કલોલ : ટાંકીમાં સફાઈ દરમિયાન મોતને ભેટેલા પાંચ કામદારો પૈકી બે સગા ભાઈઓ, મોતનું કારણ શું?

ગાંધીનગર જિલ્લાના કલોલમાં ખાનગી કંપનીની ટૅન્કમાં સફાઈ કરવા ઊતરેલા પાંચ કામદારોનાં મૃત્યુ થયાં છે. અહેવાલો પ્રમાણે બપોરે એક-બે વાગ્યે આ ઘટના ઘટી હતી અને ફાયરબ્રિગેડના કર્મચારીઓએ પાંચ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

ગાંધીનગર ચીફ ફાય ઑફિસર મહેશ મોઢે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીક સાથે વાત કરતાં કહ્યું હતું કે, "એક કામદાર ટ્રીટમૅન્ટ પ્લાન્ટમાં આવેલી ટાંકી સાફ કરવા ઊતર્યા હતા, જોકે તે બહાર ન આવતાં અન્ય ચાર કામદાર અંદર ઊતર્યા હતા. એમ પાંચેયનું મૃત્યુ થયું છે."

ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ ટીવી ચેનલો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સફાઈ કરવા ઊતરેલા કામદારની બૂમો સંભળાતાં બાકીના ચાર લોકો તેમને બચાવવા માટે વારાફરતી ગયા હતા.

ગાંધીનગરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ એમ. કે. રાણાએ ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં જણાવ્યું કે, "દર ત્રણ મહિને આ ફેકટરીમાં ટાંકીની સફાઈ કરાતી હતી."

"શનિવારે બપોરે સફાઈકામ દરમિયાન એક ફૂટ પાણી ટાંકીમાં બાકી હતું, ત્યારે મોટર બગડી ગઈ હતી અને એથી એક કામદાર અંદર ઊતર્યો હતો અને તેને બચાવવા બીજા ચાર પણ ઊતર્યા હતા."

રાણાએ કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત આરોપી સામે બેદરાકરીનો ગુનો નોંધવામાં આવશે.

સ્થાનિક મીડિયામાં સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે કામદારોને સુરક્ષાના પૂરતાં સાધનો આપવામાં નહોતાં આવ્યાં.

પાંચ કામદારનાં મૃત્યુનું કારણ શું?

ગાંધીનગરના જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે જે સ્થળે પાંચ કામદારોનાં મૃત્યુ થયાં છે, તે ફાર્માસ્યુટિકલ કંપની છે.

કલેક્ટરનું કહેવું છે કે પ્રાથમિક તપાસ પ્રમાણે કરંટ લાગવાથી આ કામદારોનાં મૃત્યુ થયાં છે.

જોકે ચીફ ફાયર ઑફિસર મોઢનું કહેવું છે કે ઑક્સિજન ન મળવાથી ગૂંગળાઈ જવાથી તેમનાં મૃત્યુ થયાં છે.

ગાંધીનગરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ એમ. કે. રાણાએ જણાવ્યું કે, "પ્રાથમિક તપાસ પ્રમાણે પાંચ લોકોનાં મૃત્યુનું ગૂગંળાઈ જવાથી થયાં છે."

પાંચેય કામદારો મૂળ ઉત્તર ભારતના રહેવાસી છે અને તેમની ઉંમર 30થી 35 વર્ષની વચ્ચે હતી.

(આ અહેવાલ અપડેટ કરવામાં આવી રહ્યો છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો