મેહુલ ચોકસીને ભારત મોકલવા તૈયાર છીએ -એન્ટિગા ઍન્ડ બર્મુડાના વડા પ્રધાન

એન્ટિગા અને બર્મુડાના વડા પ્રધાન ગૈસ્ટન બ્રાઉને કહ્યું છે કે ડોમિનિકામાંથી પકડી લેવાયેલા ભારતીય હીરા કારોબારી મેહુલ ચોકસીને ભારત મોકલી દેવામાં આવશે.

ગૈસ્ટન બ્રાઉને કહ્યું કે એમણે ડોમિનિકાને કહ્યું છે કે મેહુલને એન્ટિગા ઍન્ડ બર્મુડા ન મોકલવામાં આવે અને સીધા ભારતને સોંપી દેવામાં આવે.

13,500 કરોડના પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસી રવિવારે એન્ટિગા ઍન્ડ બર્મુડાથી લાપતા થઈ ગયા હતા અને પોલીસ તેમને ખોળી રહી હતી.

બ્રાઉને કહ્યું કે, મેહુલ ચોકસી નાવની મદદથી ગેરકાયદે ડોમિનિકા પહોંચી ગયા હોય એમ શક્ય છે.

સમાચાર સંસ્થા એએનઆઈને આપેલી એક મુલાકાતમાં વડા પ્રધાન ગૈસ્ટન બ્રાઉને કહ્યું કે, "અમારો દેશ મેહુલ ચોકસીનો સ્વીકાર નહીં કરે. એમણે આ ટાપુ પરથી જઈને મોટી ભૂલ કરી છે. ડોમિનિકાની સરકાર અને અધિકારીઓ અમારી સાથે સહયોગ કરી રહ્યા છે અને અમે ભારત સરકારને જાણ કરી છે કે એમને ભારતને સોંપી દેવામાં આવશે."

'ભારત અને ડોમિનિકાના અધિકારીઓ સંપર્કમાં'

મેહુલ ચોકસી જાન્યુઆરી 2018માં ભારત છોડીને ભાગી ગયા હતા અને ભાગી જતા અગાઉ 2017માં જ એમણે એન્ટિગા ઍન્ડ બર્મુડાનું નાગરિકત્વ લઈ લીધું હતું. આ દેશમાં રોકાણ કાર્યક્રમ હેઠળ નાગરિકત્વ મળી શકે છે.

બ્રાઉને કહ્યું કે, "ડોમિનિકા મેહુલ ચોકસીને પરત મોકલવા તૈયાર છે પણ અમે એમનો સ્વીકાર નહીં કરીએ. મેં ડોમિનિકાના વડા પ્રધાન અને સરકારને અપીલ કરી છે કે તેઓ એમને અમારે ત્યાં ન મોકલે કારણ કે અહીં એમને નાગરિક તરીકે કાયદાકીય અને બંધારણીય સુરક્ષા મળેલી છે."

એમણે કહ્યું, "અમે વિનંતી કરી છે કે એમની ધરપકડ કરી એમને ભારતને સોંપવાની વ્યવસ્થા કરવામાં આવે. મને નથી લાગતું કે એમણે ડોમિનિકાનું નાગરિકત્વ લીધું છે. એટલે ડોમિનિકને એમનું પ્રત્યર્પણ કરવામાં કોઈ વાંધો નહીં હોય. "

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ આ અગાઉ બુધવારે રાતે મેહુલ ચોકસીના વકીલે તેઓ ડોમિનિકામાં મળી આવ્યા હોવાની વાતની પુષ્ટિ કરી હતી.

કેવી રીતે મેહુલ ચોકસી બન્યા હતા એન્ટિગાના નાગરિક?

હીરાના વેપારી મેહુલ ચોકસીએ જ્યારે એન્ટિગાનું નાગરિકત્વ લીધું અને ભારતનો પાસપોર્ટ સરન્ડર કર્યો ત્યારે તેને પ્રત્યાર્પણથી બચવાની કોશિશ કહેવામાં આવી હતી.

જાન્યુઆરી 2019માં મીડિયા અહેવાલો મુજબ પાસપોર્ટ જમા કરાવવાની સાથે મેહુલ ચોકસીએ નિયત ફીનો 177 ડૉલરનો ડ્રાફ્ટ પણ રજૂ કર્યો હતો અને અધિકારીઓના કહેવા મુજબ એમણે નવું ઠેકાણું જૉલી હાર્બર માર્કસ ઍન્ટિગુઆ દર્શાવ્યું હતું.

મેહુલ ચોકસીએ સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ ( સીઆઈપી) હેઠળ ઍન્ટિગુઆ ઍન્ડ બાર્બુડાનું નાગરિકત્વ લીધું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો