મિથુન ચક્રવર્તી : ભાજપમાં જોડાયા બાદ રાજકારણની બીજી ઇનિંગમાં કેટલા સફળ થશે?

ઇમેજ સ્રોત, Ani
- લેેખક, પ્રભાકરમણિ તિવારી
- પદ, કોલકતાથી, બીબીસી માટે
પોતાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં મિથુન ચક્રવર્તી અનેક વખત રાજનેતાની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આવી ભૂમિકાઓ બદલ પ્રશંસકોએ તેમનાં ભરપૂર વખાણ પણ કર્યાં છે.
એક જમાનામાં ડાબેરીઓની નજીક ગણાતા અને 'ગરીબોના અમિતાભ બચ્ચન' તરીકે ઓળખાતા મિથુને ટીએમસીથી થઈને ભાજપ સુધીની સફર કરી છે. તેમની આ સફરની સરખામણી કોઈ જૂની હિટ ફિલ્મને નવા અવતારમાં રિલિઝ કરવા સાથે કરી શકાય.
એક વાત સ્પષ્ટ છે કે રિલ લાઇફમાં ભલે તેમણે રાજનેતાની ભૂમિકા ભજવીને પોતાની છબિ ઊભી કરી હોય, પરંતુ રિયલ લાઇફમાં તેમને રાજકારણ ફાવ્યું નથી.
તેના કારણે એવા સવાલ પેદા થાય છે કે લગભગ છેલ્લાં પાંચ વર્ષથી સક્રિય રાજકારણથી અંતર જાળવનારા મિથુને ફરીથી રાજકારણમાં આવવાનો અને પક્ષ બદલવાનો નિર્ણય શા માટે લીધો હશે?
રાજ્યમાં આજે પણ તેમના પ્રશંસકો મોટી સંખ્યામાં છે.

પ્રણવ મુખરજીના સમર્થનમાં પ્રચાર

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
ટીએમસીનું રાજ્યસભાનું સભ્યપદ અધવચ્ચેથી છોડનારા મિથુન શું આ વખતે પ્રશંસકોની ભીડને ભાજપ માટે મતમાં રૂપાંતરિત કરી શકશે? રાજકીય વર્તુળોમાં આ સવાલ પણ પૂછાઈ રહ્યો છે.
તેઓ ડાબેરીઓની નજીક હતા ત્યારે તેમણે કૉંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખરજીના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ ટીએમસીના ક્વૉટામાંથી રાજ્યસભામાં ગયા અને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપનો છેડો પકડીને મિથુને એક કહેવતને ફરી એક વખત ચરિતાર્થ કરી છે કે 'રાજકારણમાં કોઈ વસ્તુ કાયમી નથી હોતી.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશ્ચિમ બંગાળમાં લેફ્ટ ફ્રન્ટની સરકાર હતી ત્યારે મિથુનને સીપીએમ અને ખાસ કરીને તત્કાલિન પરિવહનમંત્રી સુભાષ ચક્રવર્તીના સૌથી નજીકના લોકોમાં ગણવામાં આવતા હતા.
તેમને ઘણી વખત કાર્યક્રમોમાં એક સાથે જોવા મળ્યા હતા. વર્ષ 1986માં પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુની સરકાર હતી ત્યારે તેમણે કોલકતામાં 'હોપ-86' નામે એક શાનદાર કાર્યક્રમ પણ આયોજિત કર્યો હતો.
મિથુન ઘણી વખત પોતાને ડાબેરી ગણાવી ચૂક્યા છે. ત્યાર પછી તેમણે મુર્શિદાબાદ જિલ્લાના જંગીપુર લોકસભાક્ષેત્રમાં તત્કાલિન વિદેશમંત્રી પ્રણવ મુખરજી માટે પ્રચાર કર્યો હતો.

ચિટફંડ કૌભાંડમાં નામ ઉછળ્યું

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
તે સમયે તેમણે પ્રણવ મુખરજીની સાથે ઘણી ચૂંટણી સભાઓમાં ભાગ લીધો હતો અને લોકોને તેમના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
વર્ષ 2011માં ડાબેરી મોરચાનું શાસન ખતમ થયા પછી તેઓ ધીમેધીમે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ની નજીક આવ્યા. બે-ત્રણ વર્ષ દરમિયાન વિકસેલી પરસ્પર સમજણ અને સંબંધો મજબૂત થયા બાદ ટીએમસીનાં પ્રમુખ અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીતીને સંસદના ઉપલા ગૃહના સભ્ય બન્યા.
પરંતુ થોડા જ સમયમાં જ શારદા ચીટફંડ કૌભાંડમાં તેમનું નામ ઉછળવાથી મિથુન પરેશાન થઈ ગયા. આમ પણ પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ સંસદમાં બહુ ઓછી હાજરી આપતા હતા.
મિથુન લગભગ ત્રણ વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા અને આ દરમિયાન તેઓ માત્ર ત્રણ વખત સંસદમાં આવ્યા હતા.

રાજકારણમાંથી સન્યાસ

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
ચિટફંડ ગોટાળામાં નામ આવ્યા પછી વર્ષ 2016ના અંતમાં મિથુને રાજ્યસભાના સાંસદપદેથી રાજીનામું આપી દીધું અને રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો.
તે સમયે મિથુને રાજકારણ છોડવા માટે પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું હતું. પરંતુ હકીકતમાં શારદા ચિટફંડ કૌભાંડમાં તેમનું નામ આવ્યું ત્યારથી જ તેમણે રાજકારણ છોડવાની શરૂઆત કરી દીધી હતી.
મિથુન ચક્રવર્તી શારદા કંપનીમાં બ્રાન્ડ ઍમ્બેસેડર હતા. આ મામલામાં ઈડીએ તેમની પૂછપરછ પણ કરી હતી.
તેના થોડા દિવસો પછી મિથુને બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે કંપની પાસેથી મળેલા 1.20 કરોડ રૂપિયા પરત આપી દીધા અને કહ્યું કે તેઓ કોઈની રકમ હડપ કરી જવા નથી માંગતા.
ત્યાર બાદ મિથુને રાજકારણ છોડી દીધું અને તેઓ જાહેરમાં પણ ખાસ નજર આવતા નહોતા. પછીથી તેઓ કદાચ સારવાર માટે વિદેશ જતા રહ્યા હતા.

'તાશ્કંદ ફાઇલ્સ'

ઇમેજ સ્રોત, THE TASHKENT FILES MOVIE POSTER
વર્ષ 2019માં મિથુન ફિલ્મકાર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'તાશ્કંદ ફાઇલ્સ'માં દેખાયા હતા.
હવે તેઓ આ જ ફિલ્મકારની આગામી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં મહત્ત્વની ભૂમિકા ભજવવાના છે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલિઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી હતી.
મુંબઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે મિથુનના ઘરે જઈને તેમની મુલાકાત લીધી ત્યારથી જ તેઓ રાજકારણમાં ફરી પ્રવેશ કરશે તેવી અટકળો થવા લાગી હતી.
પરંતુ તે સમયે મિથુને તેને આધ્યાત્મિક અને સદભાવના મુલાકાત ગણાવી હતી તથા રાજકારણમાં પુનરાવર્તન કરવાની વાતોને નકારી કાઢી હતી.
હવે અચાનક તેમણે એવા પક્ષનો હાથ પકડ્યો છે જે વિધાનસભા ચૂંટણીમાં મિથુનના પૂર્વ પક્ષ એટલે કે ટીએમસી માટે સૌથી મોટા પડકાર તરીકે ઊભરી આવ્યો છે.

કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, Ani
લગભગ છેલ્લા બે દાયકાથી મિથુન મુંબઈ અને ઊટીમાં જ વસવાટ કરે છે.
શનિવારે મોડી રાતે બનારસ થઈને મુંબઈથી કોલકાતા પહોંચનારા મિથુન સાથે ભાજપના બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે રાતે જ મુલાકાત કરી હતી.
તે સમયે જ લગભગ નક્કી થઈ ગયું હતું કે મોદીની હાજરીમાં મિથુન હવે કેસરિયો ખેસ ધારણ કરશે.
પરંતુ મિથુને ઍરપૉર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે, "રાજનીતિમાં કંઈ પણ શક્ય છે. આવતીકાલ સુધી રાહ જુઓ. હું વડા પ્રધાન સાથે મુલાકાત કરવા માગું છું."
આ ચૂંટણીમાં બહારથી લોકો આવીને ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે પરંતુ તમારું ઘર તો બંગાળમાં જ છે. આ વિશે મિથુને કહ્યું કે બંગાળમાં તેમનું ઘર નથી.
અહીં તેઓ હોટલમાં રોકાય છે અથવા તો આયોજકો રહેવાની વ્યવસ્થા કરી આપે છે.

ભાજપનો ચૂંટણીપ્રચાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ફિલ્મ જગતમાં તો મિથુન પોતાની બીજી ઇનિંગમાં પહેલાં કરતા પણ વધુ સફળ રહ્યા છે. પરંતુ અધવચ્ચેથી સન્યાસ લેનારા મિથુનનો રાજકારણમાં પુનઃપ્રવેશ એટલો સફળ થઈ શકશે?
પોતાની યુવાનીના દિવસોમાં બંગાળના 'ઍગ્રી યંગ મૅન'ની છબિ ધરાવતા મિથુન પોતાની ફિલ્મ 'એમએલએ ફાટાકેસ્ટો'ની જેમ રાજકારણમાં પણ દમદાર ભૂમિકા ભજવી શકશે?
આવા કેટલાય પ્રશ્નોના જવાબ તો આગામી દિવસોમાં જ મળશે.
રાજકીય વિશ્લેષકો જણાવે છે કે ટીએમસીના તમામ મંત્રીઓ અને નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા છતાં ભાજપ પાસે હજુ સુધી કોઈ નક્કર ચહેરો નથી.
રાજકીય વિશ્લેષક વિશ્વનાથ ચક્રવર્તી કહે છે, "આ વખતે ભાજપ જીત મેળવવા માટે ચૂંટણીઅભિયાનમાં કોઈ કસર નહીં છોડે. મિથુન અગાઉ પણ ઘણા ફિલ્મી સિતારાઓને પક્ષમાં સામેલ કરાયા છે. હવે મિથુનને ભાજપમાં સમાવવા એ પણ આ રણનીતિનો હિસ્સો છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













