સીરમ ઇન્સ્ટિટ્યૂટ : કોરોના રસીની કિંમત જાહેર, તમને કેટલામાં મળશે?

ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી વિકસિત કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એક નિવેદન પ્રકાશિત કરીને રસીની કિંમતો જાહેર કરી છે.

ભારતની કેન્દ્ર સરકારના 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાના નિર્ણય બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટે કિંમતોની જાહેરાત કરી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ નિવેદનમાં લખે છે કે "ભારત સરકારના રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવાની જાહેરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ આવકારે છે."

"રાજ્ય સરકારો, ખાનગી દવાખાનાં, રસીકરણ કેન્દ્રોને સીધી રસી મળી રહે, એવા પ્રયત્નો અમે કરીશું."

ઇન્સ્ટિટ્યૂટે એવું પણ જણાવ્યું છે કે આગામી બે મહિના સુધી તેઓ મર્યાદિત જથ્થામાં રસીનું ઉત્પાદન કરશે, જે બાદ ઉત્પાદનને ઝડપી બનાવવામાં આવશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટની રસીની કિંમતો

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલી રસીની કિંમત રાજ્ય સરકારો અને ખાનગી હૉસ્પિટલ માટે અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.

રાજ્ય સરકારો માટે આ રસીના એક ડોઝની કિંમત 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે ખાનગી દવાખાનાઓમાં આ કિંમત 600 રૂપિયા રહેશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે આ કિંમત સરકારના નિર્દેશો અનુસાર જાહેર કરવામાં આવી છે.

અન્ય દેશોમાં રસીની શું કિંમત છે?

આ સાથે જ સીરમ ઇન્સ્ટિટ્યૂટે વિશ્વની અન્ય રસીઓની કિંમત પણ નિવેદનમાં ટાંકી છે.

આ નિવેદન પ્રમાણે અમેરિકન રસીના એક ડોઝની ખાનગી બજારોમાં કિંમત 1500 રૂપિયા છે.

જ્યારે રશિયા અને ચીનની રસીના એક-એક ડોઝની કિંમત 750-750 રૂપિયા ભારતીય ચલણ પ્રમાણે થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો