ગુજરાતમાં કોરોના વાઇરસના એક જ દિવસમાં સૌથી વધુ કેસ, કુલ આંક 8000થી વધુ - BBC TOP NEWS

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1730 નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલાં 22 માર્ચે 1640 કેસ નોંધાયા હતાં.

આ દરમિયાન ચાર દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ ચારેય મૃત્યુ અમદાવાદ અને સુરતમાં થયાં છે. અમદાવાદમાં બે દરદીનાં મૃત્યુ થયાં, જ્યારે સુરતમાં બે દરદીનાં મૃત્યુ થયાં.

રાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે સંબંધિત જાણકારી આપી છે.

આ જે નવા કેસ નોંધાયા એમાં સૌથી વધુ અમદાવાદમાં 502 કેસ, જ્યારે સુરતમાં 476 કેસ નોંધાયા છે.

આ સાથે જ ગુજરાતમાં કુલ સક્રિય કેસની સંખ્યા 8 હજારનો આંકડો વટાવી ગઈ છે. રાજ્યમાં કુલ 8318 સક્રિય કેસ છે. જ્યારે અત્યાર સુધીનો કુલ મૃતાંક 4458 થઈ ગયો છે.

શ્રીલંકા વિરુદ્ધ UNHRCમાં મતદાન, ભારત ગેરહાજર રહ્યું

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારપરિષદે શ્રીલંકા વિરુદ્ધ 'માનવાધિકારીના ઉલ્લંઘન કરવાના' પ્રસ્તાવ પર મતદાનમાં ભારત ગેરહાજર રહ્યું.

સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર 22 દેશોએ આ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું.

ચીન અને પાકિસ્તાન સહિત 11 દેશોએ વિરોધમાં મતદાન કર્યું જ્યારે ભારત સહીત 14 દેશો મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા.

મતદાન પહેલાં ભારતે નિવેદન જાહેર કરીને જણાવ્યું, "શ્રીલંકામાં માનવાધિકારને લઈને ભારત મુખ્ય બે મુદ્દા ધ્યાને રાખે છે. "

"પહેલો તામીલ સમુદાયને અમારું સમર્થન અને તેમના માટે સમાનતા, ગરીમા, શાતિ અને ન્યાય. બીજો શ્રીલંકાની એકતા, સ્થિરતા અને ક્ષેત્રીય અખંડતા. અમને લાગે છે કે આ બન્ને મુદ્દા એકબીજા સાથે ચાલે છે અને શ્રીલંકાનો વિકાસ બન્ને મુદ્દે ધ્યાન દઈને સુનિશ્ચિત થશે."

'નમસ્તે ટ્રમ્પ' અને 'મૅચને કારણે' કોરોના ફેલાયો? નીતિન પટેલે આપ્યો જવાબ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સોમવારે ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોએ આરોપ મૂક્યો હતો કે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ અને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'માં રમાયેલી મૅચ પ્રેક્ષકો માટે ખુલ્લી રખાઈ હોવાથી કોરોના ફેલાયો.

તેના જવાબમાં નીતિન પટેલે કહ્યું, "કોરોના વાઇરસ દુનિયાના તમામ લોકો માટે ચિંતાનો વિષય છે. આપણે લોકો રાજકીય ટીકાઓ કરીએ છીએ કે ગત વર્ષે યોજાયેલા ટ્રમ્પના કાર્યક્રમને કારણે કોરોના ફેલાયો, ક્રિકેટ મૅચના કારણે કોરોના ફેલાયો."

"મહારાષ્ટ્રમાં પણ હજારોની સંખ્યામાં કેસ વધી રહ્યા છે, પણ મારે તેની ટીકા કરવી નથી."

તેમણે કહ્યું, "(કૉંગ્રેસ) ક્રિકેટ મૅચની ટીકા કરી શકે છે. જો ક્રિકેટ મૅચ અમદાવાદમાં રમાઈ તો સૌથી વધારે કેસ સુરતમાં કેમ આવી રહ્યા છે. રાજકોટ અને બીજા જિલ્લાઓમાં પણ આવે છે..."

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે રાજ્ય સરકારે શરમ કરવી જોઈએ કે કોરોનાકાળમાં સ્ટેડિયમમાં 70 હજાર લોકો એકઠા થયા હતા.

નીતિન પટેલે કહ્યું, "મહારાષ્ટ્રમાં 45 હજાર કેસ આવે છે. જાવ ત્યાં જઈને સલાહ આપો. જ્યાં 100 કરોડની ખંડણી ઉઘરાવાય, ત્યાં જઈને સલાહ આપો."

ગુજરાત સરકારે બુલેટ ટ્રેન માટેની 95 ટકા જમીન સંપાદિત કરી

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર સોમવારે ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિક પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે 5 ટકા જ જમીન સંપાદિત કરવાની બાકી છે.

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે આઠ જિલ્લામાં થઈને 73.64 લાખ સ્ક્વેર મીટરની જમીનની જરૂરિયાત હતી. જેમાંથી 69.99 લાખ સ્ક્વેર મીટર જમીન મળી ગઈ. 3.65 લાખ સ્ક્વેર મીટર જમીન ડિસેમ્બર, 2020 સુધી સંપાદિત કરવાની બાકી છે.

જમીન સંપાદન અંગે વાંધો ઉઠાવતી 1908 ઍપ્લિકેશન ખેડૂતોએ કરી છે.

કર્ણાટક સરકારે અનામતના ક્વૉટાને 50 ટકાથી વધારવાનું નક્કી કર્યું

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કર્ણાટક સરકારે સોમવારે નોકરીઓ અને શિક્ષણમાં અનામતના ક્વોટાને 50 ટકાથી વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો છે.

મુખ્ય મંત્રી બીએસ યુદિયુરપ્પાના વડપણ હેઠળ મળેલી કૅબિનેટની બેઠક પછી તેમણે આ પગલું ભર્યું છે.

સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો કે શું 1992 ઇન્દ્રા સોવ્નીના કેસમાં નવ જજની બૅન્ચના ચુકાદાને ફરીથી તપાસવાની જરૂર છે.

કર્ણાટકે કહ્યું કે ક્વૉટાની સાઇઝ નક્કી કરવી એ રાજ્યનો વિશેષ અધિકાર છે.

કર્ણાટક સરકારે બે-બે ટકા અનામત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વધારવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કર્ણાટકમાં ઓબીસીએ પણ માગ કરી છે તેમને વધાર મળે આથી અનામત 56 ટકા જવાની આસપાસ છે.

પરમબીરસિંહની સુપ્રીમ કોર્ટમાં અનિલ દેશમુખ સામે CBI તપાસ કરવા માગ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મુંબઈના પૂર્વ કમિશનર પરમબીરસિંહ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર તેમના દ્વારા મુકાયેલા ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

પરમબીરસિંહે દાવો કર્યો છે કે તેમની તાત્કાલિક બદલી એટલા માટે કરવામાં આવી કારણ કે અનિલ દેશમુખના કહેવાતા પાપી કામોની ઉદ્ધવ ઠાકરેને જાણ કરી હતી.

ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ઘરની બહાર એક કારમાંથી મળેલી જિલેટિન સ્ટિકની તપાસના કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચીન વાઝેની એનઆઈએએ ધરપકડ કરી.

ત્યારબાદ મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી પરમબીરસિંહની બદલી કરી દેવાઈ હતી. આ પછી પરમબીરસિંહે ગૃહમંત્રી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

સામનાએ આરોપ મૂક્યો હતો કે પરમબીર સિંહ ભાજપનું 'પ્યાદું' છે.

વિરોધ પક્ષનો એક જ ગોલ છે કે મહારાષ્ટ્રમાં એવી સ્થિતિ ઊભી કરી દેવાય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે અને રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરી દેવાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો