દેશ આઝાદ છે, પણ ગુજરાત હજુ કેદ છે : રાકેશ ટિકૈત - BBC TOP NEWS

ખેડૂત આંદોલનને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. દેશભરના ખેડૂતો તેમાં ભાગ લઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના ખેડૂતોની હાજરી નોંધપાત્ર નથી જોવા મળી.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોને આંદોલનમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે. આથી તેઓ ગુજરાત જશે અને ખેડૂતોને મળશે.

તેમણે એક નિવેદનમાં કહ્યું, "દેશ આઝાદ છે, પણ ગુજરાતના લોકો હજુ પણ કેદમાં છે. હળ ચલાવવાવાળા, હાથ નહીં જોડે."

તેમણે વધુમાં કહ્યું કે ખેડૂત આંદોલન અનિશ્ચિતકાળનું છે અને તેઓ ગુજરાતને કેન્દ્રના અંકુશમાંથી મુક્ત કરાવશે.

તપોવન ટનલમાંથી કુલ 36 મૃતદેહ મળ્યા

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ઉત્તરાખંડ હોનારતને પગલે તપોવન ટનલમાં જે બચાવકામગીરી ચાલી રહી હતી, તેમાં અત્યાર સુધીમાં 36 મૃતદેહ મળી આવ્યા છે.

સત્તાધીશો અનુસાર હજુ પણ 170થી વધુ લોકોનો પત્તો નથી અને તેમની શોધખોળ ચાલી રહી છે.

વળી એક તરફ સત્તાધિશોનું એવું પણ કહેવું છે કે ટનલમાં હજુ પણ કોઈ જીવિત હોવાની આશા છે.

જોકે તેમ છતાં એક પછી એક મૃતદેહો મળી રહ્યા હોવાથી ચિંતા હજુ પણ યથાવત્ છે.

મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થતાં હવે કૉંગ્રેસના પીઢ નેતા અને લોકસભામાં કૉંગ્રેસના નેતા રહી ચૂકેલા મલ્લિકાર્જુન ખડગેને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.

સંગઠનના મહાસચિવ વેણુગોપાલે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સભાપતિ વેંકૈયા નાયડુને આની જાણકારી આપી દેવાઈ છે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સામે યુપીમાં એફઆઈઆર?

વડા પ્રધાન મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર હાલ ચર્ચામાં છે.

'એનડીટીવી ખબર'ના રિપોર્ટ પ્રમાણે કુલ 18 વ્યક્તિઓ સામે આઈટી ઍક્ટ હેઠળ ફરિયાદ થઈ છે. તેમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ છે.

ફરિયાદ 6 ફેબ્રુઆરીએ કોર્ટના આદેશ બાદ નોંધવામાં આવી છે. જોકે અગત્યની વાત એ છે કે બાદમાં કેસમાંથી તેમનું નામ હઠાવી લેવામાં આવ્યું છે. કેમ કે પ્રાથમિક તપાસના તારણ બાદ તેમની સામે કેસ ન બનતો હોવાનું બહાર આવ્યું છે.

ફરિયાદીઓ વૉટ્સઍપમાં વાઇરલ થયેલા એક વીડિયો મામલે ફરિયાદ કરી હતી. જેમાં વડા પ્રધાન વિશે કથિતરૂપે વાંધાજનક વાતો કરવામાં આવી હતી.

આજથી ચેપોકમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી ટેસ્ટ

આજથી પ્રવાસી ઇંગ્લૅન્ડ ટીમ અને ભારતીય ટીમ વચ્ચે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે.

ભારત પહેલી ટેસ્ટ હારી ગયું હતું, વળી આ ટેસ્ટમાં ગુજરાતના અક્ષર પટેલ ડૅબ્યુ કરે એવી શક્યતા છે.

અત્રે નોંધવું કે કોરોનાકાળ પછી પહેલી વખત ભારતમાં ક્રિકેટ શ્રેણી યોજાઈ રહી છે. જોકે છતાં સ્ટેડિયમમાં પ્રેક્ષકોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે.

પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર થવાની પણ શક્યતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો