જૂહી ચાવલા : 5G સામેની અરજી ફગાવી કોર્ટે 20 લાખનો દંડ ફટકાર્યો, 5G માણસ માટે ખરેખર જોખમી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દિલ્હી હાઈકોર્ટે દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા સામેની અભિનેત્રી જૂહી ચાવલાની અરજી ફગાવી દીધી છે.

કોર્ટે આદેશમાં કહ્યું કે અરજદારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે અને તેના માટે તેમના પર 20 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

ભારત એવા દેશોમાં સામેલ છે કે જે 5જી નેટવર્કની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ 5જી નેટવર્ક એટલે કે ફિફ્થ જનરેશન વાયરલેસ નેટવર્કથી પ્રકૃતિ પર કથિત જોખમ વિશે ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જૂહી ચાવલાએ 5જી નેટવર્કથી થતા નુકસાન અંગે અદાલતમાં અરજી કરી ત્યારથી એ ચર્ચા શરૂ થઈ છે કે શું ખરેખર 5જી પ્રકૃતિ માટે જોખમી છે

આની પહેલાં પણ 5જી નેટવર્કને લઈને અનેક દાવા કરવામાં આવ્યા છે.

5G ટેકનૉલૉજી શું છે?

5જીએ મોબાઇલ ઇન્ટરનેટની દુનિયાની આવનારી પેઢી છે, તેનાથી મોબાઇલ ઇન્ટરનેટની અપલોડિંગ અને ડાઉનલોડિંગની સ્પીડમાં વધારો થશે.

5જી એ નવીનતમ વાયરલેસ મોબાઇલ ટેકનૉલૉજી છે. 2019માં પહેલી વખત 5Gનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

5જી ટેકનૉલૉજીના કારણે કાર્યક્ષમતામાં વધારો થશે અને વિવિધ ઍપ્લિકેશન બનાવવામાં ઉપયોગી બની શકે છે.

ટેલી-મેડિસીન, રિમોટ સર્વેલન્સ અને ટેલી-સર્જરી જેવી સુવિધાઓને વધારે દૃઢ કરી શકાશે. જોકે 5જીમાં 3.5 ગીગાહટ્સ ફ્રિક્વન્સી હશે, જેમાં સમય જતા વધારો પણ થઈ શકે છે.

5G આવ્યા બાદ ડેટા સ્પીડ વધશે

યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનની ધ હેનરી એમ જૅક્સન સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીસ મુજબ 5જીથી ડેટાની સ્પીડ વધી જશે, ઇન્ટરનેટ વધુ સારી રીતે કામ કરશે અને એક સાથે ઘણા મોબાઇલને સારી ઇન્ટરનેટ સ્પીડ મળશે.

5જીના કારણે 2-3 કલાકની ફિલ્મ અમુક સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાશે. 5Gના કારણે સેલ્ફ ડ્રાઇવિંગ કાર જેવી સુવિધાને વધુ સારી બનાવી શકાશે. બૃહદ લોકો સુધી નવીનતમ ટેકનૉલૉજી પહોંચાડી શકાશે.

રિપોર્ટ અનુસાર 5જીમાં પાંચ નવી ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે, જે છે નવીનતમ હાર્ડવેર, નાના સેલ, એમઆઈએમઓ (મલ્ટિપલ ઇનપુટ મલ્ટીપલ આઉટપુટ), બીમફૉર્મિંગ અને ફુલ ડુપલેક્ષ.

5જી પ્રકૃતિ માટે જોખમી?

ધ હેનરી એમ જૅક્સન સ્કૂલ ઑઇન્ટરનૅશનલ સ્ટડીસના અભ્યાસપત્ર પ્રમાણે 5જી ટેકનૉલૉજીના કારણે ઊર્જાના વપરાશમાં વધારો થશે. ઇન્ટરનેટની સ્પીડમાં વધારો થતા વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરશે, જેની સીધી અસર ઊર્જાના વપરાશ પર પડશે.

ઊર્જાના વધુ પડતા ઉપયોગના કારણે જળવાયુ પરિવર્તન પર અસર થઈ શકે છે. ઊર્જા સ્રોતો પર દબાણ ઊભું થઈ શકે છે. ઇન્ટરનેટ સુવિધા સારી હોવાના કારણે લોકો વધુ સારી વસ્તુઓ વસાવશે જેના ઉત્પાદન માટે કંપનીઓ વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરશે.

સાથે ગ્રીન હાઉસ ગૅસના ઉત્સર્જનમાં પણ વધારો થશે. ઉપરાંત મોબાઇલ અને બીજી વસ્તુઓ જે નકામી બનશે તેને રિસાઇકલ કરવી સહેલી નથી.

5જીમાં મિલિમીટર વેવ્સનો ઉપયોગ થશે જેની સૌથી ખરાબ અસર પર્યાવરણ થશે.

પંજાબ યુનિવર્સિટીના સંશોધનને ટાંકતાં રિપોર્ટ જણાવે છે કે સેલ ટાવરના રેડિયેશનથી પક્ષીઓ પર ગંભીર અસર થઈ શકે છે. બીજા એક સંશોધનમાં બહાર આવ્યું કે રેડિયેશનથી મધમાખીઓને ગંભીર અસર પહોંચી છે.

5G નેટવર્કથી માણસને નુકસાન થાય?

આ બધા વચ્ચે ધ જર્નલ ઑફ વાઇલ્ડ કલ્ચરમાં લખાયેલા એક પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે 5જીના કારણે મનુષ્યો અને પર્યાવરણ પર ગંભીર અસર થઈ શકે છે.

આ લેખ આર્થર ફર્સ્ટનબર્ગ દ્વારા લખવામાં આવ્યો છે, જેઓ સ્ટૉપ 5જી ઑન અર્થ ઍન્ડ ઇન સ્પેસ અભિયાન ચલાવી રહ્યા છે.

તેઓ લખે છે કે જર્મનીના 3000 ડૉક્ટરોએ ચેતવણી આપી હતી કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવરથી નિકળતા રેડિયશનના કારણે માથામાં દુખાવો, બેચેની, બ્લડ પ્રૅશર, કૅન્સર, હાર્ટઍટેક અને બીજી શારીરિક તકલીફો થવાની સંભાવના છે.

મોબાઇલ ટાવરથી ઉત્પન્ન થતા રેડિયશનથી મધમાખીઓ પર વિપરીત અસર પડે છે તેનો પણ લેખમાં ઉલ્લેખ કર્યો છે. આ સંશોધન ભારતમાં જીવવિજ્ઞાની નીલીમા કપૂર દ્વારા કરાવમાં આવ્યું હતું

જૂહી ચાવલાનું શું કહેવું છે?

દિલ્હી હાઈકોર્ટમાં જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તે વિશે માહિતી આપતા જૂહી ચાવલાએ જણાવ્યું કે, "અમે ટેકનૉલૉજીમાં આવતા પરિવર્તનના વિરોધમાં નથી, અમે ટેકનૉલૉજી વિશ્વની નવીન વસ્તુઓનો લાભ લઈ રહ્યાં છીએ, જેમાં વાયરલેસ કૉમ્યુનિકેશન પણ સામેલ છે."

"જોકે આવી વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે અમને સતત મૂંઝવણ થાય છે કારણકે અમારા પોતાના સંશોધનમાં બહાર આવ્યું છે કે વાયરલેસ ગૅજૅટ અને નેટવર્ક સેલ ટાવરથી જે રેડિયેશન નીકળે છે તે લોકોનાં આરોગ્ય અને સલામતી માટે બહુ જોખમી છે."

જૂહી ચાવલાએ જણાવ્યું કે આ કેસ દ્વારા અમે કોર્ટને વિનંતી કરીએ છીએ કે તેઓ સંબંધિત પક્ષો પાસેથી અમને અને લોકોને ખાતરી અપાવે કે 5જી ટેકનૉલૉજી માનવસૃષ્ટિ માટે, પુરુષો, મહિલાઓ, બાળકો, નવજાત, પ્રાણીઓ અને જીવજંતુઓ માટે સુરક્ષિત છે.

5જી ટેકનૉલૉજી માટે જે મોબાઇલ ટાવર ઊભા કરવામાં આવશે તેનાથી ઉત્પન્ન થનાર રેડિયેશનથી શું જોખમ છે અને તે વિશે કોઈ અભ્યાસ થયો છે કે કેમ તેની પણ માહિતી માગવામાં આવી છે.

રેડિયેશન અંગે કેટલાક ફેક ન્યૂઝ

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર જાન્યુઆરી 2021 જ્યારે ભારતમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવી રહ્યા હતા ત્યારે સોશિયલ મીડિયામાં એવા સામાચાર વાયરલ થયા હતા કે રિલાયન્સ જિઓ દ્વારા 5જી સર્વિસની ટેસ્ટિંગ થઈ રહી હોવાના કારણે દેશમાં બર્ડ ફ્લુ ફેલાઈ રહ્યો છે.

અહેવાલ અનુસાર આ દાવો ખોટો છે કારણકે જાન્યુઆરીમાં ભારતમાં 5જીની ટેસ્ટિંગ શરૂ થઈ નહોતી. આઈટી અને ટેલીકૉમ મંત્રી રવિશંકર પ્રસાદને ટાંકતાં અહેવાલ લખે છે કે દેશમાં 5જીની ટેસ્ટિંગ બહુ વહેલાં શરૂ થશે.

ફૅક્ટ ચેકિંગ વેબસાઇટ ઑલ્ટન્યૂઝ અનુસાર 5જી ટેકનૉલૉજીના ટ્રાયલના કારણે પક્ષીઓ મૃત્યુ પામી રહ્યા હોવાના દાવામાં કોઈ તથ્ય નથી. અહેવાલો મુજબ 5જી અને અન્ય મોબાઇલ ટેકનૉલૉજી સૌથી ઓછી ઈલેકટ્રો મૅગ્નેટીક સ્પેકટ્રમ ધરાવે છે.

વેબસાઇટે એ દાવાની પણ ચકાસણી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 5જી ટેસ્ટિંગના કારણે ભારતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે.

માર્વિન ઝિસ્કીન રેડીયોલૉજી અને મેડિકલ ફિઝીક્સના પ્રોફેસર છે. તેમને ટાંકતાં સામાચાર સંસ્થા રૉયટર્સ જણાવે છે કે વૈજ્ઞાનિક પુરાવા અનુસાર 5જીના તરંગો (વેવ્સ)ના કારણે કોઈ જૈવિક અસર થતી નથી.

એક પણ આરોગ્ય સંસ્થાએ આ વિશે ચેતવણી બહાર પાડ્યો નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો