પાકિસ્તાનની નૌસેનાનો ઓખા પાસે દરિયામાં ગોળીબાર, ભારતીય માછીમારનું મૃત્યુ - TOP NEWS

રવિવારે ગુજરાતના ઓખા નજીક ભારતીય સમુદ્રી સીમામાં પાકિસ્તાની નૅવીએ ભારતીય માછીમારને ગોળી મારતાં તેમનું મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

નોંધનીય છે કે ભારતીય માછીમારોની પાકિસ્તાની નૅવી દ્વારા અવારનવાર ધરપકડ કરવામાં આવે છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર ગુજરાત પાસે દરિયામાં પાકિસ્તાન મરિને 'જલપરી' નામની બૉટ પર કરેલા ફાયરિંગમાં ભારતીય માછીમારનું મૃત્યુ થયું છે, જ્યારે એક ઘાયલ થયા છે.

નોંધનીય છે કે ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે.

ગુજરાત જળસીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલું હોઈ અવારનવાર માછીમારોની ધરપકડ થાય છે અને બનાવો બનતા રહે છે.

સુરેન્દ્રનગરમાં 'ઍન્કાઉન્ટર', પોલીસ અથડામણમાં પિતાપુત્રનાં મૃત્યુ

સુરેન્દ્રનગરના માલવણ નજીક ગેડિયા ગામે વૉન્ટેડ આરોપીને પકડવા જતાં થયેલી પોલીસ અથડામણમાં પિતા-પુત્રનાં મૃત્યુ થયાં છે. પોલીસના કહેવા પ્રમાણે આ ઍન્કાઉન્ટર છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર મૃતકની ઓળખ હનીફખાન જત મલેક ઉર્ફે મુન્ના (44 વર્ષ) તરીકે કરવામાં આવી છે, જ્યારે તેના પુત્રની ઓળખ મદીન (18 વર્ષ) તરીકે કરાઈ છે.

ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ એચ.પી. જોશીએ અખબારને જણાવ્યા અનુસાર "પીએસઆઈ વી.એમ. જાડેજાની આગેવાનીમાં પોલીસ ટીમ હનીફને પકડવા માટે ગેડિયા ગામે ગઈ ત્યારે હનીફે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જ્યારે તેના પુત્ર મદીને પોલીસ પર ધારિયાથી હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. જે બાદ પોલીસ દ્વારા કરાયેલા વળતા હુમલામાં હનીફ અને મદીન માર્યા ગયા હતા."

પિતાપુત્રના મૃતદેહને ફૉરેન્સિક પૅનલ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

જોશીના જણાવ્યા અનુસાર હનીફ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GujCTOC) અંતર્ગત ગુનો નોંધાયો હતો અને તે ભાગેડુ હતો.

પોલીસના જણાવ્યા અનુસાર હનીફ કુખ્યાત ગેડિયા ગૅંગનો સભ્યો હતો. આ ગૅંગ હાઇવે પર ટ્રકને શિકાર બનાવે છે. આ ગૅંગ પર ડ્રાઇવરને મારીને ટ્રકનો સામાન લૂંટી લેતી હોવાનો આરોપ છે.

અહેવાલ અનુસાર હનીફ વિરુદ્ધ 86 ગુના નોંધાયેલા હતા, જેમાંથી 59માં તે વૉન્ટેડ હતો. તેના વિરુદ્ધ, હત્યા, પોલીસ પર હુમલો, ચોરીના ગુના નોંધાયેલા હતા.

ઇરાકના PMના નિવાસ પર ડ્રોનથી હુમલો, અમેરિકાએ ગણાવી 'આતંકી ઘટના'

સમાચાર સંસ્થા રૉયટર્સ પ્રમાણે, રવિવારે સવારે એક ડ્રોન હુમલામાં ઇરાકના વડા પ્રધાન અલ-કદિમીના આવાસને નિશાન બનાવવામાં આવ્યું છે.

ઇરાકી સેનાએ કહ્યું છે કે હુમલો વડા પ્રધાનની હત્યા માટે કરાયો હતો પરંતુ વડા પ્રધાન સુરક્ષિત છે.

ઇરાકી સેનાએ આપેલા અન્ય એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હુમલો ઇરાકની રાજધાની બગદાદના ગ્રીન ઝોન વિસ્તારમાં થયો છે. સેના તરફથી વિશેષ કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ઇરાક સરકારના બે અધિકારીઓએ રૉયટર્સને કહ્યુ છે કે વડા પ્રધાનના નિવાસસ્થાને ઓછામાં ઓછો એક વિસ્ફોટ થયો છે. આ અધિકારીઓએ પણ વડા પ્રધાન સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે.

હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

ગ્રીન ઝોનમાં પશ્ચિમી દેશોના રાજદુતોએ જણાવ્યુ કે તેમણે આ વિસ્તારમાં વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સાંભળ્યો છે.

અમેરિકાએ આને આતંકી ઘટના ગણાવી છે.

અમેરિકન વિદેશમંત્રાલયના પ્રવક્તા નૅડ પ્રાઇસે રવિવાર સવારે એક નિવેદન જાહેર કરતાં જણાવ્યું, "અમે આ ડ્રોન હુમલા અને એ બાદની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ."

પ્રાઇસે આ નિવેદનને ટ્વીટ કરતાં જણાવ્યું છે, "અમે આ આતંકી હિલચાલની આકરી નિંદા કરીએ છીએ અને ઇરાકી સુરક્ષાદળો સાથે સંપર્કમાં છીએ. ઇરાકી ભાગીદારો સાથેનું અમારું સમર્પણ અતૂટ છે."

ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક દિવસથી ગ્રીન ઝોનની બહાર ઈરાન સમર્થિત હથિયારધારી સંગઠનોના સમર્થકો સરકાર સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

તેઓ ગત મહિને થયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામોનો વિરોધ કરી રહ્યા છે.

દિવાળી પર બિરયાની વેચવા બદલ મુસ્લિમ દુકાનદારને ધમકી અપાઈ?

દિલ્હીના બુરાડીમાં આવેલા સંતનગર વિસ્તારમાં બિરયાનીની દુકાન ચલાવનારા એક મુસ્લિમ દુકાનદારને ધમકી આપતાં એક ઇસમનો વીડિયો સામે આવ્યો છે.

અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અનુસાર આ વીડિયોમાં એક ઇસમ દુકાનદારને દિવાળી પર દુકાન ખોલવા બદલ ધમકી આપી રહ્યો છે.

દિલ્હી પોલીસે આ વીડિયો પર સંજ્ઞાન લેતાં ઘટનાની એફઆઈઆર નોંધી છે.

આ વીડિયોમાં ધમકી આપનારો ઇસમ પોતાનું નામ નરેશકુમાર સૂર્યવંશી બતાવી રહ્યો છે અને પોતાને બંજરગદળનો સભ્ય પણ ગણાવી રહ્યો છે.

વીડિયોમાં તે દુકાનના કર્મચારીઓને તહેવાર પર દુકાન ખોલવા બદલ ધમકી આપતો જોવા મળે છે.

ધમકી બાદ દુકાનના માલિક અને કર્મચારીઓએ દુકાન તત્કાલ બંધ કરી દીધી હતી. આ વીડિયો ગુરુવાર રાતે લગભગ નવ વાગ્યે રેકૉર્ડ કરવામાં આવ્યો છે અને એ બાદ તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો.

અખબારે એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને લખ્યું છે કે દિલ્હી પોલીસે ધાર્મિક લાગણી દુભાવવા અંગેની કલમ 295એ અંતર્ગત બુરાડી પોલીસ સ્ટેશનમાં મામલો નોંધ્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને પૂછપરછ ચાલી રહી છે.

દિલ્હીની હવા સિગારેટના ધુમાડા કરતાં પણ વધુ પ્રદૂષિત છે : ડૉ. રણદીપ ગુલેરિયા

'ઇન્ડિયા ટૂડે'ના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે, એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ મંગળવારે કહ્યું હતું કે દિલ્હીની હવા સિગારેટના ધુમાડા કરતાં પણ વધુ પ્રદૂષિત છે અને પ્રદૂષણના ઊંચા સ્તરને કારણે દિલ્હીવાસીઓના આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ડૉ. ગુલેરિયાએ 'ઇન્ડિયા ટૂડે ટીવી'ને જણાવ્યુ હતું, ' એક અભ્યાસ પ્રમાણે દિલ્હીવાસીઓના આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, આ ડેટાને પ્રમાણિત કરવાનું બાકી છે પરંતુ પ્રદૂષણથી આવરદા નિશ્ચિતપણે ઘટે છે અને વાસ્તવમાં દિલ્હીવાસીઓનાં ફેફસાં કાળાં થઈ ગયાં છે.'

દિલ્હીમાં પ્રદૂષણમાં દિવાળીના ફટાકડાનું કોઈ યોગદાન નથી એવા દાવાને ફગાવતાં ડૉ. ગુલેરિયાએ કહ્યું, "ગંગાના તટીય પ્રદેશોમાં પ્રદૂષણનું સ્તર પહેલેથી જ ઘણું વધારે છે અને તેમાં દિવાળીના ફટાકડાએ નોંધપાત્ર વધારો કર્યો છે. તહેવારો દરમિયાન વાહનોની અવરજવર વધવાથી પણ પ્રદૂષણ વધે છે."

પ્રદૂષણને કોરોના સાથે સાંકળતાં ડૉ.ગુલેરિયાએ કહ્યું કે પ્રદૂષણના કારણે દર્દીઓનાં ફેફસાંમાં આવેલા સોજામાં વધારો થાય છે.

કોરોના વાયરસ પ્રદૂષણ સાથે ચોંટેલો રહેતો હોઈ કોવિડ વધુ સરળતાથી ફેલાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો