દેશમાં કોરોનાની કથળેલી સ્થિતિ : ક્યાંક બેડ, તો ક્યાંય ઓક્સિજન વિના વલખાં મારતાં દર્દીઓ

ક્યાંક ઓક્સિજન માટે વલખાં મારતાં દર્દી, ક્યાંક હૉસ્પિટલમાં પથારી માટે રાહ જોતા લોકો, સ્મશાનમાં લાઇનો, પોતાનાં સ્વજનને અંતિમ વિદાય આપતાં હૈયાફાટ રૂદન કરતાં પરિવારજનો. આ તસવીરો દેશમાં કોરોનાથી સર્જાયેલી સ્થિતિની કરૂણતા રજૂ કરે છે.

ભારતમાં કોરોના વાઇરસના કારણે થતા મોતમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ હૉસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી રહ્યો છે.

ક્યાંક દવાઓ નથી મળી રહી તો કેટલાંક દર્દીઓ બેડની રાહ જોતાં જોતાં મરી રહ્યાં છે.

ભારતમાં અત્યારસુધીમાં 1, 92, 000થી પણ વધારે દર્દીઓનાં મોત થયાં છે. જ્યારે 1 કરોડ 70 લાખ જેટલા કોરોના વાઇરસના કૂલ મામલા સામે આવી ચૂક્યા છે. છેલ્લાં બે અઠવાડિયામાં જ 30 લાખ જેટલા કેસનો આમાં ઉમેરો થયો છે. કોરોના વાઇરસના કેસો હજી પણ સતત વધી રહ્યા છે.

ગુજરાતમાં પત્રકારો સહિત ઘણા લોકો સરકારી આંકડાને સાચા ગણાવતા નથી, ઘણા લોકો માને છે કે જ્યારે સ્મશાનો 24 કલાક ચાલી રહ્યાં છે, સ્માશાનોમાં લોકોને અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લગાવવી પડે છે. ત્યારે મોતના આંકડા ખોટા પણ હોઈ શકે.

દેશમાં ઘણા પત્રકારોનું માનવું છે કે જે મોતનો આંકડો સરકારી ચોપડે બતાવાય છે તેના કરતાં 10 ગણાં વધારે મોત થઈ રહ્યાં છે.

ગુજરાતની હૉસ્પિટલોમાં દર્દીઓને મહામુશ્કેલીએ ક્યાંક બેડ મળી રહી છે, કોરોના વાઇરસની ઝપેટમાં આવેલા લોકો એકથી બીજી અને બીજીથી ત્રીજી હૉસ્પિટલો ભટકી રહ્યાં છે.

રાજ્યભરમાં લોકોને બચાવવા માટે ઠેરઠેર કોરોના સેન્ટર ઊભાં કરવામાં આવી રહ્યાં છે.

ડૉક્ટરો, હૉસ્પિટલના સ્ટાફથી લઈને સ્મશાન સુધી લોકો સતત કોરોનાના દર્દીઓને બચાવવા માટે કાર્યરત છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી આ મહામારીએ અનેક લોકોની હિંમત તોડી નાખી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો