You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના : સરકારે કહ્યું હવે ઘરમાં પણ માસ્ક પહેરીને રહેવાનો સમય આવી ગયો છે
કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોની દરરોજ વધતી સંખ્યાને જોતાં સરકારે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે લોકો ઘરોમાં પણ માસ્ક પહેરીને રહે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય ડૉક્ટર વીકે પૉલે કહ્યું છે, "જો પરિવારમાં કોરોના સંક્રમણનો કોઈ કેસ છે તો એ ખૂબ જરૂરી છે કે સંક્રમિત વ્યક્તિ ઘરમાં માસ્ક પહેરીને રહે."
"તેનું કારણ એ છે કે ઘરની અંદર પરિવારના બીજી સભ્યો પણ સંક્રમિત થઈ શકે છે. હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ સંક્રમિત ના હોય કતો પણ આપણે ઘરમાં માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ."
દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી 3 લાખ કરતાં વધારે કેસો આવી રહ્યા છે. અનેક શહેરોમાં હૉસ્પિટલોમાં ભરાયેલી છે, લોકોને પથારીઓ મળતી નથી.
દેશમાં સેંકડો લોકો હૉસ્પિટલમાં દાખલ થયા સિવાય મોતને ભેટી રહ્યા છે. લાખો લોકો હાલ વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.
દેશમાં કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચ જવાબદાર : મદ્વાસ હાઇકોર્ટ
મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચને કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ગણાવ્યું છે. આ આદેશનું પશ્વિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સ્વાગત કર્યું છે.
મદ્રાસ હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ચૂંટણી પંચ કોરોનાની બીજી લહેર માટે પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં.
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે તેઓ મદ્રાસ હાઇકોર્ટના આ આદેશનું સ્વાગત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના વાઇરસની મહામારી દરમિયાન ચૂંટણી રેલીઓને પરવાનગી આપવા માટે મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચની આકરી ટીકા કરી છે.
સોમવારે મદ્રાસ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સંજીબ બેનરજીએ ચૂંટણી પંચ તરફથી હાજર રહેલાં વકીલને કહ્યું કે, "કોરોનાની બીજી લહેર માટે માત્રને માત્ર ચૂંટણી પંચ જવાબદાર છે."
ચૂંટણી પંચથી નારાજ થઈને ચીફ જસ્ટિસે કહ્યું કે "ચૂંટણી પંચના અધિકારીઓ પર હત્યાનો આરોપ લગાવવો જોઈએ."
મમતા બેનરજીએ આજે કોલકાતામાં મતદાન પણ કર્યું. આજે પશ્ચિમ બંગાળમાં સાતમાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાના કુલ કેસ પાંચ લાખ ભણી, ટૂંક સમયમાં જાપાનને પણ વટાવશે?
રવિવારે ગુજરાતમાં ફરી એક વાર કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ કેસો જોવા મળ્યા. સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડાઓ અનુસાર રાજ્યમાં રવિવારે કોરોના વાઇરસના નવા 14,296 દર્દીઓ મળી આવ્યા.
આ સાથે જ ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો પાંચ લાખની નજીક પહોંચી ગયો.
નોંઘનીય છે કે વિશ્વના અનેક દેશોમાં મહામારીની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં આટલા કેસો નોંધાયા નથી.
જો આ જ ઝડપે દર્દીઓ વધવાનું ચાલુ રહ્યું તો ગુજરાત આવનારા અમુક સમયમાં જ વિકસિત દેશ જાપાનને પણ કોરોનાના કુલ કેસોની બાબતે પાછળ રાખી દેશે.
રાજ્યમાં રવિવારે 157 લોકોનાં કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યાં હોવાનું સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ આંકડા સામે રોષ વ્યક્ત કરતાં ટ્વિટર પર લોકો કૉમેન્ટ કરી રહ્યા છે કે "ગુજરાત સરકારની વિકાસની વાતોની પોલ ખૂલી પડી ગઈ છે."
તેમજ અન્ય એક યુઝર રાજ્યમાં નોંધાઈ રહેલા કોરોનાના કેસ અને તેના કારણે મૃત્યુ પામી રહેલા લોકોની સંખ્યા બાબતે શંકા વ્યક્ત કરે છે.
તેઓ કૉમેન્ટમાં દાવો કરે છે કે ગુજરાતમાં દર કલાકે ઓછામાં ઓછા 60 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામી રહ્યા છે.
આ વાત કરીને તેમણે સ્મશાનમાં જગ્યા ન હોવાના કારણે 30 મૃતકોના ખુલ્લી જગ્યામાં અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા હોવાનાં દૃશ્યો રજૂ કરતો વીડિયો મુક્યો છે
ગુજરાતની બનાસ ડેરીના ઇજનેરોએ 72 કલાકમાં બનાવી દીધો ઓક્સિજન પ્લાન્ટ
સમાચાર સંસ્થા ANIના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીના ઇજનેરોએ 72 કલાકમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવી નાખ્યો છે. રાજ્યની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછતને નિવારવાના પ્રયાસરૂપે આ ઇજનેરોએ દાખલારૂપ નિર્માણ કરી બતાવ્યું છે.
નોંધનીય છે કે ઇજનેરો દ્વારા બનાવાયેલ આ પ્લાન્ટ બનાસકાંઠાની મેડિકલ કૉલેજ અને ડિસ્ટ્રિક્ટ સિવિલ હૉસ્પિટલના દર્દીઓને કામ લાગી રહ્યો છે.
પ્લાન્ટ દરરોજ 35-40 દર્દીઓને પૂરો પડે તેટલો ઓક્સિજન પેદા કરે છે. પાછલા ત્રણ દિવસથી તે કાર્યરત્ છે.
નોંધનીય છે કે એક તરફ રાજ્યમાં જ્યારે ઓક્સિજનની અછતના કારણે ઘણા દર્દીઓ અકાળ મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે આવી પહેલ એક ખૂબ જ સરાહનીય પગલું કહી શકાય તેમાં કોઈ બેમત નથી.
આવા જ અનેક સામાજિક પ્રયાસો થકી કોરોનાને હરાવવામાં આપણને સફળતા મળશે તેવું નિષ્ણાતો માને છે.
ગુજરાત સરકારનો નિર્ણય : ઓક્સિજનનો બગાડ અટકાવવા, તમામ હૉસ્પિટલોમાં O2 ઑડિટ ફરિજયાત
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે શનિવારે રાજ્યના આરોગ્યવિભાગ દ્વારા રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલી તમામ જાહેર અને ખાનગી હૉસ્પિટલો માટે ઓક્સિજન ઑડિટ ફરજિયાત બનાવાયું હતું.
ઓક્સિજનનો બગાડ ટાળવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા પગલું લેવાયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ મામલે તમામ હૉસ્પિટલોએ પોતાનો રિપોર્ટ 27 એપ્રિલે કે તે પહેલાં રાજ્ય સરકારને મોકલી દેવાની સૂચના અપાઈ છે.
નોંધનીય છે કે સરકારે આ કામ યોગ્ય રીતે થાય તે જોવા માટે એક IAS અને એક IRS અધિકારીની નિમણૂક કરી છે.
પાછલા કેટલાક સમયથી રાજ્યની હૉસ્પિટલોમાં દર્દીઓના ઇલાજ માટે ઓક્સિજન ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. આવી પરિસ્થિતિમાં સરકારની આ નવી વ્યવસ્થા કેટલી સફળ પુરવાર થશે તે જોવું રહ્યું.
ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેરના સંકેત
એક તરફ ભારત જેવા દેશો જ્યાં કોરોનાની બીજી લહેરથી બેહાલ છે, ત્યારે ફ્રાન્સમાં ICUમાં સારવાર લઈ રહેલા લોકોની સંખ્યામાં વધારો થતા દેશમાં ત્રીજી લહેર શરૂ થવાની અટકળો થવા લાગી છે.
નોંધનીય છે કે રવિવારે અગાઉની સરખામણીએ એવા મામલા વધુ જોવા મળ્યા, જેમાં દર્દીને ICUમાં દાખલ કરવા પડ્યા.
આ સાથે જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રોંની સરકારે દેશમાં કોરોના સંક્રમણની ત્રીજ લહેરના સંકેત આપ્યા છે.
સમાચાર સંસ્થા રૉયટર્સ નોંધે છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં હૉસ્પિટલોમાં કોવિડ-19ના કારણે 145 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. જ્યારે એક દિવસ પહેલાં ICUમાં દાખલ કરનાર દર્દીઓની સંખ્યા જ્યાં 5,958 હતી, તેમાં વધારો થઈને આ સંખ્યા 5,978 થઈ ગઈ હતી.
દેશમાં રવિવારે કોરોના સંક્રમણના 24 હજા કરતાં વધુ મામલા સામે આવ્યા હતા. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે 1,02,858 લોકોનાં મૃત્યુ થયાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો