Tauktae વાવાઝોડું ગુજરાતમાં ક્યારે ત્રાટકશે? હવામાનવિભાગે આપી માહિતી

ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર 'તૌકાતે' વાવાઝોડાનું કેન્દ્ર હાલમાં લક્ષદ્વીપ છે, જે શનિવારે સવારથી વધુ તીવ્રતાથી આગળ વધી રહ્યું છે અને 18 મે બાદ ગુજરાત તરફ આગળ વધી શકે છે.

આ વાવાઝોડાની અસર લક્ષદ્વીપની સાથે-સાથે દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબ સાગરમાં વર્તાઈ રહી છે.

વાવાઝોડાની શક્યતાના પગલે દક્ષિણ ગુજરાત અને દીવના દરિયાકિનારા પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સમાચાર સસ્થા પીટીઆઈ અનુસાર વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ અને એનડીએમએની બેઠક બોલાવી છે.

જેમ-જેમ વાવાઝોડું પશ્ચિમના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું તેમ-તેમ વહીવટી તંત્રની ચિંતા પણ વધી રહી છે.

ભારતીય નૅવીએ વહીવટી તંત્રને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

નૅવીએ ટ્વિટમાં કહ્યું છે કે, "ભારતીય નૅવીનાં જહાજો, હેલીકૉપટરો, ડાઇવરો અને રાહત ટીમો પશ્ચિમી દરિયાકાંઠાની મદદ કરવા તૈયાર છે."

ગુજરાત ક્યારે પહોંચશે વાવાઝોડું?

હવામાનવિભાગે શુક્રવારે આશંકા વ્યક્ત કરી હતી કે 17 મે સુધી વાવાઝોડું 150થી 160 પ્રતિ કિલોમીટરની ઝડપે ત્રાટકીને ખાનાખરાબી સર્જી શકે છે.

હવામાનવિભાગના મુજબ આ વાવાઝોડું ઉત્તર-પૂર્વથી આગળ વધશે અને ઉત્તર અને ઉત્તર-પશ્ચિમથી પસાર થઈને 18 મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે.

આ વાવાઝોડાના કારણે કેરળના પાંચ જિલ્લા - તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, પઠાણમિત્તા અને એર્નાકુલમમાં રેડ ઍલર્ટની જાહેરાત કરાઈ છે. આ વિસ્તારોમાં ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ટીમો તૈનાત કરવામાં આવી છે.

વાવાઝોડું આ અઠવાડિયે મુંબઈ અને થાણે પહોંચે એવી આશંકા છે. હવામાનખાતાએ આ બંને શહોરોને ઍલર્ટ કરી દીધાં છે. હવામાનખાતા અનુસાર મહારાષ્ટ્રમાં 18 મે બાદ વાવાઝોડું નબળું પડી શકે છે. 18 મે પછી તે ગુજરાત તરફ આગળ વધશે.

ગુજરાતમાં કેવી સ્થિતિ?

અરબ સાગરમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું પેદા થવાના અણસાર મળી રહ્યા છે અને તેને કારણે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

હાલ લક્ષદ્વીપની આસપાસના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે, જે ડિપ્રેશન અને પછી વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ ચક્રવાત આ વર્ષનું અતિભીષણ વાવાઝોડું પણ બની શકે છે.

વાવાઝોડાની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાંના ધારી આસપાસનાં ગામોમાં વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ સાવરકુંડલામાં પવન ફૂંકાયો હતો.

વાવાઝોડાની શક્યતાના પગલે જાફરાબાદના પીપાવાવ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું. એ જ પ્રકાર કંડલા બંદરે બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું.

શુક્રવારે સવારે હવામાનવિભાગે જાહેર કરેલા બુલેટિન પ્રમાણે આગામાં 12 કલાક દરમિયાનની સ્થિતિ મહત્ત્વની રહેશે, આ દરમિયાન તે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

હાલ દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે છે, જે વાવાઝોડું વધારે તીવ્ર બને એવી સ્થિતિ માટે અનુકૂળ છે.

બીજી તરફ હવે હવામાન વિભાગે માહિતી આપી છે કે ચક્રવાત સર્જાયા બાદ તે ગુજરાત તરફ આગળ વધશે.

વાવાઝોડું ગુજરાતમાં ક્યાં ટકરાઈ શકે?

અરબ સાગરમાં સર્જાનારું આ તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે 18 મેના રોજ પહોંચી શકે છે.

હાલની સ્થિતિ પ્રમાણે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે મંગળવારે સાંજના સમયે ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.

જોકે, વાવાઝોડું સર્જાયા બાદ તે કેટલી ઝડપથી આગળ વધે છે તેના આધારે નક્કી થશે કે તે ગુજરાતના દરિયાકિનારે ક્યારે પહોંચશે.

હાલની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર તેનો ખતરો તોળાઈ રહ્યો છે.

અરબ સાગરમાં આ પહેલાં પણ ઘણાં વાવાઝોડાં પેદાં થયાં છે પરંતુ તે ઓમાન તરફ વળી જાય છે અથવા તે દરિયામાં સમાઈ જાય છે.

મોટા ભાગનાં વાવાઝોડાં ગુજરાતની જમીન પર ત્રાટકતાં નથી. જોકે, આ વાવાઝોડું સુપર સાયક્લૉન બનશે તો તેનો ખતરો વધારે હશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો