ સરકારી હૉસ્પિટલો 438 છે. જ્યારે ઝારખંડમાં 555, બિહારમાં 1147, મહારાષ્ટ્રમાં 711, કેરળમાં 1280, મધ્યપ્રદેશમાં 465 સરકારી હૉસ્પિટલો છે.
ગુજરાતની વસતી અંદાજે સાડા છ કરોડ છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલના રિપોર્ટને ટાંકીએ તો ગુજરાતમાં સરકારી હૉસ્પિટલોમાં કુલ ખાટલા 20,172 છે. જ્યારે મહારાષ્ટ્ર્માં 51,446, મધ્યપ્રદેશમાં 31,106, કેરળમાં 38,004 અને આંધ્રપ્રદેશમાં 23,138 જેટલા ખાટલા છે.
અલબત્ત, એ પણ નોંધવું રહ્યું કે બિહાર, ઝારખંડમાં ગુજરાત કરતાં વધુ સરકારી હૉસ્પિટલો હોવા છતાં ખાટલાની સંખ્યા ત્યાં ગુજરાત કરતાં ઓછી છે. બિહારમાં સરકારી હૉસ્પિટલોમાં ખાટલાની સંખ્યા 11,664 અને ઝારખંડમાં 10,784 છે.
સાથે એ પણ નોંધવું રહ્યું કે આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાં ગુજરાત કરતાં ઓછી હૉસ્પિટલો હોવા છતાં ખાટલાની સંખ્યા વધારે છે.
આંધ્રમાં 258 સરકારી હૉસ્પિટલોમાં 23,138 ખાટલા છે. દિલ્હી જેવા ક્ષેત્રમાં વર્ષ 2015માં નોંધાયા મુજબ 109 સરકારી હૉસ્પિટલોમાં 24,383 ખાટલા છે.
ગુજરાત પાસે દિલ્હી કરતાં બમણી હૉસ્પિટલો હોવા છતાં દિલ્હીથી ઓછા ખાટલા છે.

ગુજરાત અને અન્ય રાજ્યોની સ્થિતિ

ઇમેજ સ્રોત, TWITTER@GUJHFWDEPT
ભારતમાં પ્રતિ હજારની વસતીએ હૉસ્પિટલમાં જેટલા ખાટલા હોવા જોઈએ એના કરતાં ઓછા ખાટલા ધરાવતાં રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે.
માર્ચ 2020માં બ્રુકિંગ્સ નામના ઑર્ગેનાઇઝેશને બહાર પાડેલા એક અહેવાલમાં વર્ષ 2019માં રાજ્યોની સરકારી હૉસ્પિટલોમાં કેટલા ખાટલા હતા એનો એક તુલનાત્મક અભ્યાસ દર્શાવ્યો છે.
એના પર નજર કરીએ તો ગુજરાતમાં સરકારી હૉસ્પિટલોમાં 1000ની વસતીએ 0.30 ખાટલા છે. જ્યારે રાજસ્થાનમાં 0.60, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ-ઓડિશામાં 0.40, તામિલનાડુમાં 1.1 છે. એટલે કે અહીં દર્શાવેલાં રાજ્યોમાં ગુજરાત કરતાં સરકારી હૉસ્પિટલોમાં સરેરાશ હજારની વસતીએ વધુ ખાટલા છે.
આ રિપોર્ટ નેશનલ હેલ્થ પ્રોફાઇલ-2019ના રિપોર્ટ સામે પણ સવાલ ઉઠાવે છે.
તે રિપોર્ટમાં જણાવાયું છે કે સમગ્ર દેશમાં સરકારી હૉસ્પિટલોમાં 7,13,986 ખાટલા છે. એટલે કે દેશમાં દર હજારની વસતીએ સરેરાશ 0.55 ખાટલા થયા. જ્યારે ગુજરાતમાં 0.30 છે.

આરોગ્યકેન્દ્રોમાં શેની કમી છે?

ઇમેજ સ્રોત, EPA
ગુજરાતનાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં 29 ટકા ડૉક્ટર્સની કમી છે. સ્પેશિયાલિસ્ટ એટલે કે સર્જન, ગાયનેકૉલૉજિસ્ટ, પીડિયાટ્રિશિયન વગેરેની 90 ટકા જગ્યા ખાલી છે.
રાજ્યમાં 21.3 ટકા જેટલાં જ પ્રાથમિક આરોગ્યકેન્દ્ર 24 કલાક કાર્યરત્ રહે છે અને 23.7 ટકા જેટલાં જ પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં ઑપરેશન થિયેટરની વ્યવસ્થા છે.
ગુજરાતનાં 52 ટકા પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તેમજ 41 ટકા સામૂહિક આરોગ્યકેન્દ્રમાં જ સ્ટાફ માટે અલાયદા સંડાસ-બાથરૂમની વ્યવસ્થા છે.
આ આંકડા જ દર્શાવે છે કે 'મૉડલ સ્ટેટ' કહેવાતા ગુજરાતમાં આરોગ્યકેન્દ્રોની સ્થિતિ કેવી છે.
ઉપર જણાવેલા આંકડા લોકસભામાં રજૂ થયા હતા. 31 માર્ચ, 2018 સુધીના આ આંકડા આરોગ્ય તેમજ પરિવારકલ્યાણ વિભાગના યુનિયન પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેને પૂછાયેલા સવાલના જવાબમાં ઉપરોક્ત વિગતો રજૂ થઈ હતી. જે લોકસભામાં ગયા વર્ષે 19 જુલાઈના રોજ ટેબલ થઈ હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અનુસાર 1000ની વસતી દીઠ 1 ડૉક્ટર હોવા જોઈએ.
સપ્ટેમ્બર 2018માં રાજસ્થાન પત્રિકા અને ડીએનએ અખબારે સીએજી (કમ્પ્ટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલ) ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટને ટાંક્યો હતો.
જેમાં જણાવાયું હતું કે ગુજરાતમાં 2092ની વસતી વચ્ચે 1 ડૉક્ટર છે. દાહોદ જેવા જિલ્લામાં તો 45,000 લોકોની વચ્ચે એક ડૉક્ટર છે. જામનગરમાં 22,000ની વચ્ચે તેમજ છોટાઉદેપુરમાં 31,231ની વચ્ચે એક ડૉક્ટર છે.

રાજ્યમાં જાહેર આરોગ્યસેવા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાતમાં જાહેર આરોગ્યની સેવાઓને ત્રણ સ્તરે વહેંચવામાં આવી છે.
3000થી 5000ની વસતી માટે સબ સેન્ટર, 20,000થી 30,000ની વસતી વચ્ચે પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, એક લાખની વસતી માટે સામૂહિક આરોગ્યકેન્દ્ર.
ગુજરાત આરોગ્ય વિભાગ અંતર્ગત માર્ચ 2020 સુધી ગુજરાતમાં 1477 પ્રાથમિક આરોગ્યકેન્દ્ર છે. 348 સામૂહિક આરોગ્યકેન્દ્ર છે. 9153 સબ સેન્ટર્સ છે.
ગ્રામીણ વિસ્તારોમાં 30,000ની વસતી વચ્ચે એક પ્રાથમિક આરોગ્યકેન્દ્ર છે, જ્યાંથી દરદીને રિફર કરીને સામૂહિક આરોગ્યકેન્દ્રમાં મોકલવામાં આવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












