સુરત : પ્રતિબંધિત સંગઠન 'સીમી' સંબંધિત 20 વર્ષ જૂના કેસમાં 127 ઇસ્લામિક ઍક્ટિવિસ્ટ નિર્દોષમુક્ત

20 વર્ષો પછી સુરતની કોર્ટે પ્રતિબંધિત સંગઠન 'સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા' (એસઆઈએમઆઈ -સીમી) સાથે કથિત સંડોવણી હોવાનો જેમની પર આરોપ હતો તેવા કુલ 127 ઇસ્લામિક ઍક્ટિવિસ્ટોને નિર્દોષમુક્ત કર્યાં છે. વર્ષ 2001માં આ મામલે કુલ 127 લોકોની સુરતમાં ધરપકડ કરવામાં આવી હતી.

તેમની અટકાયતો એ સમયે 'અન લૉ ફૂલ ઍક્ટિવિટી(પ્રિવેન્શન) ઍક્ટ- 1967ના ભંગ બદલ થઈ હોવાનું પોલીસે ફરિયાદમાં કહ્યું હતું. વીસ વર્ષ પૂર્વે બનેલા આ બનાવમાં આરોપીઓ વિરુદ્ધના કેસમાં કાર્યવાહી બાદ અંતિમ સુનાવણી પછી સુરતની કોર્ટે તમામ 127 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

દરમિયાન, તમામ આરોપીઓ જામીન મુક્ત હતા. 127ને નિર્દોષમુક્ત કરાયા છે. વીસ વર્ષ જૂના આ કેસની અંતિમ સુનાવણી સરકાર પક્ષના વકીલ નયનભાઈ સુખડવાલા અને બચાવ પક્ષના વકીલ એમ. એમ. શેખ અને અબ્દુલ વહાબ શેખ તથા એન.એ.શેખની દલીલો બાદ પૂરી થતાં કોર્ટે નિર્ણય આપ્યો છે.

જોકે આટલા વર્ષો દરમિયાન 5 આરોપીઓનાં મોત થઈ ગયા હતા.

બનાવની વાત કરીએ તો પોલીસ ફરિયાદ મુજબ તમામ ઍક્ટિવિસ્ટો એક 'લઘુમતી શિક્ષણ' મામલેના ત્રણ દિવસના સેમિનાર માટે 2001માં સુરત આવ્યા હતા. પછી તેમને સીમી સંગઠન સાથેની કથિત સંડોવણીની શંકાના આધારે પકડી લેવાયા હતા.

ઉપરાંત, બચાવક્ષના વકીલ ઍડ્વોકેટ અબ્દુલ વહાબ શેખે બીબીસી સંવાદદાતા ઋષિ બેનરજી સાથેની વાતચીતમાં કહ્યું,, "પોલીસને માહિતી મળી હતી કે જે લોકો સુરતના રાજેશ્રી નામના હૉલમાં ભેગા થયાં છે તેઓ સીમીના ઍક્ટિવિસ્ટ છે. પોલીસે રાત્રે બે વાગે રેડ પાડીને ઊંઘમાંથી ઊઠાવીને બધાની ધરપકડ કરી હતી. સીમી એક પ્રતિબંધિત સંસ્થા હોવાથી આ બધા લોકો સામે અન લૉ ફૂલ ઍક્ટિવિટી ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો."

"ધરપકડ બાદ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં પરવાનગી કેન્દ્ર સરકાર પાસેથી લેવાની જગ્યાએ રાજ્ય સરકારના અધિકારીઓ પાસેથી લેવામાં આવી. કાયદાની દ્રષ્ટિએ કેસ નોંધવા માટેની મંજૂરી આપવામાં આવી હતી તે કાયદાકીય રીતે માન્ય નહોતી. પોલીસ એ પણ સાબિત કરી શકી નથી કે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓ સીમીના સભ્યો છે."

શેખ જણાવે છે કે "એક વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ 120 લોકોને જામીન મળ્યાં હતા. 7 આરોપીઓને સુપ્રિમ કોર્ટથી જામીન મેળવવા પડ્યા હતા. કેસમાં પોલીસ અધિકારીઓથી લઈને 27 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી."

જોકે બીબીસીએ ફરિયાદીપક્ષની પણ ટિપ્પણી લેવાની કોશિશ કરી. જેમાં સરકાર તરફથી પ્રૉસિક્યૂટર ઍડ્વોકેટ નયનભાઈ સુખડવાલાએ બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં કહ્યું, "અમે ચુકાદાનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને ત્યાર બાદ અપીલનો નિર્ણય કરવામાં આવશે."

વધુમાં સરકારી વકીલ સુખડવાલાનું કહેવું છે કે ચાર્જશીટ ફાઇલ કરવા માટેની સત્તા મામલે કોર્ટે નોંધ લઈને ચુકાદો આપ્યો છે. તે મામલે પણ અભ્યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી વિશે વિચારણા કરવામાં આવશે.

બીજી તરફ આજે 20 વર્ષ બાદ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હવે આગળની કાર્યવાહી શું રહેશે તે વિશે પૂછતાં શેખ કહે છે કે તેઓ ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરશે. કોર્ટે અમારા અસીલોને નિર્દોષ જાહેર કર્યાં છે અને હવે રાજ્ય સરકાર ઈચ્છે તો અપીલ કરી શકે છે. જો અપીલ કરવામાં આવશે તો અમે તે પ્રમાણેની કાયદાકીય કાર્યવાહી કરીશું.

બીબીસીએ નિર્દોષમુક્ત થયેલાં ઇસમો સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી હતી. પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. જો તેમની ટિપ્પણી પણ પ્રાપ્ત થશે તો અહેવાલમાં સામેલ કરી દેવામાં આવશે.

શું છે કેસ

પોલીસ ફરિયાદ અનુસાર કથિતરૂપે ડિસેમ્બર- 2001માં દિલ્હીના જામીયાનગરમાં આવેલ ઑલ ઇન્ડિયા માઇનૉરિટી ઍજ્યુકેશન બોર્ડે લધુમતી કોમના શૈક્ષિણક હકો અંગે બંધારણીય માર્ગદર્શન આપવા માટે સુરતના રાજેશ્રી હોલ ખાતે બે દિવસના સેમિનારનું આયોજન કર્યું હતું. સેમિનારમાં ભારતના 10 રાજ્યોથી 127 લોકો સામેલ થયા હતા.

સેમિનાર 28 ડિસેમ્બરના દિવસે શરૂ થવાનો હતો અને 27 ડિસેમ્બરની રાત્રે પોલીસે સુરતના રાજેશ્રી હોલમાં રેડ કરીને 127 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે સીમીને લગતું સાહિત્ય પણ કબજે કરી હોવાની વાત કરી હતી.

પોલીસે દાવો કર્યો હતો કે તેમને માહિતી મળી હતી કે સ્ટુડન્ટ ઈસ્લામીક મુમેન્ટ ઑફ ઈન્ડિયા (સીમી)ના માજી સભ્ય સુરતમાં 27-30 ડિસેમ્બર દરમિયાન ધાર્મિક સભાઓ કરવાના છે અને આ સભામાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યોથી સીમીના કાર્યકરો આવવાના છે.

તપાસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઑલ ઇન્ડિયા માઇનૉરીટી ઍજ્યુકેશન બોર્ડે દ્વારા દિલ્હીના ઍડ્રેસ પર તપાસ કરવામાં આવતા કોઈ સંસ્થા વિશે માહિતી મળી નહોતી. પોલીસનું કહેવું હતું કે રાજેશ્રી હૉલનું બૂકિંગ સુરત સીમીના માજી પ્રમુખ અલીફભાઈ સાજીદભાઈ મન્સુરી દ્વારા કરવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો