You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રેમેડેસિવિર : ગુજરાતમાં કોરોનાની સારવાર માટે જે દવા મેળવવા માટે પડાપડી થઈ રહી છે શું છે?
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગત સપ્તાહે સુરતની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે આજકાલ ગુજરાતમાં રેમેડેસિવિર દવાની તંગી હોવાની ફરિયાદો મળી રહી છે.
તેમણે પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે આ ફરિયાદોને ધ્યાને લઈ ગુજરાત સરકારે રેમેડેસિવિરના ત્રણ લાખ ઇન્જેક્શન મગાવવાનો ઑર્ડર આપ્યો છે. જેથી નજીકના ભવિષ્યમાં આ દવાની કોઈ અછત નહીં રહે.
પરંતુ વાસ્તવમાં ગુજરાતમાં કેટલાંક સ્થળોએ આ દવા મેળવવા માટે રીતસર પડાપડી થઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
આ દરમિયાન સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને તબીબોને રેમડેસિવર દવાના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગેનું સૂચન આપ્યું છે.
રેમડેસિવિર કોણ બનાવે છે?
આખરે આ દવામાં એવું તો શું ખાસ છે કે લોકોમાં તેને મેળવવા માટે પડાપડી કેમ થઈ રહી છે?
રેમેડેસિવિર અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની જીલિયડ બનાવે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ દવા ખરેખર તો ઇબોલા વાઇરસના દર્દીઓની સારવાર માટે શોધવામાં આવી હતી.
રેમેડેસિવિર વાઇરસને આપણા કોષોની અંદર રેપ્લિકેટ થવા માટે જરૂરી ગણાતા એન્ઝાઇમ પર હુમલો કરે છે. આ રીતે કોરોના વાઇરસ સામે અસરકારક પુરવાર થાય છે.
આ દવા ભારત જેવા દેશોમાં ઉપલબ્ધ બનાવવા માટે આ દવાની નિર્માતા કંપની જીલિયડે ભારત અને પાકિસ્તાનની ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે કરાર કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એશિયાના દેશો સહિત કુલ 127 દેશોમાં આ દવા પૂરી પાડવા માટે જીલિયડ સાઇન્સે સિપ્લા લિમિટેડ, ફિરોઝસન્સ લૅબોરેટરી, હેતેરો લૅબ્સ લિમિટેડ, જયુબિલન્ટ લાઇફસાઇન્સ અને મિલાન જેવી કંપનીઓ સાથે કરાર કર્યા છે.
નોંધનીય છે કે રેમેડેસિવિરની ક્લિનિકલ ટ્રાયલ અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી ઍન્ડ ઇન્ફેક્શિયસ ડિસિઝિસ એટલે કે NIAID દ્વારા કરાઈ હતી.
રેમેડેસિવિર કોરોનાની સારવારમાં કેટલી અસરકારક?
આ દવા કોરોના વાઇરસની સારવારમાં મદદરૂપ થતી હોવાની વાતને સમર્થન કરતાં NIAIDના ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું હતું કે, "સંશોધન પરથી મળેલી માહિતી પરથી સાબિત થાય છે કે આ દવા કોરોના વાઇરસની માંદગીમાંથી બેઠા થવા માટેનો સમય ઘટાડે છે."
"આ દવા વાઇરસને રોકે છે. તેથી અત્યારે એવું કહી શકાય કે આપણી પાસે સારવાર માટેનું શસ્ત્ર આવી ગયું છે."
કોરોના વાઇરસ સામે રેમેડેસિવિરની કાર્યક્ષમતા વિશે જણાવતાં મેહેર ફાર્મા ઇન્ટરનૅશનલના વડા મોહમ્મદ શાહબાઝ જણાવે છે કે, "કોરોના વાઇરસના દર્દીઓની સારવારમાં આ દવાની સફળતાની દર 60 ટકા છે."
"કોરોનાના બીજા અને ત્રીજા સ્ટેજ પર રહેલા દર્દીઓ માટે આ દવાનું ઇન્જેક્શન પ્રાણરક્ષક પુરવાર થઈ શકે છે."
"જોકે, ભારતમાં તકલીફ એ છે કે સામાન્ય રીતે ૨૦૦ રૂપિયામાં મળવી જોઈતી દવા માટે લોકોએ વધુ રકમ ચૂકવવી પડે છે. જેથી તે સામાન્ય માણસની પહોંચની બહારની વસ્તુ બની જાય છે."
રેમેડેસિવિર ભારતમાં કોણ બનાવે છે?
અલબત્ત, આ દવાની કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા ઘટાડવા સાથેના સંબંધ અંગે હજુ પૂરતી માહિતી નથી.
ભારતની વાત કરીએ તો ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા કોરોનાના ગંભીર કેસોમાં દર્દીઓને આ દવા આપવાની પરવાનગી આપી છે.
ભારતમાં રેમેડેસિવિરનું ઉત્પાદન કરતી કંપની ઝાયડસ દ્વારા 100 એમજીનું ઇન્જેક્શન 899 રૂપિયામાં બજારમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કંપનીએ તાજેતરમાં જ આ ઇન્જેક્શનની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે.
નોંધનીય છે કે આ પહેલાં આ ઇન્જેક્શન ચારથી પાંચ હજાર રૂપિયામાં બજારમાં મળી રહ્યું હતું.
જોકે, ગત સપ્તાહે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા સરકારને એવી માગણી કરાઈ હતી કે કોરોના પૉઝિટિવ હોય પરંતુ હૉસ્પિટલના સ્થાને ઘરે સારવાર લઈ રહેલા એટલે કે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને પણ આ દવા ઉપલબ્ધ કરાવવી જોઈએ.
અહીં નોંધનીય બાબત એ છે કે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ નવેમ્બરમાં કરેલ સોલિડારિટી ક્લિનિકલ ટ્રાયલમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આ દવાથી કોરોના વાઇરસના દર્દીઓને ઝાઝો લાભ થતો નથી.
જોકે WHOએ પણ કોરોનાની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવા માટે કોઈ મનાઈ હુકમ કે પ્રતિબંધ જારી કર્યો નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો