અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માફી કેમ માગી?

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પશ્ચિમ બંગાળના ચૂંટણીપ્રચાર અભિયાનને રદ કરીને કોરોનાને કારણે સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાગ લીધો હતો, જોકે બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મુદ્દે કેજરીવાલનું ધ્યાન દોર્યું હતું.

આથી કેજરીવાલ ક્ષોભિલા પડી ગયા હતા અને માફી પણ માગી હતી.

કેન્દ્ર સરકારના કોવિડ ડેશબોર્ડ પરની વિગત મુજબ, શુક્રવારે બપોરે દેશમાં 24 લાખ 28 હજાર 816 ઍક્ટિવ કેસ છે. આ બીમારીને કારણે કુલ એક લાખ 86 હજાર 920 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેજરીવાલે માફી માગી

શુક્રવારે સવારે વડા પ્રધા નરેન્દ્ર મોદીએ કોરોનાસંબંધિત બેઠકમાં ભાગ લીધો હતો. જ્યારે કેજરીવાલે ભાષણ શરૂ કર્યું, ત્યારે સોશિયલ મીડિયા હૅન્ડલ ઉપર તેનું જીવંત પ્રસારણ કરી દીધું હતું.

આના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું : "આપણી જે પરંપરા છે, આપણા જે પ્રોટોકોલ છે. તેની વિરુદ્ધ ઘણુંબધું થઈ રહ્યું છે."

"કોઈ મુખ્ય મંત્રી આવી ઇન-હાઉસ મીટિંગનું ટેલિકાસ્ટ કરે, તે યોગ્ય નથી. આપણે હંમેશા આનું (પ્રોટોકોલ)નું પાલન કરવું જોઈએ."

મોદીની આ ટિપ્પણી બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અસહજ થઈ ગયા હતા. તેમણે કહ્યું, "ઠીક છે સર, હવે પછી ધ્યાન રાખીશું. જો મારાથી કોઈ ગુસ્તાખી થઈ ગઈ હોય, મેં કંઈ કડવા વેણ કહી દીધા હોય, મારા આચરણમાં કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માગું છું."

કેજરીવાલે પોતાના ભાષણમાં કોરોના સંબંધિત રાષ્ટ્રવ્યાપી પ્લાન અંગે બોલવાનું શરૂ કર્યું, ત્યારે તેનું સોશિયલ મીડિયા હૅન્ડલ ઉપર જીવંત પ્રસારણ કર્યું હતું.

કેજરીવાલે ઓક્સિજનની અછતનો મુદ્દો ઉઠાવ્યો તથા ઓક્સિજન ભરેલાં ટેન્કર્સને અટકાવવામાં આવતા હોવાની વાત પણ કહી અને તેનો ઉકેલ લાવવા માટે કહ્યું.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ કેન્દ્ર સરકારના સૂત્રોને ટાંકતા જણાવ્યું કે પ્રોટોકોલ મુજબ આ બેઠકનું જીવંત પ્રસારણ નહોતું થવું જોઈતું.

કેજરીવાલ ઉપર રાજકારણ કરવાના આરોપ પણ લાગ્યા છે. એમણે પોતાના ભાષણમાં ઓક્સિજનનું ઍરલિફ્ટિંગ કરાવવાની વાત કહી, પરંતુ વાસ્તવમાં તે ચાલુ જ છે.

કોરોનાના પ્રસારને અટકાવવા માટે રાજ્ય સરકારો શું કરી રહી છે, તેના વિશે મુખ્ય મંત્રીઓએ માહિતી આપી હતી, પરંતુ કેજરીવાલે આવી કોઈ માહિતી આપી ન હતી.

કેજરીવાલની કચેરીએ કરી સ્પષ્ટતા

વડા પ્રધાન સાથેની બેઠકના લાઇવ પ્રસારણ અંગે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની કચેરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ બેઠકનું જીવંત પ્રસારણ ન થઈ શકે, એવા કોઈ નિર્દેશ આપવામાં આવ્યા ન હતા. સાથે જ ઉમેર્યું કે જો આ વિશે કોઈને અસુવિધા થઈ હોય તો અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.

દિલ્હીમાં કોરોનાના સંકટની વચ્ચે ઓક્સિજન તથા પથારી મુદ્દે રાજ્ય તથા કેન્દ્ર સરકાર વચ્ચે ખટરાગ ઊભો થયો છે.

અગાઉ કેજરીવાલ સરકારે આરોપ મૂક્યો હતો કે દિલ્હીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો નથી અપાય રહ્યો. અનેક સ્થળોએ ઓક્સિજનના ટેન્કરને અટકાવવામાં આવી રહ્યા છે.

દિલ્હીની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછત પ્રવર્તી રહી છે, જેના કારણે કેટલીક હૉસ્પિટલોએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારના વકીલે રાજ્ય સરકાર ઉપર રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો.

બીજું શું કહ્યું મોદીએ?

સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્ય મંત્રીઓની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરતા કહ્યું કે કોરોનાની સારવાર માટે જરૂરી દવાઓ તથા ઇન્જેકશનની સંગ્રહખોરી તથા કાળાબજારી કરનારા લોકો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવે.

મોદીએ ઉમેર્યું કે ભારતીય રેલવે તથા ભારતીય વાયુદળના માધ્યમથી મોટી સંખ્યામાં ઓક્સિજનનો પુરવઠો પુરો પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ ચાલુ છે.

મોદીએ અસરગ્રસ્ત રાજ્યોને શક્ય એટલી મદદ આપવાની વાત પણ કહી હતી. તેમણે કહ્યું, "આપણે એક રાષ્ટ્રની જેમ કામગીરી કરીશું અને તેના માટે સંશાધનોની અછત નહીં વર્તાય."

દવા અને ઓક્સિજન મુદ્દે દરેક રાજ્ય મળીને કામ કરે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઓક્સિજનના ટેન્કરની મુક્ત રીતે હેરફેર થઈ શકે, તે સુનિશ્ચિત કરે અને તેમાં અવરોધ ઊભો ન થવા દે. તે માટે જરૂરી સુરક્ષાવ્યવસ્થા પણ ગોઠવે.

વડા પ્રધાન હૉસ્પિટલોની સુરક્ષાવ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે પણ રાજ્ય સરકારોને જણાવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો