You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાશિક ઓક્સિજન દુર્ઘટના : ઝાકીર હુસૈન હૉસ્પિટલમાં ઓક્સિજનનું ગળતર થતાં 22 દર્દીનાં મૃત્યુ
નાશિકની ઝાકીર હુસૈન હૉસ્પિટલમાં ઓક્સિજનનું ગળતર થવાથી 22 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. તંત્રને ટાંકીને આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી છે.
આ હૉસ્પિટલમાં અંદાજે 150 દર્દીઓને ઓક્સિજન અને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઓક્સિજનની ટાંકીમાંથી ગળતર થવાના કારણે અડધો કલાક સુધી ઓક્સિજનનો પુરવઠો ખોટકાયો હતો.
મ્યુનિસિપલ કમિશનર કૈલાશ જાધવ કહે છે કે ટેકનિકલ ઇજનેરને મોકલીને ગળતર રોકવામાં આવ્યું હતું, હવે ઓક્સિજનનો 25 ટકા જથ્થો જ બચ્યો છે.
આ સાથે જ તેમણે કહ્યું કે જે દર્દીઓ ઓક્સિજન સપૉર્ટ પર છે તેઓ ઓક્સિજનના ઓછા પ્રવાહ પર રહી શકે છે પણ જે લોકો વૅન્ટિલેટર પર છે તે ઓઓછા પ્રવાહ પર રહી ન શકે.
ઝાકિર હુસૈન હૉસ્પિટલના મુખ્ય મેડિકલ ઑફિસર નીતિન રાઉતે કહ્યું, "આ ટેકનિકલ મામલો છે, એક જગ્યાએ ગળતર થયું, જેના કારણે પ્રૅશર ઘટી ગયું અને દુર્ઘટના ઘટી."
"હું ડૉક્ટર છું અને મને ટેકનિકલ બાબતો સમજાતી નથી."
તેમને એવી પણ માહિતી આપી કે હૉસ્પિટલમાં 131 દર્દી ઓક્સિજન સપૉર્ટ પર હતા અને 15 દર્દી વૅન્ટિલેટર પર હતા.
શિવસેનાના નેતા સુધાકર બડગુઝરનો દાવો છે કે મૃતકાંક 30થી 35 હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સવારે મને કહ્યું કે હૉસ્પિટલમાં ઓક્સિજન ખતમ થઈ ગયો'
આ ઘટનામાં મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારજનો શોકમાં ડૂબેલા છે. લીલા જાધવ 60 વર્ષનાં હતાં, તેઓ પણ હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યાં છે.
તેમના પરિવારજને કહ્યું, "તેઓ ગઈકાલે હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં. ઓક્સિજનની અછતને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું છે. અમે ઇચ્છીએ છીએ કે ગુનેગારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે."
ત્યારે નાશિકની હૉસ્પિટલમાં મૃત્યુ પામનાર દર્દીઓમાંથી એક મહિલાના પૌત્ર વિક્કી જાધવે કહ્યું, "તેમની તબિયત સારી થવા લાગી હતી. હું તેમના માટે કંઈક ભોજન લેવા ગયો હતો તો સવારે 9.30 કલાકે મારી પાસે ફોન આવ્યો કે તેમની હાલત ગંભીર થઈ ગઈ છે."
"જ્યારે મેં હૉસ્પિટલના અધિકારીઓને પૂછ્યું તો તેમણે કહ્યું કે હૉસ્પિટલમાં ઓક્સિજન નહોતો વધ્યો."
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ટૅન્કરો મારફતે ઓક્સિજન ભરવામાં આવી રહ્યો હતો.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નાશિકની હૉસ્પિટલમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો માટે સાંત્વનાની લાગણી પ્રકટ કરી છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું, "નાશિકના ઝાકિર હુસૈન હૉસ્પિટલમાં દર્દીઓના મૃત્યુના સમાચાર અત્યંત દુખદ છે. હું મૃતકોના પરિવારજનોને હૃદયથી સાંત્વના વ્યક્ત કરું છું. હું રાજ્ય સરકાર અને અમારી પાર્ટીના કાર્યકરોને વિનંતી કરું છું કે દરેક શક્ય મદદ કરે."
નાશિકમાં દરરોજ 139 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે પરંતુ શહેરને માત્ર 84 મેટ્રિક ટન ઓક્સિજન દરરોજ મળી રહ્યો છે.
સૌથી વધારે પ્રભાવિત રાજ્ય
ભારત આ સમયે કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા 50 હજારથી વધારે થઈ ગઈ છે. એવામાં મહારાષ્ટ્રમાં ઑક્સિજનની અછત અને હૉસ્પિટલોમાં બૅડની કમીનું સંકટ પણ ઊભું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો