ટ્વિટર વિવાદ : મોહન ભાગવત સહિત સંઘના કેટલાય નેતાઓના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હઠ્યું, વેંકૈયા નાયડુને પરત મળ્યું

વેંકૈયા નાયડુના ટ્વિટર હૅન્ડલ પરથી બ્લૂ ટીક ગાયબ થયા બાદ ફરીથી દેખાવા લાગ્યું છે. આ દરમિયાન આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના એકાઉન્ટ પરથી પણ બ્લૂ ટીક હઠી ગયું છે.

નોંધનીય છે કે બ્લૂ ટીક હઠવાનો અર્થ 'અનવેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ' થાય છે. મોહન ભાગવતના ટ્વિટર પર 208.3 હજાર ફૉલોઅર્સ છે.

મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે સંઘપ્રમુખ સહિત આરએસએસના કેટલાય નેતાઓના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હઠાવી દેવાયું છે.

નવા આઈટી નિયમોને પગલે ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ દમિયાન કંપનીએ સંબંધિત પગલું ભર્યું છે.

નાયુડના ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટીક પરત

ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના પોતાના ટ્વિટર હૅન્ડલ પર 'બ્લૂ ટીક' ફરી એક વાર દેખાઈ રહ્યું છે.

શનિવારે સવારે નાયડુના પોતાના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક નીકળી ગયું હતું, બાદમાં સોશિયલ મીડિયામાં આ મામલો ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.

માઇક્રો-બ્લૉગિંગ વેબસાઇટ ટ્વિટર પ્લૅટફૉર્મ પર 'બ્લૂ ટીક' એક વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટનું પ્રતીક હોય છે.

બ્લૂ ટીક નીકળી ગયા બાદ એ માનવામાં આવ્યું કે ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી આઈટી કાયદાને લઈને ચાલુ વિવાદ દરમિયાન ટ્વિટરે કોઈ કાર્યવાહી કરી છે.

જોકે, ટ્વિટરના એક પ્રવક્તાએ જણાવ્યું કે "વેંકૈયા નાયડુનું પોતાનું ટ્વિટર હૅન્ડલ જુલાઈ 2020થી નિષ્ક્રિય હતું, જેના કારણે બ્લૂ ટીક આપોઆપ નીકળી ગયું છે. ટ્વિટરની એ નીતિ છે કે જો કોઈ એકાઉન્ટ ઘણા સમય સુધી સક્રિય ન રહે તો કંપની એ હૅન્ડલથી બ્લૂ ટીક હઠાવી દે છે."

કંપનીએ જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના ખાનગી હૅન્ડલ પર બ્લૂ ટીક પાછું આવી ગયું છે.

અમેરિકન કંપની ટ્વિટર અનુસાર, કોઈ યૂઝરના એકાઉન્ટને બ્લૂ ટીક એ દર્શાવવા માટે આપવામાં આવે છે કે આ એકાઉન્ટ વેરિફાઇડ છે, જેથી લોકોમાં તેને લઈને વિશ્વાસ પેદા થઈ શકે.

એવું જોવામાં આવ્યું છે કે ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટીક મેળવવા માટે ઘણા યૂઝરોમાં હોડ રહેતી હોય છે અને લોકોને તેના માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.

વિવાદ શો છે?

25 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત સરકારે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી એટલે કે ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ રૂલ્સ-2021 અમલમાં મુક્યો હતો. જે અંતર્ગત 50 લાખ કરતાં વધારે યુઝર ધરાવનારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મોએ કોઈ પણ ચેટ કે સંદેશના ઉદભવની ઓળખ બતાવવાની રહેશે.

50 લાખથી વધુ યુઝર્સ ધરાવતાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર આ નિયમ લાગુ પડે છે, જેમાં સિગ્નલ, ટ્વિટર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ આવી જાય છે.

મંત્રાલયે કહ્યું હતું કે આવું ડિજિટલ મીડિયા સંબંધિત યુઝરની પારદર્શકતા, જવાબદારી અને અધિકારીઓની ઘટ અંગે વધી રહેલી ચિંતાઓ વચ્ચે જનતા અને હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા કરાયા બાદ કરાયું છે.

ભારત સરકારે કંપનીઓને જણાવ્યું હતું કે તેમને એક રેસિડન્ટ ગ્રીવન્સ ઑફિસર, ચીફ કમ્પ્લાયન્સ ઑફિસર અને નોડલ કૉન્ટેક્ટ પર્સનની નિમણૂક કરવાની રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો