ગુજરાત : કૉંગ્રેસ નબળી કેમ પડી ગઈ છે?

રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું નેતૃત્વ નબળું પડી ગયું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું નેતૃત્વ નબળું પડી ગયું છે
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને ભારે બહુમતી પ્રાપ્ત થઈ છે. આ સાથે જ ભાજપે ફરી એક વાર શહેરી વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું છે.

છ મહાનગરપાલિકાના પરિણામો જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકા પર અસર કરશે એમ કહેવાતું પરંતુ 2015ની ચૂંટણીનો ઇતિહાસ અલગ હતો. જોકે, 2021માં જે થયું અ 2015થી સાવ અલગ છે. ગુજરાતમાં જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસ સાફ થઈ ગઈ છે. 2015માં 22 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ જીતી હતી અને 2021માં એ શૂન્ય પર છે. તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ કૉંગ્રેસનું ધોવાણ થયું છે.

સ્થાનિકસ્વરાજની ચૂંટણીનાં પરિણામો કૉંગ્રેસ માટે ઘણાં ‘નિરાશાજનક’ સાબિત થયાં છે. પાછલી ચૂંટણીમાં જે કૉંગ્રેસ રાજકોટ જેવા સ્થળે ભારે લડત આપી શકી હતી અને પરિણામમાં રસાકસી સર્જવામાં સફળ રહી હતી તેને આ વખતની ચૂંટણીમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

નુકસાન એટલું અભૂતપૂર્વ છે કે સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં તો કૉંગ્રેસ ડબલ ડિજિટ પરિણામ પણ મેળવી શકી નથી અને દિગ્ગજ નેતાઓના ઘરમાં પણ એની સ્થાનિકસ્વરાજમાં હાર થઈ છે.

ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને અપવાદ ગણીએ તો ગુજરાતમાં પાછલાં ઘણાં વર્ષોથી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓથી માંડીને લોકસભાની ચૂંટણી સુધી કૉંગ્રેસનો સતત રકાસ જોવા મળ્યો છે.

ક્યારેક ધારાસભ્યોનાં પક્ષમાંથી રાજીનામાં તો ક્યારેક પાર્ટીના વર્ષો જૂના કાર્યકરોના જથ્થેજથ્થા અન્ય પક્ષોમાં જોડાઈ જાય, તેવા બનાવોનો પાછલાં ઘણા સમયથી ગુજરાત કૉંગ્રેસ સામનો કરી રહી છે.

તેના કારણે ઘણા વિશ્લેષકોના મતે પાર્ટીએ મતદારોનાં મનમાં ‘એક વિકલ્પ’ તરીકેની પોતાની પ્રતિષ્ઠા ગુમાવી છે. કેટલાક રાજકીય વિશ્લેષકો ‘કૉંગ્રેસ સેવાદળ’ની નબળી પડેલી કામગીરીને રાજ્યમાં પક્ષની પાયમાલીની પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવે છે.

line

'નેતાગીરીની કટોકટી'

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કૉંગ્રેસની ગુજરાત જ નહીં રાષ્ટ્રીય સ્તરની સમસ્યા તરીકે નેતાગીરીની કટોકટીને ગણાવે છે.

તેઓ કહે છે, “કૉંગ્રેસ પાસે હાલ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં કોઈ ચહેરો નથી. આટલાં વર્ષો જૂના પક્ષને અધ્યક્ષ શોધવામાં તકલીફ પડતી હોય તો તેનાથી તેમની મૂળ સમસ્યા સમજાઈ જ જાય છે. તે નેતાગીરીની કટોકટીની સમસ્યા છે.”

કૌશિક મહેતા આગળ કહે છે કે, “ભાજપ જેવી કૅડરબૅઝ્ડ પાર્ટીને પણ નરેન્દ્ર મોદીનો ચહેરો અને તેમના સ્વરૂપે સફળ નેતૃત્વ મળ્યું ત્યારે જઈને તેઓ કેન્દ્રમાં સરકાર બનાવી શક્યા છે.”

“આવો કોઈ ચહેરો હાલ કૉંગ્રેસ પાસે નથી. કોઈ પણ પક્ષને સફળ થવા માટે ગ્રાઉન્ડ વર્ક સાથે આવા એક ચહેરાની પણ જરૂરિયાત હોય છે.”

સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર-વિભાગના વડા પ્રોફેસર ડૉ. બલદેવ આગજા ગુજરાતના રાજકારણમાં કૉંગ્રેસની સમસ્યાઓની છણાવટ કરતાં કહે છે :

"કૉંગ્રેસની મુખ્ય તકલીફ એ છે કે તે ચૂંટણીલક્ષી કામગીરીમાં વધારે ધ્યાન આપે છે અને તે સમયે જ વધુ સક્રિય થાય છે."

"જ્યારે તેનો સામનો એવા પક્ષ સામે છે જે ચૂંટણીના બીજા દિવસથી ગ્રાઉન્ડ પર જઈને બે વર્ષ પછી યોજાનાર ચૂંટણી માટે મતદારોનો સંપર્ક કરવામાં ગ્રાઉન્ડ લેવલ પર જોતરાઈ જાય છે. કૉંગ્રેસની આ બાબત જ તેને ભાજપ કરતાં એક ડગલું હંમેશાં પાછળ જ રાખે છે."

line

આવું જ ચાલતું રહ્યું તો?

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, FACEBOOK/VIJAYRUPANIBJP

ઇમેજ કૅપ્શન, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી

રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ આ અંગે વાત કરતાં જણાવે છે, "ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી પાસે કોઈ કામ નથી. એનો અર્થ એ થયો કે પાર્ટીના નિર્ણયો લેવામાં તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવતાં નથી."

"આ સિવાય ઘણા કૉંગ્રેસી નેતાઓ સાથેની વાતચીત દરમિયાન તેઓ એવી ફરિયાદ કરે છે કે જિલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી કરવામાં તેમને કોઈ પૂછતું નથી. આ બધી વાતો પાર્ટીમાં સંકલનના અભાવ તરફ આંગળી ચીંધે છે."

ડૉ. હરિ દેસાઈ કૉંગ્રેસના સંગઠનની મજબૂતી અંગે પ્રશ્ન ઉઠાવતાં કહે છે, "ભલે પ્રજામાં ભાજપના શાસન વિરુદ્ધ લાગણી હોય તો પણ તેને તેમની વિરુદ્ધ મતોમાં ફેરવવા માટે કૉંગ્રેસે પ્રયાસ તો કરવો જ પડે."

"પરંતુ હાલમાં કૉંગ્રેસ પાસે સંગઠનશક્તિનો સીધેસીધો અભાવ જોવા મળે છે. પ્રજામાં અસંતોષ હોવા છતાં ગુજરાત ભાજપના કાર્યકરો સતત પ્રજાની વચ્ચે રહે છે. કૉંગ્રેસ આવું કરવામાં સફળ રહી શકી નથી."

"ભાજપનું સંગઠન ગમે તેવી પરિસ્થિતિમાં મતદારો વચ્ચે સક્રિય રહ્યું છે જ્યારે કૉંગ્રેસના સંગઠનમાં આવી મજબૂતી દેખાતી નથી."

પ્રો. ડૉ. બલદેવ આગજા ગુજરાતમાં કૉંગ્રેસના અધ:પતન માટે ભાજપની કાર્યકરોને સાથે લઈને ચાલવાની નીતિ અને છેવાડાના માનવ સુધી પહોંચવાની કાર્યરીતિને જવાબદાર ગણાવે છે.

તેઓ આ વિશે વાત કરતાં કહે છે, "કૉંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈઓ, જૂથવાદ, સંગઠન અને સંકલનના અભાવના કારણે ગુજરાતમાં મતદારો સાથેનો ગ્રાઉન્ડ કનેક્ટ ગુમાવી ચૂકી છે. તેની સામે ભાજપ બૂથ લેવલના કાર્યકરોને પ્રોત્સાહન આપીને આ ગ્રાઉન્ડ કનેક્ટ જાળવી રાખવામાં સફળ નીવડ્યો છે."

ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસની નેતાગીરીમાં રહેલ તફાવત વિશે વાત કરતાં તેઓ કહે છે, "ગુજરાતમાં પણ કૉંગ્રેસનું રાજકારણ અમુક પરિવારો સુધી સીમિત રહ્યું જ્યારે ભાજપમાં સાવ નીચેના સ્તરેથી કામ કરીને આવેલા કાર્યકરો સંગઠનમાં ધીરેધીરે ઉપર ઊઠ્યા છે."

"આ તફાવત સીધી રીતે જોઈ શકાય છે. જે કારણે ભાજપને નેતાગીરી માટે કૉંગ્રેસ કરતાં વધુ પ્રભાવશાળી ચહેરા રાજ્યમાં મળી શક્યા છે. આ એક કારણને લીધે પણ ગુજરાતમાં કૉંગ્રેસે જનાધાર ગુમાવ્યો છે."

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના દયાજનક પ્રદર્શન વિશે વાત વ્યક્ત કરતાં પ્રો. ડૉ. બલદેવ આગજા કહે છે, "જો આવું જ વલણ ચાલુ રહેશે તો એ દિવસ દૂર નથી કે જ્યારે 135 વર્ષ જૂનો આ પક્ષ માત્ર પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમ પૂરતો જ મર્યાદિત રહી જશે."

line

વિકલ્પ આપવામાં કૉંગ્રેસ નિષ્ફળ?

ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાતમાં કૉંગ્રેસના સતત ઘટતાં જતાં જનસમર્થન અંગેનાં કારણો અંગે આગળ ચર્ચા કરતાં ડૉ. હરિ દેસાઈ કહે છે કે, “ગુજરાતમાં પાછલાં વર્ષોમાં રાજ્યસભાની ચૂંટણીના ખરા સમયે કૉંગ્રેસના ધારાસભ્યોનાં ફટાફટ પડી જતાં રાજીનામાંની ઘટનાઓ અને કૉંગ્રેસના કાર્યકરોની પક્ષાંતરની ઘટનાઓની ગુજરાતની પ્રજા સાક્ષી રહી છે. આવી ઘટનાઓના કારણે કૉંગ્રેસ રાજ્યના મતદારોનાં મનમાં સત્તા પક્ષ તરીકેની પ્રતિષ્ઠા સંપૂર્ણપણે ગુમાવી ચૂકી છે.”

કૌશિક મહેતા પણ ગુજરાતમાં કૉંગ્રેસે સત્તાપક્ષના વિકલ્પ તરીકે પોતાની સ્થાપિત પ્રતિષ્ઠા ગુમાવી દીધી હોવાની વાત સાથે સંમતિ વ્યક્ત કરે છે.

તેઓ કહે છે કે, “લોકો ભાજપના વિકલ્પ તરીકે કૉંગ્રેસને ઘણાં સ્થળોએ અપનાવી ચૂકી છે. પરંતુ પાછલાં અમુક વર્ષોમાં બનેલા બનાવોના કારણે મતદારો તેને વારંવાર તક આપવા માગતા નથી. સુરતમાં લોકોએ નવી આશા સાથે નવા વિકલ્પ તરીકે કૉંગ્રેસને નહીં પરંતુ આપ પર પસંદગી ઉતારી છે.”

line

'છાપ સાચવી ન શકાઈ'

કૉંગ્રેસ પર વિવિધ મુસ્લિમોની તરફેણ કરવાના આક્ષેપો લાગતા રહ્યા છે. જેની સામે બહુમતી હિંદુતરફી રાજકારણ કરીને ભાજપનો પહેલાં ગુજરાત અને પછી સમગ્ર ભારતમાં ઉદય થયો હોવાનું મનાય છે.

આ મુદ્દા અંગે સ્પષ્ટતા કરતાં ડૉ. હરિ દેસાઈ જણાવે છે, "ગુજરાતમાં અહમદ પટેલના કારણે કૉંગ્રેસની છાપ મુસ્લિમ પક્ષ તરીકે પડી. જેનો લાભ હંમેશાં ગુજરાતના રાજકારણમાં ભાજપને થયો."

"બીજી તરફ કૉંગ્રેસે પણ પોતાનાં અમુક પગલાંના કારણે મુસ્લિમ મતદારોનું સમર્થન માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ગુમાવ્યું. જેનો લાભ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ અને BSP જેવી પાર્ટીઓને મળ્યો. આમ કૉંગ્રેસથી બહુમત ધરાવતા વર્ગના મતદારોની સાથોસાથ મુસ્લિમ વોટબૅંક પણ વિમુખ થતી ગઈ."

કૌશિક મહેતા પણ મુસ્લિમ મતદારો સાથે કૉંગ્રેસે અન્ય સમાજના લોકોમાં પણ પોતાના માટેનો જનાધાર ગુમાવ્યો હોવાની વાત સાથે સંમત થાય છે.

તેઓ કહે છે કે, "મુસ્લિમ તુષ્ટિકરણની પોતાની છાપ બદલવાના પ્રયત્નોમાં કૉંગ્રેસે પહેલાંથી વિમુખ થયેલા અન્ય સમાજના લોકોની સાથે મુસ્લિમ વોટબૅંકનું પણ ભારે નુકસાન ભોગવવું પડ્યું. આ પ્રયત્નોમાં કૉંગ્રેસને બમણો ફટકો પડ્યો છે. ના તેઓ આ છાપ સુધારી શક્યા, ના તેઓ લિબરલ પક્ષ તરીકેની પોતાની છાપ સાચવી શક્યા."

line

કૉંગ્રેસ સેવાદળનું શું થયું?

કચ્છ જિલ્લામાં કૉંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભિયાન હેઠળ લોકસંવાદ

ઇમેજ સ્રોત, GUJARAT CONGRESS TWITTER

ઇમેજ કૅપ્શન, કચ્છ જિલ્લામાં કૉંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભિયાન હેઠળ લોકસંવાદ

કૉંગ્રેસ સેવાદળની વેબસાઇટ પર સેવાદળની કામગીરી અંગે લખાયું છે કે કૉંગ્રેસ સેવાદળ એ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું ગ્રાસરૂટ ફ્ન્ટલ ઑર્ગેનાઇઝેશન છે.

સેવાદળ મુખ્યત્વે રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવા પર ભાર આપે છે. તેનો મુખ્ય હેતુ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે હંમેશાં જેના માટે સંઘર્ષ કર્યો છે તે શાંતિ, બિનસાંપ્રદાયિકતા અને દેશભક્તિનો સંદેશો ફેલાવવાનો છે.

કૉંગ્રેસ સેવાદળ દ્વારા થતાં કામ અંગે માહિતી આપતા ચીફ ઑર્ગેનાઇઝર લાલજી દેસાઈ જણાવે છે :

"આઝાદીના આંદોલનમાં સેવાદળની મુખ્ય ભૂમિકા આઝાદીની ચળવળ માટે કાર્યકરોની કૅડર તૈયાર કરવાની હતી. જ્યારે પણ કૉંગ્રેસ દ્વારા સત્યાગ્રહનું આહ્વાન કરવામાં આવતું તો તેમાં પ્રથમ હરોળમાં ભાગ લેવા માટે, જેલોમાં જવા માટે તૈયાર એવા કાર્યકર્તાઓની ટુકડીઓ તૈયાર કરીને સત્યાગ્રહ સફળ બનાવવાની જવાબદારી સેવાદળના શિસ્તબદ્ધ કાર્યકરોને સોંપવામાં આવતી."

"આમ આઝાદી પહેલાં કાર્યકર્તાનિર્માણ અને નેતૃત્વનિર્માણની સેવાદળની ભૂમિકા રહેતી. અંગ્રેજી શાસન એક સમયે કૉંગ્રેસ સેવાદળની આ ભૂમિકાથી ભયભીત રહેતું હતું."

આઝાદી પછીની સેવાદળની ભૂમિકા વિશે વાત કરતાં લાલજી દેસાઈ કહે છે, "આઝાદી મળ્યા બાદ સેવાદળના કાર્યકરો મોટા ભાગે સમાજસેવાનાં કામો કરવા લાગ્યા. આઝાદી બાદથી માંડીને વર્ષ 1990 સુધી સેવાદળ શિક્ષણને લગતાં કામો, આરોગ્યસુવિધાઓને લગતાં કામો અને ગ્રામવિકાસનાં કામોમાં રચ્યુંપચ્યું રહ્યું."

"આ દરમિયાન સેવાદળનો મુખ્ય હેતુ કૉંગ્રેસ પાર્ટીનો ગ્રાસરૂટ કનેક્ટ જાળવી રાખવાનો અને તેનું વિસ્તરણ કરવાનો હતો. પરંતુ 1990થી લગભગ 2018 સુધી સેવાદળ સુષુપ્ત અવસ્થામાં જતું રહ્યું."

"તેની કામગીરી પહેલાંની સરખામણીમાં મંદ પડતી ગઈ. જોકે, પાછલાં ત્રણ વર્ષથી સેવાદળને પુનર્જાગૃત કરવાનાં કામમાં પક્ષ તરફથી ધ્યાન અપાઈ રહ્યું છે અને ફરીથી લોકોને સેવાદળ મારફતે પોતાની સાથે જોડવાના પ્રયત્નો શરૂ થયા છે."

મોદી રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ સેવાદળની ભૂમિકાના ઘટતા જતા મહત્ત્વની અસર ગુજરાતમાં ચૂંટણીનાં પરિણામો પર પડી હોવાની વાતનો પણ સ્વીકાર કરે છે.

દેસાઈ ઉમેરે છે કે, “ઇંદિરા ગાંધી સેવાદળને કૉંગ્રેસની કરોડરજ્જુ ગણાવતાં. તેથી હું માનું છું કે જો સેવાદળ નબળું હોય તો કૉંગ્રેસ નબળી પડ્યા વગર રહેવાની નથી.""તે વાત ગુજરાતમાં પણ લાગુ પડે છે. પાછલાં અમુક વર્ષોથી ચાલી રહેલા પ્રયાસો છતાં ગુજરાતનું સેવાદળ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું નબળું છે. જેની અસર દર વખતે પરિણામો પર જોવા મળે છે. જોકે, હવે અમે આ માળખાને ફરી મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.”

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલમાં કૉંગ્રેસના સેવાદળ અંગે થયેલી નોંધ પ્રમાણે, કૉંગ્રેસ સેવાદળની સ્થાપના વર્ષ 1923માં હિંદુસ્તાની સેવાદળ તરીકે મહાત્મા ગાંધીની પ્રેરણાથી થઈ હતી. જેના પ્રથમ અધ્યક્ષ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા હતા.

પાછળથી કૉંગ્રેસના કરાચી અધિવેશન વખતે આ સંસ્થાનું કૉંગ્રેસ પક્ષમાં વિલિનીકરણ કરાયું.

1980ના દાયકામાં ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના વડપણ હેઠળ આ સંસ્થાએ તેનો સુવર્ણકાળ જોયો. સોનિયા ગાંધી જેવાં કૉંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પણ એક સમયે સેવાદળનો ભાગ રહી ચૂક્યાં છે.

line
1975માં ગુજરાતમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર બની.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1975માં ગુજરાતમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર બની.

પ્રો. ડૉ. બલદેવ આગજાએ ભાજપ અને કૉંગ્રેસના વ્યવસ્થાતંત્રના માળખામાં મૂળભૂત તફાવત વિશે વાત કરતાં કહ્યું, "એક તરફ ભાજપ જ્યાં પેજપ્રમુખ મૉડલ થકી પોતાના બૂથ લેવલના કાર્યકરોને પ્રોત્સાહિત કરી મતદારોને આકર્ષવા, તેમની સાથે જોડાઈ રહેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યાં બીજી તરફ કૉંગ્રેસે છેવાડાના મતદારો સાથે પક્ષના કાર્યકરોને જોડતી એક કડી સમાન કૉંગ્રેસ સેવાદળની ભૂમિકા માત્ર નામ પૂરતી બનાવી દીધી છે."

"હવે કૉંગ્રેસ સેવાદળનો કોઈ અસ્તિત્વ રહ્યું નથી. કારણ કે તેમની પાસે આ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે પૂરતાં નાણાકીય સંસાધનોનો જ અભાવ છે."

સેવાદળના ચીફ ઑર્ગેનાઇઝર લાલજી દેસાઈ પણ ભાજપને ગુજરાતમાં બૂથ લેવલના કાર્યકરોનું મતદારો સાથે જોડાણ વધારવા માટે શરૂ કરાયેલ 'પેજપ્રમુખ' મૉડલનો ફાયદો ચૂંટણીમાં થયો હોવાની વાત કબૂલે છે.

તેઓ કહે છે કે, "જ્યાં એક તરફ ભાજપે પેજપ્રમુખ મૉડલ લાગુ કરી મતદારો સાથેનો સંપર્ક વધારવામાં સફળતા મેળવી ત્યાં જ બીજી તરફ કૉંગ્રેસ પાસે લગભગ 97 વર્ષથી રહેલી સેવાદળની વ્યવસ્થા સુષુપ્ત અવસ્થામાં હોવાથી પક્ષને રાજ્યમાં ચૂંટણીમાં નુકસાન ભોગવવું પડ્યું છે."

પત્રકાર આકાર પટેલ નૅશનલ હેરાલ્ડમાં મે, 2018ના પોતાના એક લેખમાં લખે છે કે, “કૉંગ્રેસના સેવાદળનો RSS સામે કોઈ મુકાબલો ન થઈ શકે.”

તેઓ પોતાના લેખમાં લખે છે કે, "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પહેલાં સ્થપાયેલ કૉંગ્રેસ સેવાદળ હવે માત્ર કાગળ પર જ રહ્યું છે. કૉંગ્રેસની વેબસાઇટ પર તેની નોંધણી પોતાની પ્રથમ હરોળની સંસ્થાઓ હેઠળ કરાઈ છે."

"પરંતુ તેનું સભ્યપદ મેળવવા માટે કોઈ વ્યવસ્થા વેબસાઇટ પર જોવા મળતી નથી. જે એ વાત તરફ આંગળી ચીંધી છે કે આ સંસ્થાનું હવે કોઈ અસ્તિત્વ નથી."

પત્રકાર આકાર પટેલ આ લેખમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરીની પ્રશંસા કરતાં લખે છે કે, "RSS એ પાંચ લાખ સક્રિય કાર્યકરો સાથે વિશ્વની સૌથી મોટી બિનસરકારી સંસ્થા છે. તેના કાર્યકરો સંઘ દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે."

"તેનાં મુખ્ય કામોમાં કૉમ્યુનિટી ઑર્ગેનાઇઝેશન અને મોબિલાઇઝેશન સામેલ છે. ભારતીય જનતા પાર્ટી માટે આ એક ખૂબ જ મૂલ્યવાન અસ્ક્યામત છે. આ સંસ્થાના કાર્યકરો સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ સુનિશ્ચિત કરે છે."

"આ કામને અમેરિકાના રાજકારણમાં ગ્રાઉન્ડ ગેમ કહે છે. તેની કામગીરીમાં સંભવિત મતદાતાઓની ઓળખ કરવાનું, તેમની સાથે જોડાણ સ્થાપવાનું, તેમની સાથે સંવાદ સ્થાપવાનું અને અંતે તેમને બૂથ સુધી લાવવાનું કામ સામેલ હોય છે. "

"આ એક એવું કામ છે જેમાં મોટા ભાગના ભારતીય રાજકીય પક્ષો સારા નથી. જ્યારે ભાજપ આ કામ RSSની મદદથી બખૂબી કરી રહ્યો છે."

line

ગુજરાતના રાજકારણમાં કૉંગ્રેસ

માધવસિંહ સોલંકી

ઇમેજ સ્રોત, TWITTER@INCINDIA

ઇમેજ કૅપ્શન, માધવસિંહ સોલંકી

વર્ષ 1960માં ગુજરાતની સ્થાપનાથી વર્ષ 1975માં યોજાયેલી પાંચમી વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતમાં કૉંગ્રેસી સરકારો રહી.

1975માં જનતા મોરચાની સરકાર બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર બની. ત્યાર બાદ 1977થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલ ફરીથી રાજ્યની બિનકૉંગ્રેસી સરકારના મુખ્ય મંત્રી બન્યા.

એ સિવાય ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળ 1990થી 1994માં તેમના મૃત્યુ સુધી જનતા દળની સરકાર રહી.

આ લગભગ આઠ વર્ષો સિવાય 1994 સુધી ગુજરાતમાં કૉંગ્રેસનું જ શાસન રહ્યું. જોકે, 1995માં પ્રથમ વખત ગુજરાતમાં ભાજપને એક તક મળી અને પાટીદાર નેતા કેશુભાઈ પટેલ ગુજરાતના દસમા મુખ્ય મંત્રી બન્યા.

એ બાદ શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં થયેલ 'હજૂરિયા-ખજુરિયા'ના બનાવમાં ભાજપને 18 મહિના સુધી સત્તાથી દૂર રહેવું પડ્યું. પરંતુ મોટા ભાગે 1995 પછી ગુજરાતની વિધાનસભા પર ભાજપે પોતાની પકડ જમાવી રાખી છે.

મહાગરોની ચૂંટણીની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં સત્તાસ્થાનેથી કૉંગ્રેસ વર્ષોથી દૂર છે. તેમજ પાછલી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપને તમામે તમામ 26 સીટો પર જીત મળી છે. 1990 પછીની લોકસભાની ચૂંટણીઓમાં પણ રાજ્યમાં કૉંગ્રેસને ભાજપ કરતાં ઓછી બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે.

જોકે, ગુજરાતમાં કૉંગ્રેસે માધવસિંહ સોલંકીના સમયગાળામાં વર્ષ 1985માં રાજ્યની વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 149 બેઠકો પર અભૂતપૂર્વ જીત મેળવીને રાજ્યના રાજકીય ઇતિહાસમાં એક એવો રેકૉર્ડ સ્થાપ્યો હતો આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી.

પરંતુ એ વાત પણ સત્ય છે કે એક સમયે ગુજરાતમાં સત્તાના શિખર પર વિરાજમાન પક્ષ કૉંગ્રેસ હાલ રાજ્યમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો