અદાર પૂનાવાલા : ઘોડાના વેપારથી શરૂ કરીને વૅક્સિન ઉદ્યોગના રાજા બનવા સુધીની સફર

- લેેખક, મયુરેશ કોણ્ણૂર
- પદ, બીબીસી મરાઠી
અદાર પૂનાવાલા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ. આ નામો કોરોના મહામારી પછી સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલથી માંડીને એક સામાન્ય માણસ માટે અજાણ્યાં રહ્યાં નથી.
ભારતમાં કોરોના સામેની લડતમાં જે રસીઓને પહેલવહેલી વખત પરવાનગી મળી તેવી કોવિશિલ્ડ અને કોવૅક્સિન પૈકી કોવિશિલ્ડના ઉત્પાદન માટે બીડું ઝડપનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર માત્ર ભારત જ નહીં, વિશ્વના ઘણા દેશોની આશાઓ ટકેલી હતી.
જાન્યુઆરીથી ભારતમાં શરૂ થયેલા રસીકરણના કાર્યક્રમની શરૂઆતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી નીકળતી વૅક્સિન ભરેલી ગાડીઓ સાથેની પૂનાવાલાની તસવીરો અખબારોમાં છવાઈ ગઈ હતી.
પરંતુ માર્ચ મહિનામાં શરૂ થયેલી બીજી લહેર અને સતત ધીમી પડી રહેલી રસીકરણની પ્રક્રિયા અને પુરવઠાને લઈને હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને પૂનાવાલા કેટલીક મીડિયા સંસ્થાઓના ટીકાનું પાત્ર પણ બન્યા છે.
વિશ્વના 165 દેશોમાં રસી સપ્લાય કરતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટનો વૅક્સિનેશનની દુનિયામાં જોટો જડવો મુશ્કેલ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નોંધનીય છે કે કોરોનાની રસી બનાવવા માટે પૂનાવાલાએ એસ્ટ્રાઝેનેકા સાથે કરાર કરીને કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન શરૂ કરતાં ન માત્ર ભારત પરંતુ વિશ્વના ગરીબ દેશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને પૂનાવાલાની ભૂમિકા કોરોના સામેના રસીકરણના અભિયાનમાં કેટલી મહત્ત્વપૂર્ણ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કોવિશિલ્ડની ઉત્પાદનની ગતિ ધીમી પડવાને કારણે સમગ્ર વિશ્વમાં કોરોનાના રસીકરણની પ્રક્રિયાને મોટો ફટકો લાગ્યો છે.
પરંતુ વિશ્વમાં વૅક્સિન કિંગની ભૂમિકા ભજવતા અદાર પૂનાવાલાના પરિવારે બિઝનેસ વર્લ્ડમાં કદમ ઘોડાના વેપારક્ષેત્રે કર્યો હતો એ વાતની ઘણાને ખબર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણો પૂનાવાલા પરિવાર કઈ રીતે ઘોડાના વેપારમાંથી રસી બનાવવા તરફ વળ્યો. અને જોતજોતામાં વૅક્સિન ઉત્પાદનક્ષેત્રે અદ્વિતિય સ્થાન મેળવવામાં સફળ રહ્યું.

પૂનાવાલા પરિવાર બ્રિટિશરાજમાં પુણે આવી વસ્યો
પૂનાવાલાનો પરિવાર બ્રિટિશરાજ દરમિયાન 19મી સદીમાં પુણે આવ્યો હોવાનું કહેવાય છે.
બ્રિટિશ શાસનકાળમાં અનેક પારસી પરિવારો ભારતમાં આવીને વસવાટ કરતા થયા હતા, તેમજ વહીવટથી માંડીને બિઝનેસ સુધીનાં ક્ષેત્રોમાં સ્થાયી થયા હતા.
પારસી પરિવારો જે શહેરોમાં વસ્યા હતા એ શહેરોનાં નામ તેમની અટક તરીકે જોવા મળે છે. એ રીતે અદારના પરિવારની અટક પૂનાવાલા પડી હતી.
દેશ આઝાદ થયો એ પહેલાં આ પરિવાર કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતો, પણ ઘોડાના બિઝનેસને કારણે તેમને વધુ ખ્યાતિ મળી છે. આજે પણ આ પરિવારને લોકો અશ્વોના બિઝનેસને કારણે વધુ જાણે છે.
ઘોડાનો બિઝનેસ અદારના દાદા સોલી પૂનાવાલાએ શરૂ કર્યો હતો.
તેમણે સ્ટડ ફાર્મ બનાવ્યું હતું અને તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અશ્વોને રેસ માટે તૈયાર કરવામાં આવતા હતા.
અશ્વોના બિઝનેસને કારણે પૂનાવાલા પરિવારને બ્રિટિશ અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓ સાથે સંબંધ બંધાયો હતો. પૂનાવાલા સામ્રાજ્યનો પાયો આ બિઝનેસને કારણે નંખાયો હતો.
વાસ્તવમાં આ બિઝનેસનું કનેક્શન પણ અશ્વોના બિઝનેસ સાથે છે.

કેવી રીતે ઝંપલાવ્યું રસીનિર્માણક્ષેત્રે

ઇમેજ સ્રોત, ANI
વાત 1960ના દાયકાની છે. એ સમયગાળામાં ભારતમાં બહુ મર્યાદિત પ્રમાણમાં વૅક્સિનનું ઉત્પાદન થતું હતું અને તેમાં પણ સરકાર મોટી ભૂમિકા ભજવતી હતી.
એ સમયે મુંબઈની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ વૅક્સિનનું ઉત્પાદન કરતી હતી. પૂનાવાલાના સ્ટડ ફાર્મમાંના રેસમાંથી નિવૃત્ત થઈ ગયેલા ઘરડા ઘોડાઓનો ઉપયોગ સર્પદંશ તથા ટિટેનસની વૅક્સિન બનાવવા માટે કરવામાં આવતો હતો.
અશ્વોના લોહીમાંના સીરમ વડે એન્ટીબૉડીનું નિર્માણ કરવામાં આવતું હતું. આ વાત સાયરસના ધ્યાનમાં આવતાં તેમણે પોતાના અશ્વોનો ઉપયોગ જાતે જ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટીવી ટુડેને આપેલી એક મુલાકાતમાં સાયરસ પૂનાવાલાએ કહ્યું હતું કે "અમે અમારા અશ્વો મુંબઈની હાફકિન ઇન્સ્ટિટ્યૂટને આપતા હતા. ઇન્સ્ટિટ્યૂટના એક ડૉક્ટરે મને કહ્યું હતું કે તમારી પાસે ઘોડા છે, અને જમીન પણ છે. તમે વૅક્સિનનું ઉત્પાદન શરૂ કરવા ઇચ્છતા હો તો તમારે માત્ર એક પ્લાન્ટની સ્થાપના કરવી પડશે."
હાફકિન ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરની સલાહમાં સાયરસ પૂનાવાલાને નવા ઉદ્યોગની તક દેખાઈ હતી. તેમણે 1966માં સીરમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી.
એ સમયે ભારત સહિતના વિશ્વના અનેક દેશોની સરકારો ચેપી રોગો સામે વૅક્સિનેશનની જોરદાર ઝુંબેશ ચલાવતી હતી. તેને કારણે વૅક્સિન રિસર્ચ, તેના વિકાસ અને તેના ઉપયોગ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. સીરમ ઇન્સ્ટિટ્યૂટે અનેક બીમારીઓ માટેની વૅક્સિનોનું ઉત્પાદન થોડા સમયમાં જ શરૂ કરી દીધું હતું.
હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા ઘણા રિસચર્સ સીરમમાં જોડાઈ ગયા હતા.
1971માં વિકસાવવામાં આવેલી ઓરી અને કંઠમાળ (એક પ્રકારનો ક્ષયરોગ)ની વૅક્સિન પ્રભાવશાળી સાબિત થઈ હતી.
ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે પોલિયો નાબૂદીની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
સીરમને એ ઝુંબેશમાં તક દેખાઈ હતી. સીરમે યુરોપ તથા અમેરિકાથી ટેક્નૉલૉજી લાવીને ઉત્પાદન વધાર્યું હતું, પણ પ્રોડક્ટની કિંમત ઓછી રાખી હતી.

ઇમેજ સ્રોત, ADAR POONAWALLA/INSTAGRAM
જોકે સામાજિક આરોગ્ય સાથે સંકળાયેલા કાર્યક્રમો એટલે કે વૅક્સિનેશન આજે પણ સરકારના તાબામાં છે.
તેથી દરેક કંપનીએ સરકારની વિવિધ કાયદાકીય જોગવાઈઓ તથા અવરોધોનો સામનો કરવો પડે છે. સીરમે પણ તેમાંથી પસાર થવું પડ્યું છે.
સાયરસ પૂનાવાલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "અનેક પ્રકારની પરમિટો મેળવવી પડતી હતી. તેમાં મહિનાઓ અને વર્ષોનો સમય લાગતો હતો. પહેલાં 25 વર્ષ મુશ્કેલીભર્યાં હતાં. એ પછી અમારી નાણાકીય સ્થિતિ બહેતર બની હતી. પેપરવર્ક કરવા માટે અમારી પાસે યોગ્ય લોકોની એક ટીમ હતી. એ લોકો દિલ્હી જઈને સરકારી અધિકારીઓની મહેરબાની અનુસાર કામ કરતા હતા. એવી સ્થિતિ આજે પણ છે. આ સરકારી અધિકારીઓનું ધ્યાન ન રાખો તો પરમિટ આપવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. અલબત્ત, આટલાં વર્ષો પછી સીરમ ઇન્સ્ટિટ્યૂટની અરજીને શંકાભરી નજરે જોવામાં આવતી નથી."
વૅક્સિનના ઉત્પાદનમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટનો દબદબો સાયરસના કાર્યકાળમાં જ સ્થાપિત થઈ ગયો હતો. તેમની કંપની દુનિયાભરના દેશોને વૅક્સિનનો જથ્થો પૂરો પાડતી થઈ ગઈ હતી અને સાયરસની ગણતરી વિશ્વના શ્રીમંત લોકોમાં થવા લાગી હતી.
સાયરસ પૂનાવાલાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત પાંચ લાખ રૂપિયાની મૂડી સાથે કરી હતી અને ફૉર્બ્સ સામયિકની યાદી મુજબ, તેઓ વિશ્વના 165મા ક્રમની શ્રીમંત વ્યક્તિ છે. ફૉર્બ્સ ઈન્ડિયાની યાદી મુજબ તેઓ ભારતના છઠ્ઠા ક્રમની સૌથી શ્રીમંત વ્યક્તિ છે.

અદારનો કાર્યકાળ અને 165 દેશોમાં ફેલાયેલો બિઝનેસ

ઇમેજ સ્રોત, UNIT PARANJPE/AFP VIA GETTY IMAGES
બ્રિટનમાં અભ્યાસ પૂરો કર્યા બાદ અદાર પૂનાવાલા 2001માં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા હતા.
શરૂઆતમાં તેમણે સેલ્સ વિભાગમાં કામ કર્યું હતું. આજની તારીખે પણ સતત વિકસી રહેલા સીરમ ગ્રૂપ પર સાયરસ પૂનાવાલાને બદલે તેમના પુત્ર અદારની શૈલીની છાપ વધારે જોવા મળે છે.
સાયરસના કાર્યકાળમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ મુખ્યત્વે ભારતમાં જ સક્રિય હતી.
અદાર પૂનાવાલા 2011માં સીરમ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બન્યા હતા. એ પછી તેમણે બે બાબત પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
તેઓ ઉત્પાદનક્ષમતા વધારવા પર અને સીરમ મારફત વિશ્વના વધુને વધુ દેશોમાં વૅક્સિન પૂરી પાડવા પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.
વિસ્તરણની યોજના હેઠળ સીરમે 2012માં નૅધરલૅન્ડ સરકારની વૅક્સિન ઉત્પાદક કંપની હસ્તગત કરી હતી.
એ પછી સીરમ આખી દુનિયાની નજરમાં આવી હતી, કારણ કે નૅધરલૅન્ડની સરકારી વૅક્સિન ઉત્પાદક કંપની હસ્તગત કર્યા બાદ સીરમ વિશ્વમાં સૌથી વધુ વૅક્સિનનું ઉત્પાદન કરતી કંપની બની ગઈ છે.
2001માં સીરમ વિશ્વના 35 દેશોને વૅક્સિન પૂરી પાડતી હતી.
આજે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વના 165 દેશોને વૅક્સિન સપ્લાય કરે છે.
જોકે આ વિસ્તરણ અને ટેક્નૉલૉજીમાં ઇન્વૅસ્ટમેન્ટના એક કારણની ચર્ચા અદાર પૂનાવાલા સતત કરતા રહે છે.
તે કારણ એ કે આ સંપૂર્ણપણે તેમનો પારિવારિક બિઝનેસ છે અને તેમાં માત્ર તેમના પરિવારનું જ ઈન્વૅસ્ટમેન્ટ છે.
કંપનીએ કેટલીક પ્રાઇવેટ ઈક્વિટી મારફત નાણાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ નિષ્ફળ રહ્યો હતો. એ પ્રયાસ સફળ થયો હોત તો સીરમ ગ્રૂપ નાણાં એકત્ર કરવા સામાન્ય લોકો સુધી પહોંચ્યું હોત.
અલબત્ત, કોરોનાની વૅક્સિન તૈયાર કરવા માટે સીરમે મોટા ઇન્વૅસ્ટમેન્ટનું જોખમ લીધું છે.
ફૉર્બ્સ ઈન્ડિયાને આપેલી એક મુલાકાતમાં અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે "અમારી કંપની લિસ્ટેડ નથી એટલે અમે જોખમ ઉઠાવી શકીએ છીએ. અમારી કંપની પબ્લિક લિસ્ટેડ હોત તો અમારે રોકાણકારો, બૅન્કો અને બીજા ઘણા લોકોને જવાબ આપવા પડ્યા હોત."
આ લેખની શરૂઆતમાં મેં જણાવ્યું હતું તેમ ભવ્યતા પ્રત્યેનો લગાવ અને જોખમ લેવાની ક્ષમતા એ બન્ને પૂનાવાલા સામ્રાજ્યનાં બિઝનેસસૂત્ર છે.
કોરોનાની વૅક્સિન વિકસાવવાની બાબતમાં પણ એવું જોવા મળ્યું છે.
કોરોનાની વૅક્સિન માટે રિસર્ચનો ગાળો શરૂ થયો હતો ત્યારે અદાર પૂનાવાલાએ તેમાં મોટા ઇન્વૅસ્ટમેન્ટનો નિર્ણય કર્યો હતો.
તેમણે મે-2020માં એસ્ટ્રાઝેનેકા સાથે આ વિશે વાતચીત કરી હતી અને વૅક્સિન બનાવવાની પ્રક્રિયામાં જોડાઈ ગયા હતા.
એક એવો સમય પણ આવ્યો હતો, જ્યારે પ્રતિ વર્ષ વૅક્સિનના 100 કરોડ ડોઝના ઉત્પાદનનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પણ એ માટે મોટાં ઇન્વૅસ્ટમેન્ટ, મોટી જગ્યા, શ્રમિકો અને કાચા માલની જરૂર હતી.
ગરીબ દેશોને સસ્તા ભાવે વૅક્સિન ઉપલબ્ધ કરાવવા માટે બિલ ઍન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન સાથે હાથ મિલાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.
આ બધાની સાથે ભારતમાં વૅક્સિનની સપ્લાય કરવાની જવાબદારી પણ નિભાવવાની હતી.
એસ્ટ્રાઝેનેકા સાથે કોવિશિલ્ડ માટે કરાર કરવા ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યૂટે અમેરિકા તથા યુરોપની બીજી વૅક્સિન તૈયાર કરવાની સાથેસાથે પોતાની વેક્સિન માટે પણ રિસર્ચ કર્યું છે.
કોરોનાની ચારથી પાંચ વૅક્સિન બનાવવાની સીરમ ઇન્સ્ટિટ્યૂટની યોજના હતી. દુનિયાના અન્ય દેશોના નેતાઓએ એટલે જ ખુલ્લેઆમ કહ્યું હતું કે તેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટની ઈર્ષા કરે છે.

વૅક્સિનેશનની શરૂઆત અને...

ઇમેજ સ્રોત, TWITTER/@ADARPONAWALLA
કોવિડ-19 વૈશ્વિક મહામારી સંબંધી દૂરંદેશી વિચારધારા ધરાવતા પૂનાવાલાએ વૅક્સિનેશનની શરૂઆતથી જ ટીકાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તેમની ટીકાનું કારણ ભારતમાં વૅક્સિનેશનની ધીમી ગતિ છે.
ભારતમાં કોવિડ-19ની બીજી ઘાતક લહેરનો પ્રકોપ વધ્યો એટલે વૅક્સિનેશન માટેનું દબાણ પણ વધ્યું, પરંતુ વૅક્સિન માટે અનેક વિકલ્પ નથી અને આગામી દિવસોમાં એવા વિકલ્પો ઉપલબ્ધ થવાની શક્યતા પણ નથી. એ માટે દેશની નિષ્ફળ વૅક્સિનેશન નીતિ જવાબદાર છે.

ઇમેજ સ્રોત, ADAR POONAWALLA/INSTAGRAM
વિશ્વને અન્ય દેશો સાથે થયેલી સમજૂતી અનુસાર પહેલાં વૅક્સિનનો જથ્થો એ દેશોને મોકલવામાં આવ્યો હતો.
ભવિષ્યની કોઈ યોજના બનાવવામાં આવી ન હતી.
વૅક્સિનના ઑર્ડર આપવામાં આવ્યા ન હતા અને એ પછી વિવિધ વયજૂથના લોકોના વૅક્સિનેશનની જાહેરાત કરવામાં આવી હતી.
આટલા મોટા પ્રમાણમાં વૅક્સિનનું ઉત્પાદન થઈ શકતું નથી. તેમ છતાં રાજ્યોને વૅક્સિન ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી.
એ સિવાય વિશ્વમાં બીજી વૅક્સિનના ઑર્ડર પણ આપવા દેવાયા ન હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પછી પણ સરકારની સાથેસાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટને પણ એ સવાલ પૂછવો જોઈએ કે વૅક્સિન બાબતે ભારત વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદનક્ષમતા ધરાવતું હોવા છતાં આ સ્થિતિ કઈ રીતે સર્જાઈ?
અદાર પૂનાવાલાએ વૅક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાં જ સલાહ આપી હતી.
તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારતીયોને વૅક્સિનના બે ડોઝ આપવા માટે 80,000 કરોડ રૂપિયાની જરૂર પડશે. જેટલા ડોઝ જોઈશે તેની સપ્લાય કરવામાં થોડો સમય લાગશે, એવું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે ભારતને અગ્રતા આપવાની નીતિને ધ્યાનમાં રાખીને કામ શરૂ કર્યું હતું અને વૅક્સિનનો સંપૂર્ણ જથ્થો કેન્દ્ર સરકારને સોંપી દીધો હતો. ગરીબ દેશો સાથેની સમજૂતી મુજબ તેમના વૅક્સિનેશનની જવાબદારી લેવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એ સિવાય વૅક્સિનની પડતર કિંમત અને સરકાર જે કિંમતે વૅક્સિન ઉપલબ્ધ કરાવી રહી છે તેમાં પણ તફાવત છે.
આ બધાની વચ્ચે અમેરિકાએ કાચા માલની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.
એ પછી અદાર પૂનાવાલાએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને ટૅગ કરીને ટ્વીટ પણ કર્યું હતું.
તે પછી પણ વૅક્સિનેશનની નીતિ અને વાસ્તવિક કાર્યક્રમની ટીકા ચાલુ જ રહી છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને અદાર પૂનાવાલાએ થોડા-થોડા સમયે તેમણે તેમનો પક્ષ જણાવતા રહેવું પડે છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને વૅક્સિનની ખરીદીની પરવાનગી આપી દીધી છે ત્યારે વૅક્સિનનો જથ્થો ક્યારે ઉપલબ્ધ થશે એ વિશે કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી.
કેન્દ્રને 150 રૂપિયાના ભાવે મળતી વૅક્સિન રાજ્ય સરકારોને 400 રૂપિયાના ભાવે શા માટે મળશે તેની ચોખવટ પણ કેન્દ્ર સરકારે કરી નથી.
આ મુદ્દે અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.
રાજ્ય સરકારો વૅક્સિનના ઉત્પાદકો પર દબાણ વધારી રહી છે.
દબાણ વધતાંની સાથે જ કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટની વૅક્સિનની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે.
એ પછી સીરમ ઇન્સ્ટિટ્યૂટના બીજા દેશો સાથેના કરારના અસ્તિત્વ પર જોખમ સર્જાયું છે.

ઇમેજ સ્રોત, Getty Images
અદાર પૂનાવાલાએ થોડા દિવસ પહેલાં એ અખબારી યાદી મારફત બે રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હતો.
એક, તેમણે જણાવ્યું હતું કે ભારતીય કરદાતાઓના પૈસે બનાવવામાં આવેલી એક પણ વૅક્સિનની નિકાસ કરવામાં આવી નથી. બે, વર્ષના અંત સુધી તેઓ વૅક્સિનની નિકાસ કરી શકે તેમ નથી.
જોકે, તેમણે બીજા દેશોને મદદ કરવાની વાત આ પ્રેસ રિલીઝમાં જરૂર કરી હતી.
અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, "કોવિડ-19ની પહેલી લહેર વખતે આપણે બીજા દેશોને મદદ કરી હતી. એ કારણસર જ તેઓ બીજી લહેરમાં આપણી મદદ કરી રહ્યા છે."
સીરમ ઇન્સ્ટિટ્યૂટ વર્તમાન સમયમાં કેવા સંકટમાં ફસાયેલી છે તેનો અંદાજ આ કથન પરથી મેળવી શકાય છે.
આ વિવાદની વચ્ચે અદાર પૂનાવાલા લંડન ચાલ્યા ગયા છે. તેમણે એક સ્થાનિક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ કેટલાક મુદ્દે કંઈ કહેશે તો તેમના જીવન પર જોખમ સર્જાશે.

ઇમેજ સ્રોત, ADAR POONAWALLA/INSTAGRAM
કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં જ તેમને સલામતી ઉપલબ્ધ કરાવી છે.
લંડનના મેફેર વિસ્તારમાં અદાર પૂનાવાલાએ મોટો ખર્ચ કરીને એક લક્ઝરી મકાન લીઝ પર લીધું છે. એ બાબતે સ્થાનિક મીડિયામાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે અદાર પૂનાવાલાએ ભારત છોડી દીધું છે?
અલબત્ત, પૂનાવાલા પરિવાર અને સીરમ ઇન્સ્ટિટ્યૂટે એ આક્ષેપોનું ખંડન કરતાં જણાવ્યું હતું કે તેઓ ભારતમાં વૅક્સિનનું ઉત્પાદન વધારવા માટે કટિબદ્ધ છે અને દરેક નાગરિકને વૅક્સિન મળશે.
ભારત બહાર ગયા આદર પૂનાવાલા શું કરી રહ્યા છે એ હજુ સુધી કોઈને ખબર નથી.

જીવનશૈલીને કારણે પણ ચર્ચાતા રહ્યા છે અદાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અદાર પૂનાવાલા હાલ વૅક્સિનને કારણે ભલે ચર્ચામાં હોય, પણ તેમનો પરિવાર તેમની જીવનશૈલીને કારણે પણ ચર્ચામાં રહ્યો છે.
પુણેમાં અદારનું સ્ટડ ફાર્મ અને ફાર્મ હાઉસ ભવ્યતમ છે. અલબત્ત, આજકાલ તેમના લંડનના મેફેરસ્થિત વિશાળ આવાસની ચર્ચા વધારે થઈ રહી છે.
2015માં તેમણે મુંબઈના દરિયાકિનારે એક વિશાળ બંગલો ખરીદ્યો હતો.
એ બંગલામાં અગાઉ અમેરિકાની એલચી કચેરી હતી.
અદાર પૂનાવાલાએ તે બંગલો 11 કરોડ અમેરિકન ડૉલરમાં ખરીદ્યો હતો,
એ સમયે તે મુંબઈનો સૌથી મોંઘો બંગલો હતો.
ભવ્યતા માટેનો તેમની લાગણીને મોટા વિમાનમાં બનાવવામાં આવેલી તેમની ઑફિસમાં તેમજ પૂણેસ્થિત તેમના વિશાળ બંગલાની છતને જોઈને સમજી શકાય છે.
ફૉર્બ્સ ઇન્ડિયામાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, તેમના બંગલાની સિલિંગ રોમના વિખ્યાત ચિત્રકાર માઈકલ એન્જેલો અને બીજા યુરોપિયન કલાકારોની કળાકૃતિઓની પ્રતિકૃતિ વડે સજાવવામાં આવી છે.
પોતાના પિતા સાયરસની માફક અદારને પણ મોંઘી મોટરકારો વસાવવાનો શોખ છે. તેમની પાસે લગભગ 20 કાર છે, જેમાં રોલ્સ રૉયસ, ફેરારી, બેન્ટલે અને લેમ્બોર્ગિની જેવી મોંઘીદાટ કારોનો સમાવેશ થાય છે.
અદાર પૂનાવાલાને સ્પીડ પસંદ છે.
તેથી તેમણે તેમના બંગલામાં બોઈંગ-737, ફૉર્મ્યુલા-વન અને ફાઈટર જેટનાં મૉડલ મુકાવ્યાં છે.
અદાર પૂનાવાલા તેમનાં પત્ની નતાશા સાથે બોલીવૂડની પાર્ટીઓમાં મહાલતા પણ જોવા મળે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













